સર્વે ભવન્તુ સુખિનઃ
દરેક
પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં આપણે એક લોકશાહી દેશમાં રહેવાના ગૌરવથી ઝગમગી ઊઠીએ
છીએ. બંધારણ વિશે ચર્ચાઓ થાય છે અને જેમ મહાન પુસ્તકો સાથે થતું આવ્યું છે, તેમ બંધારણ પણ એક પવિત્ર ગ્રંથ
બની જાય છે. પરિણામે, એના
અભ્યાસની જગ્યાએ તેના નામનું રટણ માત્ર
થવા લાગે છે.
નિયમોની
બાબતમાં હરેશભાઈ સાહેબે ટાંકેલી એક વાત હંમેશા માર્ગદર્શક બની રહે - નિયમો કેટલા
પાળવાના એ મુખ્ય મુદ્દો નથી, પરંતુ
નિયમો બનાવવાનો ઉદ્દેશ્ય શું છે એ સમજવું અને એ ઉદેશ્યનું રક્ષણ કરવું મહત્ત્વનું
છે. લોકશાહી એ માત્ર શાસનની પદ્ધતિ નથી, પણ
એ એક જીવનશૈલી છે.
બહુમતી
જેને ઇચ્છે, તે
વ્યક્તિ સમાજનો પ્રતિનિધિ બને, અને
તે પોતાના વિવેક મુજબ કાયદા બનાવે. એ વ્યક્તિ વિસ્તારના તમામ નાગરિકોની વતી
નિર્ણયો લે—આ એક વ્યવસ્થા છે અને સમૂહ જીવન માટે આવશ્યક પણ છે. પરંતુ શું લોકશાહી
એટલી જ સીમિત છે?
નિર્ણય
લેવા માટે પ્રતિનિધિ પસંદ કરી લેવામાં જ લોકશાહીની જવાબદારી પૂરતી માનવી એ સોનાની
જાળનો ઉપયોગ માછલી પકડવામાં કરવા જેવુ કામ છે. એક તંદુરસ્ત સમાજ ત્યાં હોય છે, જ્યાં લોકશાહી એક જીવનશૈલી બની
જાય છે. જ્યાં લોકો એકબીજા સાથે ચર્ચા શીખે, સમસ્યાઓના
એકથી વધુ ઉકેલ શોધવાનો પ્રયાસ કરે, ભાવનાત્મક
ઉગ્રતા છોડીને તર્કસંગત નિર્ણયો લે. આવા લોકો મળીને જે સમાજ રચે છે, તે ખરેખર લોકશાહીયુક્ત પ્રસન્ન
સમાજ બને છે.
સમાન
સ્તરે રહીને ચર્ચાઓ કાર્યની ગતિ ધીમી કરી શકે છે, કેટલાક કિસ્સાઓમાં ગુણવત્તા પર પણ અસર થઈ શકે
છે. તેમ છતાં, આ
પ્રક્રિયા રોકવી ન જોઈએ, કારણ
કે લોકો વચ્ચે વિચારવિમર્શ થવો અને સહયોગ વધવો એ લોકશાહીના મહત્વના ગુણધર્મો છે.
આપણે પરફેક્શન પાછળ દોડવાની જગ્યાએ સમાન
સ્તરીય લોકશાહી પસંદ કરવી જોઈએ.
પરફેક્શનનો
વિચાર જ એકાંગી છે, કારણ
કે તેમાં કોઈ એક વ્યક્તિ કે તંત્રએ નક્કી કરેલા માપદંડો અનુસાર કાર્ય થવું જરૂરી
ગણાય. પરંતુ તેની સામે, જો
સૌ સાથે રહીને વિચાર-ચર્ચા કરે, નિર્ણય
લે અને સહઅસ્તિત્વ જાળવી શકે, તો
એ વધુ આનંદપ્રદ જીવનશૈલી બની શકે.
આપણી
નદીસર પ્રાથમિક શાળાએ સહજતા અને આનંદમય જીવનશૈલીના આશીર્વાદ છે. અહીં ઉજવણીમાં
‘પરફેક્ટ’ થવાને બદલે ‘સહભાગી’ થવાને વધારે મહત્વ આપવામાં આવે છે. શાળાના પ્રમુખ
અને તમામ લીડર્સની ટીમે જે આયોજન કર્યું, તેમાં
સહભાગિતાનો તત્ત્વ સ્પષ્ટ દેખાયા !. ધ્વજવંદન કરનારથી લઈને ધ્વજ રક્ષક અને સ્કૂલ
બેન્ડ - બધું છોકરીઓની લીડરશીપમાં આયોજિત થયું. હંમેશાની જેમ, રિતેશની નાનકડી વક્તૃત્વ સ્પીચ, કોઈકનું એક પ્રેરણાદાયી ગીત પર
પરફોર્મન્સ !
આ બધી તો ઘટનાઓ હતી, પણ મૂળ તત્વ ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ નો
મંત્ર છે અને રહેશે.