January 26, 2010

નાગરિક ઘડતર-


૨૬મી જાન્યુઆરી,૨૦૧૦
આજે આપનો દેશ ૬૧મો પ્રજાસત્તાકદિન ઉજવી રહ્યો છે.
સૌપ્રથમ તો બધાને વિશ્વના સૌથી મોટા પ્રજાસત્તાક દેશના નાગરિક હોવાના ગૌરવની યાદ...
પણ ૬૦ વર્ષથી આપણને એક પ્રશ્ન સતત નડતો આવ્યો છે અને તે છે કે ખરેખર આપણે પ્રતિનિધિઓની પસંદગી યોગ્ય રીતે કરીએ છીએ?
શું પ્રજા જે તે ઉમેદવારને તેને કરેલા કામથી જ મુલવે છે કે પછી તેની પર બીજા પરિબળો અસર કરે છે?
હજુ પ્રજા પોતાના મતાધિકાર માટે ગંભીર નથી.
કારણ?
આપને ક્યારેય પ્રજા જાગૃતિનું કાર્ય કર્યું જ નથી. વોટ આપવાની જાહેરાતો ચુંટણી ટાણે આવીને ચાલી જાય છે...પણ તે તો કઈ કાયમી ઉકેલ નથી..ખરેખર આટલી મહત્વની પ્રક્રીયાથી દેશના ભાવી ઘડવૈયાઓને શાળામાંથી જ પરિચિત કરાવવા જોઈએ. કેટલાક ના મત છે કે ચુંટણી આવવાથી શાળામાં રાજકારણ આવે..પણ તેય તેમના ઘડતરનો એક હિસ્સો છે. તમે તેને કશું શીખવ્યા વગર જ ૧૮ વર્ષ થાય અને દેશ માટે નેતા ચુંટવાની છૂટ આપી દો છો ત્યારે તો તે પોતાના મતનો ઉપયોગ કરવાને સમજ ધરાવે છે કે નહિ તેની પરવા જ થતી નથી....
એક સામાન્ય કર્મચારીની નિમણુંક કરવા તેનું ક્વાલિફિકેશન પુછાનારા આપને સૌ દેશ ચલાવવા અને તેમને ચુંટનારા બંનેના શિક્ષણ વિશે નીરસ હોઈએ છીએ..આ બધા વિચારોને અંતે અમારી શાળા બે વર્ષથી એક પ્રોજક્ટ કરી રહી છે તે છે- નાગરિક ઘડતર. આ પ્રવૃત્તિ શરૂ કર્યા પછી ઘણા ફેરફારો આવતા ગયા..તેનું સ્વરૂપ પણ બદલાતું ગયું...હવે તે સ્થિર છે ત્યારે વિચાર આવ્યો કે નવા નદીસર પ્રાથમિક શાળાની તમામ બાબતોને બદલી નાખનારી આ પ્રવૃતિને વિશ્વ સમક્ષ મુકીએ અને તેને માટે આજનો પ્રજાસત્તાકદિન સિવાય બીજો કયો યોગ્ય દિવસ હોઈ શકે...??!!!!
આ પ્રવૃતિનો અભ્યાસ કરો..યોગ્ય લાગે તો તમારી શાળામાં પ્રયોજો...અમને તેના વિષે તમારા મંતવ્યો જણાવો...હજુ વધુ શું કરી શકાય આપણા આવતીકાલના નાગરિકોના ઘડતર માટે..તે ખાસ અમારા સુધી પહોચાડો. તો અમે આપ સૌના આભારી રહીશું. nvndsr1975@gmail.com તમારા ફીડબેકની રાહ જોઈ રહ્યું છે.
વંદે માતરમ
નાગરિક ઘડતર
વિદ્યાર્થીઓમાં :
  • નેતાગીરી
  • સહયોગથી કામ કરવાની વૃતિ
  • જવાબદારી સ્વીકારવાનું વલણ
  • સ્વયંશિસ્ત
  • શાળા સંચાલનમાં વિદ્યાર્થીઓની ભાગીદારી વધારતી
તથા
  • શાળામાં લોકશાહીયુક્ત વાતાવરણ
નિર્માણ કરતી પ્રવૃત્તિ
આયોજન
  • શાળાના ધોરણ ૩ થી ૭ સુધીના તમામ વિદ્યાર્થીઓને સાત(શાળાની સંખ્યા અનુસાર) જૂથમાં વહેચીએ.(જુથ વહેચણી ચિઠ્ઠી ઉપાડથી કરીએ.)
  • દરેક જૂથમાં કન્વીનર તરીકે એક શિક્ષક રહેશે.
  • જૂથ બની જાય પછી શિક્ષકે પોતાના જૂથમાં ચુંટણી કરાવીને
નેતા અને ઉપનેતા#
ચુંટવાના રહેશે.
#જો નેતા તરીકે વિદ્યાર્થી ચુંટાય તો વધુ મત મેળવનારી વિદ્યાર્થીની ઉપનેતા બનશે. જો નેતા તરીકે જૂથ વિદ્યાર્થીનીને ચુંટે તો વધુ મત મેળવનાર વિદ્યાર્થી ઉપનેતા બનશે.
  • જૂથ પોતાના માટે નામ નક્કી કરશે. (જેવાકે..આર્યભટ્ટ, સરદાર, મેઘાણી , વેલકમ વિ.)
  • શાળાની કામગીરી તથા જવાબદારીઓ તબક્કાવાર અલગથી સોપવામાં આવશે.
  • કામગીરીની વહેચણી શાળાના બોર્ડ પર મુકવામાં આવશે
  • પોતાના ફાળે આવેલી કામગીરી દરેક જૂથ એક પખવાડિયા સુધી કરશે.
શાળા સંચાલનની કામગીરી (નમુનારૂપ)
1. પ્રાર્થના સંમેલન
2. ઓફિસની સફાઈ
3. ધો-૧ થી ૭ ની સફાઈ
4. મિત્ર સંપર્ક
5. પાણીની વ્યવસ્થા
6. બાગકામ
7. સેનીટેશનની સફાઈ
8. મધ્યાહન ભોજનની કામગીરી
9. મેદાનોની સફાઈ
જૂથ મુજબ કામગીરીનું વર્ગીકરણ
  • જૂથ:-૧ : પ્રાર્થના સંમેલન તથા પાછળના મેદાનની સફાઈ
  • જૂથ:-૨ : ઓફિસની સફાઈ તથા ગોઠવણી, પાણીની વ્યવસ્થા તથા બાગકામ
  • જૂથ:-૩ : ધો-૧ અને ૨ ની સફાઈ તથા શેડની આસપાસના મેદાનની સફાઈ
  • જૂથ:-૪ : ધો-૩ અને ૪ ની સફાઈ તથા બંને સેનિટેશનની સફાઈ
  • જૂથ:-૫ : ધો-૫ અને ૬ ની સફાઈ તથા આગળના મેદાનની સફાઈ
  • જૂથ:-૬ : ધો-૭ની સફાઈ તથા બાજુના મોટા મેદાનની સફાઈ
  • જૂથ:-૭ : મિત્ર સંપર્ક, મધ્યાહન ભોજનની કામગીરી તથા મુખ્ય દરવાજાની આગળની સફાઈ
કામગીરી મળ્યા બાદ શું કરવું?
જૂથ નેતા દરરોજ શાળા છુટવાના સમયે આવતીકાલે કોણ ક્યાં કામ પર ધ્યાન આપશે-તેનું આયોજન કરશે તથા પોતાના જૂથને જણાવશે.
આ કામગીરીને અસરકારક અથવા વિશેષ બનાવવાનું માર્ગદર્શન કન્વીનર શિક્ષક આપશે.
  • પખવાડિયા દરમ્યાન શાળાનો કોઈ પણ વિદ્યાર્થી અન્ય જૂથને સોપયાલી કામગીરીમાં રહેતી ક્ષતિ તરફ જે તે જૂથના નેતાનું ધ્યાન દોરી શકે છે.
બાળસભા
પખવાડિયાના અંતે (શક્ય હોય ત્યાં સુધી પહેલા અને ત્રીજા શનિવારે) બાળસભા યોજાશે.
  • બાળસભાના અગાઉના દિવશે શાળા છુટવાના સમયે દરેક જૂથ નેતા અથવા જૂથ પ્રતિનિધિ શાળાના બધા વિદ્યાર્થીઓને પોતાના જુથે ગત પખવાડિયામાં કરેલી કામગીરીની માહિતી આપશે.
તેમાં તેમને કરેલી વિશેષતાઓને વર્ણવશે...તથા પોતાના જૂથને જ મત આપવાની અપીલ કરશે.
( દરેક જૂથ નેતાને પોતાની રજૂઆત કરવા માટે વધુમાં વધુ બે મિનિટનો સમય મળશે.)
· આ પછી દેક જૂથના સભ્યો કન્વીનર શિક્ષકનિ હાજરીમાં એક મીટીંગ કરશે. જૂથન સભ્યો મતદાનથી ક્યાં જૂથની (પોતાના જૂથ સિવાયની) કામગીરી શ્રેષ્ઠ હતી તે નક્કી કરશે. જૂથના તમામ સભ્યો પોતાના વતી બાળસભામાં શ્રેષ્ઠ જૂથ નો મત આપવાનો અધિકાર પોતાના જુથનેતાને આપશે.
કન્વિનરની ભૂમિકા
જૂથના સભ્યો મિત્રભાવ કરતા જે જુથે યોગ્ય કામગીરી કરી હોય તેને મતદાન કરે તેવી સમજ આપશે.
આ દરમિયાન જૂથની રચના – ચુંટણી પ્રક્રિયાને ગ્રામપંચાયતના માળખા તથા તેના વડે દેશના માળખામાં નાગરિક તરીકે આપણી શું ફરજો છે? મતાધિકારનો સુયોગ્ય ઉપયોગ ના થાય તો કેવી સમસ્યાઓ સર્જાઈ શકે..વગેરે ચર્ચાઓ કરતા રહેવી..( આ બધી ચર્ચા આ પ્રવૃતિના જ યોગ્ય ઉદાહરણોથી કરવી.)
બાળસભા
બાળસભામાં દરેક જૂથનેતા પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ ચુંટશે.
અહીં દરેક જૂથના સભ્યો અન્ય જૂથની કામગીરીઓની ક્ષતિઓની ચર્ચા કરી શકશે.
દરેક જૂથ પોતાના જૂથની કામગીરીમાં રહેલી ક્ષતિઓની માફી માગી શકે તેવું વાતાવરણ ઉભુ કરવાના પ્રયાસો કરવા.
-મતદાનને અંતે જે જૂથને વધુ મત મળ્યા હોય તેને તમામ વિદ્યાર્થીઓ તાળીઓથી બહુમાન કરશે. તે જૂથનું નામ શાળાના બુલેટીન બોર્ડ પર ગત પખવાડિયાનું શ્રેષ્ઠ જૂથ શીર્ષક થી સ્થાન આપવામાં આવશે.
આ જૂથ બીજું શું કરી શકે?
  • વિવિધ કાર્યક્રમો,રાષ્ટ્રીય પર્વોની ઉજવણી, વિજ્ઞાન પ્રદર્શન, બાળમેળા, રમતોત્સવ તથા પ્રવાસ – પર્યટનનું આયોજન કરી શકે.
  • પોતાના જૂથન સભ્યને નવી પ્રાર્થના,ગીતો,કાવ્યો શીખવવા.
  • જુથમાં જેમનું વાંચન કૌશલ્ય નબળું હોય તેમને મદદ.
  • જૂથના સભ્યને પરિક્ષા અને અન્ય સ્પર્ધાઓની તૈયારીમાં મદદ.
  • જૂથના તમામ સભ્યો નિયમિત શાળાએ આવે તેવા પ્રયત્નો.
  • જૂથના સભ્યોને ઘરે ગયા પછી ગૃહકાર્ય અથવા અઘરા મુદ્દાઓની સમજ.
  • ધોરણવાર સોપતા પ્રોજેક્ટમાં માહિતી એકત્રીકરણમાં મદદ કરવી જેવા કામ કરી શકે.
કામગીરીની વ્યાખ્યા
દરેક જૂથને કામગીરી સોંપતી વખતે તેમને જે કામગીરી કરવાની છે તેની વ્યાખ્યા પણ સોપવી જેથી તે પોતાની કામગીરીને યોગ્ય ન્યાય આપી શકે.
જેમકે.
1. પ્રાર્થના સંમેલન :- પ્રાર્થના શરુ કરતા પહેલા પાથરણા પાથરવા,સરસ્વતી માતાનો ફોટો ગોઠવવો, માઈકસેટની ગોઠવણી કરવી,સંગીતના સાધનો,આજના દિવસની પ્રાર્થના પોથી મેળવી લેવી, પ્રાર્થના સંમેલનના બોર્ડ પર આજના પ્રાર્થના સંમેલનની વિગતો લખવી.( જેમ કે...આજની પ્રાર્થના-ભજન-ધૂન-સુવિચાર-જાણવા જેવું-ઘડીયો-વાર્તા-પ્રાણાયામ-આસન-મુદ્રા-વિ.)
૧૦:૫૫ મીનીટે પ્રાર્થના સંમેલનમાં બેસવા માટેના પાંચ ટકોરા મારવા, ધો-૧ અને ૨ ના વિદ્યાર્થીઓને હરોળમાં બેસવામાં મદદ કરાવી, ત્યારબાદ ૧૧:૦૦ કલાકે બે ટકોરા મારી પ્રાર્થના માટે તૈયાર અને એક ટકોરો મારી પ્રાર્થના શરૂ કરાવવી. પ્રાર્થના પૂર્ણ થયા પછી યોગ અને પ્રાણાયામની સૂચનાઓ આપવી. આજના ગુલાબની પસંદગી કરવી,આજના દીપક માટે ભેટ તૈયાર રાખવી અને તેમને કાર્ડ આપી “Happy Birthday to you…” નું ગાન કરવું,પ્રાર્થના સંમેલનના વિસર્જન વખતે સાગ...સાગ...સાગ..મગ રે સા... નું ગાન કરાવવું. તથા પ્રાર્થના સંમેલન બાદ તમામ સામગ્રી યોગ્ય સ્થાનોએ પરત મુકવી.
2. ઓફિસની સફાઈ અને ગોઠવણી:- ઓફીસ રૂમની સફાઈ કરવી, બોલતો અરીસો, ગામનો નકશો,પક્ષીચણ અને સ્વર્ણિમ ગુજરાત કળશ યોગ્ય જગ્યાએ ગોઠવવા.મુખ્ય ટેબલ પર મુકેલી તમામ વસ્તોની યોગ્ય ગોઠવણી, ખુરશીઓ ગોઠવવી, પ્રયોગશાળાના ટેબલની સફાઈ કરવી તથા તોરણ બાંધવું.
3. પાણીની વ્યવસ્થા:- પાણી ભરવાના અને પાણી પીવાના વાસણો સાફ કરવા, ગાળીને પાણી ભરી લાવવું, પાણીની ટાંકીની સફાઈ રાખવી, ગ્લાસની યોગ્ય ગોઠવણ કરવી. નાના બાળકો પાણીનો બગાડ ના કરે તેની સમજ આપવી.
4. બાગકામ:- શાળામાં પ્રાર્થના શરૂ થાય તે પહેલા અને વિશ્રાંતિના સમયમાં બગીચામાં પાણી પીવડાવવું. દરેક છોડની કાળજી રાખવી. કિચન ગાર્ડનમાં નિદામણ કરવું.ખાતર આપવું, ગોડ મારવો, સરૂના છોડ અને મહેંદીની યોગ્ય કાપ કૂપ કરવી, આ કામમાં અન્ય જૂથના મિત્રોની મદદ મેળવી શકાય છે.
5. વર્ગખંડોની સફાઈ :- વર્ગની સફાઈ,કરોળીયાના જાળાં પાડવા, અઠવાડિયામાં એક વખત પાણીથી પોતું કરી શકાય, ધો-૪ થી ૭ માં બેન્ચીસની ગોઠવણી તથા ધો:-૧ થી ૩ માં પાથરણ પાથરવા, ટેબલ પરની વસ્તુઓ ગોઠવવી, રીડીંગ કોર્નર પરના પુસ્તકોની ગોઠવણી, ગ્રીન બોર્ડ સાફ કરી તારીખ લખવી,બારીઓ- બારણાં સાફ કરવાં, જે તે વર્ગની કચરા ટોપલી ખાલી કરી આવવી,
*૧ અને ૨ ની સફાઈ વખતે તેની આગળનો મોટો ઓટલો પણ સાફ કરવાનો રહેશે.
6. મિત્ર સંપર્ક:- દરરોજ ગામમાં જઈ અનિયમિત અથવા સમયસર ના આવતા મિત્રોનો તેમના ઘરે જઈ સંપર્ક કરવો. જે તે વર્ગ શિક્ષક પાસેથી ત્રણ દિવસ કે તેથી વધુ સમયથી શાળામાં ના આવતા વિદ્યાર્થીઓની યાદી મેળવી લેવી અને તેમની ગેરહાજરીનું કારણ શોધી તેમને જણાવવું.
7. સેનિટેશનની સફાઈ:- બંને સેનીટેશનની પાણીથી સફાઈ કરવી, નાના વિધાર્થીઓ સેનિટેશનનો યોગ્ય રીતે ઉપયોગ કરતા થાય તેની સમજ આપવી, જરૂર પડે તો શિક્ષકની મદદથી અઠવાડિયે એક વખત એસિડથી પાયખાનાની સફાઈ કરવી.
8. મધ્યાહન ભોજન:- વિદ્યાર્થીને હરોળમાં ગોઠવી ડીશ ધોવડાવવી, ટુવાલથી સાફ કરાવડાવીને યોગ્ય જગ્યાએ બેસાડવા, ભોજન લેતા પહેલા પ્રાર્થના બોલાવડાવવી. જમતી વખતે ટેપ પર ધોરણવાર કાવ્યોની કેસેટ(અથવા બીજું હળવું સંગીત) વગાડવું,. ભોજન પછી બધા ડીશ ધોઈ કોરી કરી પરત મુકે તેની કાળજી રાખવી, ઉપયોગમાં લેવાયેલા ટુવાલ સાબુ ધોઈ સુકવી દેવા,સાંજે ઓફીસરૂમમાં વાળીને મૂકી દેવા.
9. પાછળના મેદાનની સફાઈ:- સેનિટેશનથી ખો-ખોના મેદાન સુધીની સફાઈ, કબ્બડીનું મેદાન દોરવું-તેમાંથી કાંકરા વીણી લેવા.
10. શેડના આસપાસના મેદાનની સફાઈ:- ધો-૧ અને ૨ ની પાછળ તથા સેનિટેશન જવાના રસ્તા સુધીની સફાઈ કરવી. કચરો બાળવાની વ્યવસ્થા કરવી.
11. આગળના મેદાનની સફાઈ:- હેન્ડપંપના રસ્તા સહીત ધો-૧ અને ૨ ના ઓટલા સુધીની સફાઈ.
12. બાજુના મોટા મેદાનની સફાઈ:- બાળવિકાસ પથ સહીત, ખો-ખોનું મેદાન તથા બાજુના બગીચાની સફાઈ.
(ઉપરોક્ત વ્યાખ્યાઓ શાળાની સ્થિતિ અનુસાર બદલાઈ શકે છે.)
આ પોસ્ટને એડીટ કરી તેને સંદર્ભિત ફોટોગ્રાફ્સ અહીં જ મુકવામાં આવશે
.

January 06, 2010

આનંદિત પળો! - પાનાય ના કોતરોમાં!

ચેકડેમની મુલાકાતે
આજની પળો મારી નોકરી દરમ્યાનના સમયની સૌથી આનંદીત રહી!પણ શરુઆત તો મુશ્કેલીથી જ થઇ. મુશ્કેલી એ હતી કે જો હું બાળકોને જોખમી સ્થળોએ ન લઇ જવાના નિયમને વળગી રહું તો બાળકો સાથે અન્યાય થાય તેમ હતો અને જો બાળકોને સાથે લઇ જઇ ચેકડેમના પ્રત્યક્ષ અનુભવનો આનંદ કરાવવાચેકડેમ નજીક લઇ જાઉ અને ? બાળકો તો ચંચળ. . .. ! જેમ સામાન્ય રીતે કોઇ શિક્ષકને થાય તેવો પ્રશ્ન મને પણ થયો, એક બાજુ મનના એક ખૂણામાં કોઇ અક્સ્માતના જોખમનો ડર અને બીજી બાજુ બાળકોને પ્રત્યક્ષિકરણનો આનંદ આપવાનો ઉત્સાહ!
મેં મહત્વ આપ્યું બાળકોના આનંદને અને મારા ઉત્સાહને!
મને જે મનમાં ડર હતો તે તો રસ્તામાં બાળકો સાથેની વાતચીતમાં જ દૂર થઇ ગયો હતો કેમ કે ઘણા બાળકોએ રસ્તામાં મને કહ્યું સાહેબ, અમે તો રજા કે રવિવારે ખેતરમાં જતા હોઇએ ચેકડેમ પર થઇને જ જઇએ છીએ અને ઘણી વાર ચોમાસામાં નાહવા અને માછીમારી કરવા પણ અહીં આવીએ છીએ, બાળકો સાથેની વાતચીતમાં મને ખબર પડી કે
બાળકોને મન ચેકડેમનું મહત્વ માછીમારી કરવા અને નાહવાની જગ્યાથી વધારે ન હતું.
સાચું કહું તો બાળકોએ જ મને વાત-વાતમાં કહી દીધું કે મારે તેમને શું શીખવવાનું છે. કારણ કે બાળકોની વાતો પરથી તો મને લાગ્યું જ કે ચેકડેમ/બોરીબંધ વિશે તેમને થોડોક તો પ્રાથમિક ખ્યાલ હતો જ, મારે તો તેમને બસ એટલું જ કહેવાનું [શીખવવાનું] હતું કે,
ગત ચોમાસામાં આપણા વિસ્તારમાં ઓછો વરસાદ પડવા છતાં આપણી શાળાના હેંડપંપ અને તમારા ખેતરના કૂવામાં જે પાણી આવે છે તેમાં મોટો ફાળો આવા ચેકડેમોનો જ છે. મને આનંદ અને સંતોષ ત્યારે થયો જ્યારે હરીશે કહ્યું “ સાહેબ,આમ તો અમે ઘણી વાર ચેકડેમ પર આવીએ છીએ પણ આજે તો બહુ જ મજા આવી’
બાળકો સાથેની વાતચીત પરથી તો મને પણ એવું લાગ્યું કે મારે પણ તેમની[બાળકો] પાસેથી એક વસ્તુ શીખી લેવી જોઇએ.
કઇ, ખબર છે?-swimming
પાણીમાં તરતા ન આવડવાના સંશય અને શીખી લેવાના સંકલ્પ સાથે ચેકડેમની મુલાકાત સમયની                   યાદગાર પળો મૂકીએ છીએ.
"બોરી બંધ વિષેનું શિક્ષણ" -બોરી બંધ પરબેસીને!
ચેક ડેમ પર ટીમ- નવા નદીસર
આ ચેક ડેમ આપણા ગામની જીવાદોરો કેવી રીતે બની ગયો તે સમજાવતી વખતે!
કોતરમાં વાંચન!
સાહેબ થોડા કુછ ખટ્ટા - મીઠ્ઠા હો જાયે!
એ! ભાઈ!
ગ્રુપ ફોટો!

                                    ચાલો અમારી આ યાદગાર પળો વિષે તમારે શું કહેવું છે?

January 05, 2010

ડીસેમ્બર માસના માસિક કસોટી પત્રો

ધોરણ:૫ .........................માસ: ડીસેમ્બર
વિષય:ગુજરાતી.....................ગુણ: ૨૦

પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના જવાબ આપો. [6]
1. અજવાળું આપવા પ્રભુએ શું શું બનાવ્યું છે?
2. ગંગામા સવારે વહેલા ઉઠીને શું કરતા હતા?
3. જીવાએ કેવા અડપલા કર્યા?
પ્રશ્ન-2(અ)સમાનર્થી શબ્દો આપો. [3]
1. અટકચાળો 2. દામ ૩. તપખીર
(બ) રૂઢિપ્રયોગોના અર્થ આપો. [2]
1. ડાટ વાળવો.
2. રોટલો રળવો.
(ક) વાક્યોને શબ્દોનો ક્રમ બદલી ફરી લખો. [3]
1. હું ભાવનગરથી આવું છું.
2. મને મામાએ પેન ભેટ આપી.
3. ચોર ચોરી કરવા રાજમહેલમાં ગયો.
(ડ) વિરુદ્ધાર્થી શબ્દો લખો. [3]
1. તવંગર 2. સધવા 3. સદુપયોગ
પ્રશ્ન-૩ કાવ્યપંક્તિ પૂર્ણ કરો. [3]
બહુ ઉપયોગી આપી..............
.........જીવ તમામ.- કદી હું .

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

ધોરણ:૬ ..............................માસ: ડીસેમ્બર
વિષય:ગુજરાતી .........................ગુણ: ૨૦

પ્રશ્ન-1 નીચેના પ્રશ્નોના જવાબ આપો. [6]
1. હિચકો ક્યાં બાંધવાનું કહેવામાં આવ્યું છે?
2. મોટા દીકરાએ શહેરમાં જઈને શું કર્યું?
3. હેમચંદ્રાચાર્ય ધર્મ વિષે શું કહે છે?
પ્રશ્ન-2(અ)સમાનર્થી શબ્દો આપો. [3]
1.હોશિયાર 2. માતૃભૂમિ ૩. સાથી
(બ) રૂઢિપ્રયોગોના અર્થ આપો. [2]
1. આનંદનો ઉભરો આવવો.
2. વાળ વાંકો ન થવો.
(ક) નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મુકો. [3]
1. અહી તો કેવી ગંદકી છે
2. શું સ્વચ્છતા રાખવી એ અઘરું કામ છે
3. સ્વચ્છતા ત્યાં પ્રભુતા
પ્રશ્ન-4 નીચેના મુદ્દા પરથી વાર્તા લખો. [6]
એક ખેડૂત-ચાર દીકરા-ચારેય આળસુ-ખેડૂતની માંદગી-ચારે દીકરાઓને બોલાવવા-“ખેતરમાં ધન દાટેલું છે.” તેમ કહેવું.-ખેડૂતનું અવસાન-દીકરાઓનું ખેતર ખોદી નાખવું.-ધન ન મળવું.-બી વાવવા.-સારો પાક થવો