"બોલવા દેજો… અમારી ભાષાની પાંખો ખોલવા દેજો !”
આ વર્ષ પ્રાથમિક શાળાઓ માટે સોનાનું વર્ષ છે. નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત આપણા રાજ્યમાં આ નવા શૈક્ષણિક વર્ષથી ૫ વર્ષનું બાળક ધોરણ પહેલાને બદલે બાલવાટિકામાં દાખલ થયું છે. આનંદ એ જ છે કે એ બાળકોને હવે નાની ઉંમરે ભણતરનો ભાર નહીં લાગે!
હાલ આખા રાજ્યમાં આ બાળકો પ્રવૃત્તિમય જીવી રહ્યાં છે, મસ્તીથી રમી રહ્યાં છે અને એમ જ રમતાં – રમતાં ધોરણ પહેલા માટે તૈયાર થઈ રહ્યાં છે. આ બાળકો માટે આ વર્ષ ટર્નિંગ પોઈન્ટ જેવું છે. તેમના માટે શાળાની દુનિયા એ પોતાની દુનિયાથી અલગ હોય છે. એટલે કે ઘણીબધી બાબતોમાં બાળકો શાળા માટે નવાં છે તેમ બાળકો માટે શાળા પણ નવી દુનિયા છે. તેમાં તેઓને આનંદમય રીતે સ્થાયી કરવાં એ જ આપણી મોટી જવાબદારી છે.
આમ તો બાળકના જીવનમાં જન્મથી જ ભાષા ઇનપુટ થવાનું શરૂ થઈ ગયું હોય છે. તેમજ બે વર્ષની ઉંમરથી તો ભાષાનું આઉટ પુટ એટલે કે બોલવાનું શરૂ કરી દીધું હોય છે. બાળકો જેમ જેમ મોટા થતાં જાય છે તેમ તેમ સંવાદ સ્વરૂપે તેમનામાં શબ્દભંડોળ વધતું જતું હોય છે, અને તેનો જ ઉપયોગ તેઓ બોલવા
– વર્તવામાં કરતાં હોય છે. શાળામાં દાખલ થયેલ બાળકોએ પણ સમાજમાંથી ભાષાના ખાસ્સા એવા ઇનપુટ સાથે પ્રવેશ લીધો હોય છે. આગળ હવે શાળાનું કામ બાળકે શીખેલી
- સમજેલી એ ભાષાને મજબૂત અને વ્યવસ્થિત બનાવી તેનામાં ભાષાનું વધુ ઇનપુટ આપવું તેમજ તેને વ્યક્ત કરવા માટેનું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે.
બાળકની ભાષા માટે તેનું શબ્દભંડોળનું વધુને વધુ સમૃદ્ધ બનવું એ જ એકમાત્ર ઉપાય છે. શબ્દભંડોળ વધે અને તેનો અર્થ જાણે તો જ અર્થપૂર્ણ વાક્ય અને તેના દ્વારા અર્થપૂર્ણ ભાષાને ઉચ્ચારી
– લખી શકે. એટલે કે બાળક કોઈ એક શબ્દનો અર્થ બાંધવા માટે પણ પોતાને થયેલ વિવિધ અનુભવોનો ઉપયોગ કરતો હોય છે. આમાં અમને બાળકોના શિક્ષણ અંગેના ચિંતન માટેના થયેલા એક સંવાદમાં શ્રી હરેશભાઈ ચૌધરીની વાત યાદ આવે છે. તેઓએ ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, 'બાળકનું શબ્દભંડોળ એટલે બાળકે પોતે પોતાના અનુભવોને આધારે નક્કી થયેલો એવો અર્થ કે જેને તે ઉપયોગ કરી શકે છે. જેમ કે પ્રાર્થના શબ્દ બાળકના શબ્દભંડોળમાં સ્થાપિત થતાં થતાં બાળક કેટકેટલા અનુભવોમાંથી પસાર થાય છે ? – તેનો મિત્ર કહે કે ચાલ પ્રાર્થનામાં જવાનું છે? ત્યારે તેના મનમાં
“પ્રાર્થના એટલે કોઈ સ્થળ”
માત્ર હોય તેવી કલ્પના હોય છે. – એવામાં જ કોઈ કહે કે પ્રાર્થના કરવા જલદી પહોંચો
– ત્યારે તેના માટે “પ્રાર્થના એટલે પ્રવૃત્તિનું નામ” લાગે છે. – વર્ગખંડમાં શિક્ષક જ્યારે કહે કે,"પ્રાર્થનામાં સૂચના આપી હતીને કે સૌએ લાઇનમાં જ વર્ગખંડમાં જઈશું ! "– ત્યારે બાળકના મનમાં “પ્રાર્થના એટલે સૂચનો માટેની જગ્યા” – એવો બનતો હોય છે. – ધીમે ધીમે રોજરોજ પ્રાર્થના સમારંભમાં બેસતાં બેસતાં
- મિત્રો – શિક્ષકોની વાતો સાંભળતા સાંભળતા
– અનુભવોને આધારે તેનામાં પ્રાર્થના એટલે શું ? – એ જે અર્થ બને છે ત્યારે કહી શકાય કે તેના ભંડોળમાં
“પ્રાર્થના” શબ્દ ઉમેરાયો !'
આવી જ રીતે તો બાળકોની ભાષા સમૃદ્ધ બને છે. આપણે સૌ જાણીએ છીએ કે જે બાળકની ભાષા સમૃદ્ધ તેનાં તમામ કૌશલ્યો સમૃદ્ધ
! લખવા માટે – એટલે કે લેખન અને બોલવા માટે એટલે કે વકતૃત્વ માટે પણ વધુમાં વધુ અર્થની સમજપૂર્વકનું શબ્દભંડોળ હોવું જ જોઈએ. બધા જ વિષયની માતા પણ ભાષા જ છે – એટલે કે જેની ભાષા સમૃદ્ધ તેના તમામ વિષય સમૃદ્ધ-
ગણિતમાં સંખ્યાની સમજ પણ ભાષાથી જ મળે છે. અને વિજ્ઞાનમાં સમજાયેલાં તથ્યોની સમજની સમજ પણ ભાષાની સમૃદ્ધિના આધારે જ સમજાય છે. માટે જ નવાં નવાં આવેલાં આ ભૂલકાંની ભાષા સમૃદ્ધ કરવા અત્યારથી જ લાગી જઈ આટલું તો કરીએ જ !
● બાળકો સાથે સંવાદ કરીએ..
● વર્ગખંડમાં અન્ય બાળકો સાથે સંવાદની સ્થિતિ બનાવીએ..
● પરિસરમાં શાળામાં વિવિધ ઉંમરનાં બાળકો સાથે વાતચીતના પ્રસંગો ઊભા કરીએ..
● વર્ગખંડમાં બોલાયેલ નવા નવા શબ્દોની વિસ્તૃત ચર્ચા કરીએ..
● શબ્દોના અર્થ ગોખાવી દેવાને બદલે
- તેઓ અર્થ ધારે, ચકાસે અને વાક્યમાં
/ વાતચીતમાં ઉપયોગ કરે તેવા પ્રયત્નો કરીએ.
અને હા બાળવાટિકા માટે ખાસ – બાળકોને ખૂબ બોલવા દઈએ.. યાદ રાખીએ કે ૧૫ બાળકોના ક્લાસમાં એક બોલે ત્યારે ૧૪ બાળકોમાં તે ભાષાનું ભંડોળ ઇનપુટ થઈ રહ્યું છે.ચાલો, નવી કહેવત અમલમાં લાવીએ…..
બોલે એની બોલી વર્તાય, સાંભળનારની ભાષા મજબૂત થાય !
“ભાષા” સમૃધ્ધિની સૌને શુભેચ્છાઓ ! J