February 21, 2015

આપણા લાગણીઓના વિશ્વને બચાવીએ !!


            આપણા લાગણીઓના વિશ્વને બચાવીએ !!
                     
                         માતૃભાષા દિનની ઉજવણીનું આગોતરું આયોજન આ વર્ષે ચુકી ગયા ! ઉજવીશું એ તો બધાને ખબર પણ તેના માટે ખાસ સમય ફાળવી આયોજન ના થઇ શક્યું. રાત્રે પથારીમાં પડ્યા પડ્યા વોટ્સએપ મીટીંગ થઇ – શાળાના વોટ્સએપ ગ્રુપમાં ! કેટલાક બિંદુઓ નક્કી થયા ! એક વાત નીકળી આવી કે માતૃભાષા દિને એવી બાબતો ઝડપી લઈએ કાગળ પર, જે ભુલાતી-વિસરાતી જાય છે ! એ બની ગઈ અમારી આ વર્ષની થીમ- ૨૧ ફેબ્રુઆરી- શનિવારે અમારી આ થીમ શાળાના પાવર હાઉસ સમક્ષ મૂકી એટલે સૂચનોનો ઢગલો થવા લાગ્યો. થોડી કાંટછાંટ કરી નક્કી થયું કે જુથમાં કામ કરીશું. અને દરેકને પોતાના મનગમતા જુથમાં જોડાવાની છૂટ ! જુથમાં કાર્ય વહેચણી કરી :
Ø  જૂથ-૧. લગ્ન ગીત/વાર તહેવારે ગવાતા ગીત  
Ø  જૂથ-૨. દેશી ભજન / ગરબા / રાસ
Ø  જૂથ-૩. ભુંસાતા જતા શબ્દો
Ø  જૂથ-૪. ગુજરાતી ભાષામાં સંબંધો દર્શાવતા શબ્દો અને વ્યાખ્યા
Ø  જૂથ-૫. શબ્દ એક - અર્થ અનેક.....    Ø
Ø  જૂથ-૬. ગુજરાત-મધ્યપ્રદેશની સંધિ સ્થળે  (શાળામાં મધ્યપ્રદેશથી આવેલા ચાર વિદ્યાર્થીઓએ છે – હવે તો તેઓ સરસ ગુજરાતી બોલે છે – પણ તેમની માતૃભાષા કૈક જુદી જ છે ! વધુ ગુજરાતી-થોડું હિન્દી અને એટલી જ સ્થાનિક બોલીનું મિશ્રણ !) તે ભાષા અને ગુજરાતી ભાષાની સરખામણી
Ø  જૂથ ૭. મને ગમતું પુસ્તક
Ø  જૂથ-૮. આપણા સાહિત્યકારો
             આ જુથમાં ન જોડાયેલ (એમની મરજી)  વિદ્યાર્થીઓને ગીતો અને વાર્તાઓ કહેવાની/સાંભળવાની. જેને ગુજરાતીમાં પુસ્તકો વાંચવા હોય જે વાંચવું હોય તે – પુસ્તકાલય ખાલી કર્યું ઓટલા પર... ! તે દિવસનો ઉત્સાહ જોયો છે ! હજુ ક્યા જુથે કેટલું અને કેવું કામ કર્યું તેનું સરવૈયું લીધું નથી ! જોઈએ.... પ્રયાસ કેટલો સફળ રહ્યો છે આ લાગણીના ભાવજગતને બચાવી લેવાનો !
માતૃભાષા દિનની ઉજવણીના કેટલાંક દ્રશ્યો 


















February 06, 2015

जीना इसी का नाम है !

जीना इसी का नाम है !
                  સામાજિક વિજ્ઞાન વિષયમાં આ માસમાં કેટલીક મજેદાર પ્રવૃતિઓના ભાગીદાર બનાવાનો મોકો મળ્યો. શીખવાનું અને અનુભવવાનું એક મસ્તાનું ભાથું મળ્યું ! થયું કે ચલ મન એ પોટલી અહી ખોલું !
            ઇતિહાસમાં ભારતના ક્રાંતિકારીઓથી માંડી સમ્રાટ અશોક અને મોઘલ વંશની ચર્ચાઓ કરવાની હતી. ક્રાંતિકારીઓ અંગેની માહિતી તો પુસ્તકમાં છાપેલી જ છે. પણ તેનો અનુસંધાન ‘આજ’ સાથે જોડ્યો ! તેમને કહ્યું કે બધા ક્રાંતિકારીઓ વિષે વાંચી લો અને તેમાંથી કોઈ એક પાત્ર તમે પસંદ કરી લો !
          બીજા દિવસે સૌ પોત-પોતાના ક્રાંતિકારી સાથે હાજર !
         સાહેબ હવે ? હવે, ભારતની આઝાદી માટે ક્રાંતિકારીઓની શોધખોળ ચાલે છે ! જેમ ટીવી પર ભારતના શ્રેષ્ઠ સિંગર કે ડાન્સર કે અભિનય કરતા બાળકોની સ્પર્ધા તમે જુઓ છો એમ. એવી શ્રેષ્ઠ ક્રાંતિકારીની સ્પર્ધામાં તમારે તમારી એન્ટ્રી મોકલવાની છે. તેમાં તમારો બાયોડેટા મોકલવાનો છે. તમારે તે સ્પર્ધામાં ભાગ લેવા માટે યોગ્ય છો – તે માટે તમારું નામ ઠામ અને કામ લખી મોકલાવાના છે ! દા.ત.: નામ : ચંદ્રશેખર પંડિત ઉર્ફે પંડિતજી
લીધેલ પ્રતિજ્ઞા: જીવતે જીવ અંગ્રેજો ના હાથે નહિ પકડાઉં !
તમે કઈ કઈ ક્રાંતિકારી ઘટનામાં હિસ્સેદાર બન્યા અને તમે અંગ્રેજોની તાકાત ઘટાડવા શું કર્યું તે ખાસ લખજો !
એક મજેદાર બાયોડેટાનું કલેક્શન થયું.બીજા એક અનુભવમાં આપણા જળસ્ત્રોતોને ઓળખવા માટે ટીમનું સુચન એ કે આપણે ચેક ડેમ પર જ જઈએ.એકલા ચેક ડેમની મુલાકાત? બીજું શું કરીએ ?
સૂચનો મળ્યા - “ખેતરમાં જઈશું !માઈક સેટ લઇ જઈશું ! ગીતો ગાઈશું ! ચિત્રો દોરીશું ! ખાવાનું લઇ લઈશું ! બધા ભેગા મળી ખાઈશું ! શિક્ષકે નવો સૂર આલાપ્યો કે બધા બધું ભેગું કરી, બધા ભેગા મળી ખાશું !
...........અને ધોરણ-૫ અને ૬ ની અમારી પલટન ઉપડી એ કુદરતી વર્ગમાં !
                      ચેક ડેમ વિષે ચર્ચા થઇ, તેના ઉપયોગો, તેનું બાંધકામ તેમાં એક જ બાજુ કેમ ટેકા છે ? કેટલાકે તેની ઊંડાઈ વિષે પોતાની માહિતી શેર કરી તો કેટલાકે તેમાં કોના કોના તગારા વહી ગયા તેની ! કોઈકે પોતે ન્હાવા પડેલા ત્યારના અનુભવ કહ્યા તો કેટલાકે તેમાં માછલી પકડવા શું કરાય તેની વાતો કરી. નજીકના ખેતરમાં રીતસર બધા દોડી ગયા ! ખેતરમાં જુદા જુદા શાકભાજીના છોડ ની ઓળખ કરાવી ( શિક્ષકે બાળકોને નહિ !- બાળકોએ શિક્ષકને !) તેમાં આવતા ખર્ચની ચર્ચા – ઉપજ કેટલી થાય ? પછી ૩૦ મીનીટનો એક મુક્ત તાસ થયો- જેમાં સૌને પોતાને અત્યારે જે કરવું ગમતું હોય તે કરવાનું કહ્યું – મોટાભાગનાએ ચિત્રો બનાવ્યા- બે-ત્રણ વિદ્યાર્થીઓએ પક્ષીઓના અવાજ ઓળખી તેમના નામ લખ્યા. કેટલાકે ત્યાં જોવા મળતા જીવ જંતુની યાદી બનાવી ! તો કોઈકે ત્યાંનું વર્ણન લખ્યું ! ગીતો ગાયા-કાવ્યો થી લઇ હિન્દી/ગુજરાતી ફિલ્મો અને લોકગીતો ! પાછા વળવાનો સમય થવામાં હતો – એટલે બધાને એવા જુથમાં બેસવાનું હતું કે કે જેમની સાથે તેઓ પહેલા ક્યારેય જમવા કે નાસ્તો કરવા ના બેઠયા હોય ! સુચના અટપટી હતી- પૂછાપૂછ – “અલ્યા આપણે જોડે બેઠા હતા ?  હાલ્યા- ત્યાં ડેરી એ ગયા ત્યારે ન તા બેઠા ! આપણે બે તો નહિ જ - આપણે રોજ જોડે બેસી જઈએ છીએ મધ્યાહન ભોજનમાં !  થોડી અફરાતફરી થઇ ગઈ પણ છેલ્લે નવા જૂથ રચાયા અને વહેચ્યો "આનંદ પ્રસાદ" !  એના પછીના એમના મનોભાવો અને વાતો લગભગ અવર્ણનીય છે ! જો તસ્વીરોમાં વાંચી શકાય તો ખરું ! વાંચીએ તસવીરો ને !