August 31, 2016

બાળકોની તંદુરસ્તી અને શાળા !!


બાળકોની તંદુરસ્તી અને શાળા !!
  મિત્રો, તંદુરસ્તીની બાબતમાં તન અને મન એકબીજાનાં પૂરક છે ! “તન તંદુરસ્ત તો મન પણ તંદુરસ્ત”  બીમારીમાં ડોકટરની સલાહ હોય છે કે – ક્યાંક બહાર ખુલ્લામાં હરોફરો તો મન બહેલશે, અને મન તંદુરસ્તી અનુભવશે તો તેની અસરથી તન પણ સુધરશે જ !! શાળામાં કેટલાંક બાળકો પાછળની શૈક્ષણિક મહેનત પછી કેટલીકવાર આપણને પૂરું પરિણામ મળતું નથી હોતું – ત્યારે બાળકના પૂરક વાલી તરીકે આપણે તેની તન-દુરસ્તીનું ધ્યાન પણ લેવું જરૂરી છે. આરોગ્ય વિભાગની આયર્નની ગોળીઓ થી માંડી કૃમિની ગોળીઓ જેવી સામુહિક કવાયત ધ્વારા બાળકોમાં ખૂટતાં તત્વોનું પ્રમાણ વધશે અને કૃમીઓના નિકાલ ધ્વારા બાળકોની આંતરિક એનર્જીને વેસ્ટ થતી બચાવશે જ – જેનો સીધો ફાયદો આપણી તે બાળક પાછળની શૈક્ષણિક મહેનતમાં થશે જ ! જેમ કે બાળકનું શીખેલું ભૂલી જવું – સાંભળેલું કે વાંચેલું જલ્દીથી ન સમજી શકવું – નબળી નિર્ણય શક્તિ – આત્મવિશ્વાસનો અભાવ – વાંચવામાં લખવામાં થતી મુશ્કેલીઓ – આ તમામ બાળકોની પ્રગતીમાં અવરોધ બનતાં કારણોમાં બાળકનો જરા પણ વાંક નથી હોતો – તેનો સીધો સબંધ શારીરિક ધ્વારા માનસિક તંદુરસ્તી સાથે  જોડાયેલ હોય છે અને તેની અસરો બાળકના તેના વર્ગકાર્ય પર જ થતી હોય છે, પરોક્ષપણે આપણી બાળક પાછળની મહેનતનું પરિણામ અપેક્ષાઓ મુજબનું નથી મળતું – આમ, બાળકના સ્વાસ્થ્ય પાછળની આપણી તકેદારી  ફક્ત બાળકને જ તંદુરસ્ત નથી કરતી તે આપણા વર્ગખંડોના શૈક્ષણિક મહેનતના પરિણામને પણ તંદુરસ્ત કરે છે ! તે માટે ફક્ત જરૂર છે બાળકના પુરક વાલી તરીકેની તકેદારીનું એક ડગલું ભરવાની ! પછી તો રસ્તાઓ એની જાતે જ મળતાં જશે !!!  

August 15, 2016

આઝાદી...!!!


આઝાદી...!!!
આ આઝાદ દિનની ઉજવણી કરવા માટે સમય ખૂટતો લાગ્યો ! વર્ગોમાં ઉપચારાત્મક કાર્ય અને બહાર વરસાદ બંને એકસાથે ! સમય ફાળવીને તૈયારી કરાવ્યા પછી જો ૧૫ મી ઓગષ્ટે વરસાદ પણ વરસવાની આઝાદી માગે તો અમારા સૌની તૈયારી કરવામાં વપરાયેલા સમયની આઝાદી છીનવાઈ જાય !
છૂટક છૂટક ચર્ચા પછી નક્કી થયું કે જેમને જે રજુ કરાવું હોય એ રજુ કરવાની છૂટ ! – શરત માત્ર એટલી જ કે તમે કહેશો નહિ તો કોઈ શિક્ષક તમને સામેથી કઈ જ કહેશે નહિ ! શરૂઆતમાં તો તેમને આ આઝાદી જરા વધુ પડતી લાગી મૂંઝવણ પણ હતી કે કોઈ થીમ કહી તો સારું !
અમને લાગ્યું કે થીમ આપ્યા પછી વિષયો અને રજુ કરવાની રીતો પણ આપવી પડશે અને ફરી એ કાર્યક્રમ શિક્ષક કેન્દ્રી થઇ જશે ! એક્વા ટાવરના ઉદઘાટન વખત કરેલી સંગીત નાટિકા હીટ ગઈ હતી એટલે એ ગ્રુપ તો તૈયાર જ હતું ! પ્રાર્થના સંમેલનમાં મનીષા (ધોરણ-) ને ફરી એ જલ હી જીવન હૈ ની હિન્દી સ્પીચ બોલાવી તો અમસ્તા જ કહ્યું કે કોઈક તો પડકાર આપો, મનીષાને કે હું પણ એના કરતા સરસ બોલી શકું છું !” ધોરણ ચોથામાં ભણતી ત્રીશાની આંગળી ઉંચી થઇ, તેની બહેનપણી પ્રિયંકાને તો ત્રિશા જેમાં ભાગ લે એમાં ભાગ લેવો એમ નક્કી જ હતું !
ધોરણ છઠ્ઠામાં બીરબલની ખીચડીની વાર્તા ગુજરાતીમાં કહી તો વૈભવ બોલી પડ્યો, “સાહેબ આનું નાટક ના ભજવાય ?” “અમને શું વાંધો હોય? તમારે જાતે સંવાદ અને રીહર્સલ કરવાનું ! અમે તમને શાળા સમય નહિ આપીએ !” આઠમના શેતાનો એ પ્રવાસી શિક્ષક તરીકે હમણાં જોડાયેલા ચેતનભાઈને નાટક આપવા કહ્યું, એમને થીમ સમજાવી અને ભજવવું , ના ભજવવું એમના પર છોડ્યું ! ધોરણ ૫ ની રીટાને શિક્ષકે આઝાદ દિન વિષે આપેલી માહિતી એમની જેમ જ કહેવાનું નક્કી કર્યું ! તાલુકા કક્ષા સુધી વકૃત્વમાં ઇનામ મેળવી ચુકેલા સંજયને તો ફરી એવી ધારદાર સ્પીચમાં જ રસ હતો એને લક્ષ્મભાઈ પાસેથી આઈડીયાઝ લઇ લીધા (ધીમે ધીમે આખી સ્પીચ જ મેળવી લીધી)
આમ, તૈયારી થઇ રહી છે કે નહિ ? એનો સપાટી પર કોઈ અંદાજ જ નહોતો !
૧૫ મી એ પૂછ્યું બોલો હવે કોને કોને રજૂઆત કરવાની છે ? તો બધાએ ક્રમશઃ નામ લખાવ્યા ! એમાં વળી, આઝાદ દિન હોય અને સરસ રીતે કોરિયોગ્રાફ થયેલું વંદેમાતરમ્ તો રજુ કરવું જ પડે એનો ઉમેરો થયો !
નવી ઈમારત ફરકેલા ધ્વજને ખરેખર ફરકતો જોઈ જાણે સૌને નવું જોમ મળ્યું
અમારી ધારણાથી પણ વધુ સટીક રીતે સૌએ રજૂઆત કરી ! બહેનપણીને ભાગ લેતી જોઈ ભાગ લેનાર ટચુકડી પ્રિયંકાએ તો રીતસર ધમાકો બોલાવ્યો ! તો વળી, બીરબલની ખીચડી ગુજરાતીમાં સાંભળી હતી એને એમને હિન્દીમાં રજુ કરી ! સંજયનું વક્તવ્ય તો ધારદાર જ હોય એ અપેક્ષિત હતું ! આઠમા ધોરણની ટીમ છેલ્લી ઘડીએ પોતાનું નાટક ના રજુ કર્યું ! કઈ વાંધો નહિ આ પણ એમની જ ચોઈસ !



















કાર્યક્રમ પછી ચર્ચા કરી તો અમને સમજાયું કે એમના માથે જવાબદારી આપતા જ એને તેઓ મુગટની જેમ સજાવી લે છે  પ્રિયંકાની ધારદાર સ્પીચની ગુરુ મનીષા નીકળી તો બીરબલની ખીચડીની તૈયારી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ એના ઘરે કરાવી હતી ગ્રામજનોની તાળીઓ અને વિદ્યાર્થીઓનો આ અમે જાતે કરી બતાવ્યું !” એ સંતોષ એ અમારા આઝાદ દિનની ફલશ્રુતિ !
સૌ મિત્રોને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ...












August 10, 2016

સમાજ વ્યવસ્થાની મુલાકાતે !!!


સમાજ વ્યવસ્થાની મુલાકાતે !!!

                શાળા અને સમાજ એ શૈક્ષણિક રથના બે પૈડા છે, જેના ઉપરની સવારી ધ્વારા બાળકો જ્ઞાનને જોવે છે – જાણે છે  – અનુભવે છે  –તેને સમજે છે અને આવી વર્ષો પછીની મુસાફરી બાદ જ સામાન્યતઃ એક બાળક રાષ્ટ્ર માટેનો જવાબદાર નાગરિક બને છે.  ઉચ્ચપ્રાથમિક શિક્ષણ પૂરું કાર્ય બાદની ઉંમર બાળકની એવી અવસ્થા હોય છે કે તેનો પરિવાર તેને નાની મોટી જવાબદારીઓ સોંપતો થાય છે કે જેમાં બાળકે સામાજિક વ્યવસ્થા સાથે સીધો વ્યહવાર કરવો પડે ! જેમકે જાતે કપડા ખરીદવા દેવા, નાની બિમારીમાં જાતે દવાખાને જાય તેવો આગ્રહ ! જેમાં નાની નાની લેવડ દેવડ થતી હોય તેવા વ્યહાવરો !! ટૂંકમાં કહું તો આ ઉંમરથી શીખેલું કે જાણેલું અમલમાં મુકવાની પ્રાથમિક શરૂઆત થઇ ગઈ હોય છે, એટલે સામાજિક વ્યવસ્થાનો પ્રત્યક્ષ ઉપયોગ કર્તા બનવાની શરૂઆત થઇ ગઈ હોય છે. બેંક કે પોસ્ટ ઓફીસ – દવાખાનું કે દૂધની ડેરી – કે પછી ગ્રામ પંચાયત ! આ બધી વ્યવસ્થાઓ કેવીરીતે કામ કરે છે ? સમાજમાં કે સામાજિક વ્યવસ્થામાં તેનું શું મહત્વ છે? ઉપભોક્તા તરીકે આપણેય શું શું તકેદારી રાખવી - કેવીરીતે વ્યવસ્થાને સહકાર આપવો ? વગેરેની સમજ માટે ઉચ્ચ પ્રાથમિક કક્ષામાં પ્રવેશતાં જ બાળકને મળી જાય તે માટે શાળાએ આવાં વિવિધ સ્થળોની મુલાકાત માટેનો પ્રોજેક્ટ યોજ્યો. આમાં બાળકોને વ્યવસ્થાનો અનુભવ કરવાનું કામ વ્યવસ્થાપકોનું હતું પણ માહિતીમાં ઘટતું ઉમેરવાનું અને તેનું વ્યવસ્થીકરણ કરી બાળકોમાં ઈનપુટ કરવાનું કામ કરવા માટે શાળા પરિવાર હંમેશની જેમ તેમની સાથે હતો ..