September 14, 2016

સામાજિક વિજ્ઞાન વિષયની સ્પર્ધા...


 મિત્રો,શાળામાં યોજાયેલ શાળા કક્ષાની અને ક્લસ્ટર કક્ષાની "સામાજિક વિજ્ઞાન વિષયની સ્પર્ધા" અંગેની વિગતો અને વિડીયો ટૂંક સમયમાં...


September 07, 2016

લાગણીસભર.. આભાર !!!


લાગણીસભર.. આભાર
 શાળાની એકવારની મુલાકાત બાદ શાળા સાથે લાગણીઓથી જોડાઈ ગયેલ પુણે [મહારાષ્ટ્ર ] ના સારંગ પાટીલનો કુરીઅર ધ્વારા બાળકોને માટે ક્રિએટિવ ગેઈમ્સ મોકલાવવા બદલ શાળા પરિવાર તેમનો લાગણીસભર આભાર વ્યક્ત કરે છે !!!.

September 05, 2016

અસાધારણ વ્યક્તિત્વ એટલે -: શિક્ષક


અસાધારણ વ્યક્તિત્વ એટલે -: શિક્ષક

આજે શિક્ષકે સાધારણ બની રહેવું પોષાય એમ નથી. અને ચાણક્યના કહેવા માત્રથી આપણે અસાધારણ થઇ જઈએ એવું આપણે માનીએ તો એ આપણો ભ્રમ છે ! પોતાને મળેલા વિદ્યાર્થીઓના જીવન ઘડતરની જવાબદારી ‘અસાધારણ’ રીતે નિભાવવી જ પડશે. થોડી થોડીવારે કૂકરની સિટીની જેમ ઉદગારો કર્યા કરવા –
“પહેલાનું શિક્ષણ સારું હતું !”
“અમારી વખત સારું હતું કે છોકરાં સાહેબનું કહેલું માનતા !”
“હું તો સારો છું કે તમને ફટકારતો નથી, અમને એવો તે માર પડતો કે.....!”
આમ કહ્યા કરીએ, અને આપણે શિક્ષક જ છીએ એવા નશામાં જીવે જઈએ છીએ. જો આજની સ્થિતિ જોઈશું તો સમજાશે કે વિદ્યાર્થીઓ ય કહે છે –
“પહેલાનું શિક્ષણ સારું હતું – એનો વ્યાપ કેટલો હતો – કેટલા વિદ્યાર્થીઓ શાળામાં આવતા ?”
           “અત્યારે સમાજના તમામ વર્ગો તમારી સામે છે – જુદી જુદી આર્થિક, સામાજિક પરિસ્થિતિઓમાંથી આવ્યા છે ! અને તમે બસ તમારી જૂની યાદો અને તમારા વ્યક્તિગત વલણો મગજમાં ભરી રાખી અમને હાંકે જાઓ ! સોરી સર, આ બબડાટ નહિ ચાલે !”
“પહેલાં છોકરાં તમારું સાંભળી લેતા પણ અમને લાગે છે કે અમારી સમજણ બને એ શિક્ષણ – અમે શાળામાં આવ્યા છીએ – કથામાં નહિ ! અમે તમારી વાતમાં અમારી સમજણ અને અનુભવ જોડાવાના અને એ મુજબ વર્તવાના !”
“તમે મારતા નથી – સારું છે – પણ અમે સારા છીએ કે તમારી આ ધમકી સાંભળી લીધી !”
આ તો માત્ર થોડા ઉદગારો છે – દેશના વૈવિધ્યમાં વ્યક્તિઓ પણ જુદા જુદા છે – આપણા વિદ્યાર્થીઓ ય જુદા જુદા છે – કોઈકને ચુપ નથી રહેવાતું તો કોઈક બોલી નથી શકતું. કોઈક એક વખત સાંભળી/વાંચી શીખી જાય છે, કોઈકને વધુ સમય લાગે છે. કોઈકને ઘરે જઈ ફરી અભ્યાસ કરવાની ફુરસદ છે, તો કોઈકને ઘેર જઈ દફતર મૂકી દેવાનું છે – જે એના હાથમાં બીજે દિવસ સવારે જ આવશે. કોઈક દરરોજ શાળામાં આવવા માટે મુક્ત છે તો કોઈક વાલીના વ્યવસાય અનુરૂપ થઇ સ્થળાંતર કર્યા કરે છે !
શું વાંક વિદ્યાર્થીઓનો છે – કે – તેમની સ્થિતિ આપણી શિક્ષણ વ્યવસ્થામાં ફીટ નથી બેસતી ?
અંતે, ભૂતકાળમાં સારું હતું એ યાદોમાં જીવવાને બદલે વિદ્યાર્થીઓના રસ,રૂચી,વલણો અને તેમની જુદી જુદી આર્થિક/સામાજિક સ્થિતિને અનુકુળ થઇ વૈવિધ્યની રંગોળી રચી તેમને વધુ પીડિત ના બનાવીએ ! ચાલો, ત્યારે સ્વ-શાસન દિન નિમિત્તે નિહાળીએ અમારાં નવા અસાધારણ શિક્ષકોને...
સ્ટાફ મિટિંગમાં .....
ધોરણ- ૫ માં કૃપાલી મેડમ... 
પ્રજ્ઞા ગણિતમાં ...
જયપાલ સાહેબ - ધોરણ ૮ માં ....
વિશાલભાઈ -: ધોરણ ૭ માં...
વર્ગખંડની ચર્ચા - આજે ઘણા દિવસે ઘણો સમય મળ્યો છે...
ચાલુ શાળાએ ચંદુભાઈ, કારણ-: બાળકો આજે વર્ગખંડો સંભાળે છે !
બાળકો માટે સેવ-ઉસળ તૈયાર કરતાં શિક્ષકો તથા મધ્યાહન ભોજનના મિત્રો...
August 31, 2016

બાળકોની તંદુરસ્તી અને શાળા !!


બાળકોની તંદુરસ્તી અને શાળા !!
  મિત્રો, તંદુરસ્તીની બાબતમાં તન અને મન એકબીજાનાં પૂરક છે ! “તન તંદુરસ્ત તો મન પણ તંદુરસ્ત”  બીમારીમાં ડોકટરની સલાહ હોય છે કે – ક્યાંક બહાર ખુલ્લામાં હરોફરો તો મન બહેલશે, અને મન તંદુરસ્તી અનુભવશે તો તેની અસરથી તન પણ સુધરશે જ !! શાળામાં કેટલાંક બાળકો પાછળની શૈક્ષણિક મહેનત પછી કેટલીકવાર આપણને પૂરું પરિણામ મળતું નથી હોતું – ત્યારે બાળકના પૂરક વાલી તરીકે આપણે તેની તન-દુરસ્તીનું ધ્યાન પણ લેવું જરૂરી છે. આરોગ્ય વિભાગની આયર્નની ગોળીઓ થી માંડી કૃમિની ગોળીઓ જેવી સામુહિક કવાયત ધ્વારા બાળકોમાં ખૂટતાં તત્વોનું પ્રમાણ વધશે અને કૃમીઓના નિકાલ ધ્વારા બાળકોની આંતરિક એનર્જીને વેસ્ટ થતી બચાવશે જ – જેનો સીધો ફાયદો આપણી તે બાળક પાછળની શૈક્ષણિક મહેનતમાં થશે જ ! જેમ કે બાળકનું શીખેલું ભૂલી જવું – સાંભળેલું કે વાંચેલું જલ્દીથી ન સમજી શકવું – નબળી નિર્ણય શક્તિ – આત્મવિશ્વાસનો અભાવ – વાંચવામાં લખવામાં થતી મુશ્કેલીઓ – આ તમામ બાળકોની પ્રગતીમાં અવરોધ બનતાં કારણોમાં બાળકનો જરા પણ વાંક નથી હોતો – તેનો સીધો સબંધ શારીરિક ધ્વારા માનસિક તંદુરસ્તી સાથે  જોડાયેલ હોય છે અને તેની અસરો બાળકના તેના વર્ગકાર્ય પર જ થતી હોય છે, પરોક્ષપણે આપણી બાળક પાછળની મહેનતનું પરિણામ અપેક્ષાઓ મુજબનું નથી મળતું – આમ, બાળકના સ્વાસ્થ્ય પાછળની આપણી તકેદારી  ફક્ત બાળકને જ તંદુરસ્ત નથી કરતી તે આપણા વર્ગખંડોના શૈક્ષણિક મહેનતના પરિણામને પણ તંદુરસ્ત કરે છે ! તે માટે ફક્ત જરૂર છે બાળકના પુરક વાલી તરીકેની તકેદારીનું એક ડગલું ભરવાની ! પછી તો રસ્તાઓ એની જાતે જ મળતાં જશે !!!  

August 15, 2016

આઝાદી...!!!


આઝાદી...!!!
આ આઝાદ દિનની ઉજવણી કરવા માટે સમય ખૂટતો લાગ્યો ! વર્ગોમાં ઉપચારાત્મક કાર્ય અને બહાર વરસાદ બંને એકસાથે ! સમય ફાળવીને તૈયારી કરાવ્યા પછી જો ૧૫ મી ઓગષ્ટે વરસાદ પણ વરસવાની આઝાદી માગે તો અમારા સૌની તૈયારી કરવામાં વપરાયેલા સમયની આઝાદી છીનવાઈ જાય !
છૂટક છૂટક ચર્ચા પછી નક્કી થયું કે જેમને જે રજુ કરાવું હોય એ રજુ કરવાની છૂટ ! – શરત માત્ર એટલી જ કે તમે કહેશો નહિ તો કોઈ શિક્ષક તમને સામેથી કઈ જ કહેશે નહિ ! શરૂઆતમાં તો તેમને આ આઝાદી જરા વધુ પડતી લાગી મૂંઝવણ પણ હતી કે કોઈ થીમ કહી તો સારું !
અમને લાગ્યું કે થીમ આપ્યા પછી વિષયો અને રજુ કરવાની રીતો પણ આપવી પડશે અને ફરી એ કાર્યક્રમ શિક્ષક કેન્દ્રી થઇ જશે ! એક્વા ટાવરના ઉદઘાટન વખત કરેલી સંગીત નાટિકા હીટ ગઈ હતી એટલે એ ગ્રુપ તો તૈયાર જ હતું ! પ્રાર્થના સંમેલનમાં મનીષા (ધોરણ-) ને ફરી એ જલ હી જીવન હૈ ની હિન્દી સ્પીચ બોલાવી તો અમસ્તા જ કહ્યું કે કોઈક તો પડકાર આપો, મનીષાને કે હું પણ એના કરતા સરસ બોલી શકું છું !” ધોરણ ચોથામાં ભણતી ત્રીશાની આંગળી ઉંચી થઇ, તેની બહેનપણી પ્રિયંકાને તો ત્રિશા જેમાં ભાગ લે એમાં ભાગ લેવો એમ નક્કી જ હતું !
ધોરણ છઠ્ઠામાં બીરબલની ખીચડીની વાર્તા ગુજરાતીમાં કહી તો વૈભવ બોલી પડ્યો, “સાહેબ આનું નાટક ના ભજવાય ?” “અમને શું વાંધો હોય? તમારે જાતે સંવાદ અને રીહર્સલ કરવાનું ! અમે તમને શાળા સમય નહિ આપીએ !” આઠમના શેતાનો એ પ્રવાસી શિક્ષક તરીકે હમણાં જોડાયેલા ચેતનભાઈને નાટક આપવા કહ્યું, એમને થીમ સમજાવી અને ભજવવું , ના ભજવવું એમના પર છોડ્યું ! ધોરણ ૫ ની રીટાને શિક્ષકે આઝાદ દિન વિષે આપેલી માહિતી એમની જેમ જ કહેવાનું નક્કી કર્યું ! તાલુકા કક્ષા સુધી વકૃત્વમાં ઇનામ મેળવી ચુકેલા સંજયને તો ફરી એવી ધારદાર સ્પીચમાં જ રસ હતો એને લક્ષ્મભાઈ પાસેથી આઈડીયાઝ લઇ લીધા (ધીમે ધીમે આખી સ્પીચ જ મેળવી લીધી)
આમ, તૈયારી થઇ રહી છે કે નહિ ? એનો સપાટી પર કોઈ અંદાજ જ નહોતો !
૧૫ મી એ પૂછ્યું બોલો હવે કોને કોને રજૂઆત કરવાની છે ? તો બધાએ ક્રમશઃ નામ લખાવ્યા ! એમાં વળી, આઝાદ દિન હોય અને સરસ રીતે કોરિયોગ્રાફ થયેલું વંદેમાતરમ્ તો રજુ કરવું જ પડે એનો ઉમેરો થયો !
નવી ઈમારત ફરકેલા ધ્વજને ખરેખર ફરકતો જોઈ જાણે સૌને નવું જોમ મળ્યું
અમારી ધારણાથી પણ વધુ સટીક રીતે સૌએ રજૂઆત કરી ! બહેનપણીને ભાગ લેતી જોઈ ભાગ લેનાર ટચુકડી પ્રિયંકાએ તો રીતસર ધમાકો બોલાવ્યો ! તો વળી, બીરબલની ખીચડી ગુજરાતીમાં સાંભળી હતી એને એમને હિન્દીમાં રજુ કરી ! સંજયનું વક્તવ્ય તો ધારદાર જ હોય એ અપેક્ષિત હતું ! આઠમા ધોરણની ટીમ છેલ્લી ઘડીએ પોતાનું નાટક ના રજુ કર્યું ! કઈ વાંધો નહિ આ પણ એમની જ ચોઈસ !કાર્યક્રમ પછી ચર્ચા કરી તો અમને સમજાયું કે એમના માથે જવાબદારી આપતા જ એને તેઓ મુગટની જેમ સજાવી લે છે  પ્રિયંકાની ધારદાર સ્પીચની ગુરુ મનીષા નીકળી તો બીરબલની ખીચડીની તૈયારી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીએ એના ઘરે કરાવી હતી ગ્રામજનોની તાળીઓ અને વિદ્યાર્થીઓનો આ અમે જાતે કરી બતાવ્યું !” એ સંતોષ એ અમારા આઝાદ દિનની ફલશ્રુતિ !
સૌ મિત્રોને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ...
August 10, 2016

સમાજ વ્યવસ્થાની મુલાકાતે !!!


સમાજ વ્યવસ્થાની મુલાકાતે !!!

                શાળા અને સમાજ એ શૈક્ષણિક રથના બે પૈડા છે, જેના ઉપરની સવારી ધ્વારા બાળકો જ્ઞાનને જોવે છે – જાણે છે  – અનુભવે છે  –તેને સમજે છે અને આવી વર્ષો પછીની મુસાફરી બાદ જ સામાન્યતઃ એક બાળક રાષ્ટ્ર માટેનો જવાબદાર નાગરિક બને છે.  ઉચ્ચપ્રાથમિક શિક્ષણ પૂરું કાર્ય બાદની ઉંમર બાળકની એવી અવસ્થા હોય છે કે તેનો પરિવાર તેને નાની મોટી જવાબદારીઓ સોંપતો થાય છે કે જેમાં બાળકે સામાજિક વ્યવસ્થા સાથે સીધો વ્યહવાર કરવો પડે ! જેમકે જાતે કપડા ખરીદવા દેવા, નાની બિમારીમાં જાતે દવાખાને જાય તેવો આગ્રહ ! જેમાં નાની નાની લેવડ દેવડ થતી હોય તેવા વ્યહાવરો !! ટૂંકમાં કહું તો આ ઉંમરથી શીખેલું કે જાણેલું અમલમાં મુકવાની પ્રાથમિક શરૂઆત થઇ ગઈ હોય છે, એટલે સામાજિક વ્યવસ્થાનો પ્રત્યક્ષ ઉપયોગ કર્તા બનવાની શરૂઆત થઇ ગઈ હોય છે. બેંક કે પોસ્ટ ઓફીસ – દવાખાનું કે દૂધની ડેરી – કે પછી ગ્રામ પંચાયત ! આ બધી વ્યવસ્થાઓ કેવીરીતે કામ કરે છે ? સમાજમાં કે સામાજિક વ્યવસ્થામાં તેનું શું મહત્વ છે? ઉપભોક્તા તરીકે આપણેય શું શું તકેદારી રાખવી - કેવીરીતે વ્યવસ્થાને સહકાર આપવો ? વગેરેની સમજ માટે ઉચ્ચ પ્રાથમિક કક્ષામાં પ્રવેશતાં જ બાળકને મળી જાય તે માટે શાળાએ આવાં વિવિધ સ્થળોની મુલાકાત માટેનો પ્રોજેક્ટ યોજ્યો. આમાં બાળકોને વ્યવસ્થાનો અનુભવ કરવાનું કામ વ્યવસ્થાપકોનું હતું પણ માહિતીમાં ઘટતું ઉમેરવાનું અને તેનું વ્યવસ્થીકરણ કરી બાળકોમાં ઈનપુટ કરવાનું કામ કરવા માટે શાળા પરિવાર હંમેશની જેમ તેમની સાથે હતો ..

July 31, 2016

ધોરણ પહેલું-: શરૂઆતમાં ફક્ત એક્શન-પછી પરફેક્શનનો આગ્રહ !!


ધોરણ પહેલું-: શરૂઆતમાં ફક્ત એક્શન-પછી પરફેક્શનનો આગ્રહ !!
નિસરણીમાંના પગથિયાંમાં સૌથી વધારે મહત્વનું પગથીયું કયું ? 
                     – એવો જયારે કોઈ પ્રશ્ન કરે ત્યારે આપણો જવાબ હોય છે કે - અરે ! આવો તો કોઈ પ્રશ્ન હોય બધા જ પગથિયાં સરખું જ મહત્વ ધરાવતાં હોય છે . કોઇપણ પગથિયું કાચું પડે એટલે સમજો કે તે નિસરણી પરથી સીધા જ નીચે ! માટે બધા જ પગથીયાં મહત્વનાં કહેવાય – વાત પણ સાચી. પરંતુ જો તમને કોઈ એવું પુછે કે નિસરણી પરના કયા પગથીયાં પર સૌથી વધારે પ્રયત્ન બળ લગાડવું પડે? – ત્યારે અમારો અને કદાચ આપણા સૌનો જવાબ એ જ હોય કે – પ્રથમ પગથીયે જ સ્તો ! હવે વ્યવહારિક જીવનનું બીજું ઉદાહરણ -
 તમારા વ્હીકલને ગતિમાન કરવાની વાત હોય ત્યારે કયા નંબરના ગીયરમાં સૌથી વધારે ઉર્જા વપરાય છે? 
                -ત્યારે પણ આપણો જવાબ હોય છે- પ્રથમ ! કોઈ પણ વસ્તુને ગતિમાન કરવાની તમામ બાબતોમાં બળ લગાડવા માટેના નિયમોમાં એક સમાનતા એ જ હોય છે કે “શરૂઆતમાં વધારે બળ/ઉર્જાની જરૂર પડે જ !” તો બાળકોને શૈક્ષણિક પ્રક્રિયામાં ગતિમાન કરવા માટે અલગ નિયમ ન જ ! માટે શૈક્ષણિક પ્રવાસમાં સૌથી વધારે મહત્વનું છે તેનું પહેલું ધોરણ અને તેમાં પણ વધારે મહત્વનું છે તેની શરૂઆતનો સમય ! કે જે અત્યારે ચાલી રહ્યો છે ! મિત્રો, હવે કદાચ દલીલ એ પણ થશે કે બાળક પગથીયું કે એન્જીન તો નથી જ કે તેના પર આજે  આપણે વધારે પ્રયત્ન બળ લગાડીશું તો આજે જ બાળકની ગતિમાં વધારો થશે ! હા,તે વાત પણ સાચી ! પરંતુ આપણો પ્રયત્ન રહેવો જોઈએ કે તે જેમ બને તેમ ઝડપથી ગતિ પકડે. તે માટે આપણે રંગભૂમિનો અભિનય માટેનો એ નિયમ અનુસરવો જરૂરી છે કે - પહેલાં એકશન એટલે કે અભિનય પર ધ્યાન અને પછી જયારે એક્શન ગતિ પકડે પછી અભિનયના પરફેક્શન પર ફોકસ કરવો ! એકવાર આ નિયમને  અનુસરીશું - વર્ગખંડોરૂપી રંગભૂમિને તેની અનુકળતા મુજબની સર્જીશું - પ્રમાણિક પ્રયત્ન કરીશું લઈશું - તો આપણા પહેલાં ધોરણના બાળ-હીરોઝને એક્શનમાં આવતાં અને ત્યારબાદ તેની એકશનમાં પરફેક્શન આવતાં બહુ સમય નહિ જાય ! બસ જરૂરી છે કે તે માટેનો પ્રયત્ન ધૈર્યયુંકત અને પ્રમાણ મુજબનો - સાચી દિશામાં હોય !!!