આંખોમાં
નવા સપનાં !
અને હવે કેટલાકનું સ્વપ્ન છે; મોટી કંપની બનાવવાનું ! કેટલાક પૂછે છે, “આ કેમિકલ એન્જીનીઅર બનવા શું
ભણવું પડે ?”
હા, તેમની સામે પોતાના
કાર્યક્ષેત્રમાં સફળ વ્યક્તિઓ આવીને પોતાના સંઘર્ષની વાત કરે ત્યારે આવા સ્વપ્ન
વવાય ! અને એ જ સપના ક્યારેક હકીકતનું વટવ્રુક્ષ બનીને સમાજને છાંયડો આપવાનું કામ
કરે ! વડોદરા રહેવાસી – અને ફેસબુક માધ્યમથી ખબર પડતી કે –એક દેશ થી બીજા દેશમાં
ઉડાઉડ કરે.. એક દિવસ મેસેજ આવ્યો કે “તમારી શાળામાં આવવું છે.” ફોન નંબરની આપ લે
થઇ –ઔપચારિક બાળકોની સંખ્યા વગેરેની વાત થઇ. સ્વાર્થ સાધી વિનંતી કરી કે શાળા
મોર્નિંગ છે – બાર વાગ્યા પછી તમે પંદર વીસ મિનીટ તમારા વિદ્યાર્થી જીવનની વાતો
કરશો તો ગમશે – તેમને સહર્ષ હા પાડી.
યસ, નામ નરેન્દ્ર મિસ્ત્રી, વ્યવસાય કેમિકલ એન્જીનીઅર
!
ચા પીતા પીતા શાળા અને ગામના
ઈતિહાસ વિષે થોડી ચર્ચા થઇ – વર્ગોમાં ફર્યા – પણ તેમનામાં છુપાયેલો નખશીખ શિક્ષક
બહાર આવ્યો અમારી મધ્યાહન સભામાં. અમને એમ કે એન્જીનીઅર છે એટલે માઈકમાં બોલશે..
આમેય ૨૨૫ જેટલા વિદ્યાર્થીઓ અને ખુલ્લો સભાખંડ ! પણ એમને તો સાવ ગાંધીની જેમ નીચે
જ જમાવ્યું... કબૂલવું જોઈએ કે પહેલા ધોરણ થી માંડી આઠમા ધોરણ સુધીના બાળકો સામે
પોતાની વાત કરવી અને તે બધા રસપૂર્વક સાંભળી રહે એ શૈલીમાં એ માટે તમારે સારા
શિક્ષક હોવું ઘટે ! તેમની વાતો સાંભળવા પહેલી હરોળમાં બેઠેલી અમારી ધોરણ આઠની ટીમ
તો ક્લીન બોલ્ડ ! તેમને પોતાની વાતમાં માતા –પિતાની આર્થિક સ્થિતિ વિષે ખ્યાલ
રાખવાથી માંડી - ફેસબુક પર ક્વોટ કરી શકાય તેવા અસરકારક વાક્યો “પૈસા ઓછા હોય એ
ગરીબ નથી,પૈસાનો યોગ્ય ઉપયોગ ના આવડે એ ગરીબ છે !” ની અસર બધા પર જણાતી હતી. તેમને
મળેલ પહેલી સાઈકલ અને ક્રીમરોલ ખાવા પાંચ પૈસા બચાવવા માટે તેમને કરેલી જસ્તોજહદ
પણ બાળકોને પોતીકી લાગી. કેમિકલ એન્જીનીયરને પોતાના વિષય સિવાય બીજી બાબતો
વાંચવામાં પણ રસ પડે અને જુદા જુદા પંદર દેશોમાં જુદી જુદી કંપની બનાવવા માટે
ફરવાની બાબતો પણ બાળકોના આંખમાં સપના અને હોઠ પર મુસ્કાન સ્થાપી રહી હતી. સભા
વડોદરાથી ખાસ બનાવી લાવેલા મોતીચુરના લાડવાથી પૂરી થઇ – પણ આઠમાની ટીમને તો હજુ
સાંભળવું હતું – જાત જાતના સવાલો કર્યા – જેમાં એમના કાંડે પહેરેલી ઘડિયાળનો ભાવ
પણ આવી ગયો !
તેમના શાળામાંથી ગયા બાદ
બે સવાલ તરત પૂછાયા – “સાહેબ, ખરેખર એટલા બધા રૂપિયાની ઘડિયાળ હોય ?” અને “આ
કેમિકલ એન્જીનીયર બનીએ તો આપણને સીધું કંપની બનાવવાનું જ કામ મળે ?” બંને જવાબો
અમે યથાશક્તિ આપ્યા છે.
કારણ, તેઓ એક જ હોમવર્ક
બાળકોને આપીને ગયા છે – “સવાલો પૂછવાનું !” થેંક યુ, નરેન્દ્રભાઈ અમારા બાળકોની
આંખમાં નવા સ્વપ્ન આંજવા બદલ !