તમારા વર્ગખંડમાં શું રંધાય છે? કંસાર કે થુલું ?
દુનિયાની મોટાભાગની વસ્તુઓ કોઇકને કોઇક પરિબળોના પ્રતાપે ચાલતી હોય છે, દરેક વ્યક્તિને ચાલવા-ચલાવવા માટે ઉર્જાની જરૂર પડતી હોય છે ! શાળા પર્યાવરણ કે વર્ગખંડો પણ આનાથી બાકાત નથી જ !! તમને પ્રશ્ન થશે કે " કેવી રીતે ?" મિત્રો જ્યારે વર્ગકાર્ય કરતાં હોઇએ ત્યારે આપણી એનર્જીના વપરાશ ધ્વારા જ તે કાર્ય ચાલતું હોય છે.. પરંતુ બાળકો સાથેની આપણી લાગણી - બાળકો સાથેનો લગાવ અને કામ કરવાનો ઉત્સાહ જ આપણામાં નવી ઉર્જા પેદા કરતો રહે છે... આમ એનર્જી વડે કાર્ય અને કાર્યમાંના ઉત્સાહ વડે એનર્જી.. આવું સતત વર્તુળ ચાલ્યા જ કરે... પરિણામે સખત પરિશ્રમ છતાં પણ કાર્યના અંતે તો ‘ફ્રેશના ફ્રેશ...’ આ સાયકલ ત્યારે જ તુટે છે જ્યારે કાર્યમાં કંટાળા નામનું વધારાનું બિનજરુરી પરિબળ જોતરાય છે... અને આપણી એનર્જી પેદા કરતી આ સાયકલ એનર્જીને બદલે થાક પેદા કરે છે ! પરિણામ એ આવે છે કે કાર્યના અંતે શરીર લોથપોથ થઇ
જાય છે... આખો દિવસ માતા બાળકનું લાલન પાલન કર્યા છતાં પણ રાત્રે તેની કાળજી માટે એટલી જ તાજગીસભર અને ખડે પગે તૈયાર જ હોય છે. જ્યારે બાળકના પાલનને ફ્કત કામ તરીકે ગણનાર આયા કંટાળા ભર્યા થાકનો અનુભવ કરે છે !!! માટે આપણે જ નક્કી કરવાનું છે કે આપણે વર્ગખંડમાં કયા વેશે જાઉં છે.. માતાના કે પછી આયાના ??? કારણ કે અમારો આયા માટેનો અંગત મતલબ એવો પણ છે કે – “આયા એટલે બાળકના પાલન માટેનો મજુર- તેમાં વળતર ખરું પણ સાથે કાર્ય કર્યાનો થાક અને કંટાળો... જ્યારે માતા એટલે તો ‘લાલનયુક્ત’ પાલન !!! અને એટલે જ આ ‘પાલન’ એ ‘લાલનસહ’ હોવાથી જ તે “એનર્જીકલ સાયકલ” બની જાય છે !! આ જ વાતને જો બારીકાઇથી વિચારવામાં આવે તો ખ્યાલ આવે કે જો શ્રમકાર્યમાં લાગણી સભરનો ઉત્સાહ ઊમેરવામાં આવે તો એનર્જીરૂપી કંસાર બને અને જો કંટાળો ઉમેરવામાં આવે તો થાકરૂપી થુલું બની જાય છે... કહેવાનો મતલબ એ જ છે કે શ્રમમાં પ્રેરકબળ તરીકે ‘ઉત્સાહ’ કાર્ય કરે છે... હવે
વર્ગખંડો માટે નિર્ણય તમારે જ કરવાનો છે - કંસાર કે થુંલુ ??? મિત્રો ટેબલવર્કવાળા લોકો કરતાંય વર્ગકાર્ય કરતાં આપણે વધારે નસીબદાર એટલા માટે છીએ કે આપણી સામે કિલકિલાટ અને આનંદિત વાતાવરણવાળું કાર્યક્ષેત્ર તૈયાર જ હોય ... આપણે તો આપણા પ્રયત્નો ધ્વારા તેને ફક્ત ટકાવી રાખીને જ આગળ ધપવાનું હોય છે...