September 21, 2011

શિક્ષણ- નીપજ કરતાં પ્રક્રિયા વધુ છે !!!!!

Project-: આરોગ્યધામની મુલાકાત  

 પ્રજ્ઞા શિક્ષણ અંતર્ગત ટૂકડી -૩-૪ ના બાળકોનો પ્રોજેક્ટ હતો “આરોગ્યધામની મુલાકાત’... દવાખાને  જવાનું નામ પડે કે ઘરની પાછળ સંતાઈ જાય  અને ડોક્ટરની પાસે  જવાનું નામ પડે કે ઘરે રડારોળથી કરી મુકતા આ જ બાળકો આજે પ્રોજેક્ટ અંતર્ગત “આરોગ્યધામ”માં જવાનું નામ પડતાં જ જાણે આનંદિત બન્યા,કારણ કે આજે ત્યાં દર્દી તરીકે નહી પણ મુલાકાતી બનીને જવાનું છે, અને આજે ત્યાં કોઈ કડવી દવા કે તીણું ઇન્જેક્શન પણ સહન કરવાનું નથી. અમે નદીસર આરોગ્યધામમાં તો ગયા હતા મુલાકાતી બનીને પણ ત્યાંના મેડિકલ ઓફિસરબેનશ્રી નીલાબેન ગોસાઈનો સ્વભાવ અમને મહેમાન ગતિનો અહેસાસ કરાવતો હતો, બાળકો સાથે માર્ગદર્શક તરીકે ગયેલ અમારા શિક્ષકશ્રી પણ ત્યાં ગયા પછી મુલાકાતી બની ગયા હતા કારણ કે બાળકોને માર્ગદર્શન આપવાનો તમામ દોર બેનશ્રીએ સંભાળ્યો હતો...[અમારા શિક્ષકશ્રીનું અમને ખાનગીમાં કહેવું હતું કે બેનશ્રીએ બાળકો સાથે શૈક્ષણિક પ્રોજેક્ટ એટલો સરસ રીતે સમજાવ્યો કે કદાચ હું જાતે પણ એટલી સારી રીતે બાળકોને ન સમજાવી શકત,બેનશ્રીની માર્ગદર્શક તરીકેની બાળકો સાથેની કાર્યશૈલી જોઈ મને મારા શિક્ષણપણા પર દયા અને તેમના પર ઈર્ષા આવતી હતી] 
અમારા બાળકોને આરોગ્યધામની કામગીરીની પ્રક્રિયા અંગે આટલું સરસ માર્ગદર્શન આપવા બદલ નવાનદીસર પ્રાથમિક શાળા આરોગ્યધામ,નદીસરના મેડીકલ ઓફિસરશ્રી નીલાબેન ગોસાઈનો તથા સહુ સ્ટાફમિત્રોનો ખૂબ-ખૂબ આભાર માને છે...
ચાલો,સાથે-સાથે તેમણે અમારા બાળકોને કેવી રીતે માર્ગદર્શન પુરૂ પાડ્યું તે પણ જોઈએ કેમેરા વડે....
ડોક્ટર બેટરી શા માટે રાખે છે?તથા અન્ય સાધનોની પણ સમજ 
લોહીનું દબાણ એટલે શું અને કેવી રીતે મપાય તેની પ્રાથમિક  સમજ....
 થર્મોમીટરનો ઉપયોગ ડોક્ટરો શા માટે કરે છે?

 BMI ની સમજ માટે બાળકનું વજન કરાવતા બેનશ્રી 
 બાળકો ડરશો નહી,આ આપણા શરીરની અંદરનો રોગ ભગાડે છે.. ઇન્જેકશન વિશે...
 સાથે-સાથે વર્ગખંડમાંની જેમ જ લેખન કાર્ય...
 બેનશ્રી ડોક્ટર કે શિક્ષક.... બંને ના રોલમાં અને તે પણ પૂરેપૂરા ન્યાયથી  
આરોગ્યધામમાં  જ  લેખન કાર્ય કરતાં બાળકો..
  પ્રોજેક્ટમાં આરોગ્યધામ  અંગેની પોતાની મુંજવણ વ્યક્ત કરતો બાળક -નરેન્દ્ર
 દવાખાનામાં ફ્રીઝનું શું કામ???
 વેકસીન અને તેનું મહત્વ........
 અલગ-અલગ કેવા વેકસીન આવે છે તેની ફક્ત સમજ.....
 વધુ જાણવા આતુર બાળકો..........
 બાળકો પૈકી નરમ તબિયતવાળા બાળકનું બ્લડ સેમ્પલ .......
 બાળકોની હાજરી અને દર્દીની દવા ..
 ડ્રેસિંગરૂમની મુલાકાત .....
 ઇન ડોર પેશન્ટ માટેની સગવડથી માહિતગાર થતા બાળકો.........

અમને આશા છે કે આવા  પ્રોજેક્ટ વડે મેળવેલ માર્ગદર્શન બાળકો માટે ચિરસ્થાયી બની રહેશે...

September 12, 2011

સાયન્સસીટી અને અમારા બાળકો.........

ગમ્મત અને જ્ઞાનનો સમન્વય એટલે અમારો  "સાયન્સસીટીનો પ્રવાસ" 
બાળકોનો ઠાઠ જોતા જ ખબર પડે કે તે પ્રવાસમાં છે, કારણ કે વર્ગખંડના ખૂબ જ અતિ ગંભીર એકમની ચર્ચાવાળા વાતાવરણમાં પ્રવાસનું નામ પડતાં જ, જો વાતાવરણમાં અને બાળકોના ઉન્માદમાં પલટો આવી જતો હોય તો પછી પ્રવાસ જવાના સમયના બાળકોના ઉન્માદની તો વાત જ શું કરવી?? દૂરવર્તી શિક્ષણ અંતર્ગત “બાળકોને સાયન્સસિટી ની મુલાકાતનો મોકો મળ્યોહતો,અને અમે પણ પ્રવાસના આનંદ બહોળો બનાવવા બાળકોની સાથે બાળક બની અને જરૂર જણાય ત્યાં માર્ગદર્શક બની બાળકો સાથે જોડાયા, આખા પ્રવાસમાં અમે એ વાતનું ખાસ ધ્યાન રાખ્યું કે બાળકોને પ્રવાસનો આનંદ લૂંટવામાં અમે અડચણ ન રૂપ બનીએ.......આવો જોઈએ કે અમારા બાળકોએ શું-શું જોયું હતું અને શું-શું માણ્યું હતું??

September 06, 2011

સ્વશાસનદિનની ઉજવણી......


અમારી શાળાનો....સ્વશાસનદિન..... 


શાળામાં  સ્વશાસનદિનની  ઉજવણી એટલે કે જાણે તે દિવસે બાળકો ધ્વારા  શાળા પરિવારનું પ્રતિબિંબ...આખા વર્ષ દરમ્યાન વર્ગખંડમાં શિક્ષકશ્રીએ  શૈક્ષણિક કાર્ય દરમ્યાન કરેલ આરોહ-અવરોહ સાથેનું same to same અને copy to copy  બાળક ધ્વારા પુનરાવર્તન એટલે જ સ્વશાસનદિન,....તેના ધ્વારા આપણને ઘણું જાણવા મળે છે....કે આપણે વર્ગખંડોમાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન આપણા વર્તનમાં વધારાના એવું  શું-શું કરીએ છીએ અને શું-શું કહીએ છીએ.જે પ્રત્યે આપણું ધ્યાન નથી હોતું...પણ આ તો બાળક છે,તે ફક્ત આપણા શૈક્ષણિક કાર્ય તરફ જ ધ્યાન આપે તેવી કોઈ આચારસંહિતાથી બંધાયેલો નથી હોતો, બાળક તો નિરીક્ષણ શક્તિનો ભંડાર અને અનુકરણશક્તિનો સ્ત્રોત છે,અને તેથી જ સ્વશાસન દિનના દિવસે બાળક ધ્વારા જ આપણને આપણી શૈક્ષણિક કાર્ય દરમ્યાનની ખામીઓ-ખૂબીઓ જાણવા મળે છે, અને જો આ ખામીઓ-ખૂબીઓને હકારાત્મક લઈશું  તો આપણને આજના સ્વશાસનદિન દરમ્યાનના બાળકો વર્તનથી મજા અને માર્ગદર્શન બંને મળશે.....સાથે-સાથે સ્વશાસન દિનનો મોટો લાભ આપણને એ છે કે તે દિવસે બાળકો જયારે આપણી જગ્યાએ શિક્ષણકાર્ય માટે ઉભા હશે ત્યારે ચાલુ શૈક્ષણિક કાર્યમાં આપણને તેમની કઈ વર્તણુંક શિક્ષણની લય તોડે છે તેનો પણ તેમને ચોક્કસ ખ્યાલ આવશે...
                       ચાલો....આજના સ્વશાસન દિનને  જય શિક્ષણ,જય શિક્ષકના નવા સૂત્ર વડે ઉજવીએ......... 



 પોતાના અનુભવો વહેંચતા બાળકો 
આ સિવાય સ્વશાસનદિન નિમિત્તે એવા ક્યાં પરિબળો પર ધ્યાન રાખવાથી આપણા શૈક્ષણિક પ્રક્રિયાને વધુ Sharp બનાવવા શું કરી શકાય તે કોમેન્ટમાં જરૂર લખો.

September 05, 2011

આપણા ગૌરવ સમો "શિક્ષકદિન"





શિક્ષકદિન એટલે જ આપણા વ્યવસાયનું ગૌરવ લેવાનો દિવસ..શિક્ષક સમાજનો શિલ્પી .....નિર્માણ ઔર પ્રલય ઉનકી ગોંદ મેં ખેલતે..... વગેરે અઢળક કહેવતો આપણા સમાજમાં આપણને આપણા વ્યવસાયમાં ગર્વ ઉપજાવે તેવી હજુ પણ અસ્તિત્વમાં છે,પરંતુ આ સમાજમાં આપણું સ્વરૂપ ધીમેધીમે બદલાતું જતું હોય તેવું અમને લાગી રહ્યું છે,આપણું એ સ્વરૂપ અત્યારે નથી રહ્યું જે સ્વરૂપ જોયા પછી આ કહેવતો અસ્તિત્વમાં આવી હોય...જો આપણે શિક્ષક સમાજના એક મોટા ભાગની વાત કરીએ તો તે  જમાનામાં સમાજમાં જે સ્થાને આપણે હતા તે સ્થાને અત્યારે આપણે નથી રહ્યા તે એક કડવું સત્ય અને સાથે-સાથે દુઃખદ બાબત છે, માટેના અનેક કારણો હોઈ શકે છે,એવું નથી કે બધા જ કારણોમાં આપણે જવાબદાર હોઈએ પણ..જે જે જગ્યાએ આપણી જવાબદારી બનતી હોય તેવી કેટલીક બાબતોમાં પણ આપણે ઉણા  ઉતર્યા હોય તેવું લાગી રહ્યું છે, વધારે દુઃખદ વાત તો તે છે કે આપણે આ માટેના કારણો જાણતાં હોવા છતાં તેની તેને દુર કરવા માટેનો જોઈએ તેવો મોટો કોઈ પ્રયત્ન  જોવા મળતો નથી...
આવો,આપણને ગૌરવ થાય તેવા શિક્ષકદિને આપણે એવો કોઈ સંકલ્પ કરીએ કે આપણા તરફથી થતી ખામીઓનું નિવારણ કરી આપણે ફરીથી સાચા એવા શિલ્પી બનીએ કે આપણા વ્યવસાયી વારસોને શિક્ષક બનવાનું ગૌરવ થાય.....

આવો,બાળક બનીએ !!!!






કોણ શીખવશે આપણને બાળક બનવાનું ?
Ø  
                                          આપણને જ્યારે-જયારે પણ પૂછવામાં આવે કે શું  બચપણ પાછું જોઈએ છે??? તો હું માનું છું કે બધા મોટાભાગના મિત્રોનો જવાબ હકારાત્મક મળે...કારણ કે માણસના જીવનનો સૌથી વધારે આનંદમય અને બિન્દાસ સમય જો કોઈ હોય તો તે તેનું બાળપણ છે, બાળપણમાં રમકડાં મળવાથી થયેલ આનંદની સામે આજે રોકડ[પગાર] મળવાનો આનંદ પણ વરસાદ વિનાના ચોમાસા જેવો લાગે છે, અને જો આપણને  ફરીથી બાળક બનવા મળતું હોય તો આપણે તેની કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર થઇ જઈએ છીએ...પણ આજ વસ્તુ શિક્ષકના વ્યવસાયમાં કોઈ પણ કિંમત ચુકવ્યા વિના મફતમાં મળે છે..અરે!!! મફત નહિ પણ ઉપરથી પગાર રૂપે વળતર પણ મળે છે, ત્યારે કદાચ આપણો અહંકાર/ગર્વ/હોદ્દો/શરમ/આળસ જેવા કોઈ એક આપણામાંનો ગુણ[?]  આપણને વર્ગખંડોમાં આપણા બાળકોની સાથે  બાળક બની આપણને ફરીથી બાળપણ ભોગવતા રોકે છે,.માસ્ટર ટ્રેનર્સ કે રિસોર્સ પર્સન ધ્વારા અપાતી  તાલીમો અને શિક્ષણ-શાસ્ત્રીઓના ધ્વારા અપાતા માર્ગદર્શન આપણને એક એવા સારા શિક્ષક બનાવી શકશે કે જે બાળકોને સારૂ શૈક્ષણિક માર્ગદર્શન પૂરૂ પાડે... પણ બાળક સાથે બાળક બનવાનું તો આપણે જાતે શીખવું રહ્યું .......બાળકો જેમને જોતાની સાથે ખૂશ થઇ જાય છે તેવા અમારા બાળ-શિક્ષક ચંદુભાઈ.....


September 01, 2011

આપણા સૌની-"મસ્તી કી પાઠશાલા"

say....
"happy birthday" 2 NavaNadisar Primary School


              18મી ઓગષ્ટ........ અમારી શાળાનો જન્મદિવસ એટલે કે સ્થાપનાદિન.....૩૪વર્ષથી બાળકોના કીલ્લોલનો આનંદ લુંટતી અને આટલા વર્ષો સુધી બાળકોને પોતાના ખોળામાં રમાડતી-ભણાવતી અમારી શાળાના ભવનને અમે જયારે ધ્યાનથી નીરખીએ છીએ ત્યારે અમને એક પ્રૌઢ- માર્ગદર્શકના દર્શન થાય છે, ગમે તેટલા તેના પર રંગ રોગન કરાવી તેને નવીન બનાવવાનો પ્રયત્ન કરીએ,ત્યારે તે અમારે ત્યાં આવનાર મુલાકાતીઓ માટે તે સરસ મજાનું ભવન બની જાય છે,પરંતુ રંગ-રોગાનના તે ચમકારાની અસર અમારા ઉપર ન થવાનું એક કારણ એ છે કે અમારે માટે તો આ શાળા-ભવનએ ફક્ત ભવન જ નહિ પરંતુ “માતાના ખોળાનો અહેસાસ કરાવતી મૂર્તિ છે,  માં જાણે કે અમારી શાળાના બાળકોની સાથે-સાથે અમને પણ પોતાના ખોળામાં બેસાળી વહાલ કરતી હોય તેવો અહેસાસ થયા કરે છે માટે જ અમારી શાળાનું ભવન કોઈ પણ રંગમાં હોય કે કોઈ પણ ઢંગમાં, અમને તો માતાની જેમ હરપળ સદાબહાર જ લાગે છે અને તેથી જ દિવસમાં એકવાર તો બોલાઈ  જવાય છે કે 
અમને તો અહીં નોકરી કરતાં હોય તેવું લાગતું જ નથી!!!!”
અમે પણ બાળકોમાં વિવિધ કૌશલ્યોનો વિકાસ થાય અને સાથે-સાથે શાળા સ્થાપના દિનની ઉજવણી પણ થાય તે માટે બાળકોને "કેવી શાળા ગમે??", "મને વહાલી મારી શાળા", "મારી શાળામાં હોવું જોઈએ"  પર નિબંધ-ચિત્ર-નકશો-અક્ષર લેખન, કાવ્યમાંથી કોઈ પણ એક રીતે પોતાની અભિવ્યક્તિ વ્યક્ત કરવાની સ્પર્ધા રાખી..જેનાથી બાળકોને અમે બનાવેલ શાળાના પર્યાવરણમાં શું ગમે છે..શું નથી ગમતું અથવા તો હજુ શું કરવા જેવું છે તેનો અમને પણ ખ્યાલ આવે...તેમણે કેવી રીતે વ્યક્ત કરી તેમની અભિવ્યક્તિ આવો જોઈએ કેમેરા વડે...........


પડોશીધર્મ...થી..રાષ્ટ્રધર્મ....સુધી

भारतमाता की जय..................

   देश हमारा....
            सब से न्यारा..
प्यारा हिन्दुस्तान..  .    

આઝાદીના ૬૪ વર્ષ...રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી......દેશ પ્રત્યેનો અહોભાવ દર્શાવવા માટેનો અને આપણી સ્વતંત્રતા માટે કમર કસનારા તેમજ દેશપ્રેમમાં તન-મન –ધન ન્યોછાવર કરી આપણને એક સ્વતંત્ર ભારતની ભૂમિ અર્પણ કરવા બદલ આપણા સ્વાતંત્ર-સેનાનીઓનો આભાર માની તેમના જીવન-ચરિત્રમાંથી દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા મેળવવાનો દિવસ એટલે જ
 “આઝાદ દિન”
આપણી ખૂબ અને ખૂબ જ સારી બાબત એ છે કે આપણો રાષ્ટ્રધર્મ[રાષ્ટ્રપ્રેમ] બહુ જ સમૃદ્ધ છે,,,,,
ક્રિકેટ હોય કે કારગિલ.................
   ભૂકંપ હોય કે ભ્રષ્ટાચાર...................
   .  લોકપાલ.... હોય કે  જનલોકપાલ...........
         આવી તમામ બાબતો કે જ્યાં આપણા રાષ્ટ્રને ફાયદો થતો  હોય ત્યાં સમર્થનમાં અને આપણા રાષ્ટ્રને નુકશાનની ભીતી હોય ત્યાં વિરોધ માટે આપણા સૌનો સૂર એક હોય છે, આપણે સૌ તેના માટે હાથમાં હાથ  મિલાવીને એક સાથે પ્રયત્નશીલ બનીએ છીએ........તેનું એક જ કારણ છે કે આપણા શિક્ષણમાં બાળપણથી રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ વગેરે નામે “રાષ્ટ્રધર્મ” ના ગુણનો વિકાસ માટે બહુ જ ભાર મુકવામાં આવ્યો છે. પરિણામે જ આપણામાં અખૂટ  રાષ્ટ્રપ્રેમ-રાષ્ટ્રભક્તિ- રાષ્ટ્રધર્મનો સ્ત્રોત પ્રગટ્યો છે.....પરંતુ જયારે વાત કારગિલની છોડી કોમની આવે ત્યારે.......ત્યારે રાષ્ટ્રના સમર્થનમાં સાથે-સાથે ઉભા રહેનાર આપણે કોમની વાત થતા જ કેટલીક વાર સામ-સામે આવી જઈએ છીએ અને  જે હાથમાં-હાથ મિલાવી રાષ્ટ્રનું સમર્થન કર્યું હતું તે  જ હાથ એકબીજાને મારવા તલપાપડ બને છે...અને .તે જ હાથ રાષ્ટ્રીય સંપત્તિને નુકશાન કરવા માટે ઉઠે છે...અને આપણો રાષ્ટ્રધર્મ તે સમયે ખોખલો સાબિત થાય છે......વાત જયારે કારગિલની  છોડી ઘર આગળ પડેલા કચરાની આવે.........ત્યારે...........ત્યારે પણ દરરોજ સાથે બેસનારા સામસામે આવી જાય છે,વર્ષોની મિત્રતા પળમાં તૂટી પળનો મતભેદ જાણે વર્ષોની દુશ્મની હોય તેવો ભાસ કરાવે છે..અને ત્યારે પણ રાષ્ટ્રધર્મ...માનવધર્મ...વગેરે હવામાં છૂમંતર થઇ જાય છે...
                             પ્રમાણિક અને મજબૂત નાગરિકતા એક ત્રીપાઈ જેવી છે.. .રાષ્ટ્રધર્મ..... માનવધર્મ...... અને પડોશીધર્મ..... આ   ત્રણ પાયાઓ જ્યાં સુધી મજબૂત નહિ હોય ત્યાં સુધી આપણે અડગ અને સાચા દેશપ્રેમી નાગરિક નહિ બની શકીશુ..કેમ કે ત્રણમાંથી એક પણ પાયો નબળો હોય તેવી ત્રીપાઈ પર આપણે ઉભા રહીએ તો આપણે કેટલા હાલક-ડોલક થઈએ છીએ તે જાણ્યા પછી આપણા રાષ્ટ્રનો વિચાર કરશો તો કદાચ આપણને સાચી હકીકત સમજ પડશે......
આપણે આ ત્રીપાઈના ત્રણ પાયાને સમાન મજબૂત કરવા માટેનો પ્રયત્ન પ્રાથમિક કક્ષાએથી જ શરૂ કરી દેવો પડશે, આપણે જેટલો બાળ-માનસમાં રાષ્ટ્રભક્તિની ભાવના પેદા કરવાનો પ્રયત્ન કરીએ છીએ તેટલો પ્રયત્ન આપણે “માનવધર્મ” અને “પડોશીધર્મ” માટે નથી કરતા અથવા તો તેટલો ભાર-પૂર્વક નથી કરતા, પરિણામે બાળક દેશ પ્રત્યેની પોતાની ફરજો સમજે છે પણ વાત જયારે પણ પોતાની સાથે ભણતા બાળકો પ્રત્યેની પોતાની ફરજો ...પોતાની બાજુમાં રહેતા  પડોશી પ્રત્યેની પોતાની શું ફરજો છે......વગેરેથી અજાણ બાળક જયારે નાગરિક બને છે ત્યારે ફક્ત અને ફક્ત રાષ્ટ્રધર્મ બજાવી પોતાને સાચો નાગરિક હોવાનો સંતોષ માને છે.....અને જ્યાં રાષ્ટ્રથી નીચેની જયારે વાત આવે છે ત્યારે પોતે ફક્ત પોતાની બાજુ જ જૂએ છે અથવા તો પોતાને હોંશિયામાં મૂકી દે છે..
આપણે આપણા રાષ્ટ્રને જો વિકાસશીલ અને મજબૂત રાષ્ટ્ર બનાવવું હશે તો તે માટે આપણે રાષ્ટ્રધર્મની જેમ  પડોશીધર્મ...  માનવધર્મ....પ્રત્યે પણ પોતાની ફરજ વિશે પૂરેપૂરી જાગૃતતા ધરાવતા નાગરિકો પેદા કરવા પડશે, અને તે માટે પ્રાથમિક કક્ષાએથી જ આપણે બાળકમાં જેટલો રાષ્ટ્રધર્મ ઉપર ભાર મૂકીએ છીએ તેટલો જ ભાર “પડોશીધર્મ” અને “માનવધર્મ” ઉપર પણ મુકવો જ પડશે........
આવો...આ વિશે વિચારતા-વિચારતા અમારી શાળામાં ઉજવેલ સ્વતંત્રતા-દિન ની ઉજવણીની ઝાંખી કરીએ.............
દેશભક્તિ ગીત વડે ગ્રામજનોનું અભિવાદન કરતાં બાળકો 
બાળકોને દેશભક્તિ ગીતનું ગાન કરાવતી હાઇસ્કૂલ ની બાળાઓ 
.............મોં મીઠું કરતા ગ્રામજનો............
.......મોં મીઠું કરતા હાઇસ્કૂલના બાળકો..................
............મોં મીઠું કરતા બાળકો .........................
..........................મીઠાઈ લેતા બાળકો..................
 અમારી શાળાના ૧૫મી ઓગષ્ટના "આજના દિપકો "

"દિપકો" એટલા માટે કે મજાની વાત એ છે કે ઉપરોક્ત અમારી દીકરી મનીષા નાયકની સાથે-સાથે તેને અભિનંદન કાર્ડ આપનાર અમારા આ શિક્ષકમિત્ર ચંદુભાઈનો પણ જન્મદિન પણ ૧૫મી ઓગષ્ટ જ છે...