સામાજિક વિજ્ઞાન માં ‘સમાજ’ માટે શું ?
ધોરણ આઠના વિદ્યાર્થીઓ સાથે સામાજિક વિજ્ઞાન
અંતર્ગત “ધાર્મિક અને સામાજિક જાગૃતિ” અંગેની ચર્ચા કરતો હતો. અગાઉથી તેમાં આપેલ
માહિતી જોઈ ગયો હતો- મુખ્યત્વે – રાજા રામમોહન રાય, દયાનંદ સરસ્વતી, રામકૃષ્ણ
પરમહંસ, સ્વામી વિવેકાનંદ, દાદાભાઈ નવરોજી, અલીગઢ મુસ્લિમ યુનીવર્સીટી, જ્યોતિબા
ફૂલે, ઠક્કરબાપા – આ બધા વિષે મારે તેમની સાથે ચર્ચવાનું હતું ! સવાલ ત્યારે થયો કે આ બધાને સામાજિક હીરો તરીકે જ
તેમની આગળ રજુ કરીશ તો તેમને કેવી રીતે પ્રેરિત કરીશ કે “તેઓ એ પણ હજુ
તેમના સમાજમાં જાગૃતિ લાવવાનું કામ કરવાનું બાકી છે !”
એકાદ
સપ્તાહ ચાલેલી ચર્ચાનો ક્રમ કૈક આવો હતો –
રાજા રામમોહન રાય
વિષે જણાવ્યું - અને તેમને વિચારવાનું કહ્યું કે માની લો કે રાજા રામમોહન રાયે “સતી
પ્રથા” નો વિરોધ ના કર્યો હોત તો આજે તેની શું અસર પડત ? એમને જે
તે સમયે એ ઝુબેશ ઉપાડી તેનું આજે શું મુલ્ય છે ? તેનો ફાયદો તે સમય પૂરતો હતો કે
તેની અસર આજે પણ છે ? દયાનંદ
સરસ્વતી એ વેદ તરફ પાછા વાળો – અને વિવેકાનંદે ગરીબની સેવા એ જ પ્રભુ સેવા કહ્યું –
એ બધાથી આજે આપણા જીવનમાં કોઈ ફર્ક પડ્યો છે ?
..છૂટક છૂટક અને ત્રુટક ત્રુટક પણ અસરકારક જવાબો મળ્યા.
“આજે અમે છોકરીઓ નિશાળમાં ના હોત !” -
“અમે ય ના હોત નિશાળમાં – અમનેય કોણ ભણવા દેત ?” –
છોકરાઓનો ઉદગાર...
>“કોઈકના પપ્પા મરત તો
એની જોડે એની માં નું મારવાનું નક્કી હોત તો – છોકરાનું શું થાત ?”
તીર નિશાના પર હતું ને મેં બીજો ઘા કરી દીધો – “તમને તમે જે ગામ રહો
છો તેમાં હજુ આવી બદીઓ દેખાય છે ? કે હવે બધું જ બરાબર છે ? “
સોનલ : છે સાહેબ... ઘણી વાતો છે –બધાએ થઇ યાદી કરવા માંડી
“નાના છોકરાં ને પૈણાવી દેવા, ભુવા ધુણવા, છોકરી પરણાવતી વખત
છોકરાવાળા પાસેથી પૈસા લેવા, મહીસાગરે મરઘી ચડાવવી “...વિગેરે
.....અને મારો આખરી સવાલ “તો શું આપણે કોને શોધી
લાવશું ? – આ બધા વહેમ, અંધશ્રદ્ધા અને સામાજિક કુરિવાજો દુર કરવા ?”
> “સાહેબ એમ તો કોણ આવે આપણે જ કરવું પડે
ને ?”
સમાપનમાં બધા વિષે ફરી કહીને કહ્યું કે “વ્યક્તિગત રીતે વિચારીને
કહેજો કે તમે શું કરી શકો આ સમાજમાં એક નાનકડો ફેરફાર કરવા ?”