March 11, 2025

મનમેળો! 🤟 શુભ પ્રસરતું રહે! 💫 સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ 💫

મનમેળો!🤟 શુભ પ્રસરતું રહે!💫 સ્કૂલ ટ્વિનિંગ પ્રોગ્રામ💫

એ સમયની કલ્પના કરો જ્યારે વાહનો નહોતાં, સંદેશાવ્યવહારનાં સાધનો નહોતાં. છતાં વિશ્વભરના માણસો વચ્ચે કંઈક ને કંઈક સામ્ય રહેતું હતું. દુનિયા આખી એક કુટુંબ જેવી નહોતી બની, ત્યારે પણ દરેક સમાજમાં - (હા, તે વખતે દેશ કે રાષ્ટ્રની સંકલ્પના પણ નહોતી) - કુટુંબો હતાં. કુટુંબમાં રહેવાની, સાથે જીવવાની પ્રથાઓ હતી.

આ કેવી રીતે શક્ય બન્યું હશે?

માણસ ફરતો રહ્યો છે. મૂળભૂત માનવસ્વભાવ બીજા માણસોને મળવાનો રહ્યો છે. (અને એને ફક્ત માણસો સુધી જ કેમ સીમિત રાખવું?) એક ખિસકોલી પણ બીજી ખિસકોલીને જોઈને "ચહેક ચહેક" થઈ જતી હશે ને! આ માણસને પણ લાગુ પડે છે. માણસનું માણસ સાથે સંબંધાવું એટલે, તુષાર શુક્લ કહે છે તેમ, "સંબંધાવું એટલે મહેક મહેક થવું." ધીમે ધીમે આ બધું માળખાગત થતું ગયું. માણસ માણસને મળે, પણ કોઈ કામ હોય તો જ મળે. જેમ એક ખિસકોલી બીજીને મળે તો ખાલી મળે - એમાં એકને બીજી ખિસકોલીમાં રસ હોય, કોઈ કામમાં નહીં. કામ તો થવાનું જ હોય. પણ આ કામકાજની વિધિમાં માનવજાત સપડાતી ગઈ.

માનવજાતને લાગુ પડે એ શાળાને પણ લાગુ પડે. રોજ સવારે ચોક્કસ સમયે, ચોક્કસ જગ્યાએ જવાનું, ચોક્કસ માણસોને મળવાનું અને ચોક્કસ કાર્ય કરવાનું. આ રીતે થતી ક્રિયાઓ ઘરેડ બની થીજી જાય. જે થીજી જાય, તે પછી ઘન થઈને સ્થિર થઈ જાય. એમાં નવું અંકુરણ થાય તો, નિયત કાર્ય વગરના માણસોને મળવાના મોકા મળે, જેથી ફરીથી અંકુરણ શરૂ થાય.

શાળામાં ટ્વિનિંગના કાર્યક્રમમાં અત્યાર સુધી અમે બરાબર આયોજન કરતા હતા - "શું જાણીશું? કયા વિષય પર ચર્ચા કરીશું?" જેવી બાબતો નક્કી કરતા હતા. પરંતુ આ વખતે સામાન્ય આયોજન કર્યું: સવારે ખજુરી પ્રાથમિક શાળા અને આપણી શાળાની કેબિનેટ પરસ્પર શાળાઓમાં જશે. ત્યાં શાળાઓને અનુભવશે, વર્ગોમાં જશે, શિક્ષકો અને અન્ય વિદ્યાર્થીઓ સાથે વાતો કરશે - (વાતો કરવાના કોઈ ચોક્કસ મુદ્દા નક્કી નહોતા કર્યા.) મધ્યાહ્ન ભોજન લેશે અને ત્યારબાદ બંને શાળાઓ સિવાયના નજીકના ઐતિહાસિક સ્થળ - રતનેશ્વર મળીશું, વાતો કરીશું અને છૂટાં પડીશું.

બંને શાળાઓના વિદ્યાર્થીઓએ જે રીતે વાતો કરી, તે જોઈને લાગ્યું કે કેટલીક વાર (કે બધી વાર?) અતિ આયોજન જ તેમના સ્વાભાવિક સ્વભાવને બહાર આવતા રોકે છે. શાળાના શિક્ષકો, શીખવાની વ્યવસ્થાઓ, વાતાવરણ, સંસાધનો અને એકબીજાના સ્વભાવ વિશે તેઓ એકદમ જુદી જુદી રીતે વાતે વળગ્યા.

શિક્ષકો તરીકે અમને આનંદ એ વાતનો છે કે અમને ધમકી મળી: "જો તમે આ વિદ્યાર્થીઓને લઈને અમારી શાળામાં નહીં આવ્યા, તો હું તમને પછી જોઈ લઈશ!" વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓ સાથેની અને અન્ય શાળા (હવે એમ નથી કહી શકાતું, કારણ કે બંને શાળાઓ એક જ ગણાય)ના શિક્ષકો સાથેની આત્મીયતા જોઈને લાગે છે કે આ જ તો છે - જે માનવજીવનને ઉત્સવ બનાવે છે.

અને આ જ છે આપણો માનવ મનનો મેળો! આવો ફરી એકવાર મહાલી લઈએ.. એ મેળામાં !