December 08, 2012

બાળકની એ..આંખો...!!!!


                 
આપણા મોટાભાગના મિત્રો બાળકોને ભગવાનની જેમ માને છે,
પણ....કેવી રીતે ખબર છે....???


                                                              માણસનું મન ચંચળ તો છે જ પણ સાથેસાથે એક એવા સ્વભાવવાળું છે કે જે  સ્વભાવવાળું આપણું વર્તન જોઈ  ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત બની જતા હશે ! મોટેભાગે માણસનો સ્વભાવ જ એવો પડ્યો છે કે જ્યારે પણ પોતાનું કોઈ મોટું અને મુશ્કેલ કામ પાર પડી જાય [સફળતા મેળવે] તો તે  તરત જ તેનો જશ પોતાને મળે તે માટેના દાવા કરવા લાગી જાય છે; જેમ કે આ કામ હતું તો મુશ્કેલ,પણ મેં આવો નિર્ણય કર્યો-મેં આવી બુદ્ધિ વાપરી-મેં આવું કર્યું-તેવું કર્યું વગેરે.....[ અને ખોટું પણ નહી હોય,કદાચ તેના પ્રયત્નોથી તે કામમાં તે સફળ પણ થયા હશે..] પણ જ્યારે તે મોટા અને મુશ્કેલ  કામમાં કોઈક કારણસર નિષ્ફળતા  મળે તો...તો ..પહેલું તો આવી બને તે કામમાં જોડાયેલ અન્ય લોકોનું ! તેમના ઉપર તે કામ નિષ્ફળ થવા માટેના જવાબદારી થોપવા માટેના  કારણોનો વરસાદ અને જો કોઈ જ કારણ ન મળે તો બિચારા ભગવાન તો છે જ ને ! એટલે કે ભગવાનને ગમ્યું તે ખરું! જાણે ભગવાને તેનું કામ નિષ્ફળ બનાવવા માટે ખાસ રસ દાખવ્યો હોય ! પછી તમે જ વિચારો કે આવું સાંભળ્યા પછી ભગવાનની પણ આંખો પહોળી અને કપાળ કરચલીગ્રસ્ત ન બની જાય ?   
                        
             આવું જ ઘણીવાર આપણી  શાળામાં/વર્ગખંડમાં બંને છે. શાળામાં/વર્ગખંડમાં આપણું કામ હોય છે એવું શૈક્ષણિક કાર્ય કરવાનું કે જેથી બાળકો સરળતાથી, આનંદમય અને અસરકારક રીતે શીખી શકે, એટલે કે પરિણામ લક્ષી  શિક્ષણકાર્ય. આ કામ શિક્ષક [આપણામાટે આમ તો ખૂબ જ અઘરૂ(!) હોય છે, તે માટે આપણે બધા ખૂબ જ મહેનત પણ કરતા હોઈએ છીએ અને આપણા વર્ગખંડમાં મોટાભાગના બાળકોના કિસ્સામાં આપણે સફળ પણ થતા હોઈએ છીએ. કોઈ વખત વર્ગખંડની ચકાસણી આવી સફળતા  [૮૦% પરિણામ] આપણને જ્યારે મળે આપણે પોતે કરેલ પ્રયત્નો, પોતે અપનાવેલ શિક્ષણ પદ્ધતિ વગેરે વિશેની ચર્ચા શરૂ કરી દઈએ છીએ, એટલે કે ૮૦% પરિણામ મેળવવા માટેનો જશ પોતે લેવાનું શરૂ કરી દઈએ છીએ.[સાથે-સાથે હું કહું છું કે જશ લેવામાં કંઈ જ ખોટું નથી] પણ આપણી શિક્ષણ પદ્ધત્તિ અને આપણી પ્રયુક્તિઓને ન સમજી શકનાર બાકીના ૨૦% બાળકોની જ્યારે વાત આવે છે ત્યારે આપણે આપણી તે ૨૦% બાળકોને અનુરૂપ પદ્ધત્તિઓ, પ્રવૃત્તિઓનો  સ્વિકાર કરવાને બદલે દોષના  ટોપલામાંથી એક-એક કારણ  તે બાળકો પર ફેંકવા લાગીએ છીએ અને તે સમયે શિક્ષકશ્રી અને તેમની શિક્ષણ પદ્ધતિને ન સમજી શકનાર તે ૨૦% બાળકોની આંખો અને કપાળ ઉપર જણાવેલ ભગવાન જેવા જ થઇ જાય છે - જાણે આપણને કહેતાં હોય કે - અરે સાહેબ , આ તો તમારી આ શૈક્ષણિક પદ્ધતિ અમને ન સમજાયી, એટલે અમને ન આવડ્યું, બાકી અમે તો થોડા શીખવું નહિ એવું નક્કી કરીને બેઠયા હોઈશું ???  

No comments: