😍શાળા પહેલાંની શાળા; 😎શાળા પછીની શાળા
શાળાની સંસ્કૃતિ જુદી જુદી પ્રક્રિયાઓ વડે રચાય છે કે, જેના વડે બાળકો જ્ઞાન મેળવે તેમજ તેમનાં કૌશલ્ય,
વલણો અને મૂલ્યોનો વિકાસ થાય.
આપણે જ્ઞાનના ક્ષેત્રમાં લગભગ આખા દિવસમાં વધારે કામ કરતા હોઈએ છીએ. જુદા જુદા પ્રકારની સંકલ્પનાઓ તેઓ આત્મસાત કરે તે માટેના આપણા પ્રયત્નો રહેતા હોય છે. આમ તો એ સંકલ્પનાઓ વખતે શિક્ષક તરીકેનો આપણો વ્યવહાર તેમનામાં સહકારનું વલણ પેદા કરતો હોય છે. જે રીતનું વર્તન આપણે તેમની સાથે કરીએ છીએ તે જ રીતે તેઓ એકબીજા સાથે વર્તન કરવાનું શીખે છે. તે દરમિયાન કેટલાક કૌશલ્ય ઉપર પણ કામ થતું હોય છે. ભાષામાં વાર્તા-કવિતા પછી થતી વાતચીત વડે તેમનામાં ભાવાત્મક વલણો વિકસે તેવું કામ થાય છે. ભાષાની જ કેટલીક પ્રવૃત્તિઓમાં તેમનામાં વિવેચનાત્મક ચિંતન તેમજ સર્જનાત્મક ચિંતન માટેના સ્કોપ પડેલા હોય છે, પરંતુ આપણી નવા નદીસર શાળાને આ બધામાં સમૂહભાવના, સહકારનું વલણ અને તનમનની દુરસ્તી માટે થોડોક વધુ સમય પણ મળી રહે છે.
એકાદ દસકાથી શાળાનો દરવાજો ખોલવાનો સમય સવારે
09:00થી 09:30ની વચ્ચે હોય છે. શિક્ષક તરીકે કોઈ આવ્યું હોય કે ન આવ્યું હોય શાળાના પ્રમુખ,
ઉપપ્રમુખ અને બધાં જૂથના લીડર વડે શાળાનું સમગ્ર સંચાલન શરૂ થઈ જ ગયું હોય. તે દરમિયાન તેઓ શાળાની ગોઠવણી તેમજ ગઈકાલના ગૃહકાર્યની ચકાસણી કરવાનું શરૂ કરી દે. ટીનએજમાં જે સામાન્ય બાબત છે તેવી જુદી જુદી ગેંગ બનાવીને કરાતા ગામગપાટા,
આજે આપણે શું કરવાનું છે તે વિષયનાં આયોજનો
– આવું બધું ચાલતું રહે છે.
સાંજે શાળાનો દરવાજો બંધ કરવાનો સમય 06:30થી 07:00ની વચ્ચેનો હોય છે. શાળા અધિકૃત રીતે પાંચ વાગ્યે પૂરી થાય પછી સૌ ગ્રીનહૉલમાં સામૂહિક રીતે ભેગા થાય. આજનો દિવસ કેવો ગયો તેનું અનૌપચારિક રીતે એક રિફ્લેક્શન થાય – દરેક ધોરણનો એક-એક વિદ્યાર્થી વારાફરતી આજે સવારના પ્રથમ તાસથી લઈને છેલ્લા તાસ દરમિયાન કઈ કઈ પ્રવૃત્તિ કરી તે વિશે બધાની સામે વાત કરે. આ અમારા માટે એક ચેકપૉઇન્ટ પણ હોય છે કે; જો એ કોઈ એક શિક્ષકના તાસ વિશે સાંજે ન બોલી શકે તો શિક્ષક તરીકે અમારે સમજવાનું હોય છે કે આજે આપણે કરેલી પ્રક્રિયા અસરકારક નહોતી.
આ સમગ્ર રિફ્લેક્શનનું સંચાલન પ્રાર્થના સંમેલન કરતા વિદ્યાર્થીઓ, પ્રમુખ અથવા કોઈ કોઈ વાર અમારામાંના શિક્ષકો પણ કરે છે. આ પૂરું થાય પછી બૅન્ડ સાથેનું રાષ્ટ્રગીત વાગે અને એ રાષ્ટ્રગીત વગાડ્યા પછી બૅન્ડ પોતે જ એક પરેડમાં ફેરવાઈ જાય. હા, અમને ભેંટમાં મળેલાં સંગીતનાં સાધનો વડે શાળાનું પોતાનું એક બૅન્ડ છે અને અમે ટૅક્નૉલૉજીના ઉપયોગ વડે તેમને એ સાધનો વગાડતાં શીખવ્યાં છે. તેઓને પરસ્પર એકબીજાને શીખવવાની ચિનગારી ચાંપી,
ને આજે બૅન્ડ વગાડનારી આવી કુલ ચારેક ટીમો તૈયાર થઈ ગઈ છે. એક બાજુ આ પરેડ ચાલતી હોય તો બીજી બાજુ ખોખો અને કબડ્ડીનું મેદાન ગૂંજી રહ્યું હોય! વળી, બીજી તરફના નાના મેદાનમાં કેટલાંક ટાબરિયાંઓ પોતાની જાતે જુદા જુદા પ્રકારની ધીંગામસ્તી કરતાં હોય. ત્યાં કેટલાક પોતાનું હોમવર્ક કરતા હોય તો કેટલાક વળી શિક્ષકની મદદથી યોગાસન શીખી રહ્યા હોય. બાળ રંગમંચ ઉપર ચેસની ચાલ ચલાતી હોય તો કૉમ્પ્યૂટર રૂમમાં ટાઇપિંગ માટેની પ્રેક્ટિસ ચાલી રહી હોય! ઘણી વાર તેઓ શાળાનાં વહીવટી કાર્યો જે કૉમ્પ્યૂટર પર કરવાનાં હોય છે તે જાતે જ ઉપાડી લેતા હોય છે. શાળામાંથી ભણીને કોઈક જગ્યાએ ગયેલા અત્યારે કૉલેજ વગેરે કરતા વિદ્યાર્થીઓ સાથે તેમના તે વિષયોની ચર્ચા ચાલતી હોય તો ક્યાંક ક્યાંક નાનાં નાનાં જૂથમાંથી આજે શું શીખ્યા,
તેમાં શું નથી આવડ્યું,
તે શીખવા શું કરીશું
– તેની પણ ચર્ચા ચાલતી હોય! ક્યાંક વળી ઇન્ટર ઍક્ટિવ ફ્લૅટ પૅનલ પરથી જોઈને ક્લાસિકલ ડાન્સ કરવાની પ્રેક્ટિસ પણ ચાલતી હોય, તો વળી ક્યાંક કેટલાંક છોકરા-છોકરીઓ શાળાની લૉબીમાં તેમજ બાળ વિકાસપથ પર પોતાના મિત્રોની મદદથી સ્કેટિંગ પર અવનવાં કરતબ શીખી રહ્યાં હોય! ક્યાંક લાંબીકૂદ હોય, ક્યાંક બ્રૉડજંપ હોય તો ક્યાંક ગોળાફેંક અને ચક્રફેંકની પ્રેક્ટિસ ચાલતી હોય!
આમ, શાળા તરીકે નિયમિત
10:30 થી 05:00ના સમયમાં જે જે કાર્યોમાં તેઓ ઓછો સમય આપે તેનું સાટું તેઓ આ શાળા સમય પહેલાં અને શાળા પછીની શાળામાં વાળી દે છે.
અમને લાગે છે કે તેઓ દિવસ દરમિયાન જે પણ શીખે છે, જુએ છે, જાણે છે, તેમનામાં જે કેળવે છે; તે કૌશલ્ય, વલણો અને મૂલ્યોનો આ શાળા પછીની શાળામાં ઉપયોગ કરતાં શીખે છે.
આ શાળા પછીની શાળામાં બીજું શું ઉમેરી શકાય તે કહેજો.
અમે એનો પ્રસ્તાવ એમની સામે મૂકીશું કે શું તેઓ આ કામ ઉમેરી શકશે!
હા, આખરી મરજી તો તેમની પોતાની જ રહેશે!
ચાલો, ક્લિક કરો અને પહોંચો > અમારી શાળા પછીની શાળામાં