May 27, 2011

દાનમાં શ્રેષ્ઠ દાન એવા “વિદ્યાદાન”...

                  દાનમાં શ્રેષ્ઠ દાન એવા “વિદ્યાદાન” જેવા પુણ્યનું કામ કરવાનું પણ વળતર મળે તેવા શિક્ષક્ના વ્યવસાયનું મૂલ્ય સમજીએ

                             એક નાનું સર્કસ. રોજ ત્રણ ખેલ ચાલે, ઘણા જુદા-જુદા કરતબ બતાવે. ત્યાં એક બબલુભાઈ. ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવે, સવારના નવ વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. બાર વાગ્યાના શોમાં એનાઉન્સમેન્ટ થયું, “હવે બબલુભાઈ આપણને ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવશે” બબલુભાઈએ ૧૦ મિનિટમાં ૪૦ લાડવા ખાવાનું કરતબ બતાવ્યું. પણ ત્રણ વાગ્યે જ્યારે એનાઉન્સમેન્ટ થયું ત્યારે બધા શોધે કે બબલુભાઈ ક્યાં ? બબલુભાઈ પડદા પાછળ ટીફીન ખોલીને ખાવા બેઠા હતા. સર્કસના માલિકે કહ્યું કે “ જલદી ચાલ બબલુ, હવે તારા કરતબનો વારો છે. ત્યારે બબલુભાઈ કહે “આંખો દિવસ કામ જ કરાવ્યા કરશો કે પછી શાંતિથી ખાવા પણ દેશો ?????
                              આપણે પણ આવા બબલુભાઈ જેવા જ છીએ અને આપણા વ્યવસાયનું પણ આવું જ છે, જેમ બબલુભાઈ ૪૦ લાડવા ખાવાને પોતાનો વ્યવસાય સમજે છે તેમ આપણે પણ બાળકોને ભણાવવું તેને આપણો વ્યવસાય તરીકે જ માની લીધો છે, પરંતુ જો બબલુભાઈ જે દિવસે વિચારશે કે ૪૦ લાડવા ખાવાના કરતબમાં લોકોના મનોરંજનની સાથે-સાથે પોતાની ભૂખ પણ સંતોષાય છે,તે દિવસથી તેને ટિફિનની જરૂર નહી રહે, આપણે જે દિવસે પણ શિક્ષક્ના વ્યવસાયની ઉપર જઈને વિચારીશું કે આપણને બાળકોને સુશિક્ષિત અને સમાજ-ઉપયોગી બાનાવવા માટેના કામના વળતરમાં આપણને પગારની સાથે-સાથે “વિદ્યાદાન” કર્યાનું પુણ્ય પણ મળે છે તે દિવસથી આપણે શિક્ષણ આપવું તે આપણો કર્મ નહી ધર્મ બની જશે. પછી કોઈ શિક્ષકે પુણ્ય કમાવવા માટે ક્યાંય જવું નહી પડે. અને પછી જ ખરા અર્થમાં બાળકો “બાળ-દેવો” , શાળા “સ્વર્ગ” અને શિક્ષકને “ગુરૂ” સમાન કહેવાશે.

May 24, 2011

પ્રોફાઈલનું મહત્વ...



શું તમે તમારા વર્ગખંડમાં બાળકોની પ્રોફાઈલ નિભાવો છો?


 આ ફોટોગ્રાફ છે અમદાવાદ જીલ્લાના બોટાદ તાલુકાના સાળંગપુરમાં આવેલ કષ્ટભંજનદેવ મંદિર સંચાલિત ગૌશાળાનો.......જે ગૌશાળાએ અનેક સિધ્ધિઓ સર કરેલ છે અને તેનું મુખ્ય કારણ છે તેમનું આયોજન અને તે મુજબની દરેક જાનવરની જાળવણી....અને તેમના આ કામમાં સૌથી વધારે ઉપયોગી સાબિત થઈ છે તેમણે નિભાવેલ દરેક જાનવરની “પ્રોફાઈલ”.  તે જ બતાવે છે કે તેઓ તેમના જાનવરની અંગેની જાણકારી અને તેના આધારે તે જાનવરને જરૂરીયાત માટેની કાળજી પણ કેવી રીતે રાખતા હશે!!!! અને તેના જ કારણે તેમની ગૌશાળામાં ઉછરી રહેલ નસ્લના જાનવરો પાસેથી તેઓ તે જ નસ્લના અન્ય જગ્યાએ ઉછરી રહેલ જાનવરો કરતાં વધુ દૂધ ઉત્પાદન મેળવી શકે છે..અને  ગર્વ રૂપી સિદ્ધિ પણ......નવાનદીસર પ્રાથમિક શાળા ચોક્કસ આયોજન પૂર્વક ગૌશાળા ચલાવી,તેમની જાનવરોની પ્રોફાઈલ સાથેની કાળજી અને આ બધા ધ્વારા તેમણે મેળવેલ અનેક સિદ્ધિઓને સલામ કરે છે.........


ગૌશાળામાં જે તે  જાનવર અંગેની જાણકારી/માહિતીની બાબત દર્શાવતા બોર્ડ  
     ગૌશાળામાં નિભાવવામાં આવતા પત્રકો-અન્ય માહિતી દર્શક બોર્ડ 
ગૌશાળાએ મેળવેલ સિદ્ધિઓની ઝાંખી.........

                              હવે આવીએ આપણે “ગૌશાળા” પરથી આપણી “પ્રાથમિક શાળા”માં. શું “બાળકોની જાણકારી અને જરૂરીયાતો સમજી શકાય અને તેના પરથી જે તે વિષયના શૈક્ષણિક કાર્યમાં મદદ મેળવી શકાય તેવી “બાળકોની પ્રોફાઈલ” નિભાવીએ છીએ ખરા??? 


ï      પ્રોફાઈલ એટલે શું??

                    અમારા મતે  પ્રોફાઈલ એટલે  કોઈ પણ વ્યક્તિ/વસ્તુ વિશેષતા અથવા તો તેની પૂર્વ લેખિત માહિતી જેના આધારે તમે તે વ્યક્તિ/વસ્તુ ના વ્યક્તિત્વ/ગુણધર્મો વિશેની સંકલ્પનાઓ બાંધી તેના અનુસંધાને તેની સાથે આગળના સમયમાં કેવી રીતે કામ કરવું તેની પ્રાથમિક જાણકારી મેળવી શકાય તેવું માહિતી-દર્શક પત્રક.આંશિક લેખિત જાણકારી જેના આધારે આપણા મનમાં તેની પૂર્વ ભૂમિકા બાંધી શકાય અને તે સાથે કામ કરવામાં જે તે માહીતી ઉપયોગી સાબિત થાય.

&  પ્રોફાઈલ શા માટે ??

પ્રોફાઈલ એ આપણી શાળાઓ જ નહી પણ તમામ ક્ષેત્રોમાં અનિવાર્ય બની ગઈ છે, જો બજારની વાત કરીએ તો કંપનીઓ પણ પોતાની પ્રોડક્ટનું વેચાણ વધારવા તેમજ પોતાની પ્રોડક્ટની ગુણવત્તા અને જરૂરીયાત મુજબના ફેરફારો કરવા માટે એજન્સીઓ ધ્વારા ગ્રાહકોની પસંદગી જાણવા માટે ગ્રાહકોની પ્રોફાઇલો તૈયાર કરાવે છે અને ત્યારબાદ ગ્રાહકોની પસંદગીને અનુકુળ પોતાની પ્રોડક્ટ બનાવવા માટેના પ્રયત્નો કરે છે. આ જ પ્રમાણે આપણા શૈક્ષણિક કાર્યક્ષેત્રમાં પણ સફળતા મેળવવા-આપણી શૈક્ષણિક કામગીરીને સરળ તેમજ બાળકો માટે શિક્ષણકાર્યને રસિક બનાવવા બાળકોની પ્રોફાઈલ એ ખૂબ જ ઉપયોગી અને મહત્વની વસ્તુ છે. વિચારો કે તમે કોઈ ઘનઘોર જંગલમાં ભુલા પડ્યા છો, તમારી સાથે કોઈ અન્ય એવો માણસ કે કોઈ એવી આઈડિયા પણ નથી કે જેના આધારે તમે જંગલ સર કરી શકો, તે સમયે તમારા માટે જંગલમાંથી બહાર નીકળવાનું કામ કેટલું મુશ્કેલ હશે ?? અને ઘણા મિત્રો માટે તો અશક્ય પણ બની જશે. હવે વિચારો કે આવી કપરી અથવા અનિવાર્ય ક્ષણમાં તમારા નસીબે અચાનક તમને તે જંગલનો નકશો મળે છે, હવે કહો તમારા માટે તે ઘનઘોર જંગલ સર કરવું કેટલું સરળ બની જશે??? આજ રીતે બાળકના વ્યક્તિત્વ રૂપી જંગલને સમજવા માટે પણ તેની પ્રોફાઈલ આપણા માટે નકશાની ખોટ પૂરી પાડી આપણા શૈક્ષણિક કાર્યને સરળ અને સાથે-સાથે સફળ બનાવવામાં ખૂબ-ખૂબ-ખૂબ મદદ કરે છે.

&    બાળકોની પ્રોફાઈલ બનાવતા સમયે કયા-કયા મુદ્દા ધ્યાને રાખીશું??

પ્રોફાઈલ બે થી ત્રણ પ્રકારની જોવા મળે છે....

[૧] વહીવટી કારણસર બનાવેલ પ્રોફાઈલ- આ પ્રોફાઈલ એવી મોટી શાળાઓમાં નિભાવવામાં આવે છે જ્યાં ખૂબ જ વધારે પ્રમાણમાં બાળકો અભ્યાસ કરતાં હોય અને કેમ્પસ પણ મોટું હોય, આ પ્રોફાઈલનો 
મુખ્ય હેતુ બાળકની ઓળખ પૂરતો સીમિત હોય છે.
[૨] જે તે ફોરમેટમાં સ્થાનિક પરિસ્થિતિને આધારે ફેરફાર કાર્ય વિના જ નિભાવેલ પ્રોફાઈલ- આ પ્રોફાઈલ ઉપરોક્ત કક્ષાએથી સામૂહિક પરિસ્થીતીને ધ્યાને લઇ બનાવેલ ફોરમેટના પ્રમાણે જ નિભાવવામાં આવે છે, જેમાં સ્થાનિક પરિસ્થીતી કે સ્થાનિક શૈક્ષણિક આયોજન માટે જરૂરી બાળકની વિગત/માહિતી/રસ-રૂચી વગેરેનો સમાવેશ અને સમયાંતરે અપડેટ પણ કરવામાં આવતાં નથી અથવા તો ન કરી શકાય – તેથી જ તે માહિતી-પત્રક બની જાય છે, ઘણી ખરી આપણી પ્રાથમિક શાળાઓમાં આવી જ પ્રોફાઈલ જોવા મળે છે જે શૈક્ષણિક કાર્યમાં મદદ ઓછી અને વર્ગખંડોની દિવાલોની શોભા વધુ બની રહે છે.

[૩] બાળક અને શિક્ષણ વચ્ચે સેતુનું કામ કરી શિક્ષકશ્રીના કામને સરળ અને સફળ બનાવતી પ્રોફાઈલ- આ પ્રોફાઈલમાં ઉપરોક્ત બંને પ્રોફાઈલમાં દર્શાવેલ માહિતીનો સમાવેશ તો હોય છે તે ઉપરાંત બાળકોની એવી વિગતો/કાર્યશક્તિ/વિશેષતાઓ વગેરેનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોય છે જે આપણને જે તે બાળક સાથે શૈક્ષણિક કાર્ય કરવામાં માટેની ભૂમિકા તૈયાર કરવા માટે મદદ કરે છે. જેમ કે કોઈ બાળકનું પ્રિય ફળ સફરજન છે તો તેને સફરજનના ટુકડા વડે બાદબાકી-સરવાળા-અપૂર્ણાંક-સરખામણી-આકાર વગેરેની સમજ બનાવાવનો મોકો અપાય તો કેવું?

આપ પણ વેકેશન દરમ્યાન તમારા વિચારો અથવા તો પ્રોફાઈલનું ફોરમેટ અમને મોકલી શકો છો.  અમારો ઉદેશ્ય છે કે દરેકના અસરકારક મુદ્દાઓ વડે આપણે શાળામાં બાળકોની એક એવી સારી પ્રોફાઈલ તૈયાર કરીએ કે જે આપણા શૈક્ષણિક કાર્યને સરળ અને અસરકારક બનાવી શકે.
નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત નવી પ્રોફાઈલથી

              બાળકોની પ્રોફાઈલ અને તેણે કરેલ  પ્રવૃત્તિઓનું સંગ્રહ સ્થાન - “બાળ-પોર્ટફોલિયો”