“નિષ્ઠા” અને સંસ્થા
આપણે
સૌ ટીમવર્કની તાકાત વિશે ખૂબ સારી રીતે જાણીએ છીએ. એક સારું ટીમવર્ક કોઈપણ સંસ્થા
કે જૂથને સર્વોચ્ચ સ્થાન તરફ લઈ જાય છે. ટીમવર્કની સાથે સફ્ળતાઓની પાછળ સુચારું
સંચાલન પણ એટલું જ મહત્ત્વ ધરાવતી બાબત હોય છે. પરંતુ જો ટીમવર્ક અને સુચારું
આયોજન બંનેને એકસાથે જોઈએ તો તેમને એક સિક્કાની બે બાજુ ગણી શકાય. બંને એકબીજાનાં
પૂરક એટલા માટે કે જ્યાં દરેક કાર્યનું સુચારું આયોજન હોય તેવી સંસ્થામાં ટીમવર્ક
ત્વરિત આકાર પામતું હોય છે અને દરેક કાર્ય ખૂબ જ સરળતાથી
સફળતાપૂર્વક પાર પડતું હોય છે. એ જ રીતે જ્યાં ટીમવર્ક પહેલેથી જ આકાર પામેલ હોય
છે ત્યાં કેપ્ટને સુચારું આયોજન કરવામાં બહુ પાપડ વણવા પડતા નથી. કેટલીક જગ્યાએ
આયોજનમાં ઊણપ હોય તો પણ સારું ટીમવર્ક ધરાવતાં સભ્યો એકબીજાનું કામ
ખૂબ સારી રીતે કરી લેતા હોય છે. આવી જ રીતે આયોજન અને ટીમવર્ક એકબીજાને પૂરક કામ
કરી સંસ્થાને ઊંચાઈ પર લઈ જવા માટે મહત્ત્વનું પરિબળ બની રહે છે.
ટીમવર્કમાં
સૌથી અગત્યનું પરિબળ છે ટીમના સભ્યોની નિષ્ઠા. આમ જોઈએ તો નિષ્ઠા વિના ટીમવર્ક
શક્ય નથી. ઘણીવાર ઘણા લોકો અપેક્ષા રાખતા હોય છે કે ટીમવર્ક એટલે કે દરેક સભ્યો
શક્તિશાળી અથવા તો નિપુણતા ધરાવતા હોય પરંતુ એવું બનતું નથી હોતું. કેમ કે ટીમવર્ક
એ નિપુણ વ્યક્તિ વડે નહીં પણ પોતાની ફરજ પ્રત્યે નિષ્ઠા ધરાવતા વ્યક્તિઓ દ્વારા
બનતી હોય છે. બની શકે કે ટીમની વ્યક્તિ કોઈ બાબતમાં અપૂર્ણ પણ હોય પરંતુ તેમની
સંસ્થા માટે કામ કરવાની નિષ્ઠા - તેમને ટીમના મહત્ત્વના વ્યક્તિ તરીકે પ્રસ્થાપિત
કરી શકે છે. ઘણીવાર બની શકે કે તે જ વ્યક્તિ આખી ટીમનું સંચાલન પણ કરતી હોય.
તેનામાં કાર્ય પ્રત્યેની નિષ્ઠા હોવાને કારણે તેના શબ્દોમાં અથવા તો તેના આયોજનમાં
વજન હોય છે અને તેના જ પરિણામે દરેક સભ્યો તેને સરળતાથી ફૉલો કરતા હોય છે. સફળ
થયેલ તમામ એજન્સીઓ/કાર્યાલયો/સંસ્થાઓ પાછળ આવી – નિષ્ઠા ધરાવતી – વ્યક્તિઓનો ખૂબ જ
મહત્ત્વનો ભાગ હોય છે. આવી વ્યક્તિઓની નોંધવા જેવી અથવા તો અસરકારક બાબત એ હોય છે
કે તેઓના કેન્દ્ર સ્થાને “સંસ્થા” હોય
છે.
આપણે
ઘણીવાર જોઈએ છીએ કે કેટલીક નિષ્ઠાવાન વ્યક્તિઓ એવી પણ હોય છે કે જે પોતાના
પ્રયત્નો વડે પોતાનું કામ ખૂબ સારી રીતે કરી લેતાં હોય છે પરંતુ તેઓ ટીમનો ભાગ બની
શકતાં નથી. તેઓ એકલપંડે પ્રયત્નોમાં લાગેલા હોય છે. તેનું કારણ... 'ફલાણાં
સાથે મને ન ફાવે.' આમ વિચારી પૂર્વાગ્રહી બની
મથ્યાં કરતાં હોય છે. આવી વ્યક્તિઓથી સંસ્થાને નિષ્ઠાવાન વ્યક્તિનું મળવું જોઈએ
તેટલું પૂરું વળતર મળતું હોતું નથી. એટલે જ, કાર્યદક્ષ નિષ્ઠા
હોવાની સાથે સાથે કેન્દ્રસ્થાને સંસ્થાનું હિત હોય તે મહત્ત્વનું છે. 'હું
જે કરું છું તે સંસ્થા માટે કરું છું.' - એવી ભાવના સાથે કાર્ય
કરતાં સભ્યો જ સંસ્થાને પ્રગતિ પર લઈ જઈ શકે છે. આવી ભાવનાથી કામ કરતી વ્યક્તિઓ 'આયોજનમાં
કયું કામ કોનું છે?' એવી પળોજણમાં પડવાને બદલે, બીજાંથી
ન થતું કે ન થઈ શકતું અથવા રહી ગયેલું કામ કરી લેતી હોય છે કારણ કે તેઓને મન દરેક
કામ એ સંસ્થાનું કામ છે. માટે જ આવા વ્યક્તિઓ જે તે સંસ્થામાં કેન્દ્રસ્થાને હોય
છે, અને
વાત રહી કામમાં નિપુણતાની – એ તો કામ કરતાં કરતાં શીખી જવાય.
આપણે
એક ઉદાહરણ જોઈએ તો, કોઈએક શિક્ષક એવો હોય કે જે
પોતાના વિષયમાં શ્રેષ્ઠ ન હોય પરંતુ જો તે પોતાના વર્ગખંડ માટે નિષ્ઠાવાન હોય તો
તેનું શૈક્ષણિક કાર્ય ખૂબ જ રસપ્રદ બની રહેતું હોય. રસપ્રદનો અર્થ છે કે બાળકો
સરળતાથી સમજી શકે તેવી પ્રક્રિયાઓ તે શિક્ષક કરતો હોય. તેની વર્ગખંડ પ્રત્યેની
નિષ્ઠાને કારણે તેવી બધી પ્રક્રિયાઓ તેને મળી આવતી હોય છે. વિષયવસ્તુની થોડી કચાશ
હોય તો પણ તેની પ્રક્રિયા ખૂબ રસિક હોય છે અને આ જ કારણે બાળકો ખૂબ ઝડપથી તેના
ક્લાસમાં શીખતાં હોય છે. આ જ રીતે સંસ્થાના વડાની વાત કરીએ તો
કદાચ તે પણ પહેલેથી નિપુણ ન હોય પરંતુ ઘણીવાર એવું બને કે તેની સંસ્થા પ્રત્યેની
નિષ્ઠાને કારણે તે પોતાની ટીમના સભ્યોને પૂછીપૂછીને પણ, અથવા
તો તેની સાથે રાખીને પણ તે તેઓની સંસ્થાને સફળતા તરફ લઈ જઈ
શકતો હોય છે.
આ આખી વાત અત્યારે તાજી થવાના બે કારણ : એક તો મનુભાઈ પંચોળીની આત્મકથા 'સદભિ: સંગ:'નું વાંચન અને આપણી શાળાના ગણિત-વિજ્ઞાન વિષયશિક્ષકની બદલી.
પિન્ટુભાઈ
હંમેશા ટીમ નવા નદીસરને યાદ રહી જશે. ચૂપચાપ જ રહે એવું વ્યક્તિત્વ, બોલવાનું
તો જાણે... પરાણે બોલાવવા પડે. અભ્યાસ પછી પાંચેક વર્ષ ડેટાએન્ટ્રી વગેરે કામ
કરેલાં. અચાનક નવી જગ્યા પર અજાણ્યા કામમાં ભૂલા પડયા હોય એમ મૂંઝાયેલા રહે. પરંતુ
મનુભાઈએ કહ્યું હતું એમ… સંસ્થાઓ નિષ્ઠાવાન માણસોથી ટકી છે. તેમની શાળા અને બાળકો
માટેની નિષ્ઠાએ તેમને ત્રણ જ વર્ષમાં શાળાના ગમતા શિક્ષક બનાવી દીધા. સૌથી વધુ
કલબલાટ એમના વર્ગમાં થાય. સૌથી વધુ બાળકો એમના વર્ગમાં ખૂલીને – ઇચ્છા પડે એ બોલી
શકે. તેમને પિન્ટુભાઈ તેમના શિક્ષક નહીં, દોસ્ત જ લાગે. મુન્ના જેવા
ચાર-પાંચ તો રિસેસમાં એમના ખભે હાથ મૂકી મેદાનમાં ફરતા હોય. એક શાળા માટે આનાથી
વધુ સંતોષકારક દૃશ્ય બીજું શું હોય!
પિન્ટુભાઈ, આવા જ મૈત્રીપૂર્ણ રહો તેવી શુભેચ્છા!