1.
બર્ફ જેવો કઠણ, વહી શકે છે
હો પવન સામે તો સહી શકે છે
સાત દરિયાના જળ પી જનારો
તું મને ગુજરાતી કહી શકે છે.
2.
તિલક કરતાં ત્રેપન થયાં, જપમાલાનાં નાકાં ગયાં,
તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પોહોતો હરિને શરણ.
કથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન
એક મૂરખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન.
એ અખા વડું ઉતપાત, ઘણા પરમેશ્વર એ ક્યાંની વાત ?
મુક્તિ-બંધ પૂછે મતિમંદ, શોધી જાતાં સ્વે ગોવિંદ,
પ્રાણપિંડમાં હું કે હરિ, જો જુએ અખા નરતે કરી.
બંધ મોક્ષ ન કરે ઉચ્ચાર, જ્યમ આકાશકુસુમનો નોહે હાર.
અનુભવી આગળ વાદ જ વદે, ઊંટ આગળ જ્યમ પાળો ખદે.
ઊંટ તણાં આઘાં મેલાણ, પાળાના તો છંડે પ્રાણ.
અખા અનુભવી ઈશ્વરનું રૂપ, તો સાગર આગળ શું કૂદે કૂપ ?
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેને નહિ ઊડવાનું જોર.
અખા જ્ઞાની ભવથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?
જોજો રે મોટાના બોલ, ઊજડ ખેડે બાજ્યું ઢોલ,
અંધ અંધ અંધારે મળ્યા, જ્યમ તલમાં કોદરા ભળ્યા;
ન થાયે ઘેંસ કે ન થાય ઘાણી, કહે અખો એ વાતો અમે જાણી.
આંધળો સસરો ને સરંગટ વહુ, એમ કથા સાંભળવા ચાલ્યું સહુ.
કહ્યું કાંઈ ને સમજ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું.
ઊંડો કૂવો ને ફાટી બોક, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક.
વ્યાસ વેશ્યાની એક જ પેર, વિદ્યાબેટી ઉછેરી ઘેર,
વ્યાસ કથા કરે ને રડે, જાણે જે દ્રવ્ય અદકેરું જડે.
જો જાણે વાંચ્યાની પેર, તો અખા વાંચે નહિ આપને ઘેર ?
3.
હતો હું સૂતો પારણે પુત્ર નાનો,
રડું છેક તો રાખતું કોણ છાનો ?
મને દુ:ખી દેખી દુ:ખી કોણ થાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
સૂકામાં સુવાડે ભીને પોઢી પોતે,
પીડા પામું પંડે તજે સ્વાદ તો તે;
મને સુખ માટે કટુ કોણ ખાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
લઈ છાતી સાથે બચી કોણ લેતું ?
તજી તાજું ખાજું મને કોણ દેતું ?
મને કોણ મીઠાં મુખે ગીત ગાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
પડું કે ખડું તો ખમા આણી વાણી,
પડે પાંપણે પ્રેમનાં પૂર પાણી;
પછી કોણ પોતતણું દૂધ પાતું ?
મહા હેતવાળી દયાળી જ મા તું.
મને કોણ કે’તું પ્રભુ ભક્તિ જુક્તિ,
ટળે તાપ-પાપ, મળે જેથી મુક્તિ;
ચિત્તે રાખી ચિંતા રૂડું કોણ ચા’તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
તથા આજ તારું હજી હેત તેવું,
જળે માછલીનું જડ્યું હેત તેવું;
ગણિતે ગણ્યાથી નથી તે ગણાતું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે ! એ બધું શું ભલું જૈશ ભૂલી,
લીધી ચાકરી આકરી જે અમૂલી;
સદા દાસ થૈ વાળી આપીશ સાટું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
અરે ! દેવતા દેવ આનંદદાતા !
મને ગુણ જેવો કરે મારી માતા;
સામો વાળવા જોગ દેજે સદા તું,
મહા હેતવાળી દયાળી જ મા તું.
શીખે સાંભળે એટલા છંદ આઠે,
પછી પ્રીતથી જો કરે નિત્ય પાઠે;
રાજી દેવ રાખે સુખી સર્વ ઠામે,
રચ્યા છે રૂડા છંદ દલપતરામે.
4.
તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.
તારી હથેળીની ભાષા વાંચી દે એવું
સોફટવેર સ્પર્શોનું કેવું ?
સપનાનું ફોલ્ડર કૂંપળની જેમ હું તો
સાચવીને રાખું છું એવું.
નેટ ઉપર આખ્ખુંય ગગન છલકાય
અને ખાલીખમ પાંપણની હેલ.
આખાયે સ્ક્રીન ઉપર ઉદાસી પાથરીને
ઉઝરડા ગોઠવું છું ફાઈલમાં.
ડૂસકાંઓ ડિલીટ કરું તો ય સાલ્લાઓ
વિસ્તરતા જાય છે માઈલમાં.
ટહુકાથી ખીચોખીચ ભરેલી વેબસાઈટ
મહેંદી ને મોરલાનું સેલ.
તારી ઑફબીટ આંખ્યુએ ડિઝીટલ સપનાંનો
ઈમેલ મૂક્યો છે મારી આંખમાં.
પાંપણનો પાસવર્ડ એન્ટર કરીને હું તો
સૂરજ ઉગાડું બારસાખમાં.
દરિયો, વરસાદ, નભ, ચાંદો ને તારાની
વહેંચાતી કેવી રે ટહેલ !
તને ટેરવેથી SMS મોકલું ને
આંખોથી મોકલું ઈ-મેલ.
5.
પાછલા તે પહોરની ઊડી ગઈ નિંદરા,
સરવે ઊંઘે ને અમે જાગતાં જી રે;
ઓશીકાં ઉપર બે ઓઢાડી ધાબળા,
ચૂપચાપ ભાઈબહેન ભાગતાં જી રે.
બિલ્લીપગે તે અમે ઉઘાડ્યા આગળા,
બાપુ ને બા તે શું જાણતાં જી રે !
હાથમાં તે હાથ લેઈ ભાગ્યાં ઉતાવળાં,
ખુલ્લી હવાની મોજ માણતાં જી રે.
ટાઢો તે હિમ જેવો વાય વહાલો વાયરો,
ધોળાં તે ધોળાં અજવાળિયાં જી રે;
ખેતર ને કોતરને ચાલ્યાં વટાવતાં;
ખૂંદી વળ્યાં તે આંબાવાડિયાં જી રે.
રૂપા તે રંગની રેતી વેરાયલી
પાસે વહે છે વહેણ વાંકડું જી રે;
છોડી રહેઠાણ આવું રૂપાળું મોકળું,
શાનું ગોઠે ઘર સાંકડું જી રે ?
ઊડે અદીઠ રોજ ઝાકળની ચૂંદડી,
આજ એને ઊડી જતી ખાળવી જી રે;
છેડો ઝાલીને એનો જાવું આકાશમાં,
જોવું છે કોણ એનો સાળવી જી રે !
ખોબો ભરીને વીણી શંખલાં ને છીપલાં,
આખાયે વાદળમાં વેરવાં જી રે;
ઊંચે તે આભથી લાવીને તારલા,
ધરતીને ખોળે ખંખેરવા જી રે.
સોનેરી કોરની લાવીને વાદળી,
ચંદરવા ચાર કોર બાંધશું જી રે;
એની તે હેઠ અમે રહેશું બે ભાઈબહેન,
ભાવતી રસોઈ રોજ રાંધશું જી રે.
6.
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
ટી-શર્ટ ને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે !
પીત્ઝા ને બર્ગરની આખ્ખી આ પેઢીને રોટલી ને શાક ક્યાંથી ભાવે ?
વર્ષોથી બોટલમાં કેદી થઈ સડતા એ પીણાને પીવો ને પાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
અપ ટુ ડેટ કાગડા ને કાગડીયું માઈકમાં મંડી પડ્યા છે કાંઈ ગાવા !
કંઈ પણ ભીંજાય નહી એવા ખાબોચીયામાં નીકળી પડ્યા છો તમે ન્હાવા ?
કૂંપળના ગીત લીલા પડતા મૂકીને ગાવ રીમિક્સના ગાણાઓ ગાવ.
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
કાન એ કંઈ થૂંકવાનો ખૂણો નથી કે નથી પેટ એ કંઈ કોઈનો ઉકરડો,
આપણા આ ચહેરા પર બીજાના નખ્ખ શેના મારીને જાય છે ઉઝરડો ?
માંદા પડવાનું પોસાય કદિ કોઈને’ય સાંભળ્યા છે ડૉક્ટરના ભાવ ?
લીમડાને આવી ગ્યો તાવ
લીમડાના દાદા ક્યે કહી કહી ને થાકી ગ્યો,
જાવ હજી ફાસ્ટફૂડ ખાવ.
6.
દુનિયા આખીમાં મારે છે
ઘણું ઘણું જોવાનું,
અહીંયાં બેસી રે’તાં મારે
શું શું નહિ ખોવાનું !
ધરતીનો છેડો છે ક્યાં ને
સૂરજ આવે ક્યાંથી ?
કોયલ કાળી, પોપટ લીલો,
બગલો ધોળો શાથી ?
શિયાળે ઠંડી છે શાને ?
ગરમી કેમ ઉનાળે ?
ચોમાસામાં ગાજવીજ શેં ?
તણખો શાથી બાળે ?
આવું આવું ઘણુંક મારે
ભણવાનું હજી બાકી,
લીલી કેરી પીળી પડતાં,
કેમ મનાતી પાકી ?
ચાર પગે કેમ પશુઓ ચાલે ?
પંખીને કેમ પાંખો ?
આવી દુનિયા જોવા મુજને
દીધી કોણે આંખો ?
7.
દૂધ નહીં તો પાણી દે,
ડૉલ મને કાં કાણી દે !
તગતગતી તલવારો દે,
યા ગુજરાતી વાણી દે.
*******
એક જ ઘા ને કટકા છે ત્રણ,
સમજણ માટે ગુજરાતી ભણ.
તારી સામે નહીં જ નાચું,
હોય ભલે સોનાનું આંગણ
*******
એના કરતા હે ઈશ્વર દે મરવાનું,
ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું !
એ જ પામશે પાન નવા ને નવી હવા,
જેણે શિખ્યું દોસ્ત સમયસર ખરવાનું.
********
મારી છતથી દુનિયા આખી દેખાતી.
દોસ્ત ખરેખર હોય મનુનો વંશજ તું,
માનવતા છે માત્ર હવે તારી જ્ઞાતી.
8.
ગુજરાતી છું….
આખુંએ જગ લાગે પ્યારું ગુજરાતી છું,
ઈશ્વર પાસેનું ઘર મારું ગુજરાતી છું.
દુ:ખને દરવાજો બંધ કરી પીધું ગટગટ,
સુખને રાખ્યું છે સહિયારું ગુજરાતી છું.
આંખ ઝાટકી કાણાને કાણો કે’વાનો
બોલાશે નહીં સારું સારું ગુજરાતી છું.
સઘળી સગવડ સુરજની એને આપી છે,
મે’માન બને જો અંધારું ગુજરાતી છું.
અટકી જાતી પળ ને પૂરી થાતી અટકળ,
બસ ત્યાંથી ખુદને વિસ્તારું ગુજરાતી છું.
વિશેષણોના વન છે તારી આગળ પાછળ,
મેં તો કીધું છે પરબારું ગુજરાતી છું.
ચાંદા વચ્ચે ઘર બાંધીને રહું અથવા તો
આભ અગાસી પર ઉતારું ગુજરાતી છું.