બાળકોની ચિંતા કરતો સમાજ અને સમાજની ચિંતા
કરતાં બાળકો !
સમાજમાં અસરદાર મેસેંજર કોણ ? એવો
પ્રશ્ન થતાં જ સૌની આંખો બાળકો તરફ સ્થિર થાય છે દરેક ઘરમાં સૌથી ધીમે બોલાવા છતાં, મોટેથી
સંભળાતો અવાજ તે ઘરનાં બાળકોનો હોય છે. બાળકો કેવી રીતે કહે છે, તે
ક્યારેય કોઈ ધ્યાને લેતું નથી. પરંતુ શું કહેવા માગે છે? તે
સૌ સરળતાથી સમજી જતાં હોય છે. માટે જ સમાજમાં બાળકોનો મેસેજ પરફેક્ટ જે તે
ફોર્મેટમાં પહોંચતો હોય છે.
ગામ આખાનો અને ઘરેઘરનો એક એક પ્રતિનિધિનો સમૂહ
એટલે શાળા. તેથી જ સમાજમાં જ્યારે જ્યારે જાગૃતિ લાવવા માટેની કસરત થતી હોય ત્યારે
શાળાને પહેલી યાદ કરાય છે, તેના માટેનું કારણ બાળકો છે. તેથી જ ઓછા સમયમાં
વધુમાં વધુ લોકો સુધી પોતાની વાત પહોંચાડવા માટેનું માધ્યમ તંત્રની દૃષ્ટિએ “ગામની
શાળા” જ
છે. સમાજમાં આવી પડેલી મુસીબતમાં ઉપાયો તરીકે પહેલી હરોળમાં આપણે સૌ એટલે કે શાળા
યાદ આવવાનું બીજું એક મોટું કારણ “શિક્ષક” છે ! પહેલાંના જમાનામાં [ અને ક્યાંક ક્યાંક
આજે પણ ] શિક્ષક એ ગામના/ સમાજના માર્ગદર્શક તરીકેના વ્યક્તિઓમાં અગ્રિમ હરોળમાં
સ્થાન ધરાવતો. જેનો બોલ ખરેખર બોલ બચન સોરી 😀 વચન
તરીકે ગણાતું. તેનું કહ્યું સૌ કોઈ માનતાં ! અને હા સ્થાનિક લેવલે જે તે
વ્યક્તિને તેની સમજણ મુજબ વાત સમજાવવામાં આપણે સૌ અનુભવી પણ હોઈએ છીએ. જ્યાં
શિક્ષક તરીકે છીએ.. તેમનાં બાળકોને ઉછેરીએ, કેળવીએ અને આનંદિત રાખીએ છીએ એટલે જ તો તેઓને
તેમના સારા માટે કઇંક સૂચન કહી શકવાનો હક પણ આપણો છે અને વ્યવસ્થા તંત્રની દૃષ્ટિએ
જોઈએ તો અપેક્ષિત છે કે ફરજ પણ આપણી છે. શિક્ષક તરીકે શાળા એટલે મારો પરિવાર કહીએ
ત્યારે શાળામાંના બાળકોના પરિવારને શાળાના પરિવારથી અલગ ન ગણી શકાય ! એટલે જ
જ્યારે વાયરસ હોય કે વાવાઝોડું , મુસીબત કોઈ પણ સ્વરૂપે આવતી દેખાય એટલે માણસ
તરીકે સૌથી પહેલી ચિંતા પોતાના પરિવારની થાય તે સ્વાભાવિક છે ! શાળાનો પરિવાર
વિશાળ એટલે ચિંતા પણ વધુ !
શાળાને દૃષ્ટિએ પણ જોવી જોઈએ, “રોજેરોજ
ભેગા થતા માનવસમૂહનું સ્થાન” - ગામમાં રોજેરોજ સૌથી વધારે વ્યક્તિઓ ભેગી થતી
હોય તેવું કોઈ સ્થળ હોય તો તે “ગામની શાળા”. તેવામાં વાયરસરૂપી રોગચાળો હોય કે કેટલીક
વોટ્સેપ મેસેજરૂપી અફવાઓ - આ બધાની સક્રિયાતને અટકાવી જરૂરી અને સાચી દિશામાં
માહિતી વધુ ઝડપથી ફેલાવી શકવાની તાકાત પણ શાળા જ ધરાવે છે. કારણ ઘરે ઘરનો - શેરી
મહોલ્લાનો વાહક આપણી પાસે છે ! અને હા, આપણે અગાઉ કહ્યું તેમ તે વાહક તેના પરિવારનો
અસરકારક મેસેન્જર તો છે જ !
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના એક ગામમાં
ચાંદીપુરા વાયરસના સમાચાર સાંભળ્યા પછી બાળકો દ્વારા ચર્ચવામાં આવતાં ભિન્નભિન્ન
પ્રકારની વાતો સાંભળ્યા પછી થયું કે ખરેખર આ અંગે બાળકો સાથે ચર્ચા કરવી જોઈએ.
નક્કી થયા મુજબ આરોગ્ય વિભાગની વેબસાઇટ પરથી શાળાએ મેળવેલ માહિતીને બાળકો પોતે
સમજી શકે અને વાલીઓને સમજાવી શકે તે ફોર્મેટમાં ઢાળી તેમની સાથે આ અંગે વિગતે
ચર્ચા કરી ! જયદેવ અને નિલમે આજનાં રૉકસ્ટાર બની પ્રાર્થના સભામાં બાળકોને વિગતો
સમજાવી. જેમાં વાયરસ કોણ ફેલાવે છે ? કેવી રીતે ફેલાવે છે ? ચેપ
લાગે તો લક્ષણો કેવાં હોય ? ન લાગે તે માટે શું કરવું ? ત્યારબાદ
નાગરિક ઊઘડતર ગ્રુપનાં લીડરોએ પોતાના વિભાગના શાળા કેમ્પસના ભાગને ચેક કરી
મચ્છર-માખીનો ઉપદ્રવની શક્યતાઓવાળી જગ્યાઓ નિશ્ચિત કરી તેમાં બળેલા ઓઇલવાળો પ્રયોગ
કર્યો. આ ઉપરાંત દરેક ગ્રુપે વૉલેન્ટિયર ફાળવ્યા.જેમનું કામ ગામમાં જનજાગૃતિ
માટેનું હતું !
તેઓએ
ફેસિલેટર શિક્ષક સાથે મળી ગામમાં નાગરિકો સમજી શકે તેવી સરળ ભાષા માટે ચિત્રચાર્ટ
તૈયાર કર્યાં. આખી શાળાએ ગામમાં જઈને વાયરસની માહિતીનો ઢંઢેરો પીટ્યો ! તો
વૉલેન્ટિયરોએ દુકાનો પર જઈ જનજાગૃતિ માટે ચિત્ર ચાર્ટ સાથે સરળ ભાષામાં
વાયરસથી બચવા માટેનું પ્રેઝન્ટેશન કર્યું ! તો દરેક બાળક “પોતાના
અને આસપાસના ઘરની તિરાડ પૂરો અને વાયરસથી બચો !” સાથેની માહિતી સાથે ઘરે પહોંચ્યો.
શાળા અને બાળકોના પ્રયત્નોની નોંધ મીડિયા ચેનલોએ લીધી તેનો આનંદ ! પણ વધારે આનંદ રોજેરોજ બાળકો નાગરિક ઘડતર દરમ્યાન કેમ્પસમાં પોતાના વિભાગમાં મચ્છર ન થાય તે માટે લેવાતી તકેદારી જોઈને થઈ રહ્યો છે. ચાલો માણીએ, આવેલી આફતમાં બાળકોને જવાબદારીઓ સોંપી કેળવવાના અવસરને ! ક્લિક કરો અને માણો
No comments:
Post a Comment