February 22, 2013

પર્યટન.....



બાળકોમાં આનંદ અને સ્ફૂર્તિનો સંચય કરનાર ...પર્યટન.....



                           પર્યટન કે પ્રવાસનું નામ પડતા જ શાળામાં આનંદિત કોલાહલ જોવા મળે છે,પર્યટન જવાની વાત તો દૂર પરંતુ જયારે તમે બાળકોને કહેશો કે, “પ્રવાસ જવાનું છે...કેટલા બાળકોએ આવવાનું છે?” ત્યારે મોટાભાગના બધા જ બાળકોની આંગળી ઊંચી થઇ જશે..[આર્થિક કે વ્યક્તિગત પરિસ્થિતિ બાળકની ઈચ્છામાં અવરોધ બને તે અન્ય વાત છે] બાકી તો પ્રવાસનું પૂછતાંની સાથે જ બાળકોમાં આનંદના મોજાં જ મોજાં ચાલુ થઇ જશે....શાળા બાળકને ખૂબ જ ગમે તેવી હોય અને બાળકને  શાળામાં  આવવાનો ઘણો જ આનંદ આવતો હોય તો પણ એકસાથે શાળાએ આવ્યા પછી શાળા બહાર પણ સમૂહમાં નીકળવાની મજા તો બાળક માટે અનેરી હોય છે ! જયારે આપણે પર્યટનની વાત કરતાં હોઈએ ત્યારે સામાન્ય રીતે પર્યટનની વ્યાખ્યા આપણે એવી બાંધીએ છીએ કે- ‘આપણી નજીકના રમણીય આનંદદાયી સ્થળની ચાલીને લીધેલી  મુલાકાત..’ 
ઘણીવાર તો એવું બને છે કે તે સ્થળે આપણી શાળાના ઘણાં બાળકોને ખેતરના કામે અથવા તો અન્ય કોઈ કામે વારંવાર ત્યાં જવાનું થતું હોય છે. પરંતુ જયારે પર્યટનમાં સમુહમાં જવાની વાત આવે છે ત્યારે વારંવાર પણ એકલા જતાં બાળકો પણ આનંદિત થઇ પોતાની ચીચીયારીઓને રોકી નથી શકતાં... રોજેરોજ એકલાં અથવા તો વાલી સાથે જતાં તે બાળકોમાં આજે તો શાળા સાથે સમુહમાં જવાનું છે.” આ જ વિચાર તેમનામાં સ્ફોટક આનંદ પેદા કરી દે છે...જે ચિચિયારી રૂપે બહાર નીકળે છે. શાળાની ઘણી વ્યાખ્યાઓ પૈકી એક વ્યાખ્યા ‘“સમુહજીવનના પાઠ શીખવતી સંસ્થા”’ તરીકે પણ આપણે કરીએ છીએ.પણ પ્રવાસ કે પર્યટનની ચિચિયારી વાળી આવી ઘટનાઓ પ્રશ્ન પેદા કરે છે કે અરે ! બાળકોને તો ક્યાં સમુહ જીવનના પાઠ શીખવવાની જરૂર છે, સમુહમાં રહેવું ગમે છે એટલે જ તો શાળાએ આવે છે..સમુહમાં રમવું ગમે છે એટલે તો શેરી રમતો રમે છે, સમુહમાં ફરવું ગમે છે એટલે તો ખેતરમાં કેરીઓ કે આંબલી ખાવા જવાની વાત હોય કે શાળામાંથી પ્રવાસ/પર્યટનમાં જવાની વાત હોય ....આ બધી બાબતો સમુહમાં રહેવું/ફરવું એ બાળકની ગળથુથીમાં જ હોય તેવો ભાવ પેદા કરે છે. હા, પર્યટન કે પ્રવાસ બાળકનામાં આનંદ – સ્ફૂર્તિ અને સાથે-સાથે બાળકને ખુલવાનો મોકો પેદા કરે છે. શાળાથી પર્યટન વચ્ચેની મુસાફરીનો સમયગાળો બાળકને જાણવા માટેનો સુવર્ણકાળ કહીએ તો પણ ખોટું નથી. એટલે કે આ સમયે બાળકો તમારી સાથે ખુલીને વાતો કરતાં જણાશે. માનવીય જીવનમાં જે કામ તહેવારો કરી રહ્યા છે,તે કામ બાળકના શૈક્ષણિક જીવનમાં પર્યટન/પ્રવાસ કરે છે. પરંતુ શાળા જયારે પણ આ પ્રકારનું આયોજન કરતી હોય ત્યારે શિક્ષક તરીકે આપણે એ લોભ પણ જતો નથી જ કરી શકતાં કે “ ‘‘લાવને પર્યટનના આયોજનમાં થોડું શૈક્ષણિક પાસું પણ જોડી દઉં.’’ જેમકે બાળકોના આવવા-જવાના સમયને ગુજરાતી/હિન્દી/અંગ્રેજી સાથે જોડી “અંતાક્ષરી” કે પછી રસ્તામાં આવતાં ઢોળાવો વડે ભૂગોળ અથવા તો ભોજન-ખર્ચ- રમતો માટેના સમયની ફાળવણીનું આયોજન વગેરે ધ્વારા ગણિત...વગેરે....વગેરે... આ તો ફક્ત ઉદાહરણો છે આપ પણ આપની રીતે તેમાં શૈક્ષણિક ઉદેશ્યની પ્રવૃત્તિઓ પરોક્ષ રીતે જોડી શકો છો...અને જો બાળકોને આમાંથી કંઈક ન ગમે તો  છોડી પણ શકો છો...કારણ કે પર્યટનનો આપણો પ્રથમ ઉદેશ્ય તો બાળકોને આનંદિત કરવાનો છે...એ તો ન જ ભૂલી શકાય.... 
ચાલો જઈએ જોઈએ...પર્યટનને અને બાળકોના આનંદને...
ધૂળિએ માર્ગ જાવું....ક્યારેક તો  એમના  આનંદની  પણ  ઈર્ષા થાય છે...
નદીનો પટ .... જાણે કે "માં" નો ખોળો..... 
કિલકારીઓ યુક્ત "માં" નો ખોળો.. એટલે કે નદીનો પટ...
નદી કિનારે અંતાક્ષરી..... ઈર્ષ્યા  આવે તો અમને ન કહેતાં પણ કોમેન્ટમાં જરૂર લખજો....
નજીકમાં આવેલ માતાજીના મંદિરના ઓટલાને જ સ્ટેજ બનાવી દીધું...
એવું ન માનતાં કે શિક્ષક શીખવી રહ્યા છે, હકીકત એ છે કે લાઈફ સ્કીલ પ્રોગ્રામ અંતર્ગત શીખેલ બાળાઓ પાસેથી શિક્ષક શીખી રહ્યા છે.. 
અભિનય ગીત...
રમતનો આનંદ ....
આ ક્લિકની પાંચ સેકન્ડ પછીની વાત કરૂ તો સ્વપ્નિલભાઈ આઉટ થઇ ગયા હતા... રમતના આનંદના રંગમાં શિક્ષક્શ્રીઓ પણ...
"હેલ્થ મોનીટરો" પર અમારા કરતાં થોડી વધારે જવાબદારી હતી... 
એવું પણ ન હોતું કે અમારી કોઈ જ જવાબદારી ન હોતી ..


February 21, 2013

માતૃભાષાનું ગૌરવ- એક અભિયાન


માતૃભાષાનું ગૌરવ- એક અભિયાન....
                 વર્ગમાં જયારે ગુજરાતી, હિન્દી,અંગ્રેજી અને સંસ્કૃત ની ચર્ચા ચાલતી હોય ત્યારે ભાષા શીખવાના ફાયદાની વાતો કરતો હોઉં છું !
       ભાષા ના હોવી તેનું દર્દ શું હોય આ દુનિયા સાથે જોડાવાની સર્વસામાન્ય કડી ના હોય તેનું દર્દ સમજવા તો આપણે સૌએ એક દિવસ માટે પેલી નાનકડી હેલન (કેલર) બનવું પડે ! એવું અમારી ભાષામાં તેમને કહું છું...તેઓ થોડું સમજે છે અને થોડું મને સમજવાનો પ્રયત્ન કરતા હોય તેમ માથું ધુણાવે છે !ભાષા વિષે વાત કરનાર પણ ક્યારેક ભાષા કેમ શીખવી ?-અને-શાળામાં ભાષા શીખવવી એટલે શું ? એ પ્રશ્ન ને ગંભીરતાથી વિચારે ત્યારે પોતે પણ પ્રકૃતિ વિરુદ્ધ ગંભીર થઇ જાય છે.
       ભાષા બાબતની અણી કાઢવાના બે મોકા મળ્યા મણીલાલ પટેલ નો પત્ર (ધોરણ-) અને ૨૧ મી ફેબ્રુઆરીનો વિશ્વ માતૃભાષા દિવસ !૧૫ દિવસ અગાઉથી જ આયોજન શરૂ થઇ ગયેલું. જિજ્ઞાસા વધારવા આઠમા ધોરણના વિદ્યાર્થીઓને કહ્યું કે તમે એક અઠવાડિયામાં આયોજન કરો કે માતૃભાષા દિનની ઉજવણી કરવી હોય તો શું કરી શકાય ?પણ ખબરદાર આપણે આખી શાળાને સરપ્રાઈઝઆપવાનું છે...કોઇને ય આપણા આ ગુપ્ત ષડ્યંત્રની ખબર ના પડવી જોઈએ..
       તેમને અઠવાડિયા સુધી કરેલા આયોજનને જોતા તેમને સાતમાં ધોરણના વિદ્યાર્થીઓની જરૂર મહેસૂસ થઇ તો એક શનિવારે અમારી મિશન માતૃભાષા ની બીજી બેઠક મળી...વિગતવાર આયોજન થયું..

   શિક્ષક તરફથી ફક્ત એક જ સુચના- પુસ્તકમાં/શાળામાં-જે કરવું પડે લખવું-વાંચવું પડે- એવી કોઈ પ્રવૃત્તિ ના પસંદ કરતા ! તમને શું ગમે ? તમે શું વિચારો છો ? તમને કેવું થાય ? તમને કેવું લખવું ગમે ? તમને કેવું સાંભળવું ગમે ? – એ પ્રશ્નોના જવાબ તમારા આયોજનમાં દેખાય..તે જો જો ! ......





પાંચ ખંડો નક્કી થયા-
ગીજુભાઈ ખંડ જ્યાં વાર્તાઓ કહેવાની, સાંભળવાની અને લખવાની (નવી-વાંચેલી નહિ )

ચંદ્રવદન ચી.મહેતા ખંડ જ્યાં નાટક ભજવતા શીખવાનું અને ધો-૬ થી ૮ ના બાળકો જુથમાં બેસી કાવ્યો-વાર્તાઓ અને ઘટનાઓને નાટક સ્વરૂપે લખે !

મુનશી ખંડ જ્યાં ૧-૨ ના ટાબરિયાઓને વાતો કરાવવી-તેમની મમ્મી/બકરી/પેન્સિલ/તેમને શું ખાધું ..વિગેરે- ૩ થી ૮ માટે કેટલાક વિષયો પર લખવું કેટલાક વિષયો તેમને આ પ્રમાણે નક્કી કર્યા મારું ફળિયું, મારા અક્ષર, લીલું ઘાસ, મહીસાગર, મહી બીજ, મને ગમતી ફિલ્મ, ડી.જે., મારું ખેતર....


મીરાબાઈ ખંડજેમાં ભાષાની રમતોવય અનુસારકેટલીક રમતો અમે સૂચવી તો કેટલીક તેમને જાતે શોધી


ધ્રુવ ભટ્ટ ખંડ અહી, તેમને ગીતો ગાવાના, ગવડાવવાના, તેની પર અભિનય કરતા શીખવાનું

સમગ્ર સંચાલન ધો-૭ અને ૮ વિદ્યાર્થીઓએ જ કરવાનું. સમય ફાળવણી અને સમય સાચવણી પણ તેમને જ જોવાની...દર ૪૦ મીનીટે બાકીના બાળકોએ વર્ગ બદલી દેવાનો !
                     હવે માતૃભાષા દિને અમે માનેલો આનંદ ફક્ત ભાષાથી જ આપવાને બદલે આ છબીઓની ભાષા પણ ઉકેલી લો ! હવે માતૃભાષા દિને અમે માનેલો આનંદ ફક્ત ભાષાથી જ આપવાને બદલે આ છબીઓની ભાષા પણ ઉકેલી લો !
આયોજન ડિસ્પ્લે 


મુનશી ખંડમાં નિબંધ - શું ખબર કાલે આ બધામાંથી કોઈ મુનશી પાકે !


વાર્તા સાંભળો અને લખો - 
 

વાર્તા-કાવ્યને નાટકમાં રૂપાંતર કરીને  લખવું હોય તો પછી આવી મગજમારી તો થવાની  જ !




ઉમર પ્રમાણેની ભાષા રમતો !



નાના ટાબરિયાઓને લખવાનું નહિ - બોલવાનું - જેટલું બોલવું અને જે બોલવું હોય તે બોલે  !




અમારો નફો ગણો કે આ પોગ્રામનું આઉટપુટ ...આ રહ્યું...!!!