March 31, 2014

"શિક્ષણ" અને "બાળક" > કોણ કોના માટે???

              
    "શિક્ષણ" અને "બાળક" > કોણ કોના માટે??? 

         વિશ્વભરમાં એક્ટીવીટી બેઝ્ડ લર્નિંગ એ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. બાળકને પોતાની ગતિએ અને પોતાના સમયે શીખવા મળે એ તેનો યુનિક પોઈન્ટ છે. કેટલાક શિક્ષણવિદોને એની ક્રમશઃ નક્કી કરેલી લર્નિંગ લેડરથી વાંધો છે.- પણ અનુભવે જોવા મળ્યું છે કે લેડર એ મટેરિયલ છે. અસલ પ્રજ્ઞા વર્ગમાં બાળક તો સાહજિક રીતે -ક્રમ થી જ શીખે છે. તેના જુથના બાળકોમાં તે જે શીખી રહ્યું છે તેનાથી એડવાન્સ અથવા તો તેનાથી પાછળની સંકલ્પના સિદ્ધ કરવા મથતા બાળકો હોવાના જ ! લેડર ભલે કોઈક ક્રમ નક્કી કરતી હોય પણ બાળક તો ચોક્કસ સમયે નિશ્ચિત પ્રવૃત્તિ સાથે અન્ય જીવનપરક બાબતો પણ શીખે જ છે. શીખવાની આ ઢબ વિદ્યાર્થીઓને શાળામાંથી પુશ આઉટ થતા બચાવે પણ છે. એને એક મુદ્દોશીખવા શિક્ષક અને અન્ય સહાધ્યાયી મિત્રોની જેટલી ઝડપ કરવાની કે ધીમા રહેવાની હોડનથી કરવી પડતી.
શાળાએ અનુભવેલું એક મધુરઉદાહરણ એટલે સેજલની મુસ્કાન !
          નવાનદીસર જેવા ગામડામાં જ્યાં ભણનારી પહેલી પેઢી શાળામાં હોય ત્યાં પોતાની દીકરીઓને ભણાવવાની ગંભીરતા ના હોય તે સ્વાભાવિક છે ! અને તેમાંય સેજલ વિષે તો મા-બાપે ય ગાંઠ વાળી દીધી હતી કે આ તો કશું નહિ શીખે...હરખું બોલતા ય નથી આવડતું ! 
         એના કારણે સેજલનો શાળા પ્રવેશ એક વર્ષ મોડો થયો. ચાળીસ બાળકો વચ્ચે શિક્ષિકા બેન તેની પર વધુ ધ્યાન આપવાનો પ્રયત્ન કરે પણ તેના આત્મવિશ્વાસનું શું ? બધા જે વાંચતા-લખતા તે બધું હજુ સેજલની સમજ બહાર હતું ! વર્ગમાં બેન તેની સાથે વાત કરે તો ઠીક નહીતર મૂંઝાઈને બેસી રહેવું. વર્ષ એમ જ પસાર થઇ ગયું. તેના પર સ્થગિતએવું લેબલ પણ લાગ્યું. શાળામાં એના પછીના વર્ષે પ્રાયોગિક રીતે પ્રજ્ઞા અભિગમઅમલમાં આવ્યો. હવે, સેજલની અને શિક્ષિકા વચ્ચેનો સંવાદ વધ્યો કારણકે અન્ય બાળકો ઘણું ખરું કામ પોતાની જાતે કરતા થયા. સપ્તરંગી તાસમાં ધીરે ધીરે તેની શક્તિઓ ખીલવા લાગી.એની મરજી મુજબ શીખવાનું અને તેની ગતિએ શીખવાનો મોકો પ્રાપ્ત થયો.
તેની પ્રતીતિ શાળા પરિવારને ત્યારે થઇ જયારે તેણે બાળમેળામાં બધાની વચ્ચે વિશ્વાસપૂર્વક એક બાળગીત રજુ કર્યું. આજે [ફેબ્રુઆરી-2014] સેજલ ધોરણ ચોથામાં શરૂઆતના માઈલસ્ટોન પર છે; તેની ઉંમરનાં બાળકો કરતાં  આપણા શૈક્ષણિક હેતુઓ કેળવવામાં થોડી ધીમી પરંતુ ,  શાળા પરિવારને,તેના વાલીને અને ખુદ તેને પણ  એ વાતનો આનંદ છે કે તે હવે મૂંઝાઈને નથી બેસી રહેતી, તે બધાને મળે છે, વાતો કરે છે, ખીલખીલાટ હસે છે ! 
આજે [જાન્યુઆરી-2016]- સેજલને  નીચેના વિડીયો ધ્વારા શાળા ગુણોત્સવ-૬  દરમ્યાન પ્રાર્થના સમારંભમાં આત્મવિશ્વાસથી ભરપુર રીતે સુવિચાર વાંચન કરતી નિહાળી શકીએ છીએ.

                
આખરે બાળક માટે શિક્ષણ છે;  શિક્ષણ માટે બાળકો નહિ !


નીચે આપેલ લીંક પર ક્લિક કરો અને પ્રજ્ઞા શિક્ષણને વિગતે સમજો...



  આ ઉપરાંત પ્રજ્ઞા બાળકો ધ્વારા થતી વિવિધ ક્રિયાત્મક પ્રવૃત્તિઓને નજરે નિહાળવા માટે નીચે આપેલ વિડીયો-ઈમેજ પર  ક્લિક કરો અને પહોંચી જાઓ અમારી નવાનદીસરની પ્રજ્ઞા-બાળ  દુનિયામાં...   



March 26, 2014

શાળાનો ઉર્જાસ્ત્રોત...

પ્રવાસ/પર્યટન- શાળાનો ઉર્જાસ્ત્રોત
                                   પ્રવાસનું શિક્ષણમાં ખૂબ જ મહત્વ છે. આપને સૌ આ વાત જાણીએ છીએ અને અનુભવીએ પણ છીએ. સાંભળેલું-  બોલેલું કરતાંય જોયેલું વધુ સમય સુધી યાદ રહે છે અને સરળતાથી સમજાઈ પણ જાય છે. આ વાતો થઇ આપણા શૈક્ષણિક પ્રવાસની. પરંતુ આજે વાત કરવી છે શાળા કક્ષાએ આયોજાતા નાના-નાના પર્યટનની. પર્યટનનું શું મહત્વ તેવો જો આપનો સવાલ હોય તો તે માટે જો મારે એક જ શબ્દમાં જવાબ કહેવાનો હોય તો પર્યટન એ વર્ગખંડરૂપી બસમાં શિક્ષણ-કાર્ય રૂપી પ્રવાસની વચ્ચે રેસ્ટીગ એરિયા એટલે જ પર્યટન. સાદી ભાષામાં કહીએ તો સમયાંતરે બાળકોનું રીફ્રેશર એટલે જ પર્યટન. પર્યટનો સૌથી મોટો ઉદેશ્ય હોય છે કેટલાક એવા બાળકો કે જે તમે જોશો કે જેઓ વર્ગખંડમાં પાછળના ભાગે બેસવા જ ટેવાયેલાં હશે અને શિક્ષકનો પ્રયત્ન હોય તો જ શૈક્ષણિક પ્રક્રિયાના ભાગ લેતાં હશે તેવાં બાળકોના વર્તનને ઓળખાવાનો આ એક અવસર હોય છે. તમે જોશો કે આવાં બાળકો પર્યટન દરમ્યાનની પ્રવૃત્તિઓમાં ખુબજ ખૂલીને ભાગ લેતાં હોય છે અથવા તો કહીએ તો ખૂલીને વર્તતાં હોય છે. કવિતા મોટેથી ન ગાનાર જોર-જોરથી અંતાક્ષરી રમતાં હોય છે, અને હા, તે પણ.. મોટેથી હોહા ચીચીયારીથી!!! આનો સીધો અર્થ એ જ થાય છે કે આવાં બાળકોનું વર્ગખંડોમાંનું વર્તન એ સ્વભાવગત નથી. તેઓ જાણી જોઇને જ વર્ગખંડોમાં થતી પ્રક્રિયાથી પોતાને દૂર રાખવાનો પ્રયત્ન કરે છે. વર્ગખંડમાંનાં પર્યાવરણની  ચોક્કસપણે કોઈ એવી ઉણપ છે કે જે આવાં  બાળકો કે જે પ્રવાસ/પર્યટન દરમ્યાન ખુલીને વર્તતાં હોય છે, તેમને વર્ગખંડોમાં ખુલવામાં મદદરૂપ નથી બનતાં અથવા તો એમ કહીએ કે ન ખુલવા મજબૂર કરે છે. પર્યટન/પ્રવાસ એ ખરેખર આવાં બાળકોની રસરૂચી જાણવા માટેની એક સોનેરી તક હોય છે, જેનાં ધ્વારા આપણે બાળકોના સ્વાભાવિક વર્તનને જાણી શકીએ છીએ અને તેનો બહોળો ઉપયોગ આપણા વર્ગખંડોમાં આપણે કરી શકીએ છીએ.. નવાનદીસર પ્રાથમિક શાળાએ પણ શાળા નજીક આવેલ “ચાંદન-ગઢ” સ્થળે આવા જ એક ઉદેશ્ય સાથેના પર્યટનનું આયોજન કર્યું.  જેમાં બાળકો એ માણેલ એ આનંદની પળો ફોટોગ્રાફ અને વીડિયોગ્રાફી ધ્વારા આપની સામે મુકેલ છે... ચાલો, જોઈએ અને માણીએ ...

લપસણીની મજા..... 


બાળકોનો ચહેરો જ કહી દે છે કે, કેટલી મજા આવે છે !!!



હું નાનો તું મોટો.... ગીત સાથે મજા માણતાં બાળકો....


ચટ્ટાનો વચ્ચે ચાલવાનો અનુભવ/આનંદ માણતાં બાળકો...


પાછી, ક્રિકેટ તો ખરી જ હોં !!!

આમાં અમારે કશું જ કહેવું નથી !!!

March 19, 2014

રંગોત્સવ....


“ રંગોત્સવ 
 સામાજિક જીવન એ તહેવારોથી ભરપૂર છે. તહેવારોની ઉજવણીનો આનંદ એ રોજબરોજના એક સરખા સમયપત્રકને અનુસરવાથી માનસપટ પર છવાઈ જતી કંટાળા રૂપી ધૂળને ખંખેરવાનું કામ કરે છે. તહેવારોની ઉજવણીઓ  માણસમાં કામ કરવાનો નવો ઉત્સાહ ભરે છે, તહેવારોની ઉજવણીનો બીજો એક પ્લસ પોઈન્ટ એ પણ છે કે તહેવારની ઉજવણીની ધામધૂમ વ્યક્તિઓને એકબીજાથી નજીક લાવવાનું કામ કરે છે.ફક્ત નજીક જ નહિ પરંતુ નજીકથી વ્યક્તિત્વને સમજવાનો મોકો મળે છે. આ ઉપરાંત ઉજવણી માટે કરાતી તડામાર તૈયારીઓમાં સહભાગી થઇ દરેક વ્યક્તિની આયોજન ક્ષમતા અને નવીન કુનેહથી પણ અવગત થવાય છે. 

મિત્રો આ બધી વાતો થઇ આપણા સમાજમાં સમયાંતરે આવતાં તહેવારોની ઉજવણીના ફાયદાઓની !! હવે તમે વિચારો કે ઉપરોક્ત જણાવેલ તહેવારોથી થતા ફાયદામાંથી આપણને કયા ફાયદાની વર્ગખંડોમાં જરૂર નથી ??? હવે વિચારીએ આપણે કે જાહેર જીવનમાં આવતા તહેવારોની આગલા અને પછીના દિવસોમાં શાળાનું વાતાવરણ કેવું હોય છે??? હું માનું છું ત્યાં સુધી મોટાભાગનાનો જવાબ સીધો હાજરી પત્રક તરફ ઈશારો કરતો હશે!!! હા બને છે પણ એવું જ અને તેનું  કારણ જાણવા માટે તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવા રહ્યા
1.      તમે તહેવારની ઉજવણી માટે કેવું સ્થળ પસંદ કરશો ?? જ્યાં શિસ્તના નામે બંધન અનુભવાતું હોય તેવું કે પછી જ્યાં તમને કોઈની રોક-ટોક કે નજર-બંધી ન હોય તેવું ???
2.   તમે તહેવારની ઉજવણી માટે કેવા સાથીઓ પસંદ કરશો ?? જેના તરફથી તમને ફક્ત સંયમ અને સૂચનોનો જ મળ્યા કરતાં હોય કે પછી જે તમારી સાથે લાગણીઓ સભર નિકટતા અનુભવાતી હોય ???
             
              અને છેલ્લે એ પણ કે જો કદાચ ભૂલથી પણ ભૂલ થશે તો ઠપકો મળશે !! તેવી જગ્યાએ તો આપણે જવાનું પણ ટાળતા હોઈએ તો ત્યાં ઉજવણી કરવા જવાની તો વાત જ શું???
બાળકોનું પણ આવું જ હોય છે.  આનંદપ્રમોદ માટે આપણને જેવા પર્યાવરણની જરૂર છે બસ બાળકો પણ એવા જ પર્યાવરણ માટે અપેક્ષિત હોય છે.. અને એટલા માટે જ અમે કહીએ છીએ કે બાળકો હંમેશા તહેવારોની ઉજવણી માટે પોતાના શેરી-મહોલ્લાને જ પસંદ કરે છે, પરંતુ જો આપણે આપણી શાળાનું પર્યાવરણ બાળકના શેરી-મહોલ્લા જેવું ઉભું કરીએ તો??? આવા જ એક પ્રયત્ન સાથે શાળાએ રંગોત્સવની ઉજવણી કરી અને ફોટોગ્રાફ અને વિડીયોગ્રાફી રૂપે અમારી શાળાનું પર્યાવરણ તમારી સામે છે, હવે તમે જ કહો કે આમાં શું-શું ખૂટે છે કે જેના ઉમેરાથી બાળકોની હાજરી અને આનંદમાં ઉમેરો થશે.... 










March 07, 2014

શાળા ગુણોત્સવ એટલે ???

     
 શાળા ગુણોત્સવ એટલે ???
     
                
“ગુણોત્સવ” – ગુણ નો ઉત્સવ ! વિશાળ વિશ્વના એક ખૂણામાં પોતાનું એક “જગત” વિસ્તારીને શિક્ષણ કાર્ય કરતા આપણે સૌ – સમાજ-વિદ્યાર્થીઓ અને બાળકો ! મથામણ કરતા રહીએ, સમાજે આપણને સોપેલી જવાબદારીને સદાયે શ્રેષ્ઠ રીતે વાહન કરવાની ! એવામાં જયારે આપણા એ નાનકડા વિશ્વની કોઈ “વૈજ્ઞાનિક ઢબે” મુલાકાત લે; આપણે કરેલા પ્રયત્નોને સરાહે – સાથે કોઈક બાબતમાં ટકોરે ! આ પ્રસંગ એટલે ગુણોત્સવ ! આ વખતના અમારા ગુણોત્સવની લેખિત નોંધ તો આપ  બાજુમાં  “વિઝીટ બુક” ના પાને વાંચી જ લેશો. પરંતુ અમે જે નથી પહોચાડી શકતા એ છે અમારા સાથે અમારા વિદ્યાર્થીઓનો આ “શૈક્ષણિક ઉત્સવ” ની ઉજવણીનો ઉત્સાહ ! અમારા સૌના પ્રયત્નોની સરાહના આવેલ મહેમાનના શબ્દોમાં નીચે આપેલ વિડીયો લિન્કમાં સાંભળશો અને ઉત્સાહના ભાગીદાર બનશો તો અમને પણ ખૂબ ગમશે !