September 19, 2010

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

હાલમાં ગુજરાતના ધોરણ ૧ થી ૮ ના અભ્યાસક્રમનું પુન:ગઠન થઇ રહ્યું છે.

તેમાં એક  વધુ વિચારવા જેવો મુદ્દો છે...

પ્રાથમિક કક્ષાએ કઈ ભાષાઓ શીખવવી અને ક્યારથી શીખવવી?

SSA ના શિક્ષણ સલાહકાર શુબીર શુક્લાએ ચર્ચાનો દોર સંભાળ્યો..જી.સી.ઈ.આર.ટી.ના નિયામક શ્રી ભાડ સાહેબ, અભ્યાસક્રમ કમીટીના સચિવ શ્રી ટી.એસ.જોશી સાહેબ, શ્રી હરેશભાઈ ચૌધરી અને જી.સી.ઈ.આર.ટી.ના રીસર્ચ એસોસીએટ્સ બધાએ સાથે મળી વિચાર કર્યો ..નિર્ણય લેવાનો તો હજુ બાકી જ છે...એટલે ઘરે આવી કેટલાક સંદર્ભો જોઈ ગયો તેમ મારી જે સમજ તો બની સાથે એક ઉપયોગી બાબત મળી તે વિનોબાજી ભાષાઓના શિક્ષણ વિષે શું માને છે? 

(અમદાવાદમાં ગાંધીઆશ્રમમાં આવેલી વિનોબાજીની કુટીર)


પૂજ્ય વિનોબાજી....

આપ પણ ભાષા અંગેની આ ચર્ચામાં જોડવા માગતા હો તો સાઈડમાં વિગતે અહી વાંચો ટેબ જુઓ..ક્લિક કરો અને આપના વિચારો જણાવો- આપણી આ નાનકડી ગોષ્ઠી ગુજરાતના ભાષા શિક્ષણને નવી દિશા આપી શકે!

September 06, 2010

Freedom- Gujarat to Global via Vanche Gujarat!

ખરેખર 15મી ઑગષ્ટ એ આપણા માટે ખૂબ જ ઉમંગ અને ઉલ્લાસથી ઉજવવા માટેનો રાષ્ટ્રીય તહેવાર છે, આ દિવસ આપણા માટે  એ લોકોને યાદ કરવા માટેનો છે જેમણે દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા માટે પોતાનું તન-મન-ધન ન્યોછાવર કરી દીધું હતું. તે સમયે આ લોકોને આજે  જેમ કોઇને ઇચ્છિત હોદ્દો મેળવ્યા પછી  જેટલો ગર્વ હોય છે  તેટલો ગર્વ તે સમયના લોકોમાં “ સ્વાતંત્ર્ય-સેનાની બનવાનો હતો,દેશ માટે ફૂલ નહી તો ફૂલની પાંખળી જેટલું પણ કરનાર પોતાને ભાગ્યશાળી માનતા હતા, ટુંકમાં કહું તો કીડીનું  કણ અને હાથીનું  મણ દેશ માટે ન્યોછાવર થતું.

                                              (ધ્વજવંદન)

 આ સ્વાતંત્ર્ય-દિને આમારા શાળા પરિવારે “ સ્વાતંત્ર્ય-સેનાની “ બનવાનું નક્કી કર્યુ,  તે માટે અમે દુનિયાને ગુલામ બનાવનાર “ગ્લૉબલ વૉર્મિંગ“અને સામાજિક વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ જેવી કે અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ  “વાંચે ગુજરાત” માટે ભલે કીડીના કણ જેટલો તો કીડીના કણ જેટલો  પણ પરિણામલક્ષી  પ્રયત્ન શરૂ કર્યો છે.


અમારી શાળાએ “ સ્વાતંત્ર્ય દિન” નિમિત્તે શાળામાં પધારેલ ગ્રામજનો સમક્ષ  ધોરણ-4ના ગુજરાતીમાં આવતા એકમ  “વાડીમાં થયો ઝગડો”-   (જેની સ્ક્રીપ્ટ તમે   શાળાની સાઈટ પરથી મેળવી શકશો) નું નાટ્ય રૂપાંતર કરી બાળકો ધ્વારા રજૂ કર્યુ, ત્યારબાદ શાળા પરિવાર ધ્વારા  ગ્રામજનોને સમજાવ્યું કે ઉનાળામાં ખૂબ જ ઠંડક આપનાર લીમડો અને આંબો “ગ્લૉબલ વૉર્મિંગ” ના કારણે પોતાનો મિજાજ ગુમાવી દેશે તો? આ ગ્લૉબલ વૉર્મિંગ માટેનો એક જ ઉપાય છે... “વૃક્ષારોપણ”.  અમે 64મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી પ્રસંગે શાળામાં પધારેલ તમામ ગ્રામજનોને એક-એક રોપો આપ્યો સાથે-સાથે સ્વાતંત્ર્ય દિન નિમિત્તે દરેક રોપાને   “સ્વાતંત્ર્ય -સેનાની “ નું નામ આપ્યું , તેમજ તે રોપો અને ભવિષ્યમાં તેમાંથી થનાર વૃક્ષ તે જ નામે ઓળખાય તે માટેનો આગ્રહ રાખ્યો. આ નાનો એવો પ્રયત્ન હતો અમારો દુનિયાને   “ગ્લૉબલ વૉર્મિંગ” રૂપી ગુલામીમાંથી બચાવવાનો.  બીજો મુદ્દો હતો સમાજિક  વિકાસને ગુલામ બનાવનાર સમાજમાંની બદીઓ અસમજતા, અજ્ઞાનતા, અજાગૃતતા  વગેરેને દૂર કરવા માટેના કાર્યક્રમ “વાંચે ગુજરાત” નો. તે માટે અમે ગ્રામજનોને જે રોપાઓ  આપી તેનું નામકરણ કર્યુ તે “સ્વાતંત્ત્ર્ય-સેનાની “ વિષેનું પુસ્તક પણ તે ગ્રામજનને આપ્યું જેથી ફક્ત તે “સ્વાતંત્ર્ય-સેનાની “ ના નામનું વૃક્ષ જ નહી પણ તે “સ્વાતંત્ર્ય-સેનાની “ વિષેની જાણ પણ હોય !  સાથે-સાથે તેની વાંચન પ્રવૃત્તિઓનો પણ વિકાસ થાય તે તો ખરૂ જ !


              (અમે સોપડી લઇ જઈએ મુને તો નથી આવડતું પણ રતીયો વાંચી હંભળાવશે!-)


                                     (આવતીકાલનું નવા નદીસર)

તમે પણ આજના  આધુનિક અંગ્રેજ એવા “ગ્લૉબલ વૉર્મિંગ” ની ગુલામીમાંથી આ પૃથ્વીને છોડાવવા માટે આધુનિક  “સ્વાતંત્ર્ય-સેનાની” બની પ્રયત્ન કરશોને ?  અમને પણ  એમ જ થતું હતું કે મારા એક વૃક્ષ રોપવાથી શું ફરક પડવાનો છે? પણ જેમ એક-એક ટીપા વડે જેમ સરોવર ભરાય છે,એક-એક કાંકરા વડે પાળ બંધાય છે તેમ એક-એક વૃક્ષ વડે જ  જંગલ બને છે, એક નાના એવા સૈનિક [મંગલપાંડે] વડે થયેલ  સ્વાતંત્ર્ય-સંગ્રામની શરૂઆત  કદાપી સૂરજ ન આથમતો હોય તેવા બ્રીટીશ સામ્રાજ્યનો ભારત દેશમાંથી અસ્ત કરી નાખે છે, તો આશા રાખીએ કે  આપણો નાનો પ્રયત્ન પણ એક દિવસ ચોક્કસ રંગ લાવશે.
        

  •  જો વૃક્ષને ઉગવાની આશા છે તો આપણે પણ કેમ થોડો પ્રયત્ન ન કરીએ?                 



August 31, 2010

પ્રજ્ઞા - સા વિદ્યા યા વિમુક્તયે!

ભારતની શિક્ષણ પદ્ધતિને જો આદર્શ પરિસ્થિતિમાં જોઈએ તો
આપણે ભૂતકાળમાં બોલતા હતા સા વિદ્યા યા વિમુક્તયે "
અને આજે બોલીએ છીએ સૌ ભણે સૌ આગળ વધે!"
બંને બાબતોમાં આજની આપણી શિક્ષણ પદ્ધતિ વાસ્તવિકતાની ધરાતલ પર ખોટી પડે છે!
1.       શું આપણી શાળામાં આવતા બધા બાળકો બધું શીખે છે?
2.       શું આપણે બધાને ધ્યાનમાં રાખીને શિક્ષણ આપવાનો પ્રયત્ન કરીએ છીએ?
3.       શું આપણે દરેક બાળકને પોતાની ગતિથી શીખવાનો સમય આપીએ છીએ?
4.       શું આપણે શિક્ષણ વર્ગખંડની બહાર પણ હોઈ શકે તે સ્વીકારીએ છીએ?
5.       શું આપણે Every child is special  એમ માનીએ છીએ?
6.       શું આપણે બાળકને તેની પાંચેય ઇન્દ્રિયોથી શીખવાનો મોકો આપ્યો છે?
7.       શું આપણે બાળકની વયને ધ્યાનમાં રાખી શૈક્ષણીક સાધનો બનાવ્યા છે?
8.       શું આપણે દરેક બાળકને તેને જોઈએ તેટલો આપણો સમય આપી શક્યા છીએ?
9.       શું આપણે બાળકને પોતાના મિત્ર પાસેથી શીખવાનો મોકો આપ્યો છે?
10.   શું આપણે બાળકને તેની જાતે શીખવાની તક આપી છે?
11.   શું આપણે બાળકનું સતત મૂલ્યાંકન કર્યું છે?
12.   શું આપણા બાળકો પરિક્ષાની ચિંતાથી મુક્ત છે?
·         જો જવાબ ના હોય તો સા વિદ્યા યા  વિમુક્તયે ક્યાંથી?
·         જો જવાબ ના હોય તો સૌ ક્યાંથી ભણશે?
અમને ખુશી છે કે આ બધા પ્રશ્નોને ઉકેલ આપતી નવી શિક્ષણ પદ્ધતિ આ વર્ષથી અમારી શાળામાં પહેલા અને બીજા ધોરણમાં શરુ થઇ છે
પ્રજ્ઞા – પ્રવૃત્તિ લક્ષી જ્ઞાન
શિક્ષણક્ષેત્રે આપણી સૌની ચિંતાઓ અને વિદ્યાર્થીઓમાં અભ્યાસસ્તરનું વૈવિધ્ય બંને વધતું જાય છે.
આ વૈવિધ્ય કુદરતી અને ઇચ્છનીય છે, છતાં પણ તેને કારણે આપણી વર્ગની શૈક્ષણિક ગુણવત્તા પર પ્રશ્નાર્થ લાગતા જ જાય છે,તેમાંય આપણા વિદ્યાર્થીઓની કૌટુંબિક પરિસ્થિતિને કારણે રહેતી તેમની અનિયમિતતા,તેની અનિશ્ચિત ગેરહાજરી..ધીમે ધીમે બાળકને શિક્ષણ (જેને આપણે શિક્ષણ માનીએ છીએ-બાળકો નહિ) પ્રત્યે અરુચિ  થતી જાય છે.  આવા અનેક પ્રશ્નો અને પડકારો આપણી સામે છે તેની સામે શાહમૃગવૃતિ રાખી શકાય જ નહિ.  શિક્ષણ Dynamic  છે તો તેને બાળક સુધી પહોંચાડવાના અભિગમ પણ Dynamic જ હોવા જોઈએ.
     શિક્ષણના કેટલાક Basic છે...જેને આપને પી.ટી.સી. વખતે તેને થીયરી કહેતા હતા તે..જેને લાગતા કેટલાક પ્રશ્નો આપણે ઉપર જોઈ ગયા..તે બધાને ધ્યાનમાં રાખી શૈક્ષણિક કાર્ય થઇ શકે તે માટેના પ્રજ્ઞા અભિગમની વાત પણ થઇ ..તેની શરૂઆતથી જ અમને કેટલીક વાતો સ્પષ્ટ થઇ રહી છે તે-
1.       અહી અભ્યાસક્રમ શિક્ષક્ના હાથમાં રહેવાને બદલે દીવાલ પર રંગીન Ladder ના રૂપે  છે. તેથી અભ્યાસક્રમ શિક્ષકે નહિ પણ વિદ્યાર્થીએ પુરો કરવાનો છે.
2.       દરેકને પોતાની ગતિ અને પોતાના સમયે શીખવાની છૂટ છે.
3.       શિક્ષક હવે સાહેબ કે બેન નથી, તે પણ સાથે બેસી(પહેલાની જેમ સામે બેસીને નહિ)તેને મદદ કરે છે. તેથી હવે તેને શાળામાં અજાણ્યું કે અતડું કશું લાગતું નથી.
4.       અહી વિદ્યાર્થીને ફક્ત શિક્ષક પાસેથી જ  શીખવું ફરજીયાત નથી તે પોતાના જેવડા-પોતાનાથી મોટા કે પોતાનાથી નાના વિદ્યાર્થી પાસેથી પણ શીખી શકે છે.
5.       અને અમને જોવા મળેલો સૌથી મોટો ફાયદો એ છે કે અહી વિદ્યાર્થી એક મુદ્દો શીખે તે દરમિયાન તેના શીખવા માટે જરૂરી તેવા બધા પગથીયોમાંથી તેને પસાર થવું જ પડે છે..જેમકે તે નવો કોઈ મુદ્દો શીખે, દ્રઢીકરણ કરે, મહાવરો કરે તેનો ઉપયોગ કરતા શીખે, તે પછી તરત તે જ મુદ્દાને લાગતું મૂલ્યાંકન થાય અને જો જરૂર જણાય તો ત્યાં જ તેનું ઉપચારાત્મક કાર્ય થાય

પ્રજ્ઞા માટેના અમારા શિક્ષકોના મંતવ્યો આ રહ્યા...
1.       “પ્રજ્ઞાથી જેટલી અનુકૂળતા બાળકોને શિખવામાં પડે છે તેના કરતાં ત્રણ  ગણી  અનુકૂળતા મને શિખવવામાં પડે છે, હવે હું દરેક બાળકને પર્સનલી ધ્યાન આપી સમજી અને શીખવી શકુ છું, હવે તો જ્યારે-જ્યારે હું બાળકને શિખવતી હોઉં છું ત્યારે શિક્ષિકાબેન ઓછી અને કાર્ડ શીખી ગયેલ બાળક વધારે લાગું છું, સાચું  કહું તો પ્રજ્ઞા એટલે  બાળકોને મન શીખવાની  સરળતા અને શિક્ષકને ફાળે બાળકને  શિખવવા માટે કરેલ મહેનતનું 100% પરિણામ !
                                                        -નીલોત્તામાબેન પટેલ [ગણિત- સપ્તરંગી ના વિષય શિક્ષક]

2.       પ્રજ્ઞામાં બાળકને  શિખવાની સાથે શિખવવા પણ મળે છે જેથી તેને  તેના મહત્વનો [હયાતીનો] અહેસાસ થાય છે,પોતે શિખશે તો જ બીજા બાળકોને તે શિખવી શકશે તેવું જાણતો હોવાથી બાળક શિક્ષક પાસેથી શિખવા માટે ઉત્સાહ બતાવે છે. પ્રજ્ઞા કાર્યક્રમ એ અનિયમિતતાનો રામ-બાણ ઇલાજ છે.” 
                             
                                     - ચંદુભાઈ બામણીયા [ ગુજરાતી- પર્યાવરણના વિષય શિક્ષક] 

અને હવે કેમેરાની આંખે જોઈએ પ્રજ્ઞા કેવી રીતે?

 બાળક સમજી શકે તેવો ચિત્રાત્મક અભ્યાસક્રમ એટલે લેડર(નિસરણી)


 વિદ્યાર્થી જાતે ત્યાંથી પોતે હવે શું શીખવા જઈ રહ્યો છે તે શોધશે.


તેને લેડર પર જેવું ચિત્ર જોયું હશે તેને આધારે તે -તેવા જ સિમ્બોલ ધરાવતી ટોપલી તરફ જશે.


 તે ટોપલીમાંથી તેને લેડર પર જોયું હોય તેવા ક્રમ મુજબનું કાર્ડ લે છે અને તેની પરના સિમ્બોલના આધારે પોતાની બેસવાની જગ્યા (છાબડી) નક્કી કરે છે.
    
અહી તે શિક્ષકસમર્થિત જૂથમાં બેસી શીખી રહ્યો છે


તેનું તે કાર્ડ મુજબનું કામ પૂરું થયા પછી તે ફરી લેડર પાસે જાય છે


અને તેના સિમ્બોલના આધારે ફરી કાર્ડ ઉપાડે છે

તે કાર્ડને આધારે પોતે ક્યાં બેસશે તે નક્કી કરે છે.


તે પોતાની જગ્યાએ બેસી -આ વખતે આંશિક શિક્ષકસમર્થિત જૂથમાં બેસી પોતાના કાર્ડ મુજબની પ્રવૃતિથી શીખે છે

આ રીતે તે પોતાની ગતિ થી શીખવાનું ચાલુ રાખે છે
આ સંદર્ભે થતા આપના પ્રશ્નો આવકાર્ય છે
સાથે સાથે શિક્ષકનો હવે શું રોલ છે આ વર્ગખંડમાં તે વિષે પણ વિગતે જોઈશું હવે પછી- 

 

August 26, 2010

આંગળાનો જાદુ- બાળગીત

સુરતના મિત્ર શ્રી પ્રકાશભાઈ પરમારે છેલ્લે મળ્યા ત્યારે એક મજાનું સ્વરચિત બાળગીત સંભળાવ્યું...
તેને શાળામાં ગવડાવ્યું તો બધા વિદ્યાર્થીઓને ખુબ ગમ્યું...અહી તે ગીતને ફોટોગ્રાફ્સથી મુકવાનો પ્રયાસ કરું છું..આશા છે ગમશે..









ગીત ગમે તો તમારા અભિનંદન પ્રકાશભાઈ સુધી પણ પહોંચાડજો.            lightmoonthesir@gmail.com

July 04, 2010

“પ્રયોગપોથી” નહી પણ “સ્વાનુભવપોથી” હોવી જોઇએ ??


પ્રયોગપોથી” નહી પણ “સ્વાનુભવપોથી” હોવી જોઇએ ??

                           બાળકોને પ્રાયોગિક શિક્ષણ આપવા માટે ખાસ આવશ્યકતા હોય છે પ્રયોગશાળાની. અને તે પણ સંપૂર્ણપણે સાધનસંપન્ન હોય તેવી !! કારણ કે પ્રયોગ માટેના અપૂરતાં સાધનો ધરાવતી શાળાને કારણે વિષય શિક્ષકશ્રી મૌખિક પ્રયોગ કરે છે અને બાળકોની પણ ઉદારતા કે મજબુરી પણ જે ગણીએ તે પણ  તે પ્રયોગને કાલ્પનિક અનુભવી પણ લે છે !!! અને પછી સૌ સાથે મળી પ્રયોગપોથી પણ ભરી દે છે. તમે તમારી પ્રયોગશાળા કે પછી  તમારા નજીકની કોઇ પ્રાથમિક શાળાની પ્રયોગશાળાનું નિરીક્ષણ કરશો તો મોટાભાગની શાળાઓ આ બાબતમાં ગરીબાઇ અને ત્યાંના બાળકો વિજ્ઞાનના પ્રયોગોનો અસંતોષ અનુભવતા હશે, તેનું એક કારણ શાળા પ્રયોગ સાધન-સામગ્રીનો અભાવ હોય છે, અને કેટલીક જગ્યાએ જ્યાં સાધન પુરતા હોય છે ત્યાં સાધ્યના પ્રયત્નોનો અભાવ જોવા મળતો હોય છે. ટૂંક્માં કારણ ગમે તે હોય મોટાભાગની શાળાઓના બાળકોને પ્રયોગશાળાનો  પુરેપુરો લાભ નથી મળતો. મિત્રો, સાધ્યના પ્રયત્નોના અભાવે ગરીબ બનેલી પ્રયોગશાળાઓ માટે અમારી પાસે કોઈ ઉપાય નથી. પરંતુ જો સાધનોના અભાવે પ્રયોગશાળા ગરીબાઈ વેઠતી હોય તો તે માટેનો એક ઉપાય પણ છે. ક્યારેક કોઈ એક પ્રયોગ માટે જરૂરી સાધનોમાંના એક નાના સાધનના અભાવે જ બાળકો પ્રયોગના પ્રત્યક્ષ અનુભવથી વંચિત રહી જતાં હોય છે. અને હા , જરૂરી થોડા આગોતરા આયોજનથી આવા વિઘ્નોને દૂર કરી શકાય છે. જેમ કે સત્રની શરૂઆતમાં જ તે સત્રમાં આવતાં પ્રયોગોમાં જરૂરી સાધનોની ચકાસણી કરી જે સાધનો ન હોય તેની ખરીદી કરી લેવી જોઈએ . હા, કેટલીકવાર અપૂરતાં શાળાફંડ કે પછી જરૂરિયાત કરતાં ઓછી જમા ગણિત-વિજ્ઞાન ગ્રાંટને કારણે પૂરતાં સાધનો લાવી શકાતાં નથી, અને પરિણામે બધા જ સાધનો હોવા છતાં એક નાના સાધનના ન હોવાને કારણે આપણી આખી પ્રયોગશાળા નકામી સાબિત થઇ જાય છે. પરંતુ જો આવી પરિસ્થિતિમાં જો શિક્ષકશ્રી પોતાની આપસુજ ધ્વારા આચાર્યશ્રીની સાથે મળી વર્ગખંડના બાળકોના વાલીઓની બેઠક બોલાવી આવા પ્રશ્નોની રજૂઆત કરે તો ચોક્કસપણે વાલીઓ પોતાના બાળકોના હિતને ધ્યાનમાં રાખી તેનો સકારાત્મક ઉકેલ લાવશે જ !! ફક્ત જરૂરી છે આપણા તરફથી આવા એક “સકારાત્મક પ્રયત્નરૂપી”  પ્રયોગની કરવાની !!! [ બીજું એ કે શ્રાવણ માસમાં બાળકોને તિથી ભોજન જમાડીએ કે પછી કોઇપણ માસ હોય...., સ્વખર્ચે બાળકો માટે પ્રયોગશાળામાં ખૂટતા સાધનો વસાવીએ –  બંનેમાં પુણ્ય સરખું જ મળશે એ અમારી ગેરંટી ]
                                હવે આવીએ એવી પ્રયોગ શાળાઓ પર કે જ્યાં ખરેખર પ્રયત્નો થાય છે ત્યાં બાળકોને પ્રયોગ બતાવવામાં આવે છે અને ત્યારબાદ પ્રયોગપોથીમાં તેની નોંધ કરવાનું કહેવામાં આવે છે. પરંતુ અમે ફક્ત પ્રયોગ બતાવવા પૂરતાં જ નહિ બાળકો જાતે પ્રયોગ કરે એટલે કે પ્રયોગશાળા ને બદલે “વિજ્ઞાન સ્વાનુભવ-શાળા”ના અને પ્રયોગપોથી નહી પણ ‘પ્રયોગ-સ્વાનુભવપોથી’ ના આગ્રહી રહ્યા છીએ, બાળકો પ્રયોગ જોવે અને તેની નોંધ કરે, તેમ નહી પણ બાળકો પોતે પ્રયોગ અનુભવે અને જાતે તેની નોંધ કરે તેવો અમારો આગ્રહ રહેલો છે. હા કેટલાક પ્રયોગો જોખમી હોય છે પરંતુ થોડીક વધારે આપણી સાવચેતી અને બાળકની જિજ્ઞાસા-બળથી તે પ્રયોગને પણ સરળ બનાવી શકાય છે.કહેવત છે ને કે....
" ઠેસ વાગવાની બીકે ચાલવાનું  બંધ ન  કરી દેવાય, હા, ચાલતાં સમયે થોડી વધારે સાવચેતી જરૂરી છે, પણ ચાલવું તો પડશે જ ને ! "










July 02, 2010

શાળા પ્રવેશોત્સવ..રડતાં બાળ, જય ગોપાળ

      આમ તો આ બાળકો તેમના ભવિષ્યની સાથે-સાથે આપણા ભવિષ્ય માટેના આગંતુક છે, બદલાતા વાતાવરણની સાથે-સાથે પેલી અંગ્રેજી કહેવત” change is painfull[બદલાવ સારો હોય કે ખરાબ, હમેશાં  પીડાદાયક હોય છે] ની જેમ બાળકોને પણ આ શાળાના વાતાવરણના અનુકૂલન મુજબ થતા હજુ વાર લાગશે. ત્યાં સુધી તો આપણે જ તેમના  અનુકૂલન મુજબનું  શાળાનું વાતાવરણ ઉભું કરવું પડશે તે ચોક્કસ છે. પ્રવેશ મેળવ્યો એટલે તેની ઉંમર ભણવાની થઇ જ ગઇ છે તેવું માની ધોરણ પહેલાના અભ્યાસ ક્રમનું મેનુ આપી દેવાની કોઇ જરૂર નથી. ધોરણ પહેલાના શિક્ષકો માટે અમારું તો એવું કહેવું છે કે જ્યાં સુધી બાળકો તમને તેમના ઘરની/આસપાસની  અથવા તો તેની સાથે બનેલી ઘટનાઓની વાતો કોઇ પણ જાતના સંકોચ વિના કરતા ન થાય[એટલે કે તમારી સાથે વિના સંકોચે વાત કરતા ન થાય] ત્યાં સુધી પહેલા ધોરણની કોઇ ક્ષમતાઓ બાળકોમાં વિકસાવવાની શરૂઆત કરી દેવાની જરૂર નથી. કેમકે તે સમજવા માટે કદાચ બાળક માનસીક રૂપે તૈયાર ન પણ હોય્. ધોરણ પહેલાના માટે જરૂર તો હોય છે ફક્ત થોડી ધીરજની- ઘણા જ  પ્રેમની અને  પ્રવ્રુત્તિ યુક્ત-શિક્ષણની !

જોઈએ અમારા પ્રવેશોત્સવની એક ઝલક-

હવે ટુંકા સમયમાં જ સૌની સાથે હળી મળી ગયેલી કૃપાલી તે દિવસે!

સૌ વિદ્યાર્થીઓનું કાગળ અને રંગો થી સ્વાગત કરતા શ્રી નરેન્દ્રભાઈ અને મહેમાનો..

શાળાની પરંપરા મુજબ આ વર્ષે એચ.એસ.સી.ની પરિક્ષામાં ૮૨% સાથે પાસ થનાર અમારા વિદ્યાર્થીનું જાહેર અભિવાદન!

અમારી આગામી આઠ વર્ષ માટેની ટીમ-તેમના પ્રથમ ટીમ લીડર શ્રીમતી નીલોત્તમાબેન સાથે!


June 27, 2010

આવો, બાળકોના ‘’સ્વાહા‘’ ને સમજીએ !!!


આવો, બાળકોના ‘’સ્વાહા‘’ ને સમજીએ !!!

               બાળકો સાથે કામ કરવું એટલે આનંદિત મુંઝવણોનો  અનુભવ કરવો, પણ મોટાભાગે બને છે એવું કે આપણી અથાગ મહેનત પછી પણ  આપણે આપણા  ધોરણના બધા બાળકોની ક્ષમતા સિધ્ધ કરી શકતા નથી અથવા તો એક બાળકમાં બધી ક્ષમતાઓ સિધ્ધ કરી શકતા નથી. તે માટે ઘણા બધા કારણો હોઇ શકે છે, તેમાંનું એક કારણ છે
“બાળકના સ્વભાવિક રસ રૂચિથી શિક્ષકનો  અપરિચય “
 તે માટેનું ઉદાહરણ આપું તો, હિન્દુ સંસ્ક્રુતિમાં યજ્ઞનું ખૂબ મહત્વ રહેલું છે. બ્રાહ્મણો ધ્વારા સારા-નવિન કામ પૂર્વે યજ્ઞ [હોમ-હવન] કરાવવામાં આવે છે. તેમાં બ્રાહ્મણ યજમાન [યજ્ઞ કરાવનાર ] ને યજ્ઞકુંડમાં આહૂતિ આપવા બેસાડે છે અને સાથે-સાથે યજમાનને સૂચના આપવામાં આવે છે કે જ્યારેસ્વાહાબોલવામાં આવે ત્યારે અને તરત આહૂતિ આપવી , કારણ કે એવી માન્યતા છે કે બ્રાહ્મણના  શ્લોક પઠન પછી જ્યારેસ્વાહાઉચ્ચારવામાં તે સમયે  યજ્ઞકુંડનું મુખધ્વાર ખુલે છે અને તે સમયે આપેલી આહૂતિ  યજ્ઞદેવ  સુધી પહોંચે છે.
                યજ્ઞદેવની જેમ આપણા બાળદેવોનું પણ  કંઇક આવું છે ! બાળકનું  જ્યારે રમતગમત રૂપી શ્લોક પઠન ચાલુ હોય ત્યારે આપણે શિક્ષણ રૂપી આહૂતિ આપવા બેઠા  હોઇએ, અને પછી તે સમયે ભણવામાં રસ દાખવનાર બાળક ઉપરરમતિયાળજેવાં ઘણા લેબલ લગાવી દઇએ છીએ, અને જ્યારે બાળક શિક્ષણ રૂપી આહૂતિ સ્વિકારવા તૈયારી બતાવે ત્યારે કદાચ આપણું શ્લોક પઠન ચાલતું હોય છે. કહેવાની વાત ફક્ત એટલી છે કે બાળકો તો નાના છે માટે આપણે તેમના અનુકૂલન મુજબ જ્યારે જ્યારે શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિ હોય ત્યારે શિક્ષણ આપવું અથવા તો   શિક્ષણ પ્રત્યેની રસ-રૂચિ પેદા કરી શકે તેવી પ્રવ્રુત્તિ કરાવવી અને સાથે-સાથે જ્યારે બાળકના વર્તનમાં સ્વાહા દેખાય ત્યારે શિક્ષણ આપવું જોઇએ.... 
વાત એટલા માટે કે આપણે આપણા ઘણા શિક્ષક મિત્રો પાસેથી સાંભળીએ છીએ કે11 થી 5 નહી પણ આપણે બે કલાક ભણાવીએ છીએ પણ તે બે કલાક પૂરેપૂરા દિલથી ભણાવીએ છીએ.” ત્યારે મને પ્રશ્નએ થાય છે કે આપણા મિત્રને બે કલાક શિખવવા માટેનું જ્યારે શુરાતન ચડે તે સમયે  { શિક્ષક મિત્રના તે બે કલાક સિવાયના બાકીના કલાકોની જેમ} બાળકો  શિક્ષણકાર્ય કરવાના મૂડમાં પણ હોય !!! તો શું કરશો ?]