December 26, 2021

મુસાફરીની મજા!


મુસાફરીની મજા!



બાળકોની ભાષા સમૃદ્ધ કરવા માટે તેની સાથે પુષ્કળ વાતો/ સંવાદ કરવો જોઈએ એવું કહેવામાં આવતું હોય છે. પરંતુ આપણે મોટેભાગે જોઈએ તો વર્ગખંડમાં આપણે તેની સાથે સંવાદ નહીં, પરંતુ એક તરફી તેનામાં ભાષા રેડયા  કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. બાળક જેટલું સાંભળે એટલું/એવું બોલી શકે. હવે જ્યાં બોલવાની તક ઓછી મળતી હોય ત્યાં ભાષા સમૃદ્ધ થવી એ એક મુશ્કેલ બાબત છે. 

 આપણી પાસે છે, તેટલું જ તેની પાસે જાય હવે આમાં બાળકોનું શબ્દ ભંડોળ વધે અને તેની સાથે વધુ સંવાદ થાય તે માટે શું કરવું એવું પુસ્તકોમાં  કહેવામાં આવે છે ત્યારે એવી પ્રક્રિયાઓ વર્ગખંડમાં આપમેળે થતી હોય છે.  પરંતુ આપણે જ અવાજ ન કરો અવાજ બંધ કરો/ વાતો ન કરો આવા રોડા નાખી તેમના ભાષા વિકાસને અટકાવતા હોઈએ છીએ. 

એ વાત જુદી છે કે જ્યારે શિક્ષક  ના હોય ત્યારે બાળકો એકબીજા સાથે અવનવી  રીતે વાતો કરતા હોય છે. બાળકોના આ સ્વભાવનો  લાભ લઈ આપણે કોઈ એવો મુદ્દો એમનામાં છોડી દઈએ અને એકબીજા સાથે વાતો કરવા દઈએ  તો આપણી મર્યાદાથી મર્યાદિત રહી જતું શબ્દભંડોળ એની જાતે જ એક બીજા સાથે  ચર્ચામાં વધતું જાય છે.  અને આવી રીતે વધેલું શબ્દ ભંડોળ જ બાળકની ભાષા સમૃદ્ધ બનાવે છે. આવી તકો આપણે વર્ગખંડમાં ઉભી કરવી પડશે. બાળક આપણી સાથે જ વાત કરે તેવો આગ્રહ રાખતાં બાળકો એકબીજા સાથે વાતો કરે એવી પ્રવૃત્તિઓ પર વધારે ભાર મુકવાથી જ બાળકોની ભાષા સમૃદ્ધ બને છે. 

એ જ રીતે તેઓ બોલે તે આપણા વિચારોમાં અયોગ્ય  ખોટું છે એમ લગાતું હોય તો એ ખોટું છે એમ કહેવાને બદલે એ તેવું કેમ માને છે ? તેમ પૂછી વધુ બોલવા કહેવું. (અને એ રીતે ભાષાને વધુ શાર્પ કરી રજુ થવાનો મોકો આપીએ.) આપણા મનમાં પૂર્વેથી જ રચાયેલા જવાબો એ ભાષા નથી, ભાષા એ કે એવા જવાબો સુધી પહોંચવા વખતે થતી મુસાફરી છે.  >   મજા લઈએ અને મજા લેવા દઈએ આ મુસાફરીની ! 


December 22, 2021

તમને આવો અનુભવ છે ?


તમને આવો અનુભવ છે? 


બાળકો કેવી રીતે શીખે છે ? એ તમે જેટલા વ્યક્તિઓને પૂછશો એટલી રીતો સાંભળવા મળશે. ઘણીબધી રીતો જાણવા મળશે. અવનવી પદ્ધતિઓ  જાણવા મળશે. તમે જાણેલી એ બધી રીતભાતથી તમારા વર્ગખંડમાં પરિણામ મળશે જ ? એવો જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે 100% ગેરંટી મળવી મુશ્કેલ હોય છે.  તેનું કારણ છે કે તે જે તે વર્ગખંડમાં શિક્ષકને ત્યાં થયેલા અનુભવોના આધારે કાઢેલા રસ્તાઓ હોય છે. તેથી ત્યાં તે સફળ એટલે રહ્યા કે તેમણે તે અનુભવ્યું છે. વ્યવસાયમાં આ કહેવત હંમેશા  સાંભળતા હોઈએ છીએ કેજ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી

સમાજમાં કોઈ વ્યક્તિ વ્યવસાયમાં કઈક નવીન સાહસ કરવાની વાત કરે ત્યારે સૌથી પહેલો પુછાતો પ્રશ્ન પણ આ જ છે તને આ વ્યવસાયનો અનુભવ છે? – કારણ એ જ કે સમાજમાં અનુભવને રાજા ગણવામાં આવ્યો છે. અનુભવ ધ્વારા જ નવું શીખવા પર સમાજમાં ભાર મૂકવામાં આવ્યો છે. એટલે જ તો નાની ઉંમરે બાળકને દુકાને મોકલતી  માતા કહેતી હોય છેએને અનુભવ થાયને !” - “ઘડાયને !ખેતરમાં ભાત આપવા કે ઘરના વ્યવસાયનું નાનું કામ બતાવતા પપ્પાનો પણ આ જ ડાયલોગ હોય છે ને ?! 

શાળામાં ચાલતી સહાભ્યાસિક પ્રવૃત્તિઓમાં જ્યારે બાળકોને સામેલ કરીએ છીએ ત્યારે આપણને બાળકોના એ અનુભવ આધારિત જ્ઞાનનો જ લાભ મળતો હોય છે. પ્રયોગ માટે તૂટી ગયેલા કસનળીના સ્ટેન્ડને ઊભું કરવાનું કામ શાળામાંના વિદ્યાર્થીઓ પૈકી સુથારી કામ કરતા વાલીનો બાળક ખૂબ સારી રીતે કરી લેતો હોય છે. આ બાબત દરેક બાળકો પર લાગુ પડતી હોય છે. તેનું કારણ તેમને સમાજે આપેલ અનુભવ છે. 

સમાજમાં જેનું આટલું મહત્વ છે તેવાઅનુભવની બાબતોમાં શાળા કેમ્પસમાં કેટલું સ્થાન છે તે એક વિચારવા જેવી બાબત છે. અનુભવો આપી ઘડાયેલા બાળકોના કૌશલ્યોનો લાભ આપણે લઈએ છીએ. તેવી રીતે શાળામાં આપણે બાળકોને સ્વાનુભવ કરાવી તેનો લાભ સમાજને મળે તે બાબતમાં પણ વિચારવું પડે કારણ કે જ્ઞાન એટલે ફક્ત જાણેલું એટલું જ નહીં જાણ્યું + અનુભવ્યું = જ્ઞાન.  

બાળકોમાં જાણવાની રુચિ બાય ડિફોલ્ટ હોય છે. વિજ્ઞાનમાં તો એનો આપણે સૌ ભરપૂર ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ આપણા પ્રયત્નોમાં થોડી કચાશ જોવા મળે છે તેને અનુભવ કરાવવાની. ઉષામાં વહન કરે છે તે સાંભળવું. લખવું જોવું અને અનુભવવું આ બધી અલગ અલગ બાબતો છે. આવી બાબતો આપણે કહીએ છીએ અને તે જાણી સમજી લે છે એવું માનીએ ત્યારે નકશામાં હવા ખાવાના સ્થળ પર ફરી આવવા જેટલો જ આનંદ અને અનુભવ મળતો હોય છે. ઉષા વહનનો વિડીયો બતાવવો એટલે જાણે પર્યટન સ્થળનો વિડીયો બતાવી / અલગ અલગ રાઇડ્સનો વિડીયો બતાવી આનંદ કરાવવા જેવુ છે. અનુભવનો કોઈ વિકલ્પ નથી. અને શાળાએ આપેલું જ્ઞાન સમાજમાં ત્યારે જ ઉપયોગમાં લેવાય છે જ્યારે તે અનુભવમાંથી પસાર થયો હોય. 

વિજ્ઞાન જે કહે છે તે સાબિત કરવાની જવાબદારી પણ આપણી જ છે. વિજ્ઞાને કહ્યું તેવું ત્યારે જ થાય છે જ્યારે તેની આસપાસના પરિબળો વિજ્ઞાન કહે તે મુજબના તે અનુભવી શકે. આ બાબતો ધ્યાનમાં રાખી જો બાળકોને શાળામાં જ અનુભવ ન કરાવીએ તો બને કે બહારના અનુભવ વખતે તેની સામે વિજ્ઞાનમાં આપણે કહેલું ખોટું પણ સાબિત થાય.  

એટલે જ જો બાળકોના શિક્ષણ કાર્ય સમયે જ આપણે થોડીક વધુ મથામણ અને દોડધામ બાળકોને સ્વાનુભવ કરાવવા માટેની કરી લઈએ તો શાળાનું શીખેલું સમાજમાં ખૂબ ઉપયોગી થશે. અને હા  અનુભવથી સમાજમાં બાળકોનું મૂલ્ય વધશે.

ચાલો એવા જ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત બળ અને દબાણ ને સમજ માટે  સ્વાનુભવ માટે મથતા ક્લાસને મળવા માટે નીચેના ફોટોગ્રાફ જૂઓ..















December 12, 2021

જૂથનો જાદુ


જૂથનો જાદુ 


વર્ગખંડની પ્રક્રીયામાં સૌથી અગત્યનું જો કોઇ પરિબળ હોય તો એ છે સૂચનાઓ. અહીંયા સૂચનાઓ એટલે શિક્ષક જે કરવા માટે કહે અને એ મુજબ બાળકોએ કરવાનું એ જસૂચનાઓનહીં, પરંતુ વર્ગવ્યવહારમાં વપરાતા શબ્દો/શબ્દ સમૂહો અથવા તો વાક્યો એ બધાને આપણે સુચનાઓ એમ કહીશું. 

એ સુચનાઓ જેટલી વધુ સ્પષ્ટ અને બધા માટે એક જ અર્થ ધરાવતી હોય એટલા વર્ગખંડો વધુ જીવંત. જો એમાં વધુ પડતી સૂચનાઓ શિક્ષકે આપવાની થતી હોય તો વર્ગમાં શીખવા માટેનો સમય તો શિક્ષક શું કરાવવા માંગે છે એ સાંભળવામાં અને સમજવામાં જ જતો રહે. 

પ્રાથમિક શાળામાં જે બાળકો આપણી પાસે આવે છે એ બધા ઘરે ટુંકી અને પુનરાવર્તિત સૂચનાઓ જ સાંભળવા, સમજવા અને પ્રયોજવા ટેવાયેલા હોય છે. જ્યારે આપણા વર્ગમાં દરરોજ તેમને નવી નવી રીતે ભાષાને ઉપયોગમાં લેવી પડે છે. આ કારણે જ વર્ગના કેટલાકની ગાડી આગળના સ્ટેશને પહોંચી ગઈ હોય તો કેટલાકની ગાડી હજુ શરૂ જ ના થઈ હોય એવું જોવા મળે છે.  શિક્ષકે / સાથી મિત્રોએ શું કરવા માટે કહ્યું એ જ સમજણ ના પડે. એટલે જ વર્ગ વ્યવહારમાં જૂથ કાર્ય અને જોડી કાર્ય માટે અપાતી સૂચનાઓ  વર્ગમાં એવી અવ્યવસ્થા કરે કે આપણને થાય કે મોટાભાગનો સમય તો આ ગોઠવણી કરવામાં જ જતો રહ્યો. 

આ સમસ્યાના ઉકેલ તરીકે શાળામાં દરેક વર્ગમાં પાંચ જૂથ બનાવ્યા છે. જૂથ રચનાત્મક રહે અને તે જૂથબંધી ના થાય એટલે શિક્ષક તરીકે અમે માત્ર પહેલાં પાંચ વિદ્યાર્થીઓ (કે જેમને અમે અલગ અલગ જૂથમાં વહેચી દેવા માગીએ છીએ) ને કહીએ કે તેઓ તેમના જૂથ માટે વારાફરતી એક એક સાથી માગે. (બાળકો રમત રમવાની ટીમ આ રીતે જ પાડે છે.) પરંતુ એમાં શરત એટલી કે જો એ માગનાર છોકરો હોય તો એને છોકરીઓમાંથી કોઈને ટીમમાં માંગી શકે અને જો એ છોકરી હોય તો છોકરામાંથી કોઈને માંગી શકે... એટલે દરેક જૂથમાં છોકરા છોકરીઓની સંખ્યા જળવાઈ જાય. (જેન્ડર ઇકવિટી જળવાઈ ગઈ)   એક એક સાથી માંગે પછી તેઓ પોતાના જૂથની જગ્યાએ  જઈ બેસી જશે અને હવે તેમના જૂથ વતી  હમણાં નવા ઉમેરાયેલા વિદ્યાર્થીઓ માગશે. (એટલે એક જૂથમાં કોઈ એક જ વિદ્યાર્થીની પસંદના કે તેના જ મિત્રો ના ભેગા થાય. (જૂથ રચનામાં સમાવેશન પણ જરૂરી છે.)

આ રીતે જૂથ બની જાય ત્યારબાદ તે જૂથના દરેક સભ્યને એક ટેગ આપી.  દરેક જૂથના સભ્યોને : યુધિષ્ઠિર, ભીમ, છોટા ભીમ, અર્જુન, સહદેવ , નકુલ, હનુમાન, ગણેશ એવા નામ આપ્યા છે. (જો તમારા વર્ગમાં આઠ વિદ્યાર્થીઓ હોય તો આવા આઠ નામ પસંદ કરી શકાય.) આમ, હવે વર્ગમાં પાંચ જૂથ છે અને દરેક જૂથમાં ઉપર કહ્યું એમ આઠ નામ ધરાવતા વિદ્યાર્થીઓ. 

આ વ્યવસ્થા કરવા આપેલી ત્રીસ મિનિટ ત્યારબાદની આપણી વર્ગની તમામ સૂચનાઓને સહેલી કરી નાખે.  જેમ કે તમે કહ્યું પેજ નંબર 15 પર આપેલી પ્રવૃતિ - 4 વિશે ચર્ચા કરો અને લખો. હવે દરેક જૂથ પોતે એક યુનિટ તરીકે વર્તે છે અને તે પરસ્પર તે મુજબ તેમ કરવામાં મદદ કરવા માંડે છે. 

તમે અમારા ફેસબુક/ યુટ્યુબ પર આ રીતે જૂથમાં ચર્ચા કરી જૂથ મુજબ પોતાનું કાર્ય વર્ગ સામે રજૂ કરતાં બાળકો જોયા જ હશે.  જૂથના સભ્યો અંગે જવાબદારી કવિતા  , ગાન અને તાળી આ જૂથ એ ફિક્સ જૂથ તરીકે તેમજ સતત પરિવર્તન જૂથ તરીકે  કાર્ય કરી શકે. જેમ કે તમે માત્ર એટલી સૂચના આપો કે પાંચેય જૂથમાંથી અર્જુન નીકળી જઈ ને છઠ્ઠું  જૂથ બનાવશે. તો એક જ સુચનામાં છઠ્ઠું જૂથ બની જશે. તમે પાંચેય જૂથના યુધિષ્ઠિર/ અર્જુન/ગણે એમ જૂથ બનાવવા માટેની સૂચના પણ આપી શકો. 

આ જૂથના સભ્યો એકબીજાને એકમ કસોટીમાં આપણા વડે અપાયેલી સૂચનાઓ વાંચી તે મુજબ ઉપચારાત્મક કાર્ય કરવામાં મદદરૂપ થાય. આ સિવાય પણ જુદા જુદા જૂથમાં જુદા જુદા દાખલા ગણવા/ પ્રશ્નો ઉકેલવા/ પ્રોજેક્ટ બનાવવા જેવા કાર્ય સોંપવામાં સરળતા રહેશે. અને વર્ગનો વધુ સમય બાળકો શીખવામાં આપી શકશે. 

આ જૂથને બીજી કઈ કઈ બાબતો સાથે સાંકળી શકાય તે અંગેના સૂચનો અમને જરૂરથી મોકલજો