July 31, 2024

અભ્યાસિકસહાભ્યાસિક

અભ્યાસિકસહાભ્યાસિક

આ અભ્યાસિક કહેવાય અને આ સહ અભ્યાસિક; આ શૈક્ષણિક કહેવાય અને આ ઇતર. ઘણાં વર્ષોથી આપણા મગજમાં આ ખાનાંઓ સજ્જડ બની ગયાં છે. આપણે જ્યાં જીવન જીવીએ છીએ ત્યાં (ઔપચારિક) શિક્ષણનો ઉપયોગ થતો નથી અને શિક્ષણ હોય ત્યાં જીવનને પ્રવેશવા દેતા નથી.કુદરતે અખંડ રચેલી આ ધરતીને માણસ પોતાના હિસ્સો માની વાડ કરવા માંડે તેમ શીખવાના આ વાડા ક્યાંથી આવ્યા?

સામાન્ય રીતે વાતવાતમાં ભારતીય સંસ્કૃતિથી પોરસાઈ જઈએ છીએ પણ આપણને એ મૂળ ભારતીય શિક્ષણ વ્યવસ્થા ન જાણે કેમ યાદ આવતી નથી? જ્યારે કોઈ એક સમયે કોઈ એક વિષય શીખવાનો નહોતો ! 

  • આશ્રમ કે મહાવિદ્યાલયના કેટલાંક કામ કરવાનાં હતાં.
  •  પોતાના પરિવેશમાંથી સમસ્યાઓ શોધવાની હતી. 
  • તે કેટલા ઉકેલ  મળી શકે તેની જૂથમાં બેસી  ચર્ચા કરવાની  હતી. 
  • તે પૈકી કયા ઉકેલ થઈ શકે એવા છે અને સમષ્ટિ માટે ઉચિત છે તે પસંદ કરવાનું હતું. 
  • એ ઉપાયો પૈકી સૌથી ઉત્તમ ઉપાયને પસંદ કરી તેનું આયોજન કરવાનું હતું.
  • એ સમસ્યાનો ઉકેલ કરવાનો પ્રયત્ન કરવાનો હતો.

આ આખી પ્રક્રિયા દરમિયાન કોઈ વાડાબંધી વગર બધા વિષયો શીખતા જવાતા હતા. આ વ્યવસ્થા આગળ પૂર્ણવિરામ કોણે મૂક્યું ?

મેકોલે - નામ તો સૂના હોગા !?

જેણે ચોક્કસ વ્યવસાય માટે જ શિક્ષણ એવી વ્યવસ્થાઓ ઊભી કરી બાળકોને ચાર દીવાલોની અંદર પૂરી દીધાં અને આપણને અફસોસ તો એ વાતનો હોવો જોઈએ કે આપણે સૌ આટલાં વર્ષો પછી પણ એ દીવાલો તોડવાનું તો ઠીક નીચી કરવાનું પણ વિચારી શકતા નથી.  આપણે  જાણે કે એ સમજવામાં અક્ષમ થઈ ગયા છીએ કે શિક્ષક સમજાવ્યા કરે એટલે નહિ શીખવા માટે શીખનારે સક્રિય થવું પડે !  આપણે જ આપણી આ અક્ષમતા દૂર કરવી પડશે.

કેવી રીતે કરીશું ? ધીમે ધીમે શાળાનું સંચાલન વિદ્યાર્થીઓને સોંપતા જઈએ. શરૂઆતમાં એમને અને આપણને મુશ્કેલીઓ પડશે કારણ કે બંને પક્ષે એ રીતે સંચાલિત શાળાનો કોઈ પૂર્વાનુભવ નથી.

આપણી શાળામાં આ રીતે સંચાલન વ્યવસ્થા માટે ચાર જૂથની રચના થઈ પછી એમને થોડો સમય લીડર ઉપલીડર વગર શાળા સંચાલન કરવા દીધું.. એટલે જૂથ પોતે પોતાના પૈકીમાં કોનામાં લીડરશીપના ગુણ વધુ છે તે પારખી શકે. ત્યારબાદ જૂથના લીડર અને ઉપલીડરની ચૂંટણી કરી. આ ચૂંટણીએ અમને આઠ લીડર - ઉપલીડર સિવાય અમારો ચૂંટણી અધિકારી તુષાર પણ  અમને આપ્યો. ચૂંટાયેલા આઠે સભ્યોએ એ જ દિવસે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટેનું આયોજન કરવાનું તુષારને - મુખ્ય ચૂંટણી અધિકારી જાહેર કરીને સોંપી દીધું. અત્યાર સુધી એ પ્રક્રિયામાં એક શિક્ષક પણ ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા રહેતા પરંતુ આ વર્ષે તેઓને લાગ્યું કે તેઓ જાતે જ કરી લેશે.

તુષારે  તેની એક ટીમ બનાવી. બધાંએ મળી ચૂંટણી કરાવવા માટે કયાં કયાં કામ કરવાનાં થશે તેની યાદી તૈયાર કરી. સૌથી લાંબુ કામ હતું મતદાર યાદી તૈયાર કરવાનું. ગત વર્ષ સુધી આધાર ડાયસ પરથી બધા વિદ્યાર્થીઓની યાદીની પ્રિન્ટ આઉટ લઈ લેવાતી - એ જ અમારી મતદાર યાદી બની જતી હતી. પરંતુ એમણે આ વખતે નક્કી કર્યું કે ધોરણ વાર - ગ્રુપ વાર યાદી તૈયાર કરવી જોઈએ.

કમ્પ્યુટરમાં ટાઈપિંગની જે પ્રેક્ટિસ કરી હતી એના આધારે એમના પૈકી ઘણાની આંગળીઓ હવે કીબોર્ડની કી બરાબર ઓળખતી થઈ ગઈ છે. ગૂગલે ડૉક  શીખવામાં એમને 15 મિનિટ જ લાગી. એક આખી ટીમ મંડી મતદાર યાદી તૈયાર કરવા. અમારા એટલે કે શિક્ષકોના ભાગે કમ્પ્યુટર કૌશલ્યની વાવણીને હવે લહેરાતી જોવાના આનંદ લેવા સિવાય બીજું કોઈ કામ રહ્યું નહોતું !

ચૂંટણી પંચે ચૂંટણી જાહેર કરી.  ઉમેદવારો જુદા જુદા આઈડિયાઝ વિદ્યાર્થીઓ સાથે - એસએમસીના સભ્યો સાથે - શિક્ષકો સાથે ચર્ચા કરવા લાગ્યા. કેટલાકને લાગતું કે શાળામાં જે ઈંટ રેતી વગેરે થોડું નકામું જાય છે તે નકામું ન જવું જોઈએ. તો કોઈકને થતું કે જ્ઞાનસેતુ અને જ્ઞાન સાધનામાં હજુ ઓછા વિદ્યાર્થીઓ મેરીટમાં આવે છે. તો કોઈકને વળી કબડ્ડી ખોખો જેવી રમતોમાં રાજ્ય સુધી ન પહોંચવાનું ખટકે કોઈકને વળી શાળાનું બંધારણ નો ડ્રાફ્ટ બની ગયો હોય તો એ હજુ રજૂ કેમ નથી થતો  તેની ફિકર થતી! એમ સૌ પોતપોતાના આવા મેનિફેસ્ટો સાથે મથવાનું શરૂ કર્યું. 

ચૂંટણીનો દિવસ આવ્યો અને એટલો વરસાદ કે સવારથી જ અમારા આ પ્રથમ વખત ચૂંટણી કરતા અધિકારીઓ વિમાસણમાં પડ્યા કે હવે શું કરીશું

પરંતુ તેઓએ તેમના તરફથી તૈયારી શરૂ રાખી અને એવા વરસાદી માહોલમાં પણ ચૂંટણી યોજાઈ ગામના સરપંચથી લઈને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ સૌએ મતદાનમાં ભાગ લીધો. મતદાન પ્રક્રિયા દરમિયાન મતદાન મથકના અંદરના દૃશ્યો હૂબહૂ આપણને સૌને આપણી ચૂંટણી વખતની સ્થિતિની યાદ અપાવે તેવાં હતાં. અમારા નીતિનને તો ભૂખ પણ લાગી હતી અને ફરજ પણ બજાવવાની હતી અને એના કારણે તેણે જે રીતે પોતાનો નાસ્તો પૂરો કર્યો એ જોવા જેવું  હતું. મતદાન પૂરું થયું પછી બધાને તાલાવેલી પરિણામની હતી. પણ મતદાન પ્રક્રિયા જ સાડા પાંચ સુધી ચાલી એટલે ગણતરીની તારીખ બીજા દિવસની થઈ. 

ચોગાનમાં સૌ ભેગાં થયાં. એક પછી એક મત નીકળતો જાય બોર્ડ પર કાપા વચ્ચે હરીફાઈ શરૂ થઈ. આ હરીફાઈમાં તેમના સૌ વચ્ચે જળવાયેલી રહેલી મૈત્રી જોઈને હૈયે ટાઢક વળતી. એકબીજાને વાહ - ઉદઘાટન - આવ્યો આવ્યો - એક મત આવ્યો…. જેવા શબ્દો વડે એકબીજાને પ્રોત્સાહિત કરતા રહ્યા. અડધી ગણતરી પછી પરિણામ નક્કી જેવું થયું એટલે ઉમેદવારોએ જીતનારને અભિનંદન આપવા શાળાબાગમાંથી છડી બનાવવા માંડી. જીત જાહેર થઈ. 

પ્રમુખ - ઉપ પ્રમુખને સૌથી પહેલાં અભિનંદન તેમના જ હરીફોએ આપ્યા… ને પછી નાનકડું સરઘસ નીકળ્યું…એમની આ મસ્તીની વચ્ચે આપણા ભવિષ્યની હસ્તી રહેલી લાગી.. કે તેઓ જ આ સહજતા રાખી શકે અને આપણનેય એ સહજતા શીખવી શકે. 

જોઈએ આ પ્રમુખ - ઉપપ્રમુખની ચૂંટણીની પ્રક્રિયાનાં દૃશ્યો…