📘 📖રોજનીશી - આપણો
ટી.વી. વાળો અમ્પાયર!!! 👐
😯“આ રોજનીશી લખવાથી શું થાય?”
“કેમ આજે, સ્કૂલમાં આવતાની
સાથે?”
😯 “પૂછું છું...કો’તો ખરા..કે શું થાય?”
“હા, પણ કેમ એકદમ
પૂછ્યું ? તે લખવાની શરૂ કરી કે શું?”
😯 “ના, અમારા ગુજરાતીના તાસમાં વાત થઇ એટલે...”
“સારું, આપણે વર્ગમાં વાત
કરીએ...બધા સાથે..”
અને એ તો ફરી પછી દોડી ગઈ..મેદાનમાં પાંદડા વીણવા.
મગજમાં વિચારો આવવા લાગ્યા કે, શું થાય ? કઈ ન થાય.
ના..ના..થાય તો ખરું..પણ આ બધાને કઈ રીતે સમજાવવું જોઈએ? પ્રાર્થના પછી વર્ગમાં જઈ પૂછ્યું કે “કંચના (સાચું નામ તો હેમાલી છે. પણ હજુ
પાંચમા ધોરણમાં શરૂ થયેલા નામ ચાલુ છે ! 😊 ) મને મેદાનમાં પૂછતી હતી..શું હતો સવાલ..?
😯 “શું યાર..ફરી.! .... રોજનીશી શું કામ લખવી જોઈએ ?” “ઓકે, રોજનીશી એટલે શું?”
“દિનચર્યા..”
😯 “દિનચર્યા...હમ્મ્મ્મ..તો દિનચર્યા એટલે શું ?”
“આપણે સવારે ઉઠીએ ત્યાંથી રાતે સુઈ જઈએ ત્યાં સુધી
કરીએ તે..”
😯 “તો એ લખીએ ? એમાં તો રોજ એનું એ જ આવે.. બહુ બહુ તો શનિવારે અને રવિવારે થોડો
સમય અને થોડા કામ બદલાય !”
“હા..પણ બીજુ ય લખાય ને ?”
😯 “શું બીજું?”
“એ નથી ખબર..”
“સારું એમ કહો કે આપણી બહાર જ બધું થાય છે? અંદર કઈ નથી થતું? રોજ એક સરખા મૂડમાં નિશાળ આવો છો કે જુદા જુદા ?
કોઈકવાર બહુ આનંદમાં હોઈએ...જોરથી ગૂડ મોર્નિંગ કહીએ..ને કોઈકવાર કોઈક બોલે એ ય ના
ગમે... કોઈકવાર દોડાદોડ કરવાનું થાય...ને કોઈકવાર એકાદ ખૂણામાં બેસી રહેવાનું..
થાય છે આવું ?”
“હા..એવું તો થાય..જ..ને.. કેમ એવું ના થવું જોઈએ ?”
“ના..જે થાય એ થવા જ દેવાનું હોય...પણ ક્યારે
ક્યારે તમને એવું થાય એ તમને ખબર છે ?”
😯 “ના.”
“તમારી સાથે જ થાય છે ને તમને નથી ખબર ! કોઈક દિવસ
યશવંતને નિકુલ સાથે લડાઈ થાય તો હવે નિકુલ સાથે વાત નહિ કરું...આમ....તેમ...એવો
ગુસ્સો...ને એ બધું હોય છે...તે દિવસે તેને નિકુલ સાથે ફરી દોસ્તી નહિ જ થાય તેવું
લાગે છે...પણ થોડાક દિવસ થાય પછી દોસ્તી થઇ જાય છે... થાય છે કે નહિ ? તમારામાંથી
કોઈ એવું છે કે જેણે એકબીજા સાથે લડાઈ ના થઇ હોય ?”
બધા ખાલી હસી પડે છે...
“યશવંત આ અનુભવે છે કે લડાઈ પછી દોસ્તી થાય છે..પણ
ફરી જયારે બીજા કોઈક સાથે લડાઈ થાય ત્યારે ફરી એ જ કે હવે આની સાથે વાત નહિ
કરું...ને ફરી ગુસ્સો..આખો દિવસ મગજ એમાં જ રોકાયેલું રહે...ને બીજી કોઈ વાતમાં
ભાઈનું ધ્યાન જ ના હોય ! ને મજાની વાત એ છે કે એમાં દિવસ બગાડે ને બે ત્રણ દિવસમાં
ફરી દોસ્તી તો થઇ જ જાય છે.”
આ વખતે....ખડખડાટ હાસ્ય...
“ક્રિકેટમાં અમ્પાયર મેદાન પર હોય...તેની સામે જ
બેટ્સમેન દોડે...ને અમ્પાયર નક્કી નથી કરી શકતો કે બેટ્સમેન રન આઉટ છે કે
નહિ..ત્યારે તે શું કરે ?”
“ટી.વી. વાળા અમ્પાયરને પૂછે...”
“ને એ શું કરે...
“એ ફરી જુએ...”
“કેવી રીતે?”
“સ્લોલી...જુએ...”
“તો એને શું થયું એ દેખાય છે?”
“હા, એ તો આપણને ય ખબર પડી જાય એવું ધીમું હોય...”
“યેસ, તો આપણે રોજ રોજ
લખીએ તો આપણે ય વર્ષ પછી, બે વર્ષ પછી કે વર્ષો પછી આપણી જિંદગીને સ્લો મોશનમાં
જોઈએ શકીએ... ફરી એવું કૈક બને ત્યારે આપણે આપણા જ અનુભવમાંથી શીખી આપણો વર્તમાન
ઉદાસીમાં રહેવાને બદલે..વિચારી શકીએ કે આ સમય પણ જતો રહેશે..એટલે રોજનીશી આપણો
ટી.વી. વાળો અમ્પ્યાર !”
નજીક બેઠેલા નીકુલની આંખ ચમકી ને મોઢામાંથી
નીકળ્યું...અહા !
ને વાત ત્યાં જ પૂરી કરી..જોઈએ હવે કેટલા પોતાના
દિવસોને શબ્દોમાં વણવાનું શરૂ કરે છે. અમે એમાં ઝડપ કરવા નથી ઈચ્છાતા....