ખેતરની મુલાકાત માટે ગઈકાલે જયદીપ ભાઈને
રસ્તા વિશે પૂછ્યું હતું કે ચોમાસાને કારણે રસ્તો બગડી તો નથી ગયો ને? તો તેમણે હસતા હસતા કહ્યું કે 'અરે, ગઈ વખતે ગયા હતા તે
જ રસ્તે તમે બાળકોને લઈને આવજો, કોઈ વાંધો નથી.' પછી અમે શાળામાં પ્રાર્થના અને નાસ્તો પતાવી, ખેતરની મુલાકાતે જવા માટે અમારી નાની ફોજ (બાલવાટિકા -
પહેલુંઅને બીજું) નીકળી પડી. શાળાથી ખેતર કંઈ બહુ દૂર નહોતું, એટલે રસ્તામાં છોડ, ઝાડ, ભેંસ, ગાયને જોતા જોતા, તેમની સાથે વાતો કરતા કરતા ખેતરે પહોંચી ગયા.
અમને જોતાં જ ખેતરમાં રહેતા બે ભાઈઓએ બાળકોને
બેસવા માટે જગ્યા વાળીને સાફ કરી દીધી હતી, જાણે અમારી જ રાહ જોતા હોય! અમને આવતા જોઈને જ તેઓ દોડીને
બેસવા માટે પાથરણાં પાથરવા લાગ્યા. એટલામાં જયદીપભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે 'અરે, તમે નીકળ્યા તો અમને
કેમ ફોન ના કર્યો!' થોડી જ વારમાં તેઓ
બાળકો માટે પેંડા અને ચેવડો લઈને આવ્યા. 'અરે, આ બાળકો અમારા ખેતરમાં
ક્યાંથી!' – તેમના ચહેરા પરનો
આનંદ અને આશ્ચર્ય ખરેખર જોવા જેવું હતું, જાણે કોઈ અણધાર્યો ઉત્સવ આવી ચડ્યો હોય!
કેટલાક
બાળકોએ પહેલીવાર જ ખેતર જોયું હતું, એટલે તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે કોઈ નવી દુનિયા ખૂલી ગઈ હોય! તેઓ ખેતરમાં રહેલો ચાડિયો
જોઈને પૂછવા લાગ્યા કે 'પેલું ભૂત છે?' તો અમારા કહેતા પહેલાં, જે બાળકોને ચાડિયા વિશે ખબર હતી, તેઓબોલી પડ્યા 'ખેતરમાં કોઈ ઢોર, ભૂંડ કે પક્ષીઓ આવીને વાવેલું બગાડી ન નાખે, તેના માટે ચાડિયો ઊભો રાખવામાં આવે છે. તે માણસ ખેતર સાચવે
તેમ આપણું ખેતર સાચવે છે.' તો જેને પહેલીવાર
ચાડિયો જોયો હતો, તે તો નવાઈ જ પામી
ગયા! જાણે તેમની બાળસહજ દુનિયામાં એક નવું પાત્ર ઉમેરાયું - ચાડિયો !
ખેતરમાં વાવેલા ગુલાબને તેઓ ટગર ટગર જોઈ
રહ્યા. પણ કોઈએ એ ફૂલને તોડ્યું નહીં. (હમમ સમજદારી તો સાચી !) ખેતરમાં પાળ
બાંધીને થોડું પાણી ભરાયું હતું, તો બાળકોને પૂછ્યું
કે 'આ ખેતરમાં શું વાવવાનું હશે?' તો તરત જ તેમનામાંથી જવાબ મળ્યો કે 'ડાંગર વાવવાની હશે.' પછી તો પૂછવું જ શું? ડાંગરમાંથી શું શું બને તેના તો કેટલાય નામ આવી ગયા. અને
કેટલીય નવી વાનગીઓ સાંભળવા મળી! અમને પણ એમની પાસેથી નવું જાણવા મળ્યું. જો આપણે
બાળકોને ખેતરની મુલાકાતે ન લઈ ગયા હોત, તો ડાંગર કેવી રીતે પાકે અને તેમાંથી શું બને તે આપણે તેમને
વર્ગમાં ક્યારેય આટલી સચોટ રીતે સમજાવી શક્યા ન હોત. આ જ તો સહજ શિક્ષણનો જાદુ છે!
પછી તો ખેતરમાં રાયણ, આંબલી, લીમડો, મોર, બગલા અને બીજું ઘણું બધું જોયું... અને 'વડલા ડાળે વાંદરા ટોળી કરતી હૂપાહૂપ' ગીત ગાવાની પણ ખૂબ મજા પડી ગઈ. જાણે આખું ખેતર જ અમારી
પાઠશાળા બની ગયું હોય!
ગીત ગાઈ, નાસ્તો કરી અને વાતો કરતાં કરતાં અમારી ટીમ શાળામાં પરત જવા
માટે નીકળી પડી. આજની આ મુલાકાત ખરેખર ખૂબ જ આનંદદાયક રહી! અમને અને બાળકોને ખૂબ જ
મજા આવી! આ નાનકડી મુલાકાત જાણે જીવનના એવા પાઠ શીખવી ગઈ, જે કોઈ પુસ્તકમાં ન મળે, પણ સીધા હૃદયમાં ઉતરી જાય.
રાશિની - ૨૦૨૦ અને રાષ્ટ્રીય અભ્યાસક્રમ માળખું
- ૨૦૨૩ બંનેમાં “બહુવિષયક સમાજ” વિષે તેમજ શિક્ષણને જીવન સાથે જોડાવા પર ભાર મૂકવામાં
આવ્યો છે. અને આ જોડાણને સઘન બનાવવાના પ્રાયોગિક ઉપાય તરીકે 10 બૅગલેસ દિવસનું આયોજન
કરવાનું પણ કહેવામાં આવ્યું છે.
TBD (Ten Bagless Days)ના ઘણા ફાયદા છે, જે
વિદ્યાર્થીઓના સમગ્ર વિકાસમાં મદદરૂપ થાય છે.
તે પૈકીનાં કેટલાક મુદ્દાઓ -
આનુભાવિક શિક્ષણ : આ દસ દિવસ દરમિયાન, વિદ્યાર્થીઓને શીખવા
માટે વિવિધ કારીગરી, પ્રોજેક્ટ્સ અને કાર્યપ્રણાલીઓમાં જોડવામાં આવે છે. આ અનુભવો
વિદ્યાર્થીઓમાં જાતે શીખવા માટેનો રસ પેદા કરે છે અને જાણકારીની વ્યાપક સમજ મેળવવામાં
મદદ કરે છે.
સર્જનાત્મક ચિંતન : TBDમાં વિદ્યાર્થીઓને
વિવિધ રીતે વિગતો મેળવવાવની તેમજ રજૂ કરવાની હોય છે જેનાથી તેમની સર્જનાત્મકતા
વિકસે છે. આ કૌશલ્ય ભવિષ્યમાં વિદ્યાર્થીઓ માટે મૂલ્યવાન સાબિત થાય છે.
સમગ્ર વિકાસ : આ દિવસો દરમિયાન માત્ર
શૈક્ષણિક જ્ઞાનમાં નહીં, પરંતુ વિદ્યાર્થીના વ્યક્તિગત અને સામાજિક વિકાસ પર પણ
ભાર આપવાનો છે. વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ આધારિત શીખવું, ટીમ વર્ક અને સમસ્યાઓના
ઉકેલ જેવી પ્રવૃતિઓમાં સહજ રીતે જોડાય છે.
આનંદદાયક
અને રસપ્રદ શીખવાનો અનુભવ : શિક્ષણને રસપ્રદ અને મનોરંજક બનાવે છે. બાળકોને મજા
આવે તે રીતે શીખવાનો વિચાર આ અભિયાનનો મહત્ત્વનો ભાગ છે. (જે તમે આ સાથે જોડાયેલા
ફોટો વિડિયોમાં જોઈ શકશો. 🙂)
આપણું શીખવવાનું ગૌણ બની એમનું શીખવાનું
મહત્ત્વનું બને : આ દિવસો દરમિયાન, શિક્ષકોનો પણ અભિગમ બદલાય છે. તે હંમેશા કાગળ
પર શીખવાની બદલે વિદ્યાર્થીઓને વિવિધ રસ્તાઓથી શીખવા માટે પ્રોત્સાહન આપે છે,
જે વધુ અસરકારક બની શકે છે. તેમજ આપણને સમજાય છે આ રીતે પસાર કરેલા ત્રણ ચાર દિવસ
એ આપણા વીસ - ત્રીસ તાસથી વધુ અસરકારક બને છે. આ કાર્યમાં વિદ્યાર્થીઓનું અવલોકન
કરીએ ત્યારે આપણને આપણા વર્ગકાર્ય વિષેની ઈન્સાઈટ પણ મળતી જાય છે.
આ સિવાય આપણી શાળા જે વર્ષોથી પ્રેક્ટિસ કરતી
આવી છે અને તે અભિગમ હેઠળ ‘ગામ શીખવે ગણિત’ જેવા પ્રયોગો પણ કરે છે તે - “શીખવું અને જીવવું એ બંને જુદી જુદી ક્રિયાઓ
નથી.”
એ વિશે વિદ્યાર્થીઓ તો જ સભાન થાય કે જ્યારે
તેઓ આજે જે શીખે છે તેનું આયોજન જીવનમાં કરી જુએ. જીવનમાં કંઈક એવાં પ્રયોજનો કરે કે
જેમાંથી તેઓ શીખી શકે. આ ગોકળઆઠમના ચકડોળ જેવું છે કે જો તમે કશુંક પુસ્તકમાંથી શીખો
છો અને જીવનમાં તેનો ઉપયોગ કરો છો તો એ ઉપયોગ દરમિયાન ફરી તમને કશુંક નવું શીખવા મળે.
એ જે નવું શીખવા મળ્યું હોય તેનો જો ઉપયોગ કરી જુઓ છો તો એમાંથી ફરી બીજું નવું શીખવા
મળે. આમ ‘જીવવું અને શીખવું’નું ચકડોળ ઘુમ્યા કરે છે.
ગયા મહિને કરેલો ચાંદીપુરા વિશેની જાગૃતિ અભિયાનનો
કાર્યક્રમ ઘણુંબધું શીખવનારો રહ્યો. તેના અનુભવ વિશે ચર્ચા કરતાં નાગરિક ઊઘડતરની કૅબિનેટે
નક્કી કર્યું કે આપણે “આપણે જાણીએ સૌને જણાવીએ” થીમ ઉપર જ આગળ વધીએ. જેમ ચાંદીપુરા
વાયરસ વિશે ઇન્ટરનેટ પરથી, શિક્ષકો પાસેથી છાપાઓમાં વાંચીને જુદી જુદી વિગતો જાણી સમજી
તેના ચાર્ટ્સ વગેરે બનાવ્યા અને ગામના લોકોને તેના વિશે તેઓ સમજી શકે એવી ભાષામાં જણાવ્યું. આમ એક સુખદ અનુભવમાંથી જે શીખ્યાં તેનો ઉપયોગ કરવા
માટે હવે અમે તૈયાર હતાં.
સૌ સાથે બેસીને વાતો કરતાં જાણવા મળ્યું કે દરેક ગામના લોકોને તેમની
જાતિનો દાખલો કાઢવો આવકનો દાખલો મેળવવો જેવા સરકારી કાગળ મેળવવામાં મુશ્કેલી અનુભવાય
છે કારણ કે તે માટે કઈ કઈ વસ્તુઓ જોઈશે? કેવા કેવા ડોક્યુમેન્ટસ જોઈશે તેના વિશે ખાસ
વિચાર કર્યા વિના પહોંચી જાય છે અને પછી ત્યાંથી ખાલી હાથે પાછા આવી . બીજો - ત્રીજો
ધક્કો ખાવો પડે છે. એટલે એક દિવસ તો આયોજિત
થયો ગ્રામપંચાયત માટે.
બીજો તેને લગતો જ વિષય મળ્યો : અત્યારે દરેક
બાબતને ડિજિટલી સબમિટ કરવાની હોય છે. સરકારી યોજનાનો લાભ લેવો હોય તો એના માટેના કોમન
સર્વિસ સેન્ટર ઊભાં કરેલાં છે. હાલમાં રેશનકાર્ડમાં ઈ કેવાયસી કરવાનું કામ પણ ચાલુ
છે. તેમાં પણ ગામલોકોને મુશ્કેલી પડે છે. તેની સાથે સાથે કોમન સર્વિસ સેન્ટર પર જે વ્યક્તિ
કામ કરે છે તેમને પણ મુશ્કેલી પડે છે કારણ કે લોકો જે જે વિગતો જોઈએ તે વિગતો લીધા
વિના જ પહોંચી જાય છે ! ત્યાંથી બે અઢી કિલોમીટર પાછા આવવું અને જવું એમાં આખો દિવસ
વેડફાઇ જતો હોય છે. તેમ જ ગામના કેટલાક લોકોને
આ કોમન સર્વિસ સેન્ટર પર કઈ કઈ યોજનાઓ વિશે સંપર્ક કરી શકાય તેની પણ માહિતી નથી એટલે
બીજું આયોજન થયું કોમન સર્વિસ સેન્ટર માટેનું.
હમણાંથી શાળામાં પર્યાવરણને લઈને સેન્સિટીવીટી
વધી રહી છે. ખેતીમાં આવતા જુદા જુદા રોગ વિશે અને તેના આધારે જંતુનાશક દવાઓ છાંટવાથી
માણસોને કઈ મુશ્કેલીઓ પડી રહી છે તેના વિશે ચર્ચા છેડાયેલી હતી. એટલે અમારા માટેનું ત્રીજું આયોજન ઊભું થયું ખેતી-
રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ !
કાર્તિકભાઈએ તૈયાર પૅકેટ્સમાં આવતી વેફર અને
કોલ્ડ્રિંક્સ વિશે ચર્ચા કરી હતી એમાંથી જ ચોથું આયોજન આવ્યું કે આવા રેડીમેડ પૅકેટ્સ
અને કોલ્ડ્રિંક્સની આર્થિક,સામાજિક અને સ્વાસ્થ્ય સંબંધિત અસરો જોવી.
વિષયોની ચર્ચા થઈ ગયા પછી તેઓ આ પ્રોજેક્ટ્સ
પર કેવી કેવી રીતે કામ કરી શકે અને તેમાં કયા કયા પ્રકારની શક્યતાઓ રહેલી છે તેના વિશે
એક બ્રીફિંગ મીટીંગ થઈ. ત્યારબાદ તેઓએ પોતાની રીતે જૂથ અને જૂથમાં કોણ કયું કામ કરશે?
કોણ પ્રશ્નો બનાવશે ? કોણ પ્રશ્નો ફાઈનલ કરશે ? ત્યાં સ્થળ પર જઈને કોણ પ્રશ્નો પૂછશે
? કોણ તેના માટેની નોંધ તૈયાર કરશે ? કઈ વ્યક્તિઓ
પૂછાતા પ્રશ્નો અને અપાતા જવાબોને ઝડપથી લખી લેશે? કોણ ત્યાં ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી કરશે ? કોણ
તેની દરેકે દરેક વસ્તુનું અવલોકન કરી તેનું વર્ણન તેમજ નોંધ તૈયાર કરશે તેમજ કોણ અગાઉના
દિવસે જઈને ‘અમે મુલાકાતે આવવાના છીએ અને અમારી અપેક્ષા, આ પ્રકારની માહિતી મેળવવાની
છે’ તેવું જણાવશે? જેવાં આયોજનો કરવામાં આવ્યા.
એ આયોજન પછી ગ્રામ પંચાયત, કોમન સર્વિસ સેન્ટર,
ખેતીના પ્રોજેક્ટ માટે ખેડૂતો, ખેતર, જંતુનાશક દવાઓની દુકાન, રાસાયણિક ખાતરની દુકાન,
કોલ્ડડ્રિંક્સ તેમજ પેકેટ્સ વેચતી દુકાનો તેમજ દરેક ફળિયાના એક એક ઘરે મુલાકાત કરી.
એ મેળવેલી માહિતી પર પ્રોસેસ કરી, ચર્ચાઓ કરી,
ચાર્ટ્સ બનાવ્યા અને રજૂઆતો થઈ. હવે આ મેઘો ખમી જાય તો અમે એકત્ર કરેલી વિગતો ગામમાં
વહેંચવા જવાની પ્રતીક્ષામાં છીએ..
ત્યાં સુધી તમે અમને આવા બીજા વિષયો સૂચવજો
! ત્યાં સુધી આ વિડીયો માણો !
જ્યારે આપણે કોઈને મળીએ છીએ ત્યારે તેના અનુભવો જાણીને, તેના કાર્યો વિશે સમજીને,
તેનું અવલોકન કરીને - એ અનુભવો અને અવલોકનો પર
વિચાર કરીને જે શીખીએ છીએ; તે કેટલાંક પુસ્તકો કરતાં પણ વધુ મહત્ત્વનું
હોય છે.
શાળા એવા
પ્રયત્નો સતત કરતી રહી છે કે જ્યાં જે સમાજમાંથી બાળકો આવે છે તે સમાજ સાથેના તેના
મૂળ જોડાયેલાં રહે. શીખવું એ મજેદાર ઘટના છે અનેતે ઘટના તેઓ આ પુસ્તકો - સમયપત્રકો - પરીક્ષાઓ - કસોટીઓ
વગેરેને કારણે મોનોટોનસ ન બની જાય. આવા પ્રયત્નોરૂપે જ
“ગામ શીખવે ગણિત” “પ્રાણીઓનાં અવલોકન માટે ભરવાડના વાડામાં જવું” “કાતરિયાઓની મુલાકાત” “સુથારીકામ કરનાર માણસોની મુલાકાત”
“ચણાતા મકાનની મુલાકાત”
“શાળામાં વિવિધ વ્યવસાયકારોનું માર્ગદર્શન” જેવું થતું રહેતું હોય છે
આવામાં રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં
આવેલ બેગલેસ ડેઝ વિશેનો કોન્સેપ્ટ તો આપણી શાળા માટે દોડવું હતું અને ઢાળ મળ્યો !
ગામમાં જ ઊભા થયેલા જુદા જુદા વ્યવસાયો વિશેની માહિતી એકત્ર કરવાથી
શરૂ કરવાનો વિચાર કર્યો. નાગરિક ઘડતરના લીડર્સ - ઉપલીડર્સ સાથે ચર્ચા કરી અને એક માળખું તૈયાર કર્યું, કે સૌપ્રથમ આપણે આપણા ગામમાં કયા કયા પ્રકારના વ્યવસાયો થાય છે તેની એક યાદી
બનાવીએ. એ વ્યવસાયો પૈકી આપણે કયા કયા વ્યવસાયો વિશે પહેલા તબક્કામાં
જાણવા માંગીએ છીએ તેનું શોર્ટ લિસ્ટ કરીએ.
એક એવું ફોર્મ બનાવીએ કે જેમાં પસંદ કરેલા વ્યવસાય, તે વ્યવસાય કરતાં વ્યક્તિઓ અને તેની મુલાકાત માટે કયું જૂથ જશે તે નક્કી કરીએ.
એમાં શું શું કરવું જોઈએ તેની ચર્ચા શરૂ થતાં ફોર્મને થોડું જુદું બનાવવું
પડ્યું કે તેમની મુલાકાત પૂર્વે તેમને જણાવવા માટે કોણ જશે ? - તે પણ નક્કી કરવું પડે કારણ કે સમય લીધા વગર જવાથી કદાચ એવું બને કે તેઓ ઘરે
જ ન હોય! આપણને મળે નહીં તો એ દિવસનું આખું આયોજન ખોરવાઈ જાય
!
ચાર વ્યવસાયો શોર્ટ લિસ્ટ કર્યા : ડીજે, ખેતી - પશુપાલન, દૂધની ભઠ્ઠી અને મંડપ ! આ બધાને મળવા જઈએ ત્યારે કેવા કેવા પ્રશ્નો આપણે પૂછી શકીએ તે પ્રશ્નોની એક
યાદી તેઓ તૈયાર કરીને ગ્રુપમાં મળ્યા.
ગ્રુપમાં તેમણે એ પ્રશ્નોને ગુણવત્તાના ક્રમમાં ગોઠવ્યા.
જેમાંથી કેટલાક પ્રશ્નો શિક્ષક તરીકે આપણને પણ નવાઈ પમાડે તેવા હતા
! દાખલા તરીકે મંડપનું કામ કરતા વ્યક્તિને એવું પૂછવું કે, ‘અચાનક વરસાદ આવી જાય ત્યારે ઝડપથી મંડપને છોડી દેવા માટે અથવા તો મંડપને બચાવવા
માટે તમારી પાસે શું ટેકનિક છે ?’ અથવા તો ‘પહેલેથી પૈસા નક્કી કરી દીધા હોય એમ છતાં ઓછા પૈસા મળે તેવું ક્યારેય થાય છે
?’ ‘અને થાય છે ત્યારે તમે તે
વાતને કેવી રીતે સંભાળી લો છો?’ આવા કેટલાક માનવીય પ્રશ્નો સાથે
પ્રશ્નોની યાદી તૈયાર થઈ.
તેમણે આયોજન કર્યું કે આપણે ચાર જૂથમાં જઈશું. દરેક જૂથમાંથી કોઈક એક મુખ્ય
પ્રશ્નકર્તા હશે - પાંચ થી છ વ્યક્તિઓ તેમના જવાબો નોંધતા હશે
- જેથી કરીને જવાબ આપનાર વ્યક્તિને આપણે નોંધીએ ત્યાં સુધી અટકવું ન
પડે. કોઈ એક વ્યક્તિ ફોટોગ્રાફી કરતી હશે તેમાંય શિક્ષકનો ફોન
નહીં મળે અને તમારે ઘરેથી ફોન લાવવવાનો નથી - તમારે જાતે જ એ
વ્યક્તિ પાસેથી તેમનો ફોન માંગવાનો તેમાં ફોટોગ્રાફી કરવાની અને તેમને કહેવાનું કે
તેઓ એ ફોટોઝઅમને મોકલી
આપે ! અહીંયાં ઉદ્દેશ એવો હતો કે તેમને એ વાત બીજી વ્યક્તિને
સમજાવવા માટે જે શબ્દો વાપરવા પડશે, જે ટેકનિક વાપરવી પડશે તે
પણ શીખવાનું છે. આ સિવાય બીજી બે-ત્રણ વ્યક્તિ
જુદા જુદા પ્રકારના પેન્સિલ સ્કેચ બનાવતી હશે અને ટીમમાંથી કેટલીક વ્યક્તિ એમની ભાષામાં
આવતા જુદા શબ્દોની યાદી પણ બનાવતી હશે.
આવું બધું આયોજન કર્યા પછી એકવાર ફરી તેઓ જૂથમાં બેઠા અને આખા
આયોજનને અમે પણ ફરી ચકાસી લીધું અને ઊપડ્યા ગામની અંદર!
તેઓની પ્રશ્ન પૂછવાની રીત અને સામેવાળી વ્યક્તિ પાસેથી માહિતી જાણવા
માટે પેટા પ્રશ્નો પૂછવાનું કૌશલ્ય નવાઈ પમાડે તેવાં હતાં. કેટલીક જગ્યાએ તેઓ ધારી માહિતી
કઢાવી શક્યા નહીં અને તેમાં તેમને લાગ્યું કે આપણા આયોજનમાં આ થોડી મુશ્કેલી તો રહી
જ ગઈ - પરંતુ એક કસરને પણ તેઓએ એવો જ વ્યવસાય કરનારા બીજા માણસોને
મળીને પણ પૂરી કરી. બધા
જ ફોટોગ્રાફ્સ - વિડિયોઝ - ડ્રોઈંગ અને
માહિતી લઈને શાળામાં પરત ફર્યા. ગ્રુપ ડિસ્કશન કરી તે માટેના અહેવાલ અને ડ્રોઈંગ બનાવ્યા સાથે જ તેઓએ તેના
આધાર પર એક પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું પણ નક્કી કર્યું. તેમણે સમૂહમાં રજૂ કરેલા અહેવાલ વડે અમને સમજાય છે કે કેટલાય દિવસોની મહેનત
પછી પણ અમે તેમને વ્યક્તિ- વ્યક્તિ વચ્ચે થતી વાતચીત એક વ્યક્તિ
એકવ્યવસાયને કેવી રીતે
મૂલવેછે તે ભાવ આપી
શક્યા ન હોત. આ સિવાય તેમણે એ વ્યવસાયનો જે માનવીય અભિગમ કેપ્ચર
કર્યો અને એ અમારા માટે બેગલેસ અને સ્માઈલફૂલ મોમેન્ટ્સ હતી.
માણો આ મોમેન્ટ્સ - મોટાભાગના ફોટોઝ અને વિડિયોઝબાળકોએ જ કેપ્ચર કરેલા છે. – કિલક વડે માણો !
ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની મિજાજે “मस्ती की पाठशाला” એવી નવાનદીસર પ્રાથમિક શાળામાં આપનું સ્વાગત છે. જો આપ એક શિક્ષણ રસિક હો તો "આપ આપના બાળકને કેવું શિક્ષણ મળે તેવું ઇચ્છો? તે ફક્ત “શિક્ષિત’’ બને તેવું કે સાથે-સાથે તે એક ‘‘સમાજ ઉપયોગી’’ નાગરિક પણ બને તેવું? અમે તમારો જવાબ જાણીએ છીએ. કારણ કે દરેક વાલીની ઈચ્છા પોતાનું બાળક શિક્ષિત બને પણ સાથે-સાથે તેને જીવન મૂલ્યોનું શિક્ષણ પણ મળે તેવી હોય છે. બાળક શિક્ષિત બની પગભર બને પણ સાથે-સાથે સમાજ ઊપયોગી નાગરિક બની દેશના વિકાસમાં સહભાગી બને તેવો અમારો સતત પ્રયત્ન રહેલો છે, માટે જ અત્રેની શાળામાં અભ્યાસની સાથે-સાથે થતી સહભ્યાસિક પ્રવૃતિઓમાં અમે બાળકના “સર્વાંગિંક ગુણોના વિકાસ” નો ધ્યેય કેન્દ્ર સ્થાને રાખ્યો છે, અત્રે આ બ્લોગ ધ્વારા અમે અમારી શાળાના બાળકોના સર્વાંગિં વિકાસ માટેની અમારી શાળામાં ચાલતી પ્રવૃતિઓ અને અમારા પ્રયત્નોનો ખ્યાલ આપવાનો પ્રયત્ન કરેલ છે, સાથે-સાથે આ બ્લોગ અમારા માટે આપશ્રી જેવા શિક્ષણ રસિકો પાસેથી બાળવિકાસની દિશામાં અમારા આ પ્રયત્નોમાં રહેલ ખામીઓ સંદર્ભે સૂચનો અને નવીન માર્ગદર્શન મેળવવાનુ માધ્યમ પણ છે. આપ અત્યારે અમારા મુલાકાતી જ નહી, અમારા નિરીક્ષક અને માર્ગદર્શક પણ છો અને તમે કોઇ બાળકના વાલી પણ હશો જ, તો થોડીવાર માટે પણ આપશ્રી અમારી શાળાના બાળકોના વાલી બની અમારી પ્રવૃતિઓનું નિરીક્ષણ કરી અમને માર્ગદર્શન આપી અમારા ઉત્સાહમાં વધારો કરશો તેવી અમને ચોક્કસ આશા છે. અમારુ ઇ-મેઇલ આઇ ડી આપના માર્ગદર્શનની રાહ જોઇ રહ્યુ છે. Contact us on : nvndsr1975@gmail.com આ ઉપરાંત આપ અમારી શાળાને ફેસબુક https://www.facebook.com/navanadisar પર પણ નિહાળી સુચનો આપી શકો છો. અમારી મુલાકાત બદલ આભાર સહ – નવાનદીસર પ્રાથમિક શાળા પરિવાર !!!! શાળાના મિજાજને જાણવા માટે લોગો પર ક્લિક કરો !!
જો તમે શિક્ષક હોવ તો, "સમાજની આપણા પાસેથી શી અપેક્ષા છે?" - તે જાણો !
શિક્ષકમિત્રો, બાળકો ત્યારે ખૂબ જ અચરજ પામે છે, જયારે શિક્ષક તેઓને દૂરની વસ્તુ બાયનોકયુલર ધ્વારા ખૂબ જ નજીક બતાવે છે. એ વાતમાં નવાઈ નથી કે બાળક શિક્ષકને સર્વોપરી ગણતો હોય છે, પોતાના વાલીનું કહ્યું ન કરનાર બાળક પોતાના શિક્ષકના કહેવાથી ન ગમતું કામ પણ હોંશે-હોંશે કરી બતાવે છે. એ જ બતાવે છે કે આપણે જેમ આપણા આદર્શ[ગુરૂ]ની સામાન્ય સૂચનાને પણ જેમ હૂકમ[આજ્ઞા] માની અનુસરીએ છીએ, તેમ બાળક પણ આપણે કરેલી વાતને ગાળવા માટે કોઈપણ જાતની ગરણી વિના સીધી જ મગજ [માન્યતા]માં ઉતારી દેતાં હોય છે.અને તે જ કારણે બાળકની મોટા થયા પછીની દરેક વિષય પરની માન્યતાઓ ઉપર તેના શિક્ષકનો પ્રભાવ રહેશે જ. આમ ભવિષ્યમાં તે પોતાના શિક્ષકના પ્રભાવ વાળો જ નાગરિક બનશે તે ચોક્કસ છે. આનાથી એક વાત તો સાબિત થાય છે કે “ભવિષ્યનો સમાજ - વર્તમાનમાં કાર્યરત શિક્ષકોના પ્રભાવ વાળો જ નિર્માણ પામે છે.” મિત્રો, બાળકો પણ સમાજનું અથવા તો એમ કહીએ કે પોતાની સાથે બનતી દરેક ઘટનાઓ/બાબતોને સમજવા માટે શિક્ષકરૂપી બાયનોકયુલરનો ઉપયોગ કરતો હોય છે, કારણ કે તેનું એવું જ માનવું હોય છે કે મારા શિક્ષક જ દીર્ઘ દ્રષ્ટા અને સત્ય-દ્રષ્ટા છે. આપણા સૌ પરનો બાળકનો આવો વિશ્વાસ અકારણ જ હોય છે. મિત્રો,બાળકે આપણા પર મૂકેલ આ વિશ્વાસ તથા વર્તમાન સમાજે “ ભવિષ્યના સુ-સમાજ નિર્માણ ” માટે આપણા ઉપર મુકેલ વિશ્વાસ - આ બંને [બાળકનો અને વર્તમાન સમાજનો] આપણા પરનો વિશ્વાસ એ તેમનો “અંધવિશ્વાસ” નથી- તે હવે આપણે આપણા કર્યો વડે જ સાબિત કરવું રહ્યું .
અમારું ઈ-મુખપત્ર "બાયોસ્કોપ"
૧ લી મે, ૨૦૧૦ (ગુજરાત સ્થાપનાદિન) થી આપણી નવા નદીસર પ્રાથમિક શાળાએ તેનું ઈ-મુખપત્ર શરૂ કર્યું છે. જેનું નામ છે બાયોસ્કોપ. જેને અમે દર માસની પહેલી તારીખે પ્રકાશિત કરીશું.-અમારા માટે બાયોસ્કૉપનો ઉદ્દેશ શાળામાં ચાલતી પ્રવ્રુત્તિઓને પ્રોત્સાહન મળે, શાળાની પ્રવ્રુત્તિઓમાં રહેતી ત્રુટિઓ અને શિક્ષણકાર્યમાંની કોઇ મુંઝવણોમાં આપશ્રી જેવા અનુભવીશ્રીઓનું માર્ગદર્શન મળી રહે તેમજ કોઇ શાળાને પ્રેરણાત્મક સ્ત્રોત મળી રહે તે માટેનો છે. જો આપ આ અંકને આપના મેઈલ બોક્ષમાં ઇચ્છતા હો તો “Get Bioscope” લખી અમને મેઈલ કરો .. અમારું ઈ- સરનામું છે- nvndsr1975@gmail.com [ મિત્રો, અમારા અત્યાર સુધીમાં પ્રકાશિત અંકોના સંગ્રહસ્થાને પહોંચવા ઉપરોક્ત ફોટોગ્રાફ પર ક્લિક કરો .]
રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ઉજવાતા ગુણોત્સવના બેનર પર આપણી શાળાની બાળાઓને મળેલું સ્થાન.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજીને પ્રશ્ન પૂછતા શાળાના શિક્ષકશ્રી...
"જો તમે મુખ્યમંત્રી નહિ પણ પ્રાથમિક શાળાના શિક્ષક હોત તો?
દિવ્યભાસ્કર સમાચારપત્રમાં-: આપણને પણ ગુજરાતની આવી શાળા મળી હોત તો?
દિવ્યભાસ્કરના શાળા વિશેના લેખને વાંચવા ઉપરના image પર ક્લિક કરો
" मस्ती की पाठशाला " વિશે ...
"ભેલપૂરી" - ઈ-મેગેજીનમાં શાળા વિશેનો આ આર્ટિકલ વાંચવો તમને ગમશે [image પર ક્લિક કરો ]
શાળાની સંવેદનાઓ - વેબ ગુર્જરીને મુખે
શાળાએ અનુભવેલી સંવેદનાઓના લેખને વાંચવા ઉપરોક્ત image પર ક્લિક કરો.
બાળકોમાં સ્વચ્છતાની જવાબદારી કોની ?
'બાળ-સ્વચ્છતાં" - વિગતે વાંચવા IMAGE પર ક્લિક કરો
નાગરિક ઘડતર
અમારી શાળાને સ્વયં-સંચાલિત બનાવી બાળકોમાં એક જવાબદાર નાગરિકનો ગુણ વિકસાવતી પ્રવૃત્તિને જોવા ઈમેજ પર ક્લિક કરો.
આઝાદી એટલે સમાન તક !!!
શાળામાં ઉજવાયેલ ઉજવણીને માણવા IMAGE પર ક્લિક કરો
શાળા પહોંચે સમાજ સુધી !
શાળાનું પ્રાર્થના સંમેલન ગામમાં જ [ વિગતો માટે ફોટોગ્રાફ પર ક્લિક કરો ]
ઇકોક્લાસ
જાણે કે ઋષિઓની કોન્ફરન્સ [વિગતે જાણવા ઉપરોક્ત image પર ક્લિક કરો ]
A Model School
BALA [A Model School ] ને વિગતે જાણવા ઈમેજ પર ક્લિક કરો
ચક્કીબેનનું ઘર
પ્રજ્ઞા શિક્ષણ
વિગતે વાંચવા માટે image પર ક્લિક કરો
સાયમન ગો બેક!
ઇતિહાસ શિક્ષણ..આ રીતે પણ...તે વખતે ખરેખર તેમને શું અનુભવ્યું હશે..?? જરા અનુભવી લઈએ!
ગાંધીહાટ
"ગાંધીહાટ" અન્વયે બાળકો માટે જરૂરી શૈક્ષણિક સાધન સામગ્રી જેમ કે પેન-પેન્સિલ-નોટબુક-રબર-સંચા વગેરે દરેક ખાનામાં વ્યવસ્થિત ગોઠવી તેના પર સ્પષ્ટ વંચાય તેમ તે વસ્તુની કિંમત લખેલી હોય છે.કોઈ બાળકને જયારે,જ્યારે કોઈ વસ્તુની જરૂર પડે ત્યારે તે બાળક જાતે જ ત્યાંથી જરૂરી વસ્તુ લઇ તેની બાજુમાં રહેલા ખુલ્લા ખાનામાં તે વસ્તુની કીમત પ્રમાણેના પૈસા મૂકી દે છે. ગાંધીહાટનો હિસાબ પણ બાળકો જ રાખે છે. દર પંદર દિવસે જયારે,જ્યારે જૂથોની કામગીરી બદલાય ત્યારે તે બાળકો ગાંધી હાટનો હિસાબ જે તે જૂથના નેતાને સુપ્રત કરી દે છે. ગાંધીહાટમાં ખૂટતી વસ્તુઓ લાવવા માટે જવાબદારી સંભાળતા જૂથના બાળકો તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીનો સંપર્ક કરે છે. આવી નાનકડી પ્રવૃત્તિથી બાળકોમાં પ્રમાણિકતાના ગુણનો વિકાસ થાય છે. જીવન ઉપયોગી વસ્તુઓની ખરીદી કરતા શીખે છે. જાણે અજાણે સૌ સહકારથી જીવવાનો ગુણ કેળવે છે.
આજના ગુલાબ
બાળકો માં સ્વચ્છતાનો ગુણ વિકસાવવો એ ખુબ જ અઘરી બાબત છે. કારણકે દોડવું,કુદવું ,ધૂળમાં રમવું,પડવું વગેરેની કોઈ વાત કરે કે તરત જ આપણને બાળકો જ દેખાય. બાળકોની આવી સ્વાભાવિક રમીતિયાળ અને તોફાની પ્રવૃતિઓ ન અવરોધાય અને સ્વચ્છતાનો ગુણ વિકસાવવો તે જરૂરી છે. "આજના ગુલાબ " પ્રવૃતિથી અમે તેમ કરવામાં અમે લગભગ સફળ રહ્યા છીએ. રોજ પ્રાર્થના સમયમાં બે મીનીટનો સમય ફાળવી...ધોરણવાર બાળકોને ઉભા કરવામાં આવે છે. જે જૂથને પ્રાથના સંમેલનની કામગીરી ફાળવેલ હોય તે જૂથના બાળકો અન્ય વિધાર્થીઓને તપાસે છે. જેમાં *વાળ ઓળેલા છે કે નહિ?*તેલ નાખેલું છે કે નહિ?*નાખ કાપેલ છે કે નહિ?*યુનિફોર્મ ધોયેલો છે કે નહી?* શરીર પર નો મેલ સાફ કરેલ છે કે નહિ? જેવી બાબતો ધ્યાનમાં રખાય છે. તપાસનાર જૂથ ધોરણવાર એક -એક બાળકનું નામ જાહેર કરે છે. તેને ઢોલકની ત્રણ તાલ - બધાની ત્રણ તાલીનું માન અપાય છે. શિક્ષક્ તે બાળકોના નામ ધોરણવાર શાળાના મુખ્ય ડિસ્પ્લે બોર્ડ પર નોધે છે.આનાથી કેટલક સુખદ પરિણામો અમને મળ્યા છે તેમાં બાળકો સમયસર શાળાએ આવે છે...સ્વચ્છ રહેવાની તંદુરસ્ત હરીફાઈ .... રોજ સ્નાન કરવાની ટેવ..હાથ ધોઈનેજ જમાય તેવી ટેવ...મળ્યા તે ઉપરાંત વાલીઓમાં પણ પોતાના બાળકની સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે તે વધારાનો ફાયદો.
ખોયા-પાયા
"ખોયા-પાયા" નું હાર્ડબોર્ડનું ખોખું અમે ઓફીસ રૂમની બહાર લગાવેલ છે. જેમાં બાળકોને વર્ગ ખંડ કે મેદાનમાંથી કોઈ વસ્તુ મળશે તો તે ખોયા -પાયમાં મૂકી દેશે. જ્યારે કોઈ બાળકની વસ્તુ ખોવાઈ ગઈ હશે તો પણ તે અન્ય જગ્યાએ શોધવાનો સમય વેડફ્યા વગર ખોયા-પાયામાંથી જ મેળવી લેશે. અહી બાળકો પોતાના સિવાયની બીજાની વસ્તુ પોતાની પાસે ના રખાય તેવી સમજ કેળવશે ..ચોરીની કુટેવ હશે તો દુર થશે ...વધુ પ્રમાણિકતાવાળું વાતાવરણ શાળાને મળશે. અહી વિધાર્થીઓમાં જરૂરી અને બિનજરૂરી વસ્તુઓનો ભેદ સમજાવવો. તેમને સમજાવવું કે ફક્ત જરૂરી વસ્તુઓ જ "ખોયા-પાયા "ના બોક્ષમાં મુકવી
ઉત્સવો
બાળકો તહેવારોની ઉજવણી હમેશા પોતાના ઘરના -શેરી-મહોલ્લાના રસ્તાઓ પર કરવાનું પસંદ કરે છે.પરંતુ જો તહેવારના દિવસે શાળાનું વાતાવરણ તેમના ઘર જેવું બનાવી દઈએ તો?