બાળકોનાં વધામણાં - પ્રવેશોત્સવ !!
શાળા શરૂ થઈ ગઈ છે. બાળકો અને શાળા પરિવાર ખૂબ જ મજાથી એકબીજા સાથે ભળી શૈક્ષણિક ગાડીમાં મુસાફરી કરી રહ્યા છે. દૂરદૂર સુધી કોરોનાનો ઓછાયો દેખાતો નથી. સૌ મજાથી મળી અને શીખી રહ્યા છીએ. ઉજવણીઓ થઈ રહી છે.
આવી ઉજવણી પૈકીની પ્રવેશોત્સવની આ વર્ષની ઉજવણી માટે જરા વધુ ઉત્સાહ હતો. કારણકે શાળાની શરૂઆતમાં શાળાની દિવાળી જેવો ગણાતા આ તહેવાર એવા પ્રવેશોત્સવની છેલ્લા ત્રણ વર્ષની વાત કરીએ તો એક વર્ષ વાયુ વાવાઝોડું નડયું તો પછીના બે વર્ષ સુધી કોરોનાનું વિઘ્ન આવ્યું. બીજી બાજુ સમાજની વાત કરીએ તો વાલીઓ માટે આ મહત્ત્વના દિવસ હોય છે. વાલીઓ માટે આ ક્રિયા બાળક શાળામાં દાખલ થાય છે. એટલું જ ન રહેતાં તેમની આગામી પેઢી શિક્ષિત થવા એટલે કે કેળવણી મેળવવા જઈ રહી છે. સમાજ પણ શાળા પાસે એટલો જ અપેક્ષિત હોય છે કે અમે આપેલ ભવિષ્યના નાગરિકો શાળામાં કેળવાઈને પરત આવશે.
આ વખતની ઉજવણીમાં બધા વાલીઓને ઉત્સાહ હતો કારણ કે તેમાં બાળકોની સિદ્ધિઓ શાળા સમાજ સામે મૂકવાની હતી. રમત ગમતમાં રાજ્ય કક્ષાએ ગયેલ દીકરીની વાત હોય કે જિલ્લા કક્ષાએ વકતૃત્વ સ્પર્ધામાં ગયેલ દીકરાની વાત હોય ! રાજ્યકક્ષાએ કે જિલ્લાકક્ષાએ, તાલુકા કે ક્લસ્ટર કક્ષાએ જ્યાં જ્યાં જે જે બાળકોએ ખૂબ સારું કર્યું છે તેને સમાજ સામે મૂકવાનો દિવસ હતો. પોતાનાં સામે પોતાના બાળકોનું બહુમાન થાય એ આનંદ આપે જ. વાલીઓની આ લાગણી અમે સૌ સમજતાં હતાં. એટલે જ ઉજવણીનો વધુ સમય બાળકોની સિદ્ધીઓને સમાજ સામે મૂકવામાં ગઈ.
બધી જ જગ્યાએ પ્રવેશોત્સવ સમયે સૌથી કેન્દ્રમાં હોય છે. બાળકોને પ્રવેશ આપવાની પ્રક્રિયા. અમારે મન આ કેન્દ્રમાં નહોતું. એવું નહોતું કે આવનાર બાળકો માટે અમને ઉત્સાહ નહોતો. એટલા માટે કે બાળકોનો આ "માસ" તો છેલ્લા ઘણા માસથી અમારી વચ્ચે જ રમતો હતો. રોજ મળતો હતો, કાલીઘેલી વાતો કરતો હતો. એટલે જ એનો મોટો ફાયદો હતો કે અમે એમની શક્તિઓને પહેલેથી જ જાણતાં હતાં. અને એટલે જ શાળામાં પ્રવેશના પહેલા દિવસે જ્યારે ઘણાં બાળકો માતાનો ખોળો છોડતાં ન હોય અને છોડે તો પણ ચહેરા પર હાસ્ય ગુમ હોય એવું બધું થવાને બદલે પ્રવેશપાત્ર બાળકો જ અભિનય ગીત રજૂ કરીને પોતાના પ્રવેશની ઉજવણી કરતાં હતાં. જાણે કે ઉજવણીઓ કરવામાં આજથી જ આ બાળકો પગભર ન થઈ ગયાં હોય !
એમને જોઈને એમના વાલીઓ આનંદમાં હતાં અને અમે નિશ્ચિંત ! ચાલો જોઈએ એમની સ્વઉજવણી ગીતને !