Showing posts with label અમારા ધ્વારેથી.... Show all posts
Showing posts with label અમારા ધ્વારેથી.... Show all posts

May 31, 2026

સર્વે ભવન્તુ સુખિન: જ્યારે જીવંત બને છે!

સર્વે ભવન્તુ સુખિન: જ્યારે જીવંત બને છે!


ધોરણ - 8ની આ બેચ એવી કે જેનામાં શાળાનો મંત્ર 'સર્વે ભવન્તુ સુખિન' સાકાર થયેલો જોઈ શકાય. એકબીજા પ્રત્યે ઈર્ષા કે સ્પર્ધાનો કોઈ ભાવ નહીં !. કોઈ એકને ન આવડે તો બીજાને પણ નથી આવડતું એવો ભાવ રાખીને મદદ કરવા તૂટી પડવું એ આ ટીમનો મૂળ મંત્ર હતો. શાળામાં નાગરિક ઉઘડતર  અંતર્ગત વર્ગખંડમાં જાતે શીખવાનો જે ટ્રેન્ડ ઊભો થયો, તેની સૌથી વધુ ક્રેડિટ આ ટીમને જાય છે. શાળાનું રેડિયો સ્ટેશન હોય કે પીએમશ્રીની ટેગ હોય, વિદ્યા સંગમ હોય કે રાત્રિ રોકાણ હોય તમે એક મજેદાર લીડરશીપ કરી છે. ધોરણ પાંચથી જ તમારામાં  શીખવાની મજા દેખાવા માંડી હતી. તેઓ પહેલેથી જ છોટે રાજા બનીને નાચતા-કૂદતા ભણતા. ધોરણ પાંચમાં આવતા જ તેમની શક્તિઓ સૌ જોઈ શકે તેવી સ્થિતિમાં આવી. નિર્જલા પાંચમા ધોરણમાં શાળાની ઉપપ્રમુખ બની અને આઠમા સુધીમાં તો ઈસરોમાં જઈને વર્કશોપમાં ભાગ લઈ આવી. તેની કરડી નજરથી વિદ્યાર્થીઓ જ નહીં, પણ શિક્ષકોએ પણ બચીને ચાલવું પડતું. નવા આવેલા નેહા અને સંગીતાબેન જેવા શિક્ષકો તો બે-ચાર વાર રડી પણ પડ્યા. ભણવું, રમવું, દોરવું, ચીતરવું કે રીસાવું, આ બધું જ આ ટીમમાં જોવા મળતું. પાક્કી  દુશ્મન અને પાક્કી બહેનપણી હોવાનો અહેસાસ નિર્જલાએ કરાવ્યો છે એવી પ્રિન્સી મોડેથી જોડાઈ હોવા છતાં બધાની લાડકી બની. ક્લાસ હેન્ડલિંગના તેના આઈડિયાઝ તેને વર્ગની ખરેખરી રાજકુમારી બનાવે છે. શાળાની મુખ્ય શિક્ષણ સચિવ છાયાનું લાગણીશીલ પાસું ક્યારેય તે બોલીને વ્યક્ત નથી કરતી પણ તેના લખાણમાં હંમેશા જણાયું  છે. તોરણ અને ઝુમ્મરની કારીગરી કરતી નિશા અને અંજલિ તમે સૌ શાળામાં શોભાયમાન રહેશો. શિક્ષક જેને વાંદરો કહે તો એ શિક્ષકને ગધેડો કહે અને જો એને ગધેડો કહે તો એ શિક્ષકને વાંદરો કહે, એવી આપણી વાંદરા-ગધેડા વાળી મસ્તી હિમાંશી તું  મોટી થઈને પણ ચાલુ રાખજે. જેણે નવાનદીસરમાં સૌથી વધુ સમય શીખવામાં વિતાવ્યો છે તે ધનુષ શાળામાં જ ચાલતા, બોલતા, હાર્મોનિયમ-તબલા વગાડતા, લખતા, વાંચતા, કબડ્ડી રમતા અને મુખ્ય સચિવ બનીને શાળાનું સંચાલન કરતા શીખ્યો છે. હા, બધું શીખ્યા પછી હજુ તારે શાક ખાવાનું શીખવાનું બાકી છે, શીખી જા એટલે કહેજે. ધનુષ સાથે જોડાયેલું બીજું નામ રિતેશ, અમારો છોટે રાજા. બચપણથી જ શાળામાં નાચતો-ગાતો આવે અને શિક્ષકને ગળે વળગી પડે. આજે શિક્ષક કરતા વધુ ઊંચાઈ ધરાવતો થયો છે. શાળાના પ્રમુખ તરીકે છેલ્લા એક વર્ષમાં તેણે બતાવેલી મેચ્યોરિટી આશ્ચર્યજનક છે. ગૂંચવણભરી સ્થિતિમાં પણ તે નવા ઉકેલ અને મેનેજમેન્ટ વડે સ્થિર રહી શકે છે. હા, ઘણીવાર તેનો ફાટી ગયેલો બાટલો અને બૂમાબૂમ પણ અમે સાંભળી છે. તેના અખંડ સાથીદારો ધ્રુવીલ, તેજસ, ચિન્ટુ, અશ્વિન અને તેની આખી પર્યાવરણની ટીમ, જીગો, વનરાજ, તમે સૌએ ઉછેરેલા વૃક્ષોમાં અને તેના ફળોમાં સદાય અમારી સાથે રહેશો. જેનું કૌશલ્ય ધીમેથી ખીલ્યું પણ છેલ્લે વૈશાલી વાયરામાં ધમાકેદાર પરફોર્મન્સ કર્યું, એવો અમારો તરબૂચ ઉર્ફે સૌનો લાલો, તું એ નામ સાથે સદાય શાળામાં રહીશ. અવનવી મુશ્કેલીઓમાં પણ શાળામાં આવતો સુનીલ અને સૌથી મોડું; ચોથા-પાંચમા ધોરણમાં વાંચતા શીખેલો પ્રિતેશ, તારી લીડરશીપની કળા જીવંત રાખજે. બધા કરતા ઊંચાઈ વધારે, ગણિતમાં ૧૨ વાગી જાય પણ અંગ્રેજીમાં એક્કો, તેવો સાગર ! મોહિતને ક્યારેય મોહિત કહેવાને બદલે રેખા મોદી કહેતો હિતેશબધાને ખડખડાટ હસાવી વિજ્ઞાનના પ્રયોગો કરતો મોહિત - ધ સાયન્ટિસ્ટ તારા એ પ્રયોગો ચાલુ રાખજે. છેલ્લે છેલ્લે શીખવાની ટ્રેનમાં જોડાયેલા વિપુલ અને સ્વામી પાર્થ, તમે પણ તમારી સારપથી યાદ રહેશો. મને સાહેબ ભાઈબંધોની યાદ આવે તો રડવું આવે એવું થાય એ કેમ થાય જેવા સવાલ પૂછવા માટે જેનું હૃદય હજુ ય દોસ્તીથી છલોછલ છે એવો કિશન; આજે તને કહીયે કે દોસ્તીમાં એવું થાય અને એ થાય એનો આનંદ રાખજે ! 

આ ધોરણે શીખવ્યું કે રાગ-દ્વેષ વગર, એકબીજાની ઈચ્છાઓનો આદર કરીને હળીમળીને કેવી રીતે કામ કરવું. આયુષ, કાર્તિક, રીતિક તમે પોતાની દુનિયામાં વ્યસ્ત રહેતા. શાળાએ આવવું કે ન આવવું તે આ ત્રણેય સાથે જ નક્કી કરતા. ક્લાસમાં જાઓ એટલે ખબર પડી જાય કે ચિરાગના નામની મારામારી થતી હશે. ચિરાગ ફક્કડ અને ટેન્શન વગર જીવનારો છોકરો. દર્શન અને મેહુલ હંમેશા એકબીજાના મદદગાર બનીને જોવા મળતા. ધ્રુવીલ, મોહિત, સાગર, આ ત્રણેયે આખા શાળા જીવન દરમિયાન જેટલી મજા નથી કરી એટલી આ ધોરણ ૮માં કરી છે. ધ્રુવીલનું નામ બોર્ડ પર લખાય એટલે તરત બીજાનું નામ લખાવવા આવી જાય. રિતેશ અને સાગરના નામ હંમેશા કમ્બાઈન હોય, એટલે જ બધા તેમને સાગરીતા કહીને ખીજવતા. અશ્વિન સવારે ઘરે વાસણ માંજીને શાળાએ આવતો પણ આવે જરૂર. કિશનજી એકદમ બિન્દાસ, કાયમી શાળાએ મોડા જ આવવાનું અને મસ્ત રહેવાનું. પિયુષ, કૃષ્ણ, જીગ્નેશ, વનરાજ અને કલ્પેશ તમે પ્રાકૃતિક ખેતીનો નવો દાખલો ગણીને બતાવ્યો. દેવેન્દ્ર તે સ્પોર્ટ્સ સચિવ તરીકે તૈયાર કરેલો અલંકાર વર્ગ અને કરેલી ગોઠવણી શાળાનો હિસ્સો બનીને રહેશે. હિતેશ અને ભાવિન તમે છો એનાથી વધુ નીડર બનો તેવી કામના. આર્યમાનસિંહ ઉર્ફે લેડી: કામ માટે હંમેશા રેડી. દક્ષરાજ છોટા પેકેટ બડા ધમાકા! રાત્રિ રોકાણમાં બધાએ તારી કાળજી લીધી છે, એ કાળજી તારા સ્મરણમાં રાખજે - એ તને મળેલી મોટી સોગાત છે. રાજવીર તારા તોફાનો અને તાકાત બંને જાળવી રાખજે. 

અદિતિના હાથનો માર બધા છોકરાઓએ જ નહીં સૌ શિક્ષકોએ પણ ખાધો હશે. તારી નોટ્સ બનાવવાની કલા નિખારતી રહેજે. હર્ષિદા સાવ ટૂંકું ભણવા આવી, ટૂંકું જ સ્તો - એક વર્ષ !

પણ એમાય તે આપેલો અનુભવ અમારી સાથે રહેશે. દૃષ્ટિ  અને ક્રિષ્ના તમારી જુગલ જોડી શાળામાં જ નહીં, તમારા ઘર સુધી પ્રખ્યાત થઈ ગયેલી. જુદા જુદા ગામ અને જુદા જુદા પરિવેશમાંથી આવીને ય દોસ્તી શું હોય એ આપણા સૌનો મિજાજ તમારા બંનેમાં જોઈ જ શકાશે. દોસ્તી જાળવી રાખજો. અલ્પિતા શાંત, સરળ અને સોંપેલું કામ કરનાર. ભાવની, કાજલ અને ખુશી આઠમા ધોરણમાં ત્રણેયની જોડી જબરી જામી. NMMSની હોલ ટિકિટ ન મળતા ખુશીનું રડવું એ શિક્ષક તરીકે હંમેશા યાદગાર રહેશે. કાજલ ધ રિયલ વોરિયર તરીકે ઘડાઈ છું. તારી અને નિર્જલા વચ્ચે કામકાજને લઈને થયેલી બોલાચાલીમાં પહેલી વાર નિર્જલાની બોલતી બંધ થઈ હતી. પછી ભલે તું  ધ્રૂસકે રડવા લાગી પણ તારી  લડાયક શક્તિ  જાગી ગઈ. નેહાએ પોતાના અવાજથી શાળાનું નામ તાલુકામાં રોશન કર્યું. મિત્તલ, કામિની, જાનકીદિવ્યા અને અંજલિ - ધ ગર્લ્સ ટીમ હંમેશા સાથે રહેતી. ભાવના અને મનીષા મુશ્કેલ પરિસ્થિતિ સામે લડીને ભણનારી દીકરીઓ!  દિપાલીએ ગામના લોકોને બાળકના  જન્મ વિશે વૈજ્ઞાનિક સમજણ આપી તે દ્રશ્ય અવિસ્મરણીય છે. નિયતિ (કોરિયન - કોરિયન ) તારું જોતાવેત અપાતું સ્મિત અને ગળે વળગવું અમારા માટે ટોનિક છે અને રહેશે. 

શાળાના વૃક્ષ પર ફૂલ હજુ ય ખીલશે પણ તમે સૌએ ફેલાવેલી સુગંધ અમારા સૌના હૃદયમાં હંમેશા રહેવાની છે. અમારે પ્રયત્ન કરવો પડશે કે હવે આવનારા બાળકો સામે તમારા ઉદાહરણ વારંવાર ન આપીએ…. તમે પણ શાળામાં આવીને ટહુકા કરતા રહેજો. ડાળી છૂટી છે, પણ એક નવી ઉડાન માટે એ ન ભૂલશો ! પ્રેમ - પ્રેમ અને બસ પ્રેમ : આપણને જોડીને રાખનારા આ પ્રેમ રસાયણને સુકાવા નહીં દઈએ, હે ને ?!

રીડિંગ રીલ્સ

·       'સર્વે ભવન્તુ સુખિન:' ના મંત્ર સાથે ધોરણ-૮ની આ બેચે સ્પર્ધા મુક્ત વાતાવરણ ઊભું કર્યું, જ્યાં એકની નબળાઈ એ આખી ટીમની જવાબદારી બની અને પરસ્પર સહયોગથી દરેક મુશ્કેલ પ્રવૃત્તિ સરળ બની ગઈ.

·       શાળાના રેડિયો સ્ટેશન, પીએમશ્રી ટેગ, ખેતી અને રાત્રિ રોકાણ જેવા પ્રકલ્પો દ્વારા બાળકોમાં નિર્ણયશક્તિ અને વ્યવસ્થાપન જેવા ૨૧મી સદીના કૌશલ્યો સહજતાથી ખીલ્યા.

 

ધોરણ – ૮ના બાળકો અને શાળા – ક્લિક

અને અમે ઘેર ન ગયા



૪૦ મિનિટનો વીડિયો ટીમે કેટલી મજાથી શીખ્યું તેનો પુરાવો છે: ક્લિક >     £¥



April 30, 2026

21મી સદીના કૌશલ્યોની ચાવી - વાલીઓનો વિશ્વાસ !!

21મી સદીના કૌશલ્યોની ચાવી - વાલીઓનો વિશ્વાસ !!

નજીકના  ગામનો એક છોકરો. જ્ઞાનસેતુ પરીક્ષામાં મેરિટમાં આવ્યો. શિષ્યવૃત્તિ મળી. ખાનગી શાળાના દરવાજા ખૂલ્યા. ઘરમાં ચર્ચા થઈ, "ત્યાં ભણાવો, ભવિષ્ય સુધરશે." ત્રણ મહિના પછી એ છોકરો શિષ્યવૃત્તિ છોડીને આપણી  શાળામાં પાછો આવ્યો. કારણ પૂછ્યું તો તેણે કહ્યું, "ત્યાં માત્ર જવાબ આપવા પડે. અહીં સવાલ પૂછી શકાય છે." આ એક વાક્ય ઘણું કહી જાય છે.

 આપણી શાળા ૨૧મી સદીના કૌશલ્યોમાં માને છે. ક્રિટિકલ થિંકિંગ, ક્રિએટિવિટી, ડિસિઝન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ અહીં માત્ર ચાર્ટ પરના શબ્દો નથી. વર્ગખંડ, મેદાન, ખેતીના ક્યારા અને જૂથ ચર્ચામાં આ કૌશલ્યો જીવંત છે. પેન-પેપર વર્ક જરૂર પૂરતું  છે, બાળકનો આત્મવિશ્વાસ વધારે છે. શરૂઆતમાં વાલીઓ ફરિયાદ કરે પણ છે. ગૃહકાર્ય ઓછું લાગે છે. ભણતરની ઓળખ હજી પણ ચોપડી, લેસન અને પરીક્ષા સુધી સીમિત છે. વાલીઓને ત્વરિત પરિણામ જોઈએ છે. જ્યારે શાળા નવી દિશામાં મક્કમ રહે ત્યારે જ પરિવર્તન આવે છે.

૨૧મી સદીના કૌશલ્યો ત્યારે જ ખીલે જ્યારે ભૂલ કરવાની છૂટ મળે. ભૂલ ગુનો નથી. નિર્ણય આપવાને  બદલે નિર્ણય લેવાની તક ઊભી કરવી  પડે. અહીં "ખોટો" જવાબ પણ "રસપ્રદ" ગણાય છે. આ પ્રક્રિયામાં ધૈર્ય જરૂરી છે. વાલીઓ, સમાજ અને શાળાએ ધીરજ રાખવી પડે.આપણી શાળામાં  દર વર્ષે જ્ઞાનસેતુ અને જ્ઞાનસાધનામાં ૧૫ થી ૨૦ બાળકો મેરિટમાં આવે છે. ખાનગી શાળામાં મફત ભણવાનો વિકલ્પ છે. આર્થિક બોજ નથી. છતાં ગામ ટક્યું છે. વાલીઓ અને બાળકોનો ભરોસો ટક્યો છે. અન્ય ગામથી - શાળામાંથી બહાર ગયેલા બાળકો પરત આપણી શાળામાં આવ્યા છે.

  રીડિંગ રીલ્સ :

વાલીઓ એ શાળા પર ભરોસો કરે છે, જે શાળા બાળકો પર ભરોસો કરે છે !

વાલીઓનો શાળા પર ભરોસો ત્યારે ઊભો થાય જ્યારે શાળા બાળક પર વિશ્વાસ મૂકે. AI અને YouTube ના યુગમાં માહિતી મફત છે. ભરોસો મોંઘો છે. ખાનગી શાળાઓ સુવિધાઓ આપી શકે, ભરોસો ખરીદી શકતી નથી. તે ધીમે ધીમે ઊભો થાય છે. જ્યારે શિક્ષક બાળકને નામથી ઓળખે અને બાળક ડર્યા વગર "મને ખબર નથી" કહી શકે ત્યારે શિક્ષણ સફળ થાય છે.

૨૧મી સદી માટે તૈયાર થતી શાળા ૨૦મી સદીમાં ઘડાયેલા સમાજ સાથે સંવાદ કરતા રહેવું પડશે !

April 01, 2026

બાળકોની કુલિંગ સિસ્ટમ: ચંચળતાથી એકાગ્રતા સુધીની સફર !!

બાળકોની કુલિંગ સિસ્ટમ: ચંચળતાથી એકાગ્રતા સુધીની સફર !!

બાળકો ચંચળ હોય છે. વાક્ય પ્રાથમિક કક્ષાએ બાળકો સાથે કામ કરનાર સૌએ સાંભળેલું, બોલેલું અને અનુભવેલું હોય છે. એક જગ્યાએ સ્થિર ઊભા રહેવું કે એક સ્થાન પર એકાગ્ર થઈ બેસવું તેમના માટે मुश्किल ही नहीं, नामुमकिन હોય છે. શિક્ષણ અંગેના સંવાદમાં બોલાતી ચંચળતાને આપણે સૌ અનૌપચારિક વાતોમાં તોફાની કે મસ્તીખોર જેવા શબ્દોથી નવાજતા હોઈએ છીએ. જો બારીકાઈથી આપણે બાળકોની ચંચળતા, એટલે કે ઔપચારિક વાતો, અને બાળકોના તોફાન-મસ્તી, એટલે કે અનૌપચારિક વાતોના સંદર્ભને જોઈએ તો પેલા દુર્યોધન જેવી સ્થિતિ આપણા સૌની થાય છે કે जानामि धर्मं... ચંચળતાને જાણીએ છીએ ખરા, પરંતુ વર્ગખંડમાં બાળકોના વર્તનમાં સામે દેખાઈ આવે ત્યારે ઓળખવામાં ભૂલ કરીએ છીએ. પરિણામે?

 ફાઉન્ડેશનલ લેવલ એટલે કે બાલવાટિકાથી શરૂ થઈ બીજા ધોરણના બાળકો સુધીમાં અંદર રહેલી ચંચળતા અને બહારથી દેખાતી મસ્તીને આપણે સૌ કેવી રીતે હેન્ડલ કરતા હોઈએ છીએ? આમાં આપણા સૌના અલગ અલગ જવાબ હોઈ શકે છે. પરંતુ મોટાભાગે આપણે સૌ બાળકોને હાથ ઊંચે-નીચે કરવા કહીએ છીએ, અથવા તો ચાલો ધ્યાનમાં બેસો એમ કહીએ છીએ. અમારા ચંદુભાઈની જેમ કેટલીકવાર બૂમ પાડીને કહીએ છીએ કે, "અલ્યા , બેસીને સાંભળને લ્યો!" અથવા તો કોઈ પ્રવૃત્તિમાં જોડીએ છીએ. આપણા સૌના રસ્તા અલગ અલગ ભલે હોય, પરંતુ ધ્યેય સૌનો એક સરખો હોય છે - બાળકની આંતરિક ચંચળતાને શાંત એકાગ્રતા તરફ વાળવી. પરંતુ મોટાભાગના રસ્તાઓ પરિણામલક્ષી હોતા નથી, કારણ કે તેમાં પરિણામો પરપોટાની જેમ અલ્પજીવી હોય છે. જેવી પ્રવૃત્તિ પૂરી થઈ કે તરત ચંચળતા અને તોફાનો શરૂ. તેથી જો આપણે કાયમી ઉપાયોને ઉકેલ તરીકે વાપરતા હોઈએ તો મુશ્કેલી વધારે છે. થોડા સમય બાદ બાળકો આપણી પેટર્ન પણ જાણી જતા હોય છે - હમણાં બૂમ પાડશે, પણ પછી તેમનું ધ્યાન નહીં હોય, એટલે મસ્તી કરી શકાશે! આવા રોજેરોજના એકના એક પ્રયત્નો અને બાળકોના રોજના નવા નવા તોફાનોથી શાળા પર્યાવરણમાં કહેવત બની છે કે, મોટા ૧૦૦ને ભણાવવા આસાન પણ નાના ૧૦ને સાચવવા (હા, ફક્ત સાચવવા) ખૂબ અઘરા! એટલે તો નીલા, શાંતા અને ચંદુભાઈનો શાળા છૂટ્યા પછીની વાતોમાં સતત સંવાદ હોય છે કે બાલવાટિકાથી ધોરણ સુધીના વર્ગખંડમાં બેસો તો ખબર પડે! હા... હા... હા...

આપણે સૌ જાણીએ છીએ કે બાળકો જેમ જેમ મોટા થતા જાય તેમ તેમ શાંત થતા જાય છે. તેનું ચોક્કસ કારણ તો અમને પણ ખબર નથી, પરંતુ અંદાજ છે કે આપણા સૌની ટકોર અને શાળાકીય સમૂહ જીવનના ત્રણ વર્ષના અનુભવો તેમાં વધુ ભાગ ભજવતા હોય છે. બની શકે કે તેની ચંચળતાનું સ્થાન કદાચ કુતૂહલ લેતું હશે. જ્યાં નાનપણમાં ફક્ત ધ્યેય વગરનું કર્યા કરવું, તેની સાથે ધ્યેય સાથેનું નવું નવું જાણવું વગેરે ઉમેરાતું જતું હશે. પરંતુ ઉચ્ચ પ્રાથમિક કક્ષા સુધીના આપણા સૌના અનુભવો હજુ પણ કહે છે કે તેનામાં થોડી વધુ ચંચળતા હોય છે, જે આપણી માન્યતાઓ મુજબ એકાગ્રતામાં અડચણ બને છે. મતલબ કે ફાઉન્ડેશનલ સ્ટેજ ઉપર આપણે જે જે પ્રયત્નો કરીએ છીએ તે તેની ચંચળતાને ઓછી કરી એકાગ્રતા વધારવાને બદલે ચંચળતાને દબાવી રાખે છે. જે ફરી પાછી મસ્તી સ્વરૂપે સમયાંતરે દેખાયા કરે છે. ઉપાય?

વર્ષોના અનુભવો કહે છે કે બાળકોની ચંચળતાને દબાવી રાખવી આપણો અજાણતા થતો ગુનો કહી શકાય. તેના બે કારણો છે. એક, આપણી પેલી સ્પ્રિંગ વાળી કહેવત - જેટલી દબાવો, તેટલી વધુ જોરથી ઉછળે! બીજું કારણ, આપણે તેની મસ્તી અને તોફાન વગેરેને બંધ કરાવવા માટેના ઉપાયોની આડઅસરમાં બાળકોની એકાગ્રતા પેદા થવાને બદલે તેનામાં વર્ગકાર્ય પ્રત્યેનો ડર કે નિરાશા પેદા થવાની સંભાવના વધારે છે. પરિણામે આપણી દવા તેના માટે દર્દ બની જતી જોવા મળે છે. આવી સ્થિતિમાં બાળકોની ચંચળતા અને તોફાનોને દબાવવાને બદલે વાળવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડે. એટલે કે તેની ચંચળતાને જાણવી પડે.

જો ઊંડાણમાં જઈએ અને સરળ ભાષામાં સમજીએ તો બાળકોમાં રોજ ઉત્પન્ન થતી ઊર્જાને બાળકે કોઈને કોઈ પ્રકારે વાપરવી પડતી હોય છે. તે માટે તે સતત પ્રવૃત્તિમય રહેવા મથતો રહે છે. એટલે તો વગર કારણે મેદાનમાં દોડાદોડ કરતા બાળકો તમને જોવા મળતા હશે. ઉકેલ તરીકે જો આપણે શાળામાં એક એવી જગ્યા ફાળવીએ જ્યાં બાળકને દોડવું પડે, ચડવું પડે, એકબીજાને પાડવા કૂદવું પડે, લપસીને ડર અનુભવવો પડે, હીંચકાના નામે હવામાં ઊડવું પડે. જેમ આપણે અંદર રહેલા શિક્ષકપણાને રોકી નથી શકતા, તેમ બાળકોની ઊર્જાને રોકી શકાતી નથી. હા, પણ તેને યોગ્ય રીતે વાળી શકાય છે. તે કામ અત્યારે કરી રહી છે અમારી ખેલવાટિકા! જ્યાં બાળકોની વાત છોડો, તમને પણ કૂદવું, દોડવું, લપસવું, ચડવું અને ઉછળવું ગમશે. ચાલો માણીએ  > ફોટો અને વીડિયો દ્વારા

રીડિંગ રીલ્સ :

બાળકની ચંચળતા એ સમસ્યા નથી, પણ અખૂટ ઉર્જા છે. તેને 'દબાવવા' ને બદલે 'ખેલવાટિકા' જેવી પ્રવૃત્તિઓ દ્વારા યોગ્ય દિશામાં 'વાળવી' જરૂરી છે.

તોફાનને પરાણે શાંત કરવાનો પ્રયાસ ડર પેદા કરે છે અને સ્પ્રિંગની જેમ તે વધુ જોરથી ઉછળે છે. શારીરિક કૂદકા અને રમત બાળકના મનને કુદરતી રીતે એકાગ્રતા તરફ લઈ જાય છે.

જ્યારે બાળક મેદાનમાં દોડીને પોતાની શારીરિક ઉર્જા વાપરી નાખે છે, ત્યારે જ તે વર્ગખંડમાં સ્થિર બેસીને શીખવા માટે માનસિક રીતે તૈયાર થાય છે.