September 30, 2012

ચાલો,જમીનને જાણીએ...

અરે! મને કોઈ કહેશે કે આ ઢેફામાં પાણી ક્યાં સમાયેલું છે ?

                         બાળક હંમેશાં તેની આસપાસના પર્યાવરણમાંથી અને તેની આસપાસના વ્યક્તિઓ પાસેથી શીખતો રહે છે... મિત્રો..શાળા બહાર સમાજ પાસેથી બાળક ઘણું બધું શીખે છે અથવા તો એમ કહી શકાય કે શાળા બહાર સમાજ બાળકને ઘણું શીખવે છે, પરંતુ આ રીતે આસપાસમાંથી મેળવેલ શિક્ષણને વ્યવસ્થિત અથવા કહીએ તો ક્રમાંકમાં કરવાનું કામ અને પૂર્તતા કરવાનું કામ આપણું એટલે કે શાળાઓનું છે. કારણ કે સમાજને બાળકના શિક્ષણની ક્ર્મીકતાનો ખ્યાલ હોતો નથી... જેમ કે ઘરે જયારે વાલી બાળકને  દુકાને કોઈ વસ્તુ  લેવા માટે મોકલે છે,ત્યારે બાળકને સમજાવે છે કે ૩ રૂપિયાની ૨૫૦ ગ્રામ મોરસ આવશે..જા...લઇ આવ.અને બીજી વખત વાલી બાળકને કહે કે ૧૫ રૂપિયાની ૧ કિલોગ્રામ અને  ૨૫૦ગ્રામ મોરસ આવશે જા લઇ આવ....આવા કિસ્સાઓમાં બાળક ૩ રૂપિયા અને ૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે.....૧૫ રૂપિયા અને ૧ કિલોગ્રામ ૨૫૦ ગ્રામ વચ્ચેનો સંબંધ જાણશે પરંતુ ૩ માંથી ૧૫ થયા તો ૨૫૦ ગ્રામ માંથી ૧ કિલોગ્રામ અને ૨૫૦ ગ્રામ કેવી રીતે થઇ ગયા તે બાબતથી તે અજાણ હશે, ત્યારે આવી ક્રમીકતા અથવા તો પૂર્તતા કરવાનું કામ આપણું છે, મિત્રો આપણે જોઈએ છીએ કે આપણા દરેક ધોરણોમાં ઘણા એકમો એવા સામાન્ય હોય છે કે તેમાં આપણને થાય કે અરે ! આમાં શું શીખવવાનું...આ તો આ બાળકોને ખબર જ હોય ને !!! આવું તો તેમની જાણમાં હોય જ ને...!!! બાળકો પણ કહે કે અરે આ તો હું જાણું છું...જેમ કે ઉચ્ચાલનના પ્રકારની જાણકારી આપતાં પહેલાં જો તમે બાળકોને પૂછો કે ચાની ભરેલી તપેલીને ઊંચકવા આપણે સાણસીનો ઉપયોગ કેમ કરીએ છીએ...?? તો બાળકો તરત જ જવાબ આપશે કે સહેલાઈથી ઊંચકી શકાય તે માટે... એટલે કે બાળક આટલે સુધી તો જાણે જ છે...એનો અર્થ એ થયો કે સમાજે/આસપાસના પર્યાવરણે તેને આટલું તો શીખવ્યું છે/શીખ્યો છે.પરંતુ જો તમે બાળકોને પૂરક બીજો પ્રશ્ન કરશો કે સાણસીથી તપેલી સહેલાઈથી કેમ ઊંચકી શકાય છે...?..ત્યારે..???ત્યારે તે વિશેની માહિતીની પૂર્તતા કરી બાળકને સંપૂર્ણ માહિતી-સભર કરવાનું કામ શાળાએ કરવાનું છે. બાળકોને આવી જ માહિતી આપતો એક એકમજમીનને જાણીએની જયારે મેં શરૂઆત કરતાં પ્રશ્ન પૂછ્યો કે જમીન શાની બનેલી છે??? ત્યારે તમામ બાળકોએ બસ આ જ રીતે બૂમાબૂમ કરી મૂકી કે “અરે...આ તો હું જાણું છું...આ તો બધું મને આવડે છે..” પંરતુ બાળકોને જયારે મેં કહ્યું કે આ માટીના ઢેફામાં પાણી છે,મને કોણ બતાવશે ત્યારે બાળકોના ચહેરા કેવા નવાઈ-યુક્ત હતા, જોવા હોય તો ચાલો જોઈએ...   

ખોદકામ કરતાં ....
ઢેફાંનો ભૂકો કરતાં...







જમીનના નમૂનાને ઘઉંની ચાળણી -લોટની ચાળણી-કાપડ વડે ચાળીને નીકળેલ નમૂનાઓ ...


નમૂનાઓનું નિરિક્ષણ કરી નોંધ કરતાં બાળકો ..



ઢેફામાં [જમીનમાં] પાણી સમાયેલું છે કે નહિ ?? તે જોવા માટેના પ્રયોગ માં બાળકો...એકાદ કલાક બાદ નીચે મુજબ...








જમીનમાં ભેજ સ્વરૂપે પાણી રહેલું છે...તે સમજવવા એક રૂમાલને પલાળી અડધોથી ઉપર નીચવ્યા બાદ બાળકોને બતાવ્યું કે જેમ રૂમાલમાં પાણી ભેજ રૂપે જેમ છે,પરંતુ આપણને દેખાતું નથી,રૂમાલને ફરી નીચોવતા થોડું પાણી નીકળ્યા પછી સમજાવ્યું કે જમીનમાં રહેલાં પાણીનું પણ આવું જ છે..



















આમાં ઉમરો થાય તેવું  આપની શાળાના વર્ગખંડમાં/કેમ્પસમાં થયું હોય તો અમને ચોક્કસ સૂચવશો....જેથી અમારા બાળકોને અને આ બ્લોગ રૂપી નવાનદીસરના ઈ-કેમ્પસ ધ્વારા ગુજરાતની પ્રાથમિક શાળાના બાળકોને જાણવા તથા શીખવા મળે... 

September 23, 2012

બાળકોમાં "વાંચન" નો મહાવરો - કેવી રીતે ???


Q વાંચન....&..?..&..?...&...?....&..?...&....Q

વાંચન એટલે શું...? તેની વ્યાખ્યા શું આપણે જાણીએ છીએ... સામાન્ય રીતે વાંચનનો અર્થ આપણે એવો કરીએ છીએ કે કોઈ ભાષાના મૂળાક્ષરો/શબ્દો/વાક્યો સાથે ઓળખાણ. બાળક જે તે ભાષાના મૂળાક્ષરો/શબ્દો/વાક્યોને જાણી વાંચી શકે તો તે બાળક વાંચી શકે છે તેવું આપણે સામાન્યપણે માનીએ છીએ. વાંચનને જો સ્તર મૂજબના ભાગમાં વહેચવામાં આવે તો નીચે મુજબના ભાગમાં વહેંચી શકાય
ø તૂટક વાંચન............જેમાં બાળકો વાક્યને પણ મૂળાક્ષરો બનાવીને જ વાંચે....
ø સ્પષ્ટ ઉચ્ચારો સાથેનું આરોહ-અવરોહ યુકત વાંચન ....જેમાં સ્પષ્ટ ઉચ્ચારો સાથે બાળકો યોગ્ય જગ્યાએ અટકી વાક્યોનું વાંચન કરે છે.
ø સમજ પૂર્વકનું વાંચન.......જેમાં બાળકો વાંચનમાં આવતા શબ્દોના અર્થને જાણી સ્પષ્ટ ઉચ્ચારો સાથે અરોહ-અવરોહ યુક્ત વાંચન કરે છે..
                                       આપણે જાણીએ છીએ કે બાળકમાં ત્રણ કૌશલ્યોના વિકાસ માટે આપણે સતત પ્રયત્નશીલ રહ્યા છીએ...વાંચન.....ગણન.....લેખન......સૌ માનીએ છીએ કે બાળકોમાં વાંચન કૌશલ્યનો વિકાસ કરવા માટે બાળક પાસે વારંવાર વાંચન કરાવવું એ સારો ઉપાય છે,પંરતુ તેમાં એક વસ્તુ ઉમેરવાની રહી જાય છે કે બાળક પાસે વાંચનમાં પારંગત(!) વ્યક્તિની હાજરીમાં જ વારંવાર મહાવરો કરાવવો. વાંચન દરમ્યાન બાળક જે ભૂલો કરે છે તેની ભૂલને તરત જ તે જાણી અને સુધારી શકે તેવી પરિસ્થિતિમાં જ બાળક વાંચન કરે/મહાવરો કરે તે અતિ મહત્વનું છે..કારણ કે આનાથી વિપરીત પરિસ્થિતિમાં જયારે બાળક વાંચન કરતો હોય છે, ત્યારે વાંચનના  મહાવરાની સાથે સાથે તે તેના વાંચનમાં થતી ભૂલોનો પણ મહાવરો અજાણતાં કરતો હોય છે કારણ કે ભૂલ કરનાર બાળક પોતે જાણતો હોતો જ નથી કે તે ને અથવા તો ટી ને ટો વાંચે છે, અને પરિણામે આવી ભૂલોનો પણ મહાવરો થાય છે.માટે વાંચન એક એવી પ્રક્રિયા છે કે લેખન અને ગણનની જેમ દસ્તાવેજીક હોતા નથી કે જેને તમે તમારી ફૂરસદે તપાસી સાચું-ખોટું પૂરવાર કરી સુધારી શકો...બાળકની વાંચન શીખવાની પ્રક્રિયા દરમ્યાન બાળક પર સતત ધ્યાન રાખવું આપણા માટે જેટલી મહેનતનું કામ છે, તેના કરતાં પણ વધુ મહત્વનું કામ છે. કારણ કે  માર્ગદર્શકની બેદરકારી અથવા તો માર્ગદર્શનના અભાવે બાળકના મગજમાં “ટ” નું ચિત્ર “ડ” તરીકે અંકિત થઇ ગયું તો તેને ભૂંસવા માટે મહા-જોર લગાવવું પડશે...અને આપણે એકની જગ્યાએ બે કામ કરવા પડશે...એટલે કે પહેલું કામ બાળકમાં અંકિત થયેલ “ટ” તરીકેના “ડ” ના ચિત્રને ભૂસવાનું અને તેને પછી પાછું “ટ” ના ચિત્રને યોગ્ય જગ્યાએ અંકિત કરવાનું... અને આમ આપણી અડધોઅડધ શક્તિ ફક્તને ફક્ત ભૂંસવામાં ન વપરાય તે માટે આપણે બાળકની વાંચન પ્રક્રિયાની શરૂઆતથી જ સચોટ માર્ગદર્શન સાથે સતત બાજ નજર રાખવી પડશે...આવો માણીએ વાંચન વિશે વધુ માહિતી આપતી અમારી નીચેની પોસ્ટોને.....

September 20, 2012

વાંચન પર્વ – વિજ્ઞાનકથા !

ફોટોગ્રાફ-સાયન્સ સિટીની મુલાકાત સમયનો !

મેં ઓછી વાંચી છે કે- ઓછી લખાઈ છે - પણ વિજ્ઞાન કથાઓ ગુજરાતીમાં ખૂટે તો છે !
ધોરણ સાતમાં એક કથા છે, “વલયની અવકાશી સફરકદાચ પહેલીવાર કોઈ વિજ્ઞાનકથા સાથે મારા વિદ્યાર્થીઓનો પનારો પડવા જઈ રહ્યો હતો...મેં આગલા દિવસે વાંચી તો હું થોડો મુઝાયો પણ ખરો કે...આ વાત કેવી રીતે સમજાશે...અથવા તો શું કરીશ તો સમજાશે ? પાત્રોના નામ પણ એવા કે જે નવાનદીસરમાં પહેલીવાર સાંભળવા મળે ! વલય, વિસ્મય, વિરાટ  (જો કે ‘વિરાટ’ તો કોહલી ના કારણે હવે જાણીતું છે ! )
      હિંમત રાખી એક દાવ ખેલ્યો... વાતો કરતા કરતા થોડાક થોડાક અંશો.. “બીજા ગ્રહ પર લોકો રહેતા હશે કે કેમ ?” “કેવા દેખાતા હશે ? “શું ખાતા હશે ? થેન્ક્સ ટુ રાકેશ રોશન-જેમને ‘કોઈ મિલ ગયા’ જોયું હતું...તેમને કહ્યું...ચાર્જ થતા હશે... મેં મમરો મુક્યો...આવું બીજું પિચ્ચર (હા, ફિલ્મને પિચ્ચર જ કહેવાય !)  જોઈએ...બધાને યાદ હતું..ગયા વર્ષે..રામસિંહ માલમ ની વાત પણ અમે આવી રીતે જ માણી હતી...
      અને પછી શરૂ થયું...નવાનદીસરનું નવલું નજરાણું...રંગીન ગુજરાતી ફીચર ફિલ્મ, કિશોર અંધારિયા લિખિત વલયની અવકાશી સફર..સફર.......” આ રીતે ચક્ર પૂરું કરી...કેટલાક પ્રશ્નો-જવાબ પણ થયા....
ઉપર કહી એ મજેદાર બાબત નથી...મજા ત્યારે પડી કે જયારે આજે સાંજે છૂટતી વખતે સંધ્યાસભામાં ...મેં કહ્યું વાર્તા સાંભળવી છે ? જવાબ હાજ હોવાનો ! કુલદીપ (ધો-) ને  કહ્યું આપણા પિચ્ચર વાળી વાર્તા કહી દે !
      તેને શરૂ કરી..હું પણ આશ્ચર્યચકિત કે કેટલી ઝીણવટપૂર્વક તે વાર્તા કહી રહ્યો છે... વચ્ચે વચ્ચે આવતો સંવાદ કે - વગર દિવાળીએ આ રોકેટ કોને છોડ્યું ?” અને તેની પર બીજા વિદ્યાર્થીઓએ ખડખડાટ હસીને રિસ્પોન્સ પણ આપ્યો ! થોડુક નવું સુઝ્યું તો જેવા તેઓ યાનમાં બીજા ગ્રહ પર પહોચ્યા કે વાર્તા અટકાવી દીધી- બાકીની વાર્તા હવે કાલે...અને પછી તો હોકારા-દેકારા ...આજે...હમણાં...જ થોડીક વાત આગળ કહો...તો મેં કહ્યું..”અરે...તેઓ જેવા ગ્રહ પર ઉતર્યા તો તેમને જોયું કે સામે કોઈક આવી રહ્યું છે... “અરે... માણસ નથી...પ્રાણી પણ નથી...આ તો....!!!!” બસ એ શું હતું એ કાલે ! (ધોરણ-૭ ના વિદ્યાર્થીઓને સુચના...તમારી ચોપડી કોઈનેય વાંચવા આપવી નહિ...)
      અસર...વિપુલ (ધોરણ-) ખાસ ભલામણ કરાવી ગયો કે મને - ફક્ત મને ખાનગીમાં રઘુની ચોપડી અપાવી દોને !
કહેવાની જરૂર છે કે આ રીતે ખાનગીમાં ચોપડી મેળવાઈ પણ હશે અને આ વાર્તા વંચાઈ પણ હશે !
તો મારી પ્રથમ નજરની તમામ માન્યતાઓ આ વિજ્ઞાનકથાએ તોડી નાખી...છે આપના ધ્યાનમાં કોઈ અન્ય આવી જ રસપ્રદ જે મોનોટોનસ ના થઇ જાય તેવી વિજ્ઞાનકથાઓ છે ?...જરૂરથી જણાવજો !
અને વાંચનપર્વને ઉલ્લાસથી ઉજવજો !
- એક ભાષા શિક્ષક