June 03, 2011

અને પંખી શિક્ષીત થયું........


વાર્તા છે, રવીન્દ્રનાથ ટાગોરની – અચાનક આ વેકેશન દરમિયાન નવા વર્ષે શું કરીશું તેવા માનસિક આયોજનમાં વચ્ચે ક્યાંક ઈન્ટરનેટ પર  વાંચેલી તે ટપકી. શબ્દશઃ તો નથી યાદ પણ  કૈક આમ હતું!
  



એક પંખી, સાવ ગમાર. આખો દિવસ ઉડાઉડ, નવા નવા ફળની શોધ, ઉંચે ગગનમાં ઉડવું ને ભૂખ લાગે તો ખાવું આવો એનો ધંધો! --રાજ્યના રાજાને લાગ્યું, અરે! આ તો કઈ પંખી છે? આવું પંખી કંઈ કામનું નહીં, આ તો ખાલી વનનાં ફળ ખાઈને રાજ્યને નુકસાન કરે છે. એને તો મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યો હલ, આ પંખીનું શું કરીએ? એક મંત્રી કહે, મહારાજ ! એને શિક્ષણ આપો તો કઈ કામનું થશે.

રાજાએ પોતાના વિશ્વાસુ ભાણેજને પંખીને શિક્ષણ આપવાનું કામ સોપ્યું!
પંડિતોએ એક જગ્યાએ બેસીને ઊંડો(!) વિચાર કર્યો અને શિક્ષણ નીતિ ઘડી કાઢી. શોધ્યું એના અજ્ઞાનનું મૂળ, અરે! પંખી મામૂલી ઘાસ તણખલાંનો માળો બાંધે, એવા માળામાં તે વિદ્યા કેટલીક રહે ? એટલે સૌથી પહેલી જરૂર તેને એક પાંજરું બનાવી આપવાની છે. અને હલ શોધનારને મોટું ઇનામ પણ અપાયું કે તેને શિક્ષણની નવી જ દિશા ખોલી આપી!
સોનીને હુકમ થયો કે પાંજરું બનાવો. એને ય વળી એવું તો પાંજરું બનાવ્યું કે દૂર દૂરથી લોકો પાંજરું જોવા આવ્યા! સોનીના વખાણનો તો કોઈ પાર નહિ. કોઈક કહેતું કે, શિક્ષણ તો જોરદાર ચાલે છે!તો કોઈ કહે, “શિક્ષણ મળે કે ન મળે પણ પાંજરું તો મળ્યું ને ! પંખીનું નસીબ જોરમાં છે ! પાંજરાના બહુ વખાણ થયા તો સોનીને પણ ઇનામો મળ્યા !
એક મહાપંડિતને તેને શિક્ષણ આપવા બોલાવાયા. આવતા વેત તેમને કહ્યું કે આ એક-બે ચોપડીથી કઈ ના આવડે, વધુ દળદાર પુસ્તકો જોઈએ. રાતો રાત બધા મંડી પડ્યા નવા પુસ્તકો બનાવવા. થોડાક સમયમાં તો પંખી કરતા સો ઘણો પુસ્તકોનો ઢગલો થઇ ગયો! લોકો તો આ જોઈને આભા જ થઇ ગયા. વાહ! વાહ! શું શિક્ષણ છે ! ધમધોકાર રીતે પંખીનું શિક્ષણ ચાલવા લાગ્યું. તેના પાંજરાની તો જીવથી ય વધુ કાળજી લેવાતી. તેની સફાઈ, રંગકામ, પોલીસકામ, નવી ડીઝાઈન, નવા સાજ શણગાર, જયારે જુઓ ત્યારે ચાલુ જ હોય! તેના માટે કેટલાય માણસોને રોકવામાં આવ્યા હતાં, અને એના કરતાંયે વધારે માણસોને એમના પર નજર રાખવા માટે રોકવામાં આવ્યા હતા.
હવે તો સૌ બોલી ઉઠ્યા કે હાશ! હવે પંખીનો સર્વાંગી વિકાસ થશે.
એક દિવસ એક અદેખા માણસે રાજાને કહ્યું કે પંખીનું શિક્ષણ બરાબર નથી થતું ! રાજાએ તો બોલવ્યો તેમના ભાણેજને આ હું શું સાંભળું છું? કેટલાક લોકો મને કહે છે કે તમે પાંજરાની વધુ દેખરેખ રાખો છો પંખીની નહિ! ભાણેજે ઠંડા કલેજે જવાબ આપ્યો અરે! એ લોકોને પંખીની ઊછળકૂદથી મળતું મનોરંજન બંધ થઇ ગયું છે એટલે વાંધા વચકા કાઢે છે. બાકી પૂછો આ સોની, લુહાર, પંડિતજી, સાફ સફાઈ કરનાર- આ બધા શિક્ષણના જાણકાર છે. રાજા તરત સંતોષ પામી ગયો પણ પછી તેણે જાતે જ શિક્ષણ જોવા જવાનું નક્કી કર્યું. રાજા પહોચ્યો ત્યાં તો બધાએ ભેગા મળીને એવી વ્યવસ્થા કરી દીધી કે વાત ના પૂછો ! કોઈ ગોખાવતું હોય, તો કોઈ ગવડાવતું હોય, તો કોઈ શીખવતું હોય નાચ ! તામ જામ – નવા નવા કવર ચઢાવેલા જુના જુના પુસ્તકોનો ખડકલો ! વળી વધારાની દસ બાર પોથીઓ પણ મૂકી. રાજા તો પ્રસન્ન થઇ ઇનામ આપી પાછો વળતો હતો ત્યાં જ પેલો અદેખો બોલ્યો મહારાજ ! પંખીને મળ્યા? રાજા પંડિતજીને કહે અરે હા! એ તો યાદ જ ન આવ્યું. પંખીને જોવાનું તો રહી ગયું. ચાલો તમે કેવી રીતે ભણાવો છો તે જોઈએ. રાજાએ જોયું તો શિક્ષણની પદ્ધતિ પંખીના કરતાં એટલી મોટી હતી કે પંખી ક્યાંય દેખાતું નહોતું. પદ્ધતિ જોઈ મનમાં થાય કે પંખીને ન જોઈએ તોય ચાલે. રાજાને ખાતરી થઈ ગઈ કે યોજનામાં કંઈ ખામી નથી.
હવે, પાંજરામાં નથી દાણા કે નથી પાણી ! માત્ર ઢગલો પોથીઓમાંથી ઢગલો પાનાં ફાડીને કલમની અણીએ એ પંખીના મોંમાં ઠાંસવાનું કામ ચાલી રહ્યું છે. ગીત તો બંધ જ થઈ ગયું હતું ને હવે તો પંખીનો અવાજ પણ બહાર નથી આવતો !  બિચારૂ પંખી જો કદાચ પોતાના સ્વભાવ પ્રમાણે જો પાંજરામાં પાંખો ફફડાવે તો કહે, આ ગેરશિસ્ત !  કોઈ વાર પાંજરાને ચાંચ મારીને મુક્ત થવા ઈચ્છે તો કહે આને એના ભવિષ્યની પડી જ નથી ! બસ પંડિતોએ હવે તો એક હાથમાં કલમ અને બીજા હાથમાં સોટી લઈને ચલાવ્યું શિક્ષણ! 
અંતે પંખી બિચારું પેટમાં સુકા પુસ્તકોના પાના ખાઈ ખાઈને  તેનું “પંખીપણું મરી ગયું” ને ભાણેજે જાહેર કર્યું કે પંખી શિક્ષિત થયું!

May 27, 2011

દાનમાં શ્રેષ્ઠ દાન એવા “વિદ્યાદાન”...

                  દાનમાં શ્રેષ્ઠ દાન એવા “વિદ્યાદાન” જેવા પુણ્યનું કામ કરવાનું પણ વળતર મળે તેવા શિક્ષક્ના વ્યવસાયનું મૂલ્ય સમજીએ

                             એક નાનું સર્કસ. રોજ ત્રણ ખેલ ચાલે, ઘણા જુદા-જુદા કરતબ બતાવે. ત્યાં એક બબલુભાઈ. ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવે, સવારના નવ વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. બાર વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. પણ ત્રણ વાગ્યે જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે બધા શોધે કે બબલુભાઈ ક્યાં ? બબલુભાઈ પડદા પાછળ ટીફીન ખોલીને ખાવા બેઠા હતા. સર્કસના માલિકે કહ્યું કે “ જલદી ચાલ બબલુ, હવે તારા કરતબનો વારો છે. ત્યારે બબલુભાઈ કહે “આંખો દિવસ કામ જ કરાવ્યા કરશો કે પછી શાંતિથી ખાવા પણ દેશો ?????
                              આપણે પણ આવા બબલુભાઈ જેવા જ છીએ અને આપણા વ્યવસાયનું પણ આવું જ છે, જેમ બબલુભાઈ ૪૦ લાડવા ખાવાને પોતાનો વ્યવસાય સમજે છે તેમ આપણે પણ બાળકોને ભણાવવું તેને આપણો વ્યવસાય તરીકે જ માની લીધો છે, પરંતુ જો બબલુભાઈ જે દિવસે વિચારશે કે ૪૦ લાડવા ખાવાના કરતબમાં લોકોના મનોરંજનની સાથે-સાથે પોતાની ભૂખ પણ સંતોષાય છે,તે દિવસથી તેને ટિફિનની જરૂર નહી રહે, આપણે જે દિવસે પણ શિક્ષક્ના વ્યવસાયની ઉપર જઈને વિચારીશું કે આપણને બાળકોને સુશિક્ષિત અને સમાજ-ઉપયોગી બાનાવવા માટેના કામના વળતરમાં આપણને પગારની સાથે-સાથે “વિદ્યાદાન” કર્યાનું પુણ્ય પણ મળે છે તે દિવસથી આપણે શિક્ષણ આપવું તે આપણો કર્મ નહી ધર્મ બની જશે. પછી કોઈ શિક્ષકે પુણ્ય કમાવવા માટે ક્યાંય જવું નહી પડે. અને પછી જ ખરા અર્થમાં બાળકો “બાળ-દેવો” , શાળા “સ્વર્ગ” અને શિક્ષકને “ગુરૂ” સમાન કહેવાશે.

May 24, 2011

પ્રોફાઈલનું મહત્વ...



શું તમે તમારા વર્ગખંડમાં બાળકોની પ્રોફાઈલ નિભાવો છો?


 આ ફોટોગ્રાફ છે અમદાવાદ જીલ્લાના બોટાદ તાલુકાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજનદેવ મંદિર સંચાલિત ગૌશાળાનો.......જે ગૌશાળાએ અનેક સિધ્ધિઓ સર કરેલ છે અને તેનું મુખ્ય કારણ છે તેમનું આયોજન અને તે મુજબની દરેક જાનવરની જાળવણી....અને તેમના આ કામમાં સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ છે તેમણે નિભાવેલ દરેક જાનવરની “પ્રોફાઈલ”.  તે જ બતાવે છે કે તેઓ તેમના જાનવરની અંગેની જાણકારી અને તેના આધારે તે જાનવરને જરૂરીયાત માટેની કાળજી પણ કેવી રીતે રાખતા હશે!!!! અને તેના જ કારણે તેમની ગૌશાળામાં ઉછરી રહેલ નસ્લના જાનવરો પાસેથી તેઓ તે જ નસ્લના અન્ય જગ્યાએ ઉછરી રહેલ જાનવરો કરતાં વધુ દૂધ ઉત્પાદન મેળવી શકે છે..અને  ગર્વ રૂપી સિદ્ધિ પણ......નવાનદીસર પ્રાથમિક શાળા ચોક્કસ આયોજન પૂર્વક ગૌશાળા ચલાવી,તેમની જાનવરોની પ્રોફાઈલ સાથેની કાળજી અને આ બધા ધ્વારા તેમણે મેળવેલ અનેક સિદ્ધિઓને સલામ કરે છે.........


ગૌશાળામાં જે તે  જાનવર અંગેની જાણકારી/માહિતીની બાબત દર્શાવતા બોર્ડ  
     ગૌશાળામાં નિભાવવામાં આવતા પત્રકો-અન્ય માહિતી દર્શક બોર્ડ 
ગૌશાળાએ મેળવેલ સિદ્ધિઓની ઝાંખી.........

                              હવે આવીએ આપણે “ગૌશાળા” પરથી આપણી “પ્રાથમિક શાળા”માં. શું “બાળકોની જાણકારી અને જરૂરીયાતો સમજી શકાય અને તેના પરથી જે તે વિષયના શૈક્ષણિક કાર્યમાં મદદ મેળવી શકાય તેવી “બાળકોની પ્રોફાઈલ” નિભાવીએ છીએ ખરા??? 


ï      પ્રોફાઈલ એટલે શું??

                    અમારા મતે  પ્રોફાઈલ એટલે  કોઈ પણ વ્યક્તિ/વસ્તુ વિશેષતા અથવા તો તેની પૂર્વ લેખિત માહિતી જેના આધારે તમે તે વ્યક્તિ/વસ્તુ ના વ્યક્તિત્વ/ગુણધર્મો વિશેની સંકલ્પનાઓ બાંધી તેના અનુસંધાને તેની સાથે આગળના સમયમાં કેવી રીતે કામ કરવું તેની પ્રાથમિક જાણકારી મેળવી શકાય તેવું માહિતી-દર્શક પત્રક.આંશિક લેખિત જાણકારી જેના આધારે આપણા મનમાં તેની પૂર્વ ભૂમિકા બાંધી શકાય અને તે સાથે કામ કરવામાં જે તે માહીતી ઉપયોગી સાબિત થાય.

&  પ્રોફાઈલ શા માટે ??

પ્રોફાઈલ એ આપણી શાળાઓ જ નહી પણ તમામ ક્ષેત્રોમાં અનિવાર્ય બની ગઈ છે, જો બજારની વાત કરીએ તો કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા તેમજ પોતાની પ્રોડક્ટની ગુણવત્તા અને જરૂરીયાત મુજબના ફેરફારો કરવા માટે એજન્સીઓ ધ્વારા ગ્રાહકોની પસંદગી જાણવા માટે ગ્રાહકોની પ્રોફાઇલો તૈયાર કરાવે છે અને ત્યારબાદ ગ્રાહકોની પસંદગીને અનુકુળ પોતાની પ્રોડક્ટ બનાવવા માટેના પ્રયત્નો કરે છે. આ જ પ્રમાણે આપણા શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં પણ સફળતા મેળવવા-આપણી શૈક્ષણિક કામગીરીને સરળ તેમજ બાળકો માટે શિક્ષણકાર્યને રસિક બનાવવા બાળકોની પ્રોફાઈલ એ ખૂબ જ ઉપયોગી અને મહત્વની વસ્તુ છે. વિચારો કે તમે કોઈ ઘનઘોર જંગલમાં ભુલા પડ્યા છો, તમારી સાથે કોઈ અન્ય એવો માણસ કે કોઈ એવી આઈડિયા પણ નથી કે જેના આધારે તમે જંગલ સર કરી શકો, તે સમયે તમારા માટે જંગલમાંથી બહાર નીકળવાનું કામ કેટલું મુશ્કેલ હશે ?? અને ઘણા મિત્રો માટે તો અશક્ય પણ બની જશે. હવે વિચારો કે આવી કપરી અથવા અનિવાર્ય ક્ષણમાં તમારા નસીબે અચાનક તમને તે જંગલનો નકશો મળે છે, હવે કહો તમારા માટે તે ઘનઘોર જંગલ સર કરવું કેટલું સરળ બની જશે??? આજ રીતે બાળકના વ્યક્તિત્વ રૂપી જંગલને સમજવા માટે પણ તેની પ્રોફાઈલ આપણા માટે નકશાની ખોટ પૂરી પાડી આપણા શૈક્ષણિક કાર્યને સરળ અને સાથે-સાથે સફળ બનાવવામાં ખૂબ-ખૂબ-ખૂબ મદદ કરે છે.

&    બાળકોની પ્રોફાઈલ બનાવતા સમયે કયા-કયા મુદ્દા ધ્યાને રાખીશું??

પ્રોફાઈલ બે થી ત્રણ પ્રકારની જોવા મળે છે....

[૧] વહીવટી કારણસર બનાવેલ પ્રોફાઈલ- આ પ્રોફાઈલ એવી મોટી શાળાઓમાં નિભાવવામાં આવે છે જ્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં બાળકો અભ્યાસ કરતાં હોય અને કેમ્પસ પણ મોટું હોય, આ પ્રોફાઈલનો 
મુખ્ય હેતુ બાળકની ઓળખ પૂરતો સીમિત હોય છે.
[૨] જે તે ફોરમેટમાં સ્થાનિક પરિસ્થિતિને આધારે ફેરફાર કાર્ય વિના જ નિભાવેલ પ્રોફાઈલ- આ પ્રોફાઈલ ઉપરોક્ત કક્ષાએથી સામૂહિક પરિસ્થીતીને ધ્યાને લઇ બનાવેલ ફોરમેટના પ્રમાણે જ નિભાવવામાં આવે છે, જેમાં સ્થાનિક પરિસ્થીતી કે સ્થાનિક શૈક્ષણિક આયોજન માટે જરૂરી બાળકની વિગત/માહિતી/રસ-રૂચી વગેરેનો સમાવેશ અને સમયાંતરે અપડેટ પણ કરવામાં આવતાં નથી અથવા તો ન કરી શકાય – તેથી જ તે માહિતી-પત્રક બની જાય છે, ઘણી ખરી આપણી પ્રાથમિક શાળાઓમાં આવી જ પ્રોફાઈલ જોવા મળે છે જે શૈક્ષણિક કાર્યમાં મદદ ઓછી અને વર્ગખંડોની દિવાલોની શોભા વધુ બની રહે છે.

[૩] બાળક અને શિક્ષણ વચ્ચે સેતુનું કામ કરી શિક્ષકશ્રીના કામને સરળ અને સફળ બનાવતી પ્રોફાઈલ- આ પ્રોફાઈલમાં ઉપરોક્ત બંને પ્રોફાઈલમાં દર્શાવેલ માહિતીનો સમાવેશ તો હોય છે તે ઉપરાંત બાળકોની એવી વિગતો/કાર્યશક્તિ/વિશેષતાઓ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય છે જે આપણને જે તે બાળક સાથે શૈક્ષણિક કાર્ય કરવામાં માટેની ભૂમિકા તૈયાર કરવા માટે મદદ કરે છે. જેમ કે કોઈ બાળકનું પ્રિય ફળ સફરજન છે તો તેને સફરજનના ટુકડા વડે બાદબાકી-સરવાળા-અપૂર્ણાંક-સરખામણી-આકાર વગેરેની સમજ બનાવાવનો મોકો અપાય તો કેવું?

આપ પણ વેકેશન દરમ્યાન તમારા વિચારો અથવા તો પ્રોફાઈલનું ફોરમેટ અમને મોકલી શકો છો.  અમારો ઉદેશ્ય છે કે દરેકના અસરકારક મુદ્દાઓ વડે આપણે શાળામાં બાળકોની એક એવી સારી પ્રોફાઈલ તૈયાર કરીએ કે જે આપણા શૈક્ષણિક કાર્યને સરળ અને અસરકારક બનાવી શકે.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નવી પ્રોફાઈલથી

              બાળકોની પ્રોફાઈલ અને તેણે કરેલ  પ્રવૃત્તિઓનું સંગ્રહ સ્થાન - “બાળ-પોર્ટફોલિયો” 

 

April 01, 2011

અંધશ્રધ્ધાળુ સમાજ કે વિજ્ઞાન અને ટેકનોલોજી ??


વિજ્ઞાન અને ટેકનોલોજી” વિષયની ઉપેક્ષા એ પરોક્ષ રીતે ભવિષ્યમાં 
વધુ અંધશ્રદ્ધાળુ સમાજ પેદા કરી શકે છે. 


     વિજ્ઞાન અને ટેકનોલોજી  એ પર્યાવરણ વિષયનો ઉત્તરાર્ધ જ છે, આપણી આસપાસના પર્યાવરણમાં બનતી ઘટનાઓના નિયમોને વ્યાખ્યાઓમાં ફેરવી સાબિત કરવા એટલે જ વિજ્ઞાન ટેકનોલોજી. ઉપલા ધોરણોમાં આ વિષયનું એટલું જ મહત્વ છે જેટલું ધોરણ-૧ થી ૪ના અભ્યાસક્રમમાં માતૃભાષાનું મહત્વ છે. આ વિષય ધ્વારા બાળકો રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓ/ક્રિયાઓ કેમ અને કેવી રીતે???? તેના કારણો અને નિયમો જાણે છે.

   બાળપણથી જ ગ્લાસ વડે ડોલમાંથી ગ્લાસ વડે પરપોટા રમતો બાળક ધોરણ પાંચના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના અભ્યાસક્રમનો આધાર લઇ સમજે/જાણે છે કે હવા જગ્યા રોકે છે.


નાનપણથી જ પડઘાની મજા માણતો બાળક ધોરણ પાંચમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયની સમજ મેળવ્યા બાદ પડઘા માટે જરૂરી પરિસ્થિતિ અને તે માટેના જરૂરી નિયમોને જાણી પડઘો એટલે અવાજનું પરાવર્તન એમ બોલતો થાય છે. 

 ધોરણ-૬ના વિજ્ઞાન અને ટેકનોલોજીના એકમ મૂળ,પ્રકાંડ અને પર્ણના કાર્યોજાણે છે ત્યારે શાળાના બગીચાના છોડને પાણી કેમ મૂળમાં જ પાઈએ છીએ તે સમજે છે,

    
    ધોરણ સાતના વિજ્ઞાન અને ટેકનોલોજીના અભ્યાસક્રમના આધાર લઈ બાળક સમજે છે કે સ્વાદ પારખવા આપણે જીભનો ફક્ત ઉપયોગ જ કરીએ છીએ, સ્વાદ કયો છે તે તો જીભ નહી પણ તેમાં રહેલા સ્વાદચેતા ધ્વારા મગજ જ નક્કી કરે છે.
   
ગણિત અને વિજ્ઞાન અને ટેકનોલોજી આ બે વિષયો એવા છે કે જો બાળકોના પ્રાથમિક શિક્ષણમાં આ બે વિષયની ઉપેક્ષા થાય તો તે બાળકોના આગળના અભ્યાસ દરમ્યાનના અભ્યાસક્રમમાં સંકલન સાધવું કેટલીકવાર મુશ્કેલ અને મોટેભાગે અશક્ય બની જાય છે, એટલે કે તેનું પરિણામ બાળકે આગળના અભ્યાસમાં ભોગવવું પડે છે. [કદાચ વગર વાંકે ] વિજ્ઞાન અને ટેકનોલોજી વિષય માનવ જીવન માટે ખૂબ જ અગત્યનો છે, આપણી આસપાસ કેટલાક લોકો વિજ્ઞાનના પ્રયોગો ને ચમત્કારો” તરીકે ચીતરી વિજ્ઞાનથી અજાણ સમાજને છેતરવા માટેના વાડોલીયા ઉભા થયેલા નજરે પડે છે.જો આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયમાં કાચા પાયાવાળા બાળકોનું સર્જન કરીશું તો તેના બદલામાં આગામી વર્ષોમાં આપણને હજુ વધુ અંધશ્રદ્ધાળુ સમાજ મળશે અને તેનું પરિણામ તો છેલ્લે આપણે અને આપણી પેઠીએ જ ભોગવવું પડશે.


પ્રવૃત્તિ- ભૂચર આહારકડી [ધોરણ-૭,પાન નં.-૧૯૪]


કેટલા રે કેટલા ...........તમે કહો એટલા.....
શિક્ષકશ્રીએ આપેલ સૂચના મુજબ જોડી બનાવતા બાળકો......
અરે યાર હું તો આઉટ થઇ  ગયો..........
અમારી  જોડી બની ગઈ..........
  મારી જોડી બની ગઈ કે નહી??

વિજ્ઞાન અને અંધશ્રદ્ધા વિશે તમારું શું કહેવું છે? [કોમેન્ટમાં લખો]

પરીક્ષાને તમે કેવી નજરથી જુઓ છો??



પરીક્ષાને તમે કેવી નજરથી જુઓ છો??



     એપ્રિલ માસ એટલે પરીક્ષાનો માહોલ !! જેની તૈયારી માટે તો આપણે અને આપના બાળકો કમર કસવા લાગી ગયા છીએ,પણ ધીમે-ધીમે પ્રાથમિક શાળાના બાળકો માટે એક anty-exAMMM. વાતાવરણ શિક્ષણ જગતમાં છવાતું જાય છે, ઘણા બાળ-માનસ શાસ્ત્રીઓ અને પ્રાથમિક શિક્ષણ શાસ્ત્રીઓ પણ પરીક્ષાને અનિષ્ટ માની ૬ થી ૧૪ વર્ષની કુમળી વય ઉપર પરીક્ષા રૂપી ઘા ન કરવાની તરફેણ કરી રહ્યા છે. મોટાભાગનાનું માનવું છે કે પ્રાથમિક ક્ક્ષાએ પરીક્ષા જેવું કઈ હોવું જ ન જોઈએ.કારણ કે ૩૦ બાળકોના વર્ગખંડની પરીક્ષાના પરિણામમાં પ્રથમ નંબરનો આનંદ અનુભવનાર  એક જયારે હતાશા અનુભવનાર ૨૯ બાળકો હોય છે.છેવટે બાળકો શિક્ષણ પ્રત્યે હતોત્સાહિત બની જાય છે. પણ ક્યારે અમને એમ થાય છે આટલા વર્ષોથી અને તે સમયના શિક્ષણશાસ્ત્રીઓએ પ્રાથમિક શિક્ષણ જગતમાં પરીક્ષા દાખલ કરતા સમયે કંઇક તો વિચાર કર્યો જ હશેને !! કદાચ બની શકે છે કે પરીક્ષા દાખલ કર્યાથી આજદિન સુધીના સમય ગાળામાં કદાચ તે સમયે જે તર્કથી પરીક્ષા દાખલ કરેલ હોય તે તર્ક પછીના  આજના તર્ક વચ્ચેના સમયગાળામાં કોઈ દુષણ ઘર કરી ગયું હોય. મારો પહેલો પ્રશ્નએ છે કે “ બાળકોની વાત છોડો,જો પ્રાથમિક કક્ષાએ પરીક્ષા ન હોય તો શિક્ષકશ્રીએ તે બાળકને જે તે વર્ષ દરમ્યાન કેટલું શિક્ષણ કે માર્ગદશન આપ્યું છે તે માટેનો માપદંડ કેવી રીતે મેળવી શકીશું??[શિક્ષકમિત્રએ પૂરેપૂરી ફરજ નિભાવી છે કે તે માટેનો માપદંડ] કદાચ જો તમે એમ કહો કે પરીક્ષા ભલે પણ પરિણામ બાળકોને જાણ ન કરવી!! તો પછી કોઈ કારણસર ૩૫% કરતા ઓછા માર્ક્સ એટલે કે કોઈ કારણસર કોઈ વિષયમાં વધુ પડતો નબળો દેખાવ કરનાર બાળકની શૈક્ષણિક સારવાર માટેનો સમય કયો??[ કારણ કે ધોરણ-૮ સુધી પરીક્ષા નહી તો નાપાસ પણ નહી]
Ø  હવે તમને કહીએ અમારો પરીક્ષા વિશેનો તર્ક
કદાચ બની શકે છે કે પહેલાના શિક્ષણશાસ્ત્રીઓએ જે નજરથી  શિક્ષણમાં પરીક્ષા દાખલ કરી હોય તે દ્રષ્ટિકોણ  ધીમે-ધીમે સમય જતા બદલાઈ ગયો હોય???
દા.તરીકે તમારો પોતાના બાળક તેણે આપેલ પરીક્ષાનું પરિણામ પત્રક લઈને તમારી પાસે આવે છે, તેના માર્ક્સ જોઈ તમારૂ વાક્ય શું હશે?? કે મારા બાળકે પરીક્ષામાં ૭૦% આવ્યા,એટલે કે મારો બાળક ફલાણા વિષયમાં ૭૦% આવડ્યું/શીખ્યો. હવે આ બાળકના ૭૦% સાચા ત્યારે જ કહેવાય જ્યારે તે બાળકને તેના વિષય શિક્ષકશ્રીએ જે તે વિષયનું ૧૦૦% માર્ગદર્શન આપ્યું હોય. પણ જો તે બાળકના તે વિષય શિક્ષકશ્રીએ તે વિષયનું ૭૦% જ માર્ગદર્શન આપ્યું હોય તો ??? તો ખરેખર તે બાળકના માર્ક્સ કેટલા ગણાય???
હા, ખરેખર પરીક્ષા બાળક માટે નથી હોતી, પરીક્ષા હોય છે તેને માર્ગદર્શન/શિક્ષણ આપવા માટે રોકેલ વેતનદાર વ્યવસાયકારો માટે! એટલે કે જે તે વિષય શિક્ષકો માટે.
 હવે વાત નંબર-૨ તમારો પોતાના બાળકે  તેણે આપેલ પરીક્ષાનું પરિણામ પત્રક લઈને તમારી પાસે આવે છે, તેના માર્ક્સ જોઈ તમારૂ વાક્ય શું હશે?? કે મારા બાળકને ફલાણા વિષયની પરીક્ષામાં ૭૦% આવ્યા,એટલે કે મારા બાળકને  ફલાણા વિષયમાં ૭૦% આવડ્યું/શીખ્યો,આપણે આપણા બાળકના પરિણામને આ નજરથી જોઈએ છીએહવે પરીક્ષા દાખલ કરનાર તે સમયના શિક્ષણશાસ્ત્રીઓ આ બાબતને કદાચ અગલ નજરથી જોતા હોય કે તમારા બાળકને જે તે વિષયમાં ૭૦% જ આવડ્યું છે તેમ નહી પણ  તે વિષયના શિક્ષકશ્રી તમારા બાળકને જે તે વિષયમાં ૭૦% જ શીખી શકાય તેવું વાતાવરણ સર્જી શક્યા છે. હવે તમે જ કહો આ પરિણામ પત્રક  કોનું કહેવાય ?? તમારા બાળકનું કે તેના વિષય શિક્ષકશ્રીનું?? પરીક્ષા કોની થઇ કહેવાય??
જો આમ જોઈએ તો પરીક્ષા બાળકોની નહી પણ તેના શિક્ષકોની હોય છે, અને જે તે શાળાના બાળકોના પરિણામ પરથી જે તે શાળાના શિક્ષકશ્રીઓએ ખરેખર પ્રમાણિકતા પૂર્વક કરેલ મહેનતનો અંદાજ લગાવી શકાય છે.

હવે તમે જાતે નિર્ણય કરો કે શું પ્રાથમિક શાળાઓમાં પરીક્ષાઓ જરૂરી છે???

જો “હા” તો પરિણામ બાદ હતાશા અનુભવનાર બાળકોનું શું? અને કદાચ પરીક્ષા બાદ જો પરિણામ બાળકોમાં જાહેર ન કરીએ તો જે તે વિષયમાં નાપાસ અથવા નબળા બાળકોનું શું?
અને
જો “ના” તો પછી શિક્ષકમિત્રોએ વર્ષ દરમ્યાન બાળકો પાછળ કેટલી મહેનત કરી છે ,તે  માપવા માટેનું અન્ય કોઈ માપદંડ તમારા ધ્યાનમાં છે?
*******************************************************************************************************

ï જરા,તમારી શાળામાં નિરીક્ષણ તો કરજો !!!!

દરરોજ આનંદિત અને હળવાશ ભર્યા રહેતા આપણી શાળાના વાતાવરણને પરીક્ષાઓના દિવસો પહેલા અને પરીક્ષાઓના સમય દરમ્યાન કોણ ગંભીર અને સ્ટ્રેસભર્યું બનાવી દે છે???


વાલીઓ....... બાળકો.... કે પછી.....શિક્ષકો 


[કોમેન્ટમાં ચોક્કસ લખજો]  

March 22, 2011

એકલવ્ય

જોઈને જ સમજી જવાય તેવું આ "નાટક દર્શન" છે અને અમારા બાળકોનો પ્રયત્ન પણ તેટલો જ અસરકારક છે !  તમારા બાળકો આ ફોટોગ્રાફ્સ ફક્ત જોશે તો પણ એકમને પૂરેપૂરો જાણી લેશે તેવું અમે માનીએ છીએ,  વિચારો કે જે વસ્તુ જોવાથી આટલું સરળતાથી સમજી શકાતું હોય તો તેને જાતે ભજવીને અનુભવવાથી  કેટલું સરળ રીતે સમજી /શીખી શકાય !!!!
સાથે-સાથે  એ પણ જોઈ શકો છો કે નાટકમાં બાળકોની વેશભૂષામાં તમામ એવી જ  વસ્તુઓનો ઉપયોગ કર્યો છે દરેક શાળામાં અથવા તો બાળકની આસપાસ સરળતાથી મળી શકે.
???????
?????????
 ???????
??????????
 ????????
???????
 ?????????
 ?????????????
???????????

[ વેશભૂષામાંથી એક પણ વસ્તુ એવી બતાવો કે જે તમે  અથવા તો તમારા બાળકો શાળામાં ઉપલબ્ધ ન કરી શકે!!!!]

March 17, 2011

શાકભાજીનો રાજા કોણ ?

આપણી  સામાજીક મનોરંજન વ્યવસ્થા સાથે રામલીલા,કઠપૂતળી ,ભવાઈ,શેરીનાટકો વગેરે હજારો વર્ષોથી જોડાયેલા છે. જેનો ક્રમશઃ વિકાસ પણ થઇ રહ્યો છે. જેનું સ્થાન આજે મોટેભાગે સિનેમાઘરોએ લીધું છે, સિનેમા પણ એક નાટકનું જ સ્વરૂપ છે, આજના ઝડપી યુગમાં કદાચ લોકોને કલાકારોની નાટકની ભજવણીના સમયે જોવાનો સમય ન હોય તો નિર્માતા તે નાટકની ભજવણીનું રેકોર્ડીંગ કરી તેની પ્રિન્ટ સિનેમા-ઘરો  સુધી અથવા તો તેની કેસેટ આપણા ત્યાં સુધી પહોંચતી કરે તેનું નામ "સિનેમા ઉદ્યોગ"!!! નાટક, ભવાઈ વગેરે  મનોરંજન અને સાથે-સાથે સામાજીક રીત રીવાજો અથવા તો અન્ય કોઈ પણ  જ્ઞાતિ,જાતિ,સમાજ કે રાજ્યમાં ઘર કરી ગયેલ કુપ્રથા/દુષણ સામે  લોકોને  ઉજાગર કરવાનું સાધન ગણાય છે.તમે વિચારોને કે હજારો અને લાખો વર્ષોથી ચાલી આવતી આ નાટક,ભવાઈ,રામલીલા વગેરેમાં  એવું  કઈંક તો હશે જ ને કે જેના કારણે આ બધું આજદિન સુધી  જીવંત છે અને સાથે-સાથે તેનો અન્ય સ્વરૂપમાં વિકાસ પણ થઇ રહ્યો છે,અમે માનીએ છીએ કે આ માટેનું  કારણ તેની લોકો પરની સચોટ "અસરકારકતા" જ હોઈ શકે છે. આવી જ એક ભવાઈ કરી [ભજવી ] અમારા બાળકોએ જે નીચે  જોઈ સમજી શકીએ છીએ....... 
અમારી નાનકડી "schoolywood" ના અભિનય સમ્રાટો 
અમારા બાળકો વિવિધ શાકભાજીના વેશમાં ...
"અરે સાહેબ, મારી વાડીના શાકભાજી એવા વિવાદમાં પડ્યા છે કે,આપણામાંથી રાજા કોણ?-રામજીકાકા 
"અમારી જાત દરેક શાકમાં ભળે,અમારી ટામેટાની જાતમાંથી ચુંટણીમાં હું ઉભો છું"- ટપુ ટામેટો 
"રાજા કે રંક,અમે બધાને સંગ, હું છું ડુંડીબહેન ડુંગળી-તમારો મત મને જ આપજો "
"શાક અમારૂ બને રસદાર માટે અમને બનાવો રાજા"-હું છું રામૂ રીંગણ 
"બધી જ જગ્યાએ અને બધા જ પ્રસંગમાં મારૂ શાક તો હોય જ !-બચૂ બટાકો  
"અમને ખાઓ લીલા કે સૂકા,કાઢી નાખીએ ભલભલાના ભૂકા- હું છું મધુ મરદ "
મતદાન થઇ જવા દો પછી ખબર પડશે -રંગલો 

આમ તો કહેવત છે કે "જો તન્દુરસ્તી રાખવી હોય તાજી, તો ખાવા જોઈએ બધા જ શાકભાજી" પણ હવે શાકભાજીના રાજા માટેની ચુંટણી થઇ છે તો પરિણામ તો આવશે જ પણ....  
[તમારા મતે શાકભાજીનો  રાજા કોણ હોઈ શકે? કોમેન્ટમાં જરૂર લખજો]

March 12, 2011

નાટક- માણસ પરખાય વાણીથી

પ્રાથમિકશાળામાં બાળકોની  કક્ષાએ નાટકમાં જરૂરી છે 
"presentation"  નહી કે  "perfection"

આપણે કોઈ પણ કામ કરીએ તો તે પરફેક્ટ જ હોવું જોઈએ.
              - આ વાક્ય આમ તો જીવનમાં અનુસરવા જેવું છે,પણ કેટલીક બાબતો આમાં અપવાદરૂપ હોય છે. જેમ કે  જો તમે તમારા વર્ગખંડમાંના બાળકો ધ્વારા કોઈ બાળ-નાટક કરાવવા માગતા હો તો ઉપરના વાક્યને પહેલા તો વાળીને ખિસ્સામાં મૂકી દેજો. બાળકો રોલ ભજવે તે પરફેક્ટ હોવો જોઈએ , બાળકોની વેશભૂષા પરફેક્ટ હોવા જોઈએ. આવું બધું પરફેક્ટ જ થવું જોઈએ નહી તો નાટકનો શું અર્થ? એમ વિચારીને આપણે નાટક પદ્ધતિનો ઉપયોગ કરવાનું  ટાળીએ છીએ, અને પરિણામે પરોક્ષ રીતે બાળકોમાં રહેલ અભિનય કૌશલ્યનું બાળ-મરણ કરીએ છીએ.[કેટલીક વાર તો મારાથી નહી થાય  અમારી શાળાએ ભજવેલ નાટકોમાં તમે જોશો કે બાળકોએ કરેલ વેશભૂષામાં ઉપયોગ કરેલ તમામ વસ્તુઓ મોટેભાગે આપણી શાળામાં અને બાળકોના ઘરે હાથ વગી હોય તેવી જ છે. અને જ્યાં અમને જે જગ્યાએ કોઈ ન મળેલ ચીજ વસ્તુની ઉણપ લાગી છે ત્યાં અમારૂ કામ “પીળા કલરની નેઈમ પ્લેટોએ પુરૂ કરી દીધું છે, બાળકો તો કોઈ બાળક પર “સાધુ-મહાત્મા” લખેલું વાંચશે પછી ભલેને દાઢી કે માળા ન હોય તો પણ પ્રેક્ષકોની નજરમાં તો “સાધુ-મહાત્મા’નું ચિત્ર ખડું થઇ જ જશે. તમે ફોટોગ્રાફ્સમાં જ જૂઓને કે બાળકોએ કરેલી વેશભૂષામાં વાપરેલ વસ્તુઓ શું તમારી શાળામાં કે બાળકો પાસેથી ન મળી રહે? સાચું કહું તો આ બાળકોને ચીજવસ્તુઓની અમે યાદી જ આપી હતી અને જે વસ્તુઓ બાળકોને ન મળી તેની ખોટ પૂરી કરવા અમે નેઈમ પ્લેટોનો જ  ઉપયોગ કર્યો છે. 
એક ઝાડ નીચે એક અંધ સાધુ-મહાત્મા બેઠા હતા...........
સાધુ મહાત્મા પાસેથી પસાર થતા બે ચોર.......................
"અરે એય સાધુડા! તે અહીંથી કોઈને ભાગી  જતાં જોયો કે ??- સિપાહીઓ  
"મહારાજ, અહીંથી હમણાં કોઈ ગયું કે ? - દિવાનજી 
"પ્રણામ", સાધુમહાત્મા ,હમણાં  અહીંથી કોઈ ગયું કે?- રાજા 
અમારી ધોરણ-૩ની ટીમ  [કેપ્ટન સાથે]

અમારા બાળકોનો પ્રયત્ન તમને કેવો લાગ્યો ? 
[કોમેન્ટમાં ચોક્કસ લખજો]

March 09, 2011

આપણા મનોમંથન માટે-Wash your Ideas!!

· બાળકોમાં ચિરસ્થાયી શિક્ષણ આપતી,પરંતુ કોઈ કારણસર આપણી પ્રાથમિક શાળાઓની શિક્ષણ પદ્ધતિમાંથી અલિપ્ત થઇ રહેલી નાટક પદ્ધતિ” માટે કંઈક તો વિચાર કરીએ !!!!

નાટક: શાકભાજીનો રાજા કોણ?-નું એક દ્રશ્ય 
       થોડાક વર્ષો પહેલાની જો વાત કરીએ તો નાટક એ સમાજ જીવનનું એક અંગ ગણાતું હતું, ગામે-ગામ નાટક મંડળીઓ અને નાટકો ધ્વારા લોકોના મનોરંજન કરાતા,નાટકો ધ્વારા છોડાયેલ સંદેશ ખૂબ જ અસરકારક હોઈ સરકારશ્રીઓ પણ લોકજાગૃતિનું માધ્યમ તરીકે ગણા કાર્યક્રમોમાં નાટક મંડળીઓનો ઉપયોગ કરતી. નાટક ધ્વારા મેળવેલ શિક્ષણ એ અનુભવેલું શિક્ષણ ગણાય છે, તમે જો બાળપણમાં કદાચ જો નાટકમાં કોઈ રોલ ભજવ્યો હશે તો તે તમારા માનસપટ પર આજ દિન સુધી તાજું હશે, અરે!તમારા સાથીદારના ડાયલોગ પણ કદાચ તમને યાદ હશે. કારણ એક જ છે કે અનુભવેલું જિંદગીભર યાદ રહે છે. આપણા પ્રાથમિક શિક્ષણના ઘણા વિષયો અને તેમાંના એકમો એવા છે કે જેમાં નાટક પદ્ધતિ જ અસરકાર રીતે તે એકમ બાળકને શીખી શકે છે,પરંતુ આપણે તેવા એકમોને ચર્ચા કે વાર્તા પદ્ધતિ ધ્વારા પૂરો કરી કામ કર્યાનો સંતોષ માની લઈએ છીએ.અત્યારે  શિક્ષણમાં નાટક પદ્ધતિનો ઉપયોગ કેટલા ટકા થાય છે તે તમારે જાણવું હોય તો તમારી આજુબાજુની ૧૦ શાળાઓનું નિરીક્ષણ કરી ગુણ્યા દસ કરી ટકાવારી કરી જોજો !
ધોરણ-: ૩ "માણસ પરખાય વાણીથી " નું એક દ્રશ્ય .......
કોણ કહે છે કે પાથરણું ફક્ત બેસવાના જ કામમાં આવે છે? કેટલીકવાર તે પહેરવાના કામમાં પણ આવે છે..
ધોરણ-: ૫ "એકલવ્ય" નું એક દ્રશ્ય..


શું બાળકોને નાટક જોવું ગમતું હશે? નાટક ભજવવું ગમતું હશે? તમે ભજવેલ નાટક તમને યાદ છે ?
[ કોમેન્ટમાં લખો]