November 01, 2010

૫૦૦ નહિ ૫ લાખનું Teaching learning Material!


ચુંટણી પ્રક્રિયાએ લોકશાહીના દસ્તાવેજ સમાન છે અને  દરેક બાળક ચુંટણી પ્રક્રિયાથી વાકેફ બને તે માટેના પ્રયત્નો ચોકકસ સારી બાબત છે,[હા મત કોને અને શા માટે તે તો ૧૮વર્ષની ઉમર  પછીની વાત છે] પર્યાવરણ અને સામાજિક વિજ્ઞાનના એકમોમાં જ્યારે બાળકોને ગ્રામ-પંચાયત, નગરપાલિકા-મહાનગરપાલિકા, તાલુકા-જીલ્લ્લા પંચાયત વગેરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની રચના અને કામગીરી  અંગેના એકમો, વિધાનસભા, સંસદ વગેરેની રચના-કાર્યો વગેરેની બાળકોને સમજ આપવાની હોય ત્યારે જાણે બાળકોને હવાના દર્શન કરાવવા જેટલું અઘરું લાગે છે,

[અને આપણે પણ ગ્રામપંચાયતનો જ આશરો લઈને વિધાનસભા કે સંસદની સમજ આપીએ છીએ,પરિણામ એ આવે છે કે જ્યારે મુલાકાતી અધિકારી મુખ્યમંત્રીનું કે વડાપ્રધાન વિષેનું  પૂછતાં બાળક સરપંચની જ વાત કરે છે]    

                              આવા એકમો હોય છે જ વર્તુળાકાર !  ક્યાંથી શરૂઆત કરવી તેની આપણને જ જો મુંઝવણ થતી હોય તો બાળકની સમજમાં તે ચિત્ર લાવવું મુશ્કેલ અથવા તો અઘરૂ છે જ,માટે જ મોટેભાગે આપણે તેવા એકમોની  શરૂઆત ચુંટણી પ્રક્રિયાની સમજ આપીને જ કરતા હોઈએ છીએ,પરંતુ જ્યારે ચુંટણીપંચ જ આપણા આંગણે ચુંટણી કામગીરી અંગેની તમામ સામગ્રી સાથે પધારેલ હોઈ તો હું માનું છું ત્યાં સુધી આવી સુવર્ણ તકનો લાભ લઈ કોઈ સાધનને નુકશાન ન થાય અથવા તો કામગીરી માટે આવેલ ઓફીસરશ્રીઓને કામ કરવામાં અડચણ રૂપ ન બનીએ તે રીતે આપણા બાળકોને બુથની મુલાકાત લેવડાવી મોક-મતદાન પ્રક્રિયાનો અનુભવ કરાવવો જોઈએ જ !

સ્થાનિક-સ્વરાજ્યની સંસ્થાઓની રચના માટેની ચુંટણી માટેનું બુથ પોતાની કે નજીકની શાળામાં હોય,અને જે ધોરણનાં બાળકોને તે સંસ્થાઓ વિશે અભ્યાસક્રમમાં શીખવાનું હોય તેવા ધોરણ-૪ના માટે તો આ સ્થાનિક-સ્વરાજ્યની સંસ્થાઓની ચુંટણીઓ તો જીવતું-જાગતું અને સોને મઢેલું  ટી.એલ.એમ. ગણીએ  તો પણ સાચું જ  છે! અમે પણ આ ચુંટણી પ્રક્રિયાનીનો લાભ આ રીતે જ લીધો અને બાળકોને ચુંટણીની આગલી સાંજે ચુંટણી પ્રક્રિયાની જાણકારી અને મોક વોટિંગ તેમજ મોક ગણતરીનો અહેસાસ કરાવ્યો. તેમને સમજાવ્યું કે આ રીતે ચુંટાય છે આપણા પ્રતિનિધિ. સમગ્ર પ્રક્રિયામાં બાળકોમાંનો ઉત્સાહ વર્ણવીને નહિ પણ કેમેરાની આંખે જોઈને જ સમજી શકશો.
બાળકોને પ્રાથમિક સમજ આપતા ચુંટણી પ્રમુખ અધિકારીશ્રી.

મતદાર  યાદી શું છે? તેમાં તેમના માતા-પિતાના નામ બતાવવામાં આવ્યા...
ચુંટણી અધિકારી તથા શિક્ષકશ્રી ગીરીશભાઈ!

ઈ.વી.એમ ની સમજ
 મોક વોટિંગ માટે તૈયાર!
તેનો  પહેલો મત- શું તે ભૂલાઈ જશે?


મતદાન પછી રીઝલ્ટ કેવી રીતે જોવા મળે?- તેની સમજ
આ  પછી શાળામાં
  • કોણે શું જોયું? 
  • આ  રીતે ચુંટણી પ્રક્રિયા વિષે તેઓ શું સમજ્યા હતા?
  • હવે તેમને શું જાણ્યું?
  • ધારોકે આપણી શાળામાં બે બૂથ હોત તો આપણે આ મોક પોલ કરવામાં શું નવું કરત?
  • હવે તમારે ચુંટણી અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ વિષે વધુ શું જાણવું છે?
જેવા પ્રશ્નો આપી...તેમને સમજ બનાવવાનો મોકો આપ્યો.
શું કહો છો? કેવું લાગ્યું અમારું આ શૈક્ષણિક ઉપકરણ?
તો આવતી ચુંટણીમાં તમે પણ આનો ઉપયોગ કરી જો જો  અને જોઈ શકશો સાચા શિક્ષણની એક ઝલક!


Project conducted by:  શ્રી ગીરીશભાઈ વાળંદ, વ.શિ. ધો-૪