શાળામાં બાળકોને અનુરૂપ વાતાવરણ બનાવવું પહેલાં અમને મુશ્કેલ લાગતું અને સાચું કહું તો કેટલીક વાર તો કંટાળાજનક પણ !
કેમ કે આપણા માટે શાળાના બધા બાળકો એ સમૂહ છે, પણ દરેક બાળક્ને પોત-પોતાના ગમતા વાતાવરણની જરૂર હોય છે. કેટલાક બાળકો એવા હોય છે કે તેમને રમતોમાં વધારે રસ હોય છે, રમતો રમવા મળે છે માટે તેઓ શાળામાં આવે છે અને શૈક્ષણિક અભ્યાસક્રમને સહન કરે છે, તો કેટલાક બાળકોને ફક્ત ભણવામાં જ રસ હોય છે, તો કેટલાક બાળકોને સ્પર્ધાઓમાં, તો કેટલાક બાળકોને ચિત્ર કે સંગીતમાં, તો કેટલાકને બાગકામની કે મેદાનમાંની સામુહિક પ્રવ્રુત્તિમાં રસ હોય છે, અને તે બાળક પણ શાળામાં આવા પોતાને અનૂકૂળ વાતાવરણની શોધમાં હોય છે,જો તેને પોતાને અનૂકૂળ વાતાવરણ ન મળે તો ધીમે-ધીમે તેઓ પોતાને ન ગમતા પર્યાવરણમાં[શાળામાં] આવવાનું ટાળે છે, અને આપણે પણ શાળા રૂપી જમીનને સુધારવાને બદલે બાળક રૂપી છોડ ઉપર “અનિયમિત”, “સતત ગેરહાજર” અને પછી “ડ્રોપ આઉટ” જેવા લેબલ લગાવી છોડને જડમૂળમાંથી ઉખાડી નાખીએ છીએ. હવે તમે જ કહો કે આવા કારણોને કારણે શાળાથી વિમૂખ થયેલ બાળકને “ડ્રોપ આઉટ” ગણવું કે “પુશ આઉટ[push-out] “.
આપણે જો આપણી[શિક્ષકોની] જ વાત કરીએ તો? આપણે શાળામાં શા માટે જઇએ છીએ? તે માટેના દરેક શિક્ષકોના અલગ –અલગ કારણો હોઇ શકે છે, જેમ કે આકર્ષક પગાર ધોરણ અથવા તો શૈક્ષણિક કામગીરી કરવાનો શોખ કે પછી બાળકો પ્રત્યેનો લગાવ વગેરે....વગેરે....! હવે ધારો કે તમને શૈક્ષણિક કામગીરી કરવામાં વધારે રસ છે અને તેના જ માટે જ તમે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી છે પરંતું તમારી શાળામાં તમારી પાસે બિનશૈક્ષણિક કામગીરી જ કરાવવામાં આવે તો ?[હવે તમે જ વિચારો આ ઉદાહરણમાં આપણે “ડ્રોપ આઉટ” ગણાઇ એ કે “પુશ આઉટ[push-out] “]. આકર્ષક પગાર ધોરણને કારણે તમે શિક્ષક તરીકેની નોકરી સ્વીકારી હોય અને કોઇ કારણસર તે પ્રમાણેનું પગારધોરણ વહીવટીતંત્ર ન આપે તો ?
‘બાળકોનું પણ આવું જ હોય છે, “શાળમાં ગમતું ન મળે તો ગેરહાજર’.
શાળામાં દરેક બાળક્ને ગમતું વાતાવરણ ઉભું કરવું મુશ્કેલ જરૂર છે પણ અશક્ય નથી,
તે માટેની પ્રેરણા અમને અમે બનાવેલા આ ચકલીઓ અને તેમના માળાએ આપી.જો અમે ચકલીઓને તેમને પોતાને શાળામાં ગમતી જગ્યાએ માળો બનાવવા દઇએ તો અમારા વર્ગખંડના શૈક્ષણિક કામમાં ખલેલ પડતી અને જો સ્વચ્છતા અને શૈક્ષણિક કાર્યમાં દખલના નામે માળો ન બનાવવા દઇએ તો ચકલીઓ........... “ડ્રોપ આઉટ”.
આ બંને માંથી એક પણ નુકશાન અમને પોસાય તેમ ન હતું. ન તો ખલેલયુક્ત શિક્ષણ કાર્ય, ન તો ચકલીઓનું ડ્રોપઆઉટીંગ.તે માટે અમે નક્કી કર્યુ કે ચકલીને માળો બનાવવા માટેનું પર્યાવરણ વર્ગખંડની બહાર જ ઉભું કરીએ. અને આ વિચારો અને બાળમેળાનો અમે સમન્વય કર્યો. બાળમેળાની પ્રવ્રુત્તિ દરમ્યાન ચકલીના માળા બનાવ્યા અને વર્ગખંડની બહાર વર્ગકાર્ય અને ચકલીને અનૂકૂળતા મુજબ ટીંગાવ્યા.અમારી ધારણા કરતાં પણ વહેલા સમયે ચકલીઓએ અમને સહકાર આપી ઇશારો કર્યો કે જો તમે આ રીતે અમને અનૂકૂળ વાતાવરણ બનાવી આપશો તો અમે કદી ડ્રોપ આઉટ નહી થઇએ.
માટે જ અમે દરેક બાળકને અનૂકૂળ પર્યાવરણ ઉભું કરવા માટે તેમજ બાળકોની રસ-રૂચિ મુજબની પ્રવ્રુત્તિ કરાવવી અને તેઓનો અન્ય પ્રવ્રુત્તિમાં રસ કેળવવા માટે અમે અમારી તમામ શક્તિ કામે લગાડી દીધી છે.
ચકલી ઘર બનાવતા પહેલા...
ચકલી ઘર બનાવ્યા પછી!
ચાલો બનાવીએ એક એવી જગ્યા જ્યાં વિદ્યાર્થી અને શિક્ષકો માટે આનંદમય વાતાવરણ હોય...બંનેમાંથી કોઈ પુશ આઉટ ના થાય!
આ વિચારની ભેટ આપવા બદલ.....Thank you Sparrow!