Showing posts with label સંવેદના. Show all posts
Showing posts with label સંવેદના. Show all posts

November 23, 2025

ઉડને કે લિયે આસમાન ઔર ભી હૈ!

ઉડને કે  લિયે આસમાન ઔર ભી હૈ!

પેપ્સીની એક જાહેરાત છે/ હતી : "યે દિલ માંગે ઔર".

નવાનદીસર ગામ  જ્યારે નવો આકાર લઈ રહ્યું હતું, તે વર્ષોમાં કોઈ વિદ્યાર્થી ધોરણ ૧૦ પાસ કરીને શાળામાં મળવા આવતો, ત્યારે તે જાણે કલેક્ટર બનીને મળવા આવ્યો હોય, તેવો અનુભવ થતો. નાના નાના ધક્કાઓ લાગતા રહ્યા. શિક્ષણ હવે ધોરણ ૧૨ આર્ટ્સ સુધી પહોંચ્યું. પીટીસી સુધી પહોંચાયું. મહેનત કરી. પછી શિક્ષકની નોકરી લાગી. વળી, કોઈ વિદ્યાર્થી ૧૨ સાયન્સ કે કોમર્સ કરે તો લાગતું કે, હા, હવે આ બરાબર છે. એન્જિનિયર બનીને પણ કંપનીમાં નોકરીને બદલે પોતાના કોન્ટ્રાક્ટ પર ભરોસો રાખનારા વિદ્યાર્થીઓને જોઈ થતું કે, વાહ, આ કેળવણી યોગ્ય છે.મોટાભાગે તમામ  વિદ્યાર્થીઓએ પરંપરાગત રસ્તા છોડી સાહસ અને ગણતરી વડે નવા સીમાચિહ્નો સ્થાપ્યા. પછી તે પોતાના બેન્ડ અને સાઉન્ડના વ્યવસાયમાં હોય, કે ડેરી અને પશુપાલનમાં. આ વિદ્યાર્થીઓ પરંપરાગત માર્ગથી અલગ થયા. તેમણે સાહસ અને ગણતરીનો ઉપયોગ કર્યો, નવા સીમાચિહ્નો સ્થાપ્યા.

આ કાર્યમાં તમે સૌ ફ્રેન્ડ્સ ઑફ નવા નદીસરનો ફાળો અમૂલ્ય છે ! તમારા જેવા મિત્રોના ના કારણે શાળાને નવી નવી તક મળતી રહે છે.  એવા વ્યક્તિઓના સંપર્કમાં અમે રહીએ છીએ. જેથી બાળકોના શિક્ષણને લગતું કંઈક નવું થતું હોય, તો તે અમારા સુધી પહોંચે. આ વ્યક્તિઓ આવું કંઈક નવું જુએ, તો તરત જ તેમને આપણી નવા નદીસર પ્રાથમિક શાળા (અને હવે નવા નદીસર પ્રાથમિક શાળા,પીએમશ્રી - ગુજરાત) યાદ આવ્યા વગર રહે નહીં.

આવી જ એક તક ગોધરા લોક વિજ્ઞાન કેન્દ્રના ગ્રુપમાંથી મળી. રાજ્યના કેટલાક વિદ્યાર્થીઓને ૯ દિવસ ઇસરો, સાયન્સ સિટી વગેરે જગ્યાએ જવાનો અને જુદા જુદા વૈજ્ઞાનિકો અને એક્સપર્ટ પાસે શીખવાનો મોકો મળે છે. દિવાળી વેકેશનનો સમય હતો. જોઈતી વિગતો ડિજિટલ સામગ્રીને કારણે મળી આવી. શાળાના ૨૦-૨૨ વિદ્યાર્થીઓ એવા નીકળ્યા, જે તેમાં મંગાતી 'રિક્વાયરમેન્ટ' પૂરી કરતા હતા.

એક કોલ આવ્યો (વાલીમાં શિક્ષકનો મોબાઈલ નંબર હતો.) "આપની  દીકરી નિર્જલા નવ દિવસો માટે  ઈસરો- અમદાવાદ આવવા તૈયાર છે?" એના મમ્મીએ કે પપ્પાએ પૂછ્યા વગર હા કહી દીધું. ને પછી શરૂ થઈ નવી કશ્મકશ:

      નિર્જલા ક્યારેય એકલી ક્યાંય રહી નથી.

      શાળામાંથી બીજું કોઈ પસંદ થયું નહોતું.

      ના પાડી દે તો શું કરવું?

      બીજું, તે હા પાડે અને એના મમ્મી કે પપ્પા ના પાડી દે કે આટલા બધા દિવસ એકલી છોકરીને મોકલવી નથી, તો શું થાય?

શાળાએ કમાયેલી મોટી મૂડી એ વિશ્વાસ છે. એના મમ્મી-પપ્પા સાથે વાત કરી. તેઓએ કહ્યું કે, "તમને લાગતું હોય કે જવું જોઈએ, તો મોકલવાની જ હોય." (નિર્જલાને  એમ ખરું કે "હારાઓ, મને શું કામ મોકલો છો?") અમદાવાદમાં રિદ્ધિ (ફ્રેન્ડ્સ ઑફ નવા નદીસર) હાજર રહી. નિર્જલાને એ અહેસાસ કરાવ્યો કે, "અહીંયા તું એકલી નથી. હું થોડેક જ દૂર આઈ.આઈ.એમ.માં રહું છું."

રીડિંગ રીલ્સ :

બાળકોને પરંપરાગત માર્ગથી અલગ, પડકારજનક અને સાહસિક તકો આપવાથી તેમનો શીખવાનો વિસ્તાર વધે છે.

બીજા દિવસથી એનું રોલર કોસ્ટર ચાલુ થયું. રાજ્યમાંથી બીજા બધા વિદ્યાર્થીઓ ધોરણ ૧૧-૧૨ સાયન્સ કરતા - અંગ્રેજી મીડિયમના હતા. અને આ ૮મા ધોરણની ગુજરાતી મીડિયમની વિદ્યાર્થીની!  જુદા જુદા બેકગ્રાઉન્ડના વૈજ્ઞાનિકો આવે. આના માટે વિષયો નવા હતા. ભાષાની ટર્મિનોલૉજી પણ નવી હતી. અંગ્રેજી આવડે, પણ ઝડપથી બોલાય, તો ટપ્પો ચૂકી જાય.

પ્રથમ દિવસના ફોનમાં અવાજ થોડો તૂટેલો સંભળાતો હતો. "એક તો રાત્રે ઊંઘ નહોતી આવી. ને પહેલી લાઇનમાં બેસાડી. એ બોલે ને મને તો આંખો ભારે ભારે લાગે. આંખો ખેંચી ખેંચીને જાગીને સાંભળવાનો પ્રયત્ન કર્યો કે શું કહે છે. માંડ માંડ થોડું સમજાયું."

જો કે, બીજા દિવસના વર્કશોપ પછી એણે સ્પીડ પકડી લીધી. પછી ગ્રુપમાં લીડરશિપ હોય કે નવા મિત્રો બનાવવાના હોય. બીજા દિવસનો ફોન કોલ ઉત્સાહથી ભરપૂર હતો. "તમને ખબર છે? આવું આવું હોય ઇસરોમાં..." વગેરે.

એ જે જગ્યાએ જઈને આવી, ત્યાં જવાનું કેટલા બધાનું સપનું હોય છે. એણે મારેલો આ ધક્કો હવે કેટલીય દીકરીઓને પાંખો આપશે કે, "હા, જો એ જઈ શકે, તો આપણે જઈ શકીએ." જે નવાનદીસરમાં કેટલાક વર્ષો પહેલા કોઈને ફિઝિક્સ શું હોય, એ ખબર નહોતી, ત્યાં એક ૧૪ વર્ષની છોકરી છે, જેને ક્વોન્ટમ ફિઝિક્સ અને તેના વડે દુનિયાભરના વૈજ્ઞાનિકો શું કામ કરી રહ્યા છે, એની ખબર છે.

જે ગામે રોકેટને માત્ર આકાશમાં જોયેલું, તે પણ ધુમાડા કાઢતું વિમાન છે એમ માનીને - એણે ત્યાં રોકેટ બનાવ્યું અને ઉડાવ્યું પણ ખરું. જેમના માટે રોબોટ્સ એ કાર્ટૂન ટાઇપ કાલ્પનિક વાત હતી, એના માટે હવે રોબોટ્સ બનાવી જોવા અને તે માટે કોડિંગ કેવી રીતે કરવું, એ પણ અનુભવમાં છે. એજ જો એક આખો સમાજ શીખવા વિશે એક થાય, તો જાદુ આજે પણ થાય. કોઈપણ જગ્યાએથી ઉડવા આકાશ મળી જ રહે.

રીડિંગ રીલ્સ : નવા અને મુશ્કેલ વાતાવરણમાં મૂકવાથી બાળક શરૂઆતની ગભરામણ પછી ઝડપથી અનુકૂલન સાધીને નેતૃત્વ અને કૌશલ્યનો વિકાસ કરે છે.






August 18, 2025

પચાસ વર્ષ - જીંદગીનાં !

પચાસ વર્ષ - જીંદગીનાં !

જો શિક્ષણનો ઉદ્દેશ્ય માત્ર કેટલીક સંકલ્પનાઓ સમજી લેવાનો અને માહિતી મેળવી તેનો ઉપયોગ કરતા શીખવાનો હોત, તો આજના સમયમાં ટેકનોલોજીની મદદથી વિદ્યાર્થીઓ પોતે જ પોતાના ટેબલેટ, કમ્પ્યુટર કે ઘરમાં બેસીને આ બધું કરી લેતા. એવા સંજોગોમાં, સમૂહમાં કે શાળામાં મળીને શીખવાનો માહોલ હવે નામશેષ થઈ ગયો હોત. જો કે જે રીતે આજે શિક્ષણ માત્ર વિષયના મહિમામંડન કરી રહ્યું છે એમાં એ દિવાસો પણ દુર નથી જ દેખાતા !

આપણે બરાબર વિચારીએ તો સમજાશે કે મનુષ્ય આ વિશ્વમાં બીજા સજીવો કરતાં વધુ સક્ષમ સાબિત થયો છે, તો તેનું કારણ તેનામાં રહેલી બુદ્ધિશક્તિ કરતાં પણ એક વિશેષ શક્તિ છે. - કોલાબ્રેશનની શક્તિ ! હાથી જેટલી શારીરિક શક્તિ, ચિત્તા જેટલી ઝડપ, બાજ જેટલી નજર કે પક્ષીઓ જેવી ઉડવાની ક્ષમતા મનુષ્યમાં નથી. તેમ છતાં, મનુષ્ય આજે બીજા બધા પ્રાણીઓની વચ્ચે પૃથ્વીનો 'ભાગ્યવિધાતા' બનીને ઊભો છે. આવું બનવાનું કારણ છે – Collaboration.  બીજા પ્રાણીઓ સમૂહમાં રહે છે, પરંતુ તેઓ કાર્યનું આયોજન, જવાબદારી વહેંચણી, કાર્યનું મૂલ્યાંકન અને સુધારાની પ્રક્રિયા કરી શકતા નથી. મનુષ્ય પાસે આ શક્તિ છે – વિચાર, મૂલ્યાંકન અને નવા પ્રયાસ દ્વારા આગળ વધવાની. એટલે જ સહયોગ ૨૧મી સદીના સૌથી અગત્યના કૌશલ્યોમાંનું એક છે. આના કારણે જ મનુષ્ય આજે આટલો શક્તિશાળી બન્યો છે.

આથી, જો કોઈ વ્યક્તિ માત્ર સ્ક્રીન સામે એકલો બેસીને શીખે તો તે સહયોગ નથી. શાળાઓનું મહત્વ એટલું છે કે ત્યાં બાળકો સાથે મળીને કાર્ય કરે છે, વિચાર કરે છે અને સમાજજીવન માટે તૈયારી કરે છે. એટલે શાળાઓ સમાજને નવી ઊંચાઈ આપવાનું કાર્ય કરે છે.

આપણી નવા નદીસર પ્રાથમિક શાળાને આ વર્ષે ૧૮મી ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ ૫૦ વર્ષ પૂર્ણ થયા. આ ક્ષણ અમારી સૌ માટે ઉત્સવ સમાન હતી. જુદા જુદા સમયના વિદ્યાર્થીઓએ આ શાળાને અને વિસ્તારને નવા રૂપમાં ઘડવાનું કામ કર્યું છે, એનો અહેસાસ અમને વિદ્યાર્થીઓએ કરાવ્યો. તેમણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવાનું નક્કી કર્યું. જૂના રજિસ્ટર ખોલી નામની યાદી બનાવી. પોતાના ઓળખીતા લોકોના નામ મળી આવ્યા તો બૂમ પાડી ઉઠ્યા – “આ તો મારા દાદા !”, “આ મારી ફોઈ !”, “આ મારા કાકા !”  અને ધ્રુવીલનું “આ મારી બુન !”  ચાલુ જ રહ્યું ! આ રીતે સંપર્ક યાદીઓ તૈયાર થઈ. ઇન્ટરવ્યુ માટે જરૂરી મુદ્દા, પ્રશ્નો, વિડિયોગ્રાફી, પ્રોફાઇલ વગેરેની જવાબદારીઓ નક્કી થઈ.

ડેમો ઇન્ટરવ્યુ કર્યા પછી વિદ્યાર્થીઓ ગામમાં ગયા. શરૂઆતમાં મોટી ઉંમરના લોકો થોડા ખચકાયા – “અમારી ઇન્ટરવ્યુ શું કામ?” પરંતુ જ્યારે બાળકોએ એ રીતે વાત કરી કે “આપણી  શાળાના ૫૦ વર્ષ પૂરા થયા છે અને તમે પણ આ શાળાના વિદ્યાર્થી રહ્યા છો, અમારે તમારી સાથે કેટલીક વાતો કરાવી છે” – ત્યારે વાત બેસી ગઈ. ત્યારથી સતત ઇન્ટરવ્યુ થવા લાગ્યા છે ! જે હજુ પણ ચાલુ છે.

૧૮મી ઓગસ્ટે જેટલા થયા એટલા ઇન્ટરવ્યુઝને એક ટાઈમલાઈન પર મુકવામાં આવ્યા. ત્યારે અમને સમજાયું કે આ માત્ર શાળાનો ઇતિહાસ નથી, પરંતુ શિક્ષણવ્યવસ્થાના બદલાવનો જીવંત દસ્તાવેજ છે – અભિગમોમાં ફેરફાર, ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરિવર્તન, સમાજના યોગદાન – બધું જ તેમાં સમાયેલું છે.

શાળાના “ફ્રેન્ડ્સ ઓફ નવા નદીસર” તરફથી પણ ઘણી યાદો, વીડિયોઝ અને લખાણ મળ્યા. (લખાણને તો અમે હજુ વિડીયોમાં વાંચન કરી ઢાળી પણ શક્યા નથી ! ) એક શાળા પ્રત્યેનો આટલો અઢળક પ્રેમ જોઈને અમને લાગ્યું કે સમાજ હંમેશા શાળાની સાથે ઊભો છે. શિક્ષકો માટે આથી મોટું વળતર બીજું હોઈ જ ન શકે.

સૌથી યાદગાર ક્ષણ એ રહી જ્યારે એક ઇન્ટરવ્યુમાં એક વિદ્યાર્થીનીએ કહ્યું – “મારું લગ્ન થઈ ગયું છે, મારી દીકરી પણ છે. હું મારી દીકરીને આ જ શાળામાં ભણાવું છું કારણ કે મેં અહીં જે મજા કરી હતી, એ જ મજા મારી દીકરીને પણ મળે.”

આ સાંભળીને જાણે શિક્ષક હોવું એટલે પ્રસન્નતા મળતી રહેવાની ગેરંટી  - એ  વાતનો અહેસાસ જીવંત થઇ ગયો !

આપણી આ “મસ્તી કી પાઠશાલા” વિશે તમારો અભિપ્રાય પણ અમને જરૂરથી મોકલો. ૫૦ વર્ષની સુવર્ણ જયંતિ નિમિત્તે અમે આ બધી જ યાદોને શણગારી રાખવા આતુર છીએ

 

રીડિંગ રીલ્સ

લેવ વાયગોત્સ્કી: શીખવા માટે સમાજનું જોડાણ જરૂરી છે.

જ્યારે બાળકો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના ઇન્ટરવ્યુ લેવા માટે સાથે મળીને કામ કરે છે, ત્યારે તેઓ સામાજિક રીતે શીખી રહ્યા હતા.

જોન ડ્યુઇ: 'લર્નિંગ બાય ડુઇંગ' (કરતાં કરતાં શીખવું)

બાળકો જ્યારે ઇન્ટરવ્યુની જવાબદારીઓ વહેંચીને અને પ્રશ્નો તૈયાર કરવા વિષે, ઈન્ટરવ્યું લેવા વિષે વિચારણા કરેછેત્યારે તેમનું શિક્ષણ માત્ર પુસ્તક પૂરતું સીમિત રહેતું નથી, પરંતુ જીવનનો એક ભાગ બની જાય છે.

 VIDEO








January 23, 2025

મમતામયી મહિસાગર !

મમતામયી મહિસાગર !

“પ્રકૃતિ” નો આનંદ એ માનવ જીવનનો એક અગત્યનો હિસ્સો રહ્યો છે. પ્રકૃતિ હંમેશાં આપણને એક અનેરો આનંદ આપી આપણા જીવનમાં નવી ઊર્જા સંચારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. એટલે જ તો ઘણા બધા તહેવાર આપણી પ્રકૃતિમાં થતા ફેરફારોને આધારે ઉજવાતા આવ્યા છે, અરે હા તમે આ વાંચતાં હશો ત્યારે જ આવો એક તહેવાર નજીકના સમયમાં પોતાને ઊજવવા આવી રહ્યો છે. યાદ કરો !!

માનવનો મૂળ સ્વભાવ પ્રકૃતિ પ્રેમી તરીકેનો રહ્યો છે. એનું કારણ પણ છે કે માનવ જીવન એ પણ પ્રકૃતિનો પોતાનો જ એક ભાગ છે. તેની સાથે ગૂંથાયેલા જીવનને માણતાં માણતાં કરોડો વર્ષોની ઉંમર માનવે ધારણ કરી છે. એટલે જ આપણા મૂળમાં પ્રકૃતિ એ સ્વભાવ તરીકે વણાઈ ગઈ છે. આપણું અસ્તિત્વ જ જેના આધારે ટકેલું છે, - તેનાથી દૂર થવું અથવા દૂર રહેવું અશક્ય છે. પરંતુ વર્ષો પછી બદલાતી માનવ ટેવો - વિકસતી જતી માનવ જીવન શૈલી અને જરૂરિયાતો સંદર્ભે કુદરતી ના ઓપ્શનમાં તેના જેવી જ કુત્રિમ પૂર્તતાઓ એ આપણને પ્રકૃતિથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ તો પૃથ્વી પર પ્રકૃતિથી દૂર થવું તો શક્ય જ નથી - પરંતુ તેની નિકટતાનો અહેસાસ આપણે આપણી સંવેદનાઓમાંથી ખોઈ ચૂક્યા છીએ. આવી બની ચૂકેલી આપણી જીવનશૈલીમાં બદલાવ કેવી રીતે લાવી શકાય? - શાળા કક્ષાએ બાળકોમાં કેવી ટેવો વિકસાવી શકાય તેના મનોમંથને જ શાળાએ કૂકૂન સાથે હાથ મિલાવ્યા હતા.

કૂકૂન દ્વારા બાળકોમાં આસપાસની પ્રકૃતિને - એટલે કે આસપાસનાં જીવજંતુ - પક્ષી - પ્રાણી - વનસ્પતિ - બધાંને કેવી રીતે માણવા સાચવવા - જાળવવા અને સાથે સાથે તેઓને જાણવા ની દ્રષ્ટિ આપવાના પ્રયાસ કર્યા. બાળકો પણ પોતાની આસપાસના માહોલમાં તે અંગે જાગૃત થયાં. શાળા કેમ્પસમાં - સાહેબ, મેં તો આજે આવું પતંગિયું જોયું હતું, સાહેબ મારા ઘરની પાસે લાંબી ચાંચ વાળું એક પક્ષી હતું - મેં પહેલીવાર જોયું. - આવા ડાયલોગ સંભળાતા થયા. બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેની આવી નજર પેદા કરવા બદલ શાળા કૂકૂનની આભારી છે. શાળાનું કામ તેને જાળવી રાખી તેમાં નવીનતાઓ ઉમેરવાનું છે.

આવી જ નવીનતાઓ માટે શાળા દર વર્ષે એક દિવસ - પ્રકૃતિનો આભાર માનવા / માણવા જાય છે. દર વર્ષે શાળા દ્વારા યોજાતા પર્યટન આવા જ ઉદ્દેશ્ય દ્વારા શરૂ કરાયેલ પ્રવૃત્તિ/પ્રસંગ નો જ એક ભાગ છે. ગામની નજીક આવેલ મહીસાગર નદી કે જેને અમે સૌ માતા તરીકે માનતાં/માણતાં આવ્યાં છીએ તેને વર્ષે એકવાર મળવા જઈએ છીએ. જેમાં થતી ક્રિયાઓ ખૂબ જ આહલાદક હોય છે. પગપાળા જવું ખેતરો ખૂંદવા - કોતરો ઓળંગવા - ચાલવું - દોડવું - ઊંચકવું - નાચવું - ગાવું - રમવું - કૂદવું - લટકવું - ઊછળવું - માનવ જાત આનંદમાં આવે અને જે જે કરે તે તમામ વર્તન આ પ્રવાસમાં માણવા મળતી હોય છે. એટલે જ તો શાળા દર વર્ષે ગ્રામોત્સવની જેમ જ આ તહેવારની રાહ જોઈને બેઠી હોય છે. પરંતુ આ વખતે પર્યટન માટેના આયોજન સમયે થયેલ કેટલીક ઘટનાઓ ઉત્તેજના પેદા કરનારી હતી..

આમ તો દર વખતે દિવાળી વેકેશન પૂર્ણ થાય અને શાળા ખૂલે કે તરત જ કેબિનેટમાં નિર્ણય લેવાઈ પર્યટનનો દિવસ નક્કી થઈ આયોજન થઈ જતું. પરંતુ આ વખતનું વાતાવરણ કંઈક અલગ હતું. દિવાળી વેકેશન બાદ ન નિવારી શકાય તેવા અને બાળકોએ વ્યસ્ત રહેવા પડે તેવા કાર્યક્રમો સતત અને સળંગ આવતા રહ્યા. એવામાં કેબિનેટ પોતે જ વ્યસ્ત હોય - કેબિનેટમાં પર્યટનનો મુદ્દો આવ્યો ખરો પણ ઉભરાની જેમ ! ચર્ચાનો અભાવ અને પ્રવાસ સચિવના સ્વભાવગત [ કહેશે તો કરીશું ] ને કારણે સમય વહેતો ગયો પણ પર્યટન જેવું કોઈ પ્રાર્થના સભામાં જાહેર ન થયું. બીજી બાજુ બાળકોમાં “બાહુબલી“ ના રાજ્યાભિષેક સમયના પેલા દ્રશ્યની જેમ ગણગણાટ શરૂ થયો હતો અને ચર્ચાઓમાં વારંવાર “પર્યટન ક્યારે“ વાળો સૂર સંભળાવવા લાગ્યો ત્યારે અમારો પ્રવાસ સચિવ જાગ્યો. અને જાહેરાત કરી દીધી કે પરમ દિવસે પર્યટન !

પ્રવાસ સચિવની ઓચિંતી જાહેરાતે આખી કેબીનેટને કામે લગાડી. કોણ શું કરશે - કોણ શું સંભાળશે તેની તાત્કાલિક સત્તાઓ સોંપાઈ.. અને શાળા બાળ પ્રવાહ નીકળ્યો માતાને મળવા - ગત આખું વર્ષ તાજામાંજા રાખ્યાં તેનો આભાર માનવા અને આવતા વર્ષ આખાય પંથકને આનંદમાં રાખજો તેવા આશીર્વાદ માંગવા !

ચાલો માતાને ખોળે જઈ પ્રકૃતિના આનંદને માણવા અને તે આનંદને માંગવા માટે યોજાતા પ્રસંગને ક્લિક કરી માણીએ !  >> ક્લિક કરો > અને માણો !



September 05, 2024

“શિક્ષક” અનુભવ દિવસ !

“શિક્ષક” અનુભવ દિવસ !

શિક્ષણ વ્યવસ્થામાં શાળા એક એવી જગ્યા છે જ્યાં શિક્ષક ભણાવવા અને બાળકો ભણવા આવે છે. બંનેમાં કોમન જો કોઈ વાત હોય તો તે છે અધ્યયન નિષ્પત્તિ ! એટલે કે લર્નિંગ આઉટકમ.  

આ પ્રક્રિયા શા માટે કરવી તેની જાણ અધ્યયન નિષ્પત્તિ આધારે નક્કી થતી હોય છે. તેવી જ રીતે બાળકે પોતે આ શા માટે શીખવું જોઈએ - એટલે કે આ શીખવાથી શું કરી શકશે…. તે પણ બાળક પોતે જે તે લર્નિંગ આઉટકમને આધારે જાણી શકે છે. શિક્ષક વર્ગખંડમાં જે જે તે વિષયવસ્તુ શિખવવાની પ્રક્રિયા હાથ ધરે તે પહેલાં તે પોતે જે તે વિષયવસ્તુ ક્યા લર્નિંગ આઉટકમ માટે છે તેનાથી વાકેફ હોય તે ખૂબ ઉત્તમ સ્થિતિ છે. કારણ કે ક્યાં પહોંચવાનું છે તે લર્નિંગ આઉટકમ્સ છે. અને કેવી રીતે પહોંચશો તે માટે ટૂલ્સ તરીકે પુસ્તક તેમજ અન્ય સામગ્રી  છે. ટાર્ગેટની જાણ વગરના ટૂલ્સ કોઈ કામના નથી. માટે જ  લર્નિંગ આઉટકમ્સ સાથે કામ કરનાર શિક્ષક ઉત્તમ ગણાયો છે. 

          જ્યારેનાગરિક ઊઘડતરઅંતર્ગત ઑફિસની વ્યવસ્થા સંભાળતા ગ્રૂપની કામગીરીમાંશિક્ષકોની દૈનિક નોંધપોથી ચકાસવી” - એવું   વિધાન ઉમેરાયું.  અમારા સૌની દૈનિકમાં પાડેલ વિભાગમાં - શું ? [ મુદ્દો ] કેવી રીતે ? [ મુદ્દો ભણાવવાની અધ્યયન પ્રક્રિયા ] અને શા માટે ? [ લર્નિંગ આઉટકમ્સ એટલે કે તે શા માટે શીખવાનું ? ] વગેરે વિશે તેઓ ચર્ચા કરી સમજતા ગયા.

      પરંતુ જેમ જેમ આ કામગીરી સંભાળનાર ગ્રૂપ બદલાતાં ગયાં, સમય પસાર થતો ગયો એમ બાળકોનું વધુ ધ્યાન આયોજનની સાથે સાથે લર્નિંગ આઉટકમ્સ એટલે કે અધ્યયન નિષ્પત્તિ તરફ જતું ગયું ! પરિણામે પ્રક્રિયામાં જોડાયેલ બંને - શિખવનાર અને શીખનાર બંને ધ્યેયથી અવગત થયેલ છે. આવી સ્થિતિમાં પ્રક્રિયા સાચી દિશામાં થવાની પૂરી ગેરંટી હોય છે. તેનો શાળાને શિક્ષકદિને અનુભવ થયો ! 

દર વખતની જેમ આ વર્ષે પણ શિક્ષક બનવા લાઇન લાગતાં શાળા શિક્ષણસચિવો મુશ્કેલીમાં મુકાયા. હાબધાં જ બાળકોને તક મળે ન મળે, પણ વધુમાં વધુ બાળકોને અધ્યયન માટેના મુદ્દા મળે - તે મુખ્ય કામ હતું એટલે જ દરેકને પોતે ભણાવવાના મુદ્દાનું લર્નિંગ આઉટકમ્સ સાથેનું આયોજન શાળા પ્રમુખને સોંપવાનું અને તેને આધારે શિક્ષણસચિવ સાથે મળી નક્કી થશે. એના કારણે સચિવોએ રિજેક્ટ કરેલ કિંજલ જેવાં ઘણાંશિક્ષકોની આંખોમાં પાણી જોવા મળ્યું. પરંતુ આનંદ એ પણ હતો કે આ થયેલ સ્ક્રૂટીની જ સાબિતી આપે છે કે ઉત્તમ આયોજન એટલે શું શું ? કેવી રીતે ? અને શા માટે? તેઓ ખૂબ સારી રીતે જાણે છે. 

આનંદ સાથે ઉજવાયેલ આ દિવસના અંતે તે દિવસના શિક્ષકોના અનુભવો લીધા. અરે ! આ તો કશું સાંભળતા જ નથી ? હખણાં રેતાં જ નથી ? વારેવારે બહાર નીકળી જાય છે? આવા કેટલાય કંટાળા તેમને રજૂ કર્યા ! એમનો આ કંટાળો અમારામાં આનંદ પેદા કરનારો હતો કે ચાલો આ પીડાના પીડિત વર્ગખંડમાં હવે ફક્ત હું એટલે કે એક વ્યક્તિ નહીં, હવે બે ચાર થયા છીએ !  અંતે -  હા, પણમજા આવી!’   એવું કહેનારાં બધાં જ હતાં. અને આ મજા સાથે સાથે એમનું આયોજન જણાવતાં વિડિયોને પણ માણવાનું ભૂલતા નહીં હોં !



July 18, 2024

આંખો તો છે, દૃષ્ટિ આપીએ !!

આંખો તો છે, દૃષ્ટિ આપીએ !!

બાળક કુમળો છોડ છે, તેને વાળો તેમ વળે ! આવી કહેવત સમાજમાં પ્રચલિત છે. આપણા કરતાં આ કહેવતને આપણા સોશિયલ મીડિયાએ ઝડપથી ગ્રહણ કરી બાળકમાં મોબાઈલ એટલે આપણું અભિન્ન અંગ - મોબાઈલ એટલે મારી જીવન-જરૂરિયાત - એવું મનમાં ઠસાવી દીધું છે. સોશિયલ મીડિયાએ તેનાથી પણ આગળ વધીને પ્રથમ પગથિયે નવો કીમિયો પણ અજમાવ્યો છે કે બાળકને ઇચ્છે તેવું બતાવીએ, અને ત્યારબાદ આપણે ઇચ્છીએ તેવું બાળક જુએ - તે તરફ આગળ વધી ગયું. યાદ કરોવાળીએ તેમ વળે!”  આપણે જ એટલે કે માણસે બનાવેલ સોશિયલ મીડિયા પાસેથી હવે બાળકોના ઉછેર અંગે આપણે એ શીખી લેવાની જરૂર છે કેબાળકોને બતાવીએ તે જુએ !

આજે દુનિયા વ્યવસાયકાર તરીકે મોબાઈલ - ઇન્ટરનેટથી જેટલી આનંદિત છે - તેના કરતાં માતાપિતા તરીકે ખૂબ દુખી છે. તેમના દુઃખનું એકમાત્ર કારણ પોતાનાં બાળકોમાં મોબાઈલનું વળગણ છે ! પોતાને નવરાશ મળે અથવા તો બાળકોને નાનપણમાં જ ઝડપથી દુનિયા દેખાડી દેવાની ઘેલછામાં પોતે ક્યારે બાળકને હાથમાં મોબાઇલમાં પકડાવી દીધો હતો તે પણ યાદ નથી હોતું. અને પછી પોતે જ્યારે નવરાશ અનુભવે ત્યારે પોતાની સાથે મોબાઈલ સામું મોં રાખી બેઠેલા બાળક પાસેથી અપેક્ષા રાખે છે કે બાળક પોતાની સામે નજર કરે. પરંતુ એ શક્ય એટલે નથી કારણ સોશિયલ મીડિયા એ તો કન્ટેન્ટનું અક્ષયપાત્ર છે. જ્યાં સુધી બાળક પોતે ન ઇચ્છે ત્યાં સુધી તેને નવરાશ  અનુભવવા  જ ન દે ! શું લાગે છે - તમે બાળકની ગમતી વાતોનું અક્ષયપાત્ર બની શકો છો

આપણા સૌની મર્યાદાઓ છે. એટલે બાળકોને ગમે તેવું અને તેટલું બતાવી શકવાની ક્ષમતા આપણા સૌમાં નથી. તેવામાં તેમની નજર બદલવી એ જ એકમાત્ર ઉપાય છે. બાળકોને વાળીએ તેમ વળે - તેનાથી આગળ બાળકોને બતાવીએ તે જુએ- તેના ઉપર કામ કરવાની જરૂર છે. બાળક મોબાઇલમાં એટલા માટે વ્યસ્ત છે કે તેને તેની આસપાસની વસ્તુઓને તે પોતાનાથી અલગ રીતે દેખાવની નજર આપણે સૌએ આપી નથી. રીલ્સમાં પાણીનો ધોધ કે રંગીન પતંગિયું જોઈને wow  બોલી જતા બાળકને ક્યારેય પણ તેની આસપાસનાં પતંગિયાંમાં આવા રંગ દેખાયા નથી. તેનું મોટું કારણ આપણે સૌ છીએ કે જેને તે નજર આપણે આપી નથી. શું મોબાઇલમાં પડ્યો રહે છે? આસપાસ જોવે તો ખબર પડે કે આપણી આસપાસ પ્રકૃતિ કેવી સરસ મજાની છે - આવા ડાયલોગની સામે પૂછે કે શું જોવું - તો તેનો જવાબ આપણા સૌની પાસે માહિતીસભરનો હોવો અનિવાર્ય છે. તેનું એકમાત્ર કારણ કે મોબાઈલ ન જો તો તે શું જોવે - તેનો વિકલ્પ અને તેને જોવાની નજર જ્યાં સુધી નહીં આપીએ ત્યાં સુધી તે મોબાઈલ છોડશે નહીં. આપણે છીનવતાં રહીશું. 

આવાં જીવડાં તો મારા ઘેર બહુ આવે ! આવો ડાયલોગ વિનસભાઈને સાંભળવા મળ્યો જ્યારે તેમણે કહ્યું આને તમે ક્યારેય જોયું છે? પરંતુ જેમ જેમ તેઓ બાળકોએ કેમ્પસમાં કરેલ ઓબ્ઝર્વેશન દરમિયાન પાડેલ જીવજંતુઓના ફોટા વિશે વિગતે કહેતા ગયા, બાળકોની આંખો ચમકવા લાગી. એક પક્ષી એવું કે શિકારને લટકાવીને ખાય - આદિત્યએ પોતાનું ઓબ્ઝર્વેશન કહ્યું-  જેમ જેમ વાતો આગળ વધતી ગઈ તેમ તેમ આંખોની સાથે સાથે નવાઈથી મોં પણ પહોળાં થવા લાગ્યાં –

અને અમારો અનુભવ કહે છે કે બાળકોમાં પ્રકૃતિને જાણવાની - માણવાની નવી નજર અને જાળવવાની ટેવ ઇન્સ્ટોલ થઈ રહી છે.. ચાલો તમે પણ માણો.