ક્વીઝ
મેકસ
ઈટ
ક્વિકર
!
સામાજિક વિજ્ઞાન સમજ સાથે માહિતી ! મોટાભાગે વિદ્યાર્થીઓને તેની ચર્ચામાં મજા જ પડે ! આખરે એ એમને પોતાની આસપાસ વણાયેલા તંતુઓને સમજવામાં મદદરૂપ થતો વિષય છે ! પણ તેમાં યાદ રાખવાની બાબતમાં મોટેરા પણ તોબા પોકારી જાય !
આ બાબતના એક રસપ્રદ ઉપાય તરીકે પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિએ એક પ્રયોગ હાથ ધર્યો, સામાજિક વિજ્ઞાનની ક્વીઝ ! અલબત્ત આપણી શાળામાં દર વર્ષે અંગ્રેજી, વિજ્ઞાન,ગણિત અને સામાજિક વિજ્ઞાનની ક્વીઝ યોજાતી જ રહી છે. આ વખત એક બાબત જુદી હતી – ધોરણ ૬-૭-૮ ના પ્રથમ સત્રના એકમોમાંથી પસંદ કરી આપેલ પ્રશ્નો ! અને એની અસર એ થઇ કે સામાન્યતઃ કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ ક્વીઝનું નામ સાંભળતા જ પોતાને ક્વીટ કરી દેતા ! “યાર ! આ બધા પાઠ વાંચી અને એટલું બધું યાદ રાખવું એ આપણું કામ નહિ !” એમને પણ ૧૦૦-૧૫૦ પ્રશ્નો તૈયાર કરવા એ હાથવેત લાગ્યા !
લક્ષ્ય પોતાની આંખ સામે લાગ્યું. જેમ એક દોડવીરમાં દોડવાની ક્ષમતા તો હોય જ – પણ એની આંખ સામે લક્ષ્ય ના હોય ત્યારે એ દોડ તેને માટે કોઈક તબક્કે નીરસ બને. બાર થી ચૌદ વર્ષની ઉમર પણ નાની મોટી સ્પર્ધા કરવાની હોય જ છે. એમને હરીફાઈ ગમે છે.
પણ આ એ ઉમર પણ છે જ્યાં આ કિશોર/કિશોરીઓ પોતે કેટલા સફળ થશે એ ચકાસીને હરીફાઈમાં ઉતરે – એટલે આ ક્વીઝ સમગ્ર શાળામાં તંદુરસ્ત સ્પર્ધા નિર્માણ કરી ગઈ – વર્ગના લગભગ તમામ વિદ્યાર્થીઓને તમામ પ્રશ્નોના ઉત્તર આવડી ગયા અને પ્રશ્નના પહેલા શબ્દની સાથે તેમના જવાબ હાજર થઇ જતા ! અમને પોતાને એમની આ શક્તિથી નવાઈ લાગી ! પસંદગી કરવા માટે ઝડપથી પ્રશ્નો પૂછવા – પ્રશ્ન ઉલટાવીને પૂછવા – બઝર રાઉન્ડ જેવા કેટલાય પ્રયત્નો પછી અમે શાળાની શ્રેષ્ઠ ટીમ પસંદ કરી શકયા ! – અને આ ક્વીઝ સૌના માટે બીજી ઘણી શક્યતાઓ ખોલતી ગઈ. હમણાં ધોરણ – ૮ વિદ્યાર્થીઓ એમની જાતે ગણિત અને વિજ્ઞાનમાંથી પ્રશ્નો તારવી એકબીજા સાથે શેર કરી તેના આધારિત ક્વીઝની તૈયારી કરી રહ્યા છે
- એ શું નાની સફળતા છે ? ચાલો, સ્પર્ધાને નિહાળીએ અને માણીએ પણ...