August 15, 2023

ચૂંટણી પ્રક્રિયાનો ચિતાર !

ચૂંટણી પ્રક્રિયાનો ચિતાર !

જે રીતે ભારતમાં ચૂંટણી કરવાની પ્રક્રિયા છે તેના તમામ પાસાઓને તેઓએ અનુભવ્યા ! ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે જે નિયમો વડે ચૂંટણી કરાવે છે તે તમામ નિયમો વિશે તેઓએ જાણકારી મેળવી અને તે મુજબ ચૂંટણી પ્રક્રિયા કરી.

    ઉમેદવાર તરીકે ફોર્મ ભરવું

    ટેકેદાર નક્કી કરવા.

    ફોર્મની અંદર પોતાને કયું નિશાન જોઈએ છે તેની માંગણી રજૂ કરવી.

    સમય મર્યાદામાં અન્ય ઉમેદવારો સાથે મળીને સમજાવટ કરીને ફોર્મ પાછું ખેંચાવવું..

    પ્રચાર કરવો. - પ્રચાર એટલે માત્ર શાળાના વિદ્યાર્થીઓ સામે નહીં કારણ કે શાળા પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટવા માટે શાળાના વિદ્યાર્થીઓ સિવાય આંગણવાડીનો સ્ટાફ, મધ્યાન ભોજન સ્ટાફ, શિક્ષકો ,એસએમસી સભ્યો અને અત્યાર સુધીમાં થઈ ગયેલા બધા પ્રમુખ ઉપપ્રમુખને પણ મતદાર બનાવે છે. એવા સમયે તેમનો પ્રચાર ગામની અંદર નાની મોટી રેલીઓ કરવી અને તે પણ સૂત્રોચાર સાથે ! જુદા જુદા ફળિયામાં બેઠકો કરવી. શાળામાં પોતે શું કરવા માંગે છે તે માટેનું પોતાનું વિઝન રજૂ કરવું. જાહેરાત માટેના ચાર્ટ તૈયાર કરવા. કયા વિદ્યાર્થીઓને કોણ સમજાવી શકશે તેની મદદ લેવી. જે એસએમસી સભ્યનો મત મેળવવા માટે તેમના ઘરે ગયા હોય અને તેઓ મળે તો તેમના પરિવારજનોને સમજાવવા કે તેમના કુટુંબના તે સભ્યોનો મત શા માટે જોઈએ છે  !

    ચૂંટણીના આગળના દિવસે પ્રીસાઇડિંગ થી લઈને પોલીસ સ્ટાફ સુધી તમામ ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવી.

    બુથ તૈયાર કરવું. (આપણે તો પરિચિત છીએ  કે એક બુથ તૈયાર કરવામાં આપણી - એટલે કે ચૂંટણી અધિકારી તરીકે ગયેલા શિક્ષકોની કેવી સ્થિતિ થાય છે ! તેનો પણ તેમણે એક અનુભવ મેળવ્યો.

     બધા બેલેટ પર સિક્કા મારીને સહી કરવી - કાલે ક્યાંથી ?કેવી રીતે મતદાર આવશે ? તેમની સાથે કેવી રીતે વાત કરીશું ? મત રદ થાય તે માટે શું કરીશું ? કોઈ ફરીથી મત ના આપે તે માટે શું કરીશું ? જેવું આયોજન આગલી સાંજે સાતેક વાગ્યા સુધી ચાલ્યું.

    ચૂંટણીના દિવસે વારાફરતી પોતાનું આધારકાર્ડ બતાવીને ( ઉદ્દેશ્ય અમારો હતો કે જે જે વિદ્યાર્થીઓને હજુ આધાર નંબર અમારી પાસે નથી તે મળી જાય આધાર કાર્ડ બતાવી મત આપવા માટે જવું.

    આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ પણ બહુ કડકબરાબર ખોખારીને એજન્ટોને પૂછી પૂછીને મતદાન કરાવડાવ્યું

    ઉમેદવારોની હાજરીમાં મત પેટી સીલ થઈ - ટકાવારીની ગણતરી કરવામાં આવી.

    તેના પછીના દિવસે મતગણતરી કરી શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખની ઘોષણા કરવામાં આવી.

    15 મી ઓગસ્ટે સ્વતંત્ર પર્વ નિમિત્તે ગામ અને વાલીઓ સમક્ષ પ્રમુખ અને ઉપપ્રમુખની શપથ વિધિ થઈ અને તેમને શાળાની જવાબદારી અને તે જવાબદારીઓ નિભાવવા માટે સત્તા આપે તેવો પ્રમુખ ઉપપ્રમુખ નો સિક્કો ગામ સમક્ષ અર્પણ કરવામાં આવ્યો.

 ટૂંકમાં એક લોક પ્રતિનિધિની ચૂંટણી જેવી રીતે થાય છે તેવી રીતે શાળાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી થઈ

શું જુદું હતું? આપણે મોટેરાઓએ એમની પાસેથી શું શીખવા જેવું હતું ?

તેમના પ્રચાર કરવાની રીત ! તેમની સમજાવવાની રીત ! પ્રચાર દરમિયાન પોતાના હરીફ ઉમેદવાર પાસે પ્રચારના આઈડિયા ખૂટી પડે તો પરસ્પર તેઓએ એકબીજાને એવા આઈડિયાઝ આપ્યા. કેટલાક ઉમેદવારો તો વારાફરતી એકબીજાની ચૂંટણી માટેની ગામની રેલીઓમાં પણ ગયા. શિક્ષકોને સમજાવવાની વાત આવી ત્યારે કેટલાક વ્યક્તિગત આવી રીતે સમજાવી ગયા. તો બીજા એવા પણ હતા કે ત્રણ ચારના જૂથમાં એક શિક્ષક પાસે આવીને વારાફરતી એકબીજાની હાજરીમાં તમારો મત મને શા માટે મળવો જોઈએ તે માટેની દલીલો- ચર્ચાઓ કરી ! ત્યાં એકબીજાની ચર્ચાઓમાં પૂરક સૂચનો પણ આપતા હતા. દાખલા તરીકે કોઈકે કહ્યું કે, “મારા મનમાં પુસ્તકાલયની ગોઠવણીનો આવો વિચાર છે.”  તો બીજા તરત કહ્યું કે, “હા, એમ તો કરી શકાય એની સાથે સાથે પુસ્તકાલયમાં આવું એક કામ પણ થઈ શકે. કોઈકે કહ્યું કે, “મારા મનમાં જે વિદ્યાર્થીઓ હજુ પોતાના ધોરણ મુજબ વાંચી લખી શકતા નથી તે માટેનું એક આવું આયોજન છે.” તો બીજા તરત ત્યાં એમાં ટેકો જાહેર કરીને કહ્યું કે, “અરે વાહ ! સારો વિચાર છે. આમાં આવું પણ થઈ શકે.” 

તેઓ આવ્યા તો હતા મત મેળવવા માટે પરંતુ મત મેળવવામાં શાળાનું અને વિદ્યાર્થીઓનું હિત તેઓ ભૂલી નહોતા ગયા તેઓને ખબર હતી કે આઈડીયાઝ આપવાથી અન્ય ઉમેદવાર કદાચ મારા કરતા વધુ સારી રીતે પોતાની વાતને પ્રસ્તુત કરી શકે એમ છે એમ છતાં તેઓ અટક્યા નહીં.

 બીજાની લીટીને નાની કરવાને બદલે પોતાની લીટી વધુ મોટી કરવા માટેના તેમના સતત પ્રયત્નો અમે પંદરેક દિવસ સુધી અનુભવ્યા અને અનુભવને તેમની સાથે અમે વહેંચ્યો અને કહ્યું કે, “જો આપણા સૌમાં પ્રકારનો પ્રેમ - સબંધ રહેશે તો આપણે શાળા - ગામ - સમાજની તમામ મુશ્કેલીઓને હટાવી શકીશું.”  











































VIDEO


No comments: