March 27, 2022

બાંધો ના બંધન !!!

બાંધો ના બંધન !!!

તાસ બદલાતાં વોશરૂમની મુલાકાત એ આપણી હતી (શિક્ષકોની) એમ હવે  ઘણાં બાળકોની ટેવ બની ગઈ છે. એવી જ મુલાકાતથી પરત રસ્તામાં ધોરણ પહેલાની પૂર્વીએ બૂમ પાડીસાહેબ, જૂઓ મેં લખી દીધું. મેં જાતે જ લખ્યું.”  “અરે ! બહુ મસ્ત મસ્ત લખ્યું છે ને તેં !” – શિક્ષકે વહાલથી કહ્યું. શિક્ષકનું કામ ત્યાં તેનું લખેલું સાચું ખોટું ચેક કરવાનું નહોતું પણ તેણે જેટલા હકથી બૂમ પાડી અને જેવા પોતીકા ભાવથી શિક્ષકને બતાવ્યું તેટલા હક અને ભાવથી રિસ્પોન્સ કરવાનું હતું.

પ્રાન્સી, જીની, જીમી ક્લાસરૂમના દરવાજા પાસે ગણગણતાં હતાં. શિક્ષક નજીક જઈને ઊભા રહ્યા ત્યારે સ્પષ્ટ સંભળાવવા લાગ્યું. ત્રણ દશ એટલે ત્રીસ થાય. તું ફરીથી ગણએવું  પ્રાન્સી તેની બહેનપણીને સમજાવી ફરીથી ગણાવતી હતી. શિક્ષકે કહ્યું, "તું ગણી બતાવ."  તો કહે, "આ તો ખૂબ સહેલું છે. મને તો આવડે છે, પણ જિમીને નથી આવડતું. એટલે તેને ગણવાનું છે."

આવું તો રોજનું થઈ ગયું છે. તો તમને થશે કે પછી આજે અને અહીં કહેવાનું કારણ ? તો કારણ એ જ કે..

આપણે સૌ શાળામાં શિક્ષક તરીકે કામ કરી રહ્યા છીએ. પરંતુ બારીકાઈથી જોઈએ તો આપણો રોલ આપણી શાળામાં જેટલાં બાળકો ભણે છે તે તમામના શિક્ષક તરીકેની ભૂમિકા હજુ આપણા ધ્યાને આવી નથી. આપણી શાળાઓમાં શૈક્ષણિક સત્રની શરૂઆતમાં વહીવટી સરળતા અંતર્ગત શાળામાં ફરજ બજાવતાં સભ્યોના ધોરણ અથવા વિષયની ફાળવણી થતી હોય છે. અને તે શાળાવ્યવસ્થા માટે જરૂરી પણ છે. તેમાં જ્યારે કોઈકને ધોરણ 3 થી 5 ની ગુજરાતી સોંપાય છે ત્યારે તે બાળકોની ભાષા અંગેની જવાબદારી જેની તેની બને છે. પરંતુ જો એ શિક્ષક પોતાને '3 થી 5ના બાળકોના શિક્ષક' તરીકેના વાડામાં બાંધી દેતો પછી તે શાળામાં ટીમના સભ્ય તરીકે સારું કરી શકતો નથી. બાળકો એ  બાબતમાં આપણા વડીલ  છે.

આપણને વહીવટીમાં તે બાળકને ભણાવવાનું ફળવાયું હોય કે ન ફળવાયું હોય બાળક શાળા સ્ટાફના બધાં જ ને પોતાના શિક્ષક તરીકે જ જોતો  હોય છે. એટલે જ તો પહેલા ધોરણની પૂર્વી કોઈપણ શિક્ષકને બૂમ પાડી પોતાનું લખેલું બતાવે છે. રિશેષમાં રમત રમતમાં થયેલો વિગ્રહની ફરિયાદ નજીકમાં હાજર કોઈપણ શિક્ષકને બાળકો કરી દેતાં હોય છે. તેવામાં જો શિક્ષક તરીકે જો કોઈ તેનું ધોરણ પૂછી તેના શિક્ષકને ફરિયાદ કરવા જવાની સલાહ આપે તો સમજો કે તે શાળામાં નહીં પણ ધોરણના વાડામાં બેઠો/બેઠી છે. કારણ કે તમે શાળા કેમ્પસમાં કોઈ પણ બાળકને કોઈ કામ ચીંધો છો ત્યારે બાળક તમને તમારું ધોરણ નથી પૂછતો. કેમ ? તેને મન તો આખી શાળા એ એની પોતાની અને બધાં જ શિક્ષકો એ પોતના શિક્ષકો છે. એટલે જ તો બાળક માટે  “ભગવાનનું સ્વરૂપએવો શબ્દ વપરાયો છે. ચાલો આપણે આવી નિખાલસતા કેળવી ભગવાનનુંબાળકનું સ્વરૂપ”  બનીએ.

તો શું કરવું જોઈએ? વિધ્યાર્થીને વિધ્યાર્થી નહીં માણસ ગણીએ, તેને તેના ચોક્કસ વિષયના / ધોરણના શિક્ષક નહીં માણસ તરીકે મળીએ

       શાળામાં પ્રવેશતાં જ સામે મળતાં બાળકો સામે જોઈ આનંદ વ્યક્ત કરીએ. (અને પછી સમજાશે એક સ્માઇલનો જાદુ ️)

       રોજ બે ચાર બાળકોને શું ખાધુંઘરે શું કર્યું? ની વાતો કરીએ.

       પોતાને ફળવાયેલા ધોરણ સિવાયના ધોરણના બાળકો સાથે તેમણે કરેલી પ્રવૃત્તિઓની ચર્ચા કરીએ. (આ શરૂ કરીએ તો ધીમે ધીમે શાળામાં ઓગળવાની શરૂઆત થઈ જશે.)

       પોતાના ધોરણના બાળકોના અન્ય ધોરણમાં મિત્રો હોય તેમની મિત્રતા કરીએ.

       શાળાના કોઈપણ ખૂણામાં (શાળામાં જ શું કામ? ક્યાંય પણ) કોઈ ઉદાસ દેખાય તો તેને પૂછો, “શું થયું, ભાઈબંધ?/બહેનપણી?”

       (બીજું શું શું કરી શકાય….ઉમેરણ કરતા રહો…)

શું કહો છો ? 'મારું ધોરણ' કે 'મારો વિષય' એવા વાડાની વાડ તોડવા જેવી છે કે નહિ?

No comments: