October 31, 2020

વાવેલું ઉગે ત્યારે – વ્હાલું લાગે – લોન કટર !

વાવેલું ઉગે ત્યારે – વ્હાલું લાગે – લોન કટર !   

પોતાને મરજી ફાવે ત્યાં લખવા, વાંચવા અને રમવા ટેવાયેલા બાળકો માટે અને શાળાની સુંદરતા માટે મેદાનમાં પથરાયેલી લોન આનંદ આપતી. પરંતુ એ જ લોન કોરોના મહામારીમાં શાળા એ બાળકો માટેનું પ્રતિબંધિત સ્થળ છે એની ચાડી કરતુ હોય તેવું ભાસી રહ્યું હતું. શાળામાં વધી રહેલું ઘાસ આ વખતે માથાનો દુઃખાવો હતો. દર વખતે તો બાળકોનું તેમાં આળોટવું, રમવું, દોડવું વગેર જાણે કે લોન કટરનું કામ કરી જતું એટલે ભાગ્યે જ શાળામાં કટર વસાવવા માટેનો વિચાર કોઈને ય આવે.

બાળકો માટેનું અભયારણ્ય હવે શાળા નજીકના કોતરમાં વસવાટ કરતાં જીવજંતુઓનું અભયારણ્ય બની રહ્યું હતું. શાળા મેદાનમાં વધી ગયેલ ઘાસમાં દેખારો દેતા સાપ, પાટલા ગો વગેરે પણ અમને કહેતા કે  હવે આ ઘાસનું કંઈક કરો !ગામના વોટ્સ એપ ગ્રુપ ધ્વારા ગામમાં સંદેશો મોકલાવ્યો કે જેને જરૂર હોય તે કોઇપણ સમયે શાળાનો ગેટ ખોલી ઘાસ કાપી લઇ જઈ શકશે. એ મુજબ શાળામાં જનાવર ન સંતાઈ રહે તેટલું કામ તો થઇ જ ગયું. પરંતુ હવે લોનને સમતલ કરવાનું કામ શાળાએ કરવાનું હતું. લોન કટર મશીન લાવી દો ! – એવું કહેવું જેટલું સહેલું હતું એટલું  લાવવું સસ્તું ન હતું. બાળકો શાળામાં આવતાં હોય ત્યારે તો ભાગ્યે જ જરૂર પડે અને પડે તો પણ વર્ષમાં એક બે વાર જરૂરિયાત ઉભી થતી વસ્તુ માટે હજારો રૂપિયા ખર્ચવા એ પણ શાળાને યોગ્ય ન લાગ્યું. ભાડે લાવી કટીંગ કરાવી શકાય – એવું સૂચન મળતાં ફરીથી તે જ સૂચન ગામમાં મોકલ્યું. – તપાસ કરો કે ક્યાંથી ભાડે મળશે ? – કેટલે સુધીમાં મળશે [આમેય પાછા અમે કંજૂસ – શાળાનું કામ ઓછા ખર્ચે પતે તેવો આગ્રહ – કારણ બચેલ રકમ વડે બીજું કંઈક વધારે થાય.] એવામાં જ દેવ, રાજ અને અમરદીપ ની જુગાડ કંપની એ લોન કટર મશીન બનાવવાનો પ્રસ્તાવ મુક્યો – “એમાં હુ .. આ તો અમેય બનાઈ દઈએ !” – આ ડાયલોગ સાંભળ્યા પછી શાળાનો ધ્યેય બદલાયો.. હવે કટર મશીનનો ધ્યેય ગૌણ બની ગયો હતો અને અમારું ફોકસ બાળકોની એ બનાવવા માટેની પ્રક્રિયા પર હતું [તેમને આ બનાવવા માટે શીખેલા વિજ્ઞાનને ચોપડીમાંથી બહાર કાઢવું પડશે, જુદા જુદા માણસોની મદદ જોઈશે, તેમને મળીને આખી વાત સમજાવવી પડશે, કોની પાસેથી કેવી રીતે કામ કરાવવું તે શીખવું પડશે, ઈન્ટરનેટ પર સર્ચ કરવું પડશે.. જેવા કેટલાય પ્રયત્નો તેમનામાં ભળશે.]

હવે રોજ તેમના પ્રશ્નો આવતા અને શાળા તેમને ઉકેલના સ્ત્રોતો બતાવતી.. જરૂરી વસ્તુ શાળામાં ક્યાંથી મળશે એ તેમને અમને પૂછવાની કે અમારે બતાવવાની જરૂર જ નહોતી. ગામમાં જ રહેતી શાળાની ચાવી એ ગામની ચાવી તરીકે જાણીતી બની હોઈ – બાળકો શાળા ના સ્ટોર રૂમમાંથી ક્યારે શું લઇ ગયા એ તો તે માટે ઉપસ્થિત થતી મૂંઝવણ સમયે જ  શાળાને ખબર પડતી. બધું જ જાતે કરવું, કરતાંય આ બાળકો આ કામ કોણ સારી રીતે પાર પાડી શકશે તેવા ગામના વ્યક્તિઓને મળી તેમના સમયે  તે કામ પાર પડાવતાં. કેટલીકવાર રાત્રે શિક્ષક ને ફોન પર પોતાની થીયરી સમજાવતા અને તે મુજબ કારીગર પાસેથી કામ લેતા. શું કરતા –કેવી રીતે કરતા તે ચાલો તેમના જ મોઢે સાંભળીએ > શું કર્યું અને કેવી રીતે બનાવ્યું ?

સાથે જ આ ત્રણેયના આ પ્રયત્નને પ્રોત્સાહન આપવા માટે મીડિયાના મિત્રોનો પણ આભાર.





CLICK & WATCH > ON DASTAK NEWS 


CLICK & WATCH > DAILY HUNT NEWS

October 30, 2020

😷 "શીખવા" માટેની રસી શોધાઈ ગઈ છે ! 😷

😷 "શીખવા" માટેની રસી શોધાઈ ગઈ છે ! 😷



શિક્ષણ એ માનવ જીવનનું અભિન્ન હિસ્સો છે. આદિકાળથી વિકાસ પામતાં માનવ જીવનને કેળવવા માટેની પ્રક્રિયા એટલે જ શિક્ષણ. એટલે જ શાળાઓમાં બાળકોના હદય અને મનને કેળવવાની કસરત કરાવતું કેન્દ્ર પણ કહી શકાય. શાળાઓ બાળકોમાં સમુહમાં કેવી રીતે જીવવું અને તેમનામાં કેળવાયેલ સ્કીલનો કુટુંબ અને સમાજના વિકાસ માટે કેવી રીતે ઉપયોગ કરવો જેવા ગુણોનું ઘડતર કરતી હોય છે.

પરંતુ જયારે કેળવવું એવી વાત આવે ત્યારે વર્ગખંડોમાંની પ્રક્રિયામાં માહિતીપત્રરૂપી પાઠ્યપુસ્તક અને તેના ઉકેલો ધરી દેવા એ ફક્ત અધુરી પ્રક્રિયા સાબિત થશે. જેમ કે અગાઉના અંકોમાં કહ્યું છે કે બાળકને શીખવાડી દેવું કરતાં બાળકને શીખતો કરવો મહત્વનું છે. અને તેનું મોટું કારણ એ પણ છે કે આગળના અભ્યાસમાં તેને બધી જ જગ્યાએ એક સરખી સ્કીલ ધરાવતાં માર્ગદર્શક ન પણ મળી રહે ત્યારે જાતે શીખતો બાળક એ જ ગતિથી શીખતો રહેશે જેટલો તે અત્યારે તમારી પાસેથી શીખી રહ્યો છે.

વર્ગખંડોની પ્રક્રિયામાં બાળકોની પોતાની મથામણ એ જ આમ તો મોટું શિક્ષણ છે. આપણે બાળકને થોડી વિગતો માહિતી પૂરી પાડ્યા પછી કોઈ પ્રશ્ન પૂછીએ છીએ અને જવાબ શોધવા માટેની જે મથામણ કરે છે પોતાના મગજને કસે છે તે શિક્ષણ અથવા તો કેળવણીનો મહત્વનો ભાગ છે. એ સમયગાળો જેટલો લાંબો એટલો શિક્ષણની પ્રક્રિયા વધુ થઇ રહી છે તેવું કહી શકાય. આપણી ધીરજ અને કુનેહ વધુ કાર્યરત હોય તો જ તે શક્ય બને. ધીરજ એટલે બાળકને જવાબ માટે વિચારવા માટે પૂરો સમય આપવાની ઉદારતા અને કુનેહ એટલે જો લાગે કે જવાબ શોધવામાં વધુ વાર થઇ તો તે જવાબની નજીક લઇ જવા માટે કલુ આપવાની કુનેહ. પરંતુ જયારે વધુ સમયના અંતે પણ બાળક શોધી ન શકે ત્યારે ફક્ત જવાબ કહી છોડી દેવાને બદલે આ જવાબ કેમ અને કેવી રીતે -  તે કહેવું ખુબ જ મહત્વનું છે. કારણ કે પ્રશ્નનો જવાબ મળવો એ તો ફક્ત માહિતી છે. તે મળી જવાથી બહુ ફર્ક પડે કે ન પણ પડે પણ જવાબ કેમ અને કેવી રીતે એ જયારે સમજાવી છીએ તે તેને આગામી પ્રશ્નો અને વધારે કહું તો આગામી અભ્યાસકાળમાં શીખવા અને શોધવા માટે મથવાની પ્રક્રિયામાં આપણી ગરજ સારે છે. અને જો એકવાર બાળક ઉકેલ શોધવાની કળા શીખી જાય તો પછી તે ક્યાંય અટકશે નહિ તે અમારી ગેરંટી.  

તમને ખબર છે ?

આપણા ફેમિલી ડોક્ટર ઘણીવાર સલાહ આપતાં હોય છે કે નાની નાની બીમારીઓમાં દવા ગોળી લેવાનું ટાળો. તેના માટેનું કારણ એ પણ એ આપે છે કે આપણું શરીર એક ઑટો-રિએકટર છે. જેમ આપણા આ કોંપ્યુટરમાં ટ્રબલ શૂટ જાતે જ ટ્રબલ દુર કરવા લાગી જય છે તેમ આપણા શરીરમાંના બીમારીના કેટલાક કોયડા શરીર જાતે જ ઉકેલી નાખતું હોય છે. મજાની વાત એ પણ છે કે જયારે જયારે શરીર ઉકેલ માટે મહેનત કરે એમ એની પ્રતિકારક શક્તિ વધતી જતી હોય છે. જો આપણે બીમારી સામે શરીરને મથામણ કરવા દેવાની જગ્યાએ જેવી આપણે દવા ગોળી વડે શરૂઆત કરી દઈએ છીએ તરત જ રોગ પ્રતિકાર શક્તિ વધવાનું કામ પણ બંધ થઇ જતું હોય છે અને શરીર દવા ગોળી ભરોસે થઇ જાય છે. જો વ્યક્તિ આગોતરી કાળજીથી ડોક્ટરની ટીપ મુજબ પોતાની ઇમ્યુનિટી વધારવા કસરત વગેરેના ઉપાયો કરી લે છે. તો તે વ્યક્તિ પછીથી દરેક સમયે બીમારી સામે લડવાની શક્તિ મળી રહે છે. બાળકના શિક્ષણનું પણ આવું જ છે.

આપણે બાળકોને જયારે કોઇપણ વિષયવસ્તુની જરૂરીયાત મુજબની સમજ આપીએ છીએ પછી તેને તે અંગેનો કોયડો આપીએ છીએ. એ તેના મગજને મથામણ પેદા કરાવવા માટેની કસરત છે. આ મથામણ સમયે બાળકોનું મગજ જેટલું વધારે વિચારે છે તે જ શરીરની રોગ પ્રતિકારક શક્તિની જેમ મગજની તર્કશક્તિ પેદા કરે છે. આ પેદા થયેલી તર્ક શક્તિ બાળકના મગજમાં સેવ રહી હવે પછી મળનારા એવા જ પ્રકારના કોયડા સમયે કામ લાગે છે. છે ને પેલા વેક્સીન જેવું જ ? 

કોરોના એ આપણને ઘણું શીખવ્યું એમાં એક આ પણ છે... કે જો બાળકોને વર્ગખંડોમાં જાતે મથવા દીધા હોત તો લોકડાઉન સમયે હોમલર્નિંગમાં જાત મથામણ વડે જાતે જ શીખી રહ્યા હોત.    

October 27, 2020

“કોઈ જુએ કે ના જુએ.. હું મને જોઉ છું.” 👀

 

કોઈ જુએ કે ના જુએ.. હું મને જોઉ છું.” 👀

Å હેલ્લો, નીવ...તારે ગણિતની કસોટી લખાઈ ગઈ?”

Å “હા, સર.” (આના જવાબ અને અવાજ બંને સોફ્ટ જ હોય.)

Å “તો, આજે સાંજે સામાજિક વિજ્ઞાનની કસોટી લખી શકીશ?”

Å “કેમ સર?”

Å “તો, કાલે તારે સ્પેશિયલ આપવા ના આપવું પડે.. સવારે શાંતિલાલ સાહેબ લેતા આવે.”

Å “ના, સર. મે તારીખ લખી દીધી છે. અને એટલે એ જ તારીખે જ સામજીકની કસોટી લખીશ. આપવા આવી જઈશ.

બાળકોએ કેટલી બારીકીથી બાબતો પકડી છે તેના દર્શન અમને હવે થઈ રહ્યા છે. અમને એમ હતું કે એક દિવસમાં બધી કસોટી લખી દે તેના કરતાં રોજ એક એક લખે તો સારું.. (જેમ આપણને ડેડલાઇન નથી ગમતી તેમ તેમને ય ના જ ગમતી હોય ને !)  નીવ માટે આ ત્રણેય કસોટી લખવાનો કુલ સમય  બે કલાકથી વધુ ના હોય. એટલે તેને ઈછયું હોટ તો એ લખીને મોકલી શક્યો હોત, પણ તેણે બીજા ગામમાંથી સ્પેશિયલ કસોટી આપવા આવવાનું પસંદ કર્યું. ત્યારે સમજાય કે એકવાર નિશ્ચિત થયેલી બાબતોને બાળકો તેમની જરૂરિયાત મુજબ તોડતા કે મરોડતા નથી.

બાકી સામાન્ય રીતે આપણે સૌ (મોટેરાઓ)

  • નિયમનું પાલન કરવું કે ના કરવું ?
  • કયા નિયમનું પાલન કરવું?
  • ક્યારે પાલન કરવું અને ક્યારે ના કરવું?

તેનો આધાર તેમાં આપણે શું કરવું પડશે ? અથવા આપણને શું ફાયદો થશે તે મુજબ કરીએ છીએ. નિયમો જ નહીં આપણે તો દરેક બાબતમાં આપણને અનુકૂળ હોય તેવા અર્થઘટનો કરવા માટે ટેવાયેલા છીએ. અને તેથી જ  સામૂહિક કાર્યોમાં કેઓસ સર્જાય છે. કારણકે નિયમોની જરૂર માત્ર સામૂહિક જીવન માટે જ હોય છે. આવા સામૂહિક નિયમોમાં આપણે મોકો મળે એટલે તેમાંથી છીંડા શોધી અને તે નિયમને પોતાને અનુકૂળ બનાવવા માટે તત્પર બની છીએ. આમ કરવાથી સમાજની સામૂહિક ચેતનાને ધક્કો વાગે છે.. એ આપણને દેખાતું નથી. અને તેનાથી સમાજમાં જુદા જુદા તબક્કે અસંતોષ ફેલાતો જ રહે. કારણકે આ તો રોલર કોસ્ટર છે આજે જે ઉપર છે તે આવતીકાલે નીચે હશે ને જે નીચેથી ઉપર આવશે તે પછી પોતાની શક્તિઓનો ઉપયોગ નિયમમાં અનુકૂળતા શોધવા કરશે.

     ગયા માસની એકમ કસોટીમાં નિકુલ અને તરુણ જે ચોવીસ કલાક સાથે હોય તેવા ભાઈબંધ અલગ અલગ બેસી લખતા હતા. તો એકને ગીત ગાવાનું હોય તોય બીજીએ એની સાથે મૂંગા મૂંગા ઊભા તો થવાનું જ હોય એવી બે બહેનપણીઓ ભારતી અને મમતા એક જ ઓસરીમાં અલગ બેસી કસોટી લખતી હતી. કોઈ જોનાર ના હોય અને છતાં સામૂહિક હિત માટે નક્કી થયું હોય તેનું જતન કરતાં આવા બાળકોને જોઈએ ત્યારે શાળાએ કરેલી હ્રદયની કેળવણીનું મૂલ્યાંકન થઈ જાય છે. બીજી ઓકટોબરે વાવેલા ગાંધી આમ ફુટ્યા કરે છે.. ફૂટતા રહે.