જનરેશન ગૅપ: ઉંમર નહીં, બદલાવની સ્વીકૃતિ!
જનરેશન ગૅપ - આ શબ્દ આપણે બહુ સાંભળીએ છીએ.
પિતા-પુત્ર કે માતા-પુત્રી વચ્ચે હોય, અથવા તો બજારમાં કોઈ મોટા વ્યક્તિને ટીનએજર
સાથે મતભેદ થાય, કે તરત આ શબ્દ સંભળાય: "જનરેશન ગૅપ!" પેલા 'થ્રી ઈડિયટ્સ'ના લાઇબ્રેરિયનની
જેમ – "પરમેનન્ટ હું સર!!"
જોકે, આ ગૅપની વાત અમુક અંશે સાચી હોઈ શકે. વીસમી
સદીના અંતથી એકવીસમી સદીમાં આવતાં જ ટેકનોલોજીમાં મોટી ક્રાંતિ આવી. આ ક્રાંતિએ
આપણી રહેણીકરણીમાં મોટા ફેરફારો લાવ્યા. ઉંમરની વાત છોડો, જે લોકોએ
ટેકનોલોજીને જાણવામાં, શીખવામાં કે સમજવામાં ધ્યાન ન આપ્યું, તેઓ "જનરેશન
ગૅપ"ની પેલે પાર દેખાવા લાગ્યા. વ્યક્તિઓ જ નહીં, સંસ્થાઓ પણ જો
ટેકનો-ફ્રેન્ડલી ન બની, તો ધીમે ધીમે અદૃશ્ય થવા લાગી. એટલે હવે જનરેશન ગૅપ શબ્દનો
અર્થ ઉંમરને બદલે ટેકનોલોજીને કેટલી સ્વીકારી છે તેના આધારે થવા લાગ્યો. ટૂંકમાં, જો તમે નવીનતાને
જાણો છો, તો ગૅપની આ પાર અને તેનાથી દૂર રહો છો, તો પેલે પાર!
ટેકનોલોજીની અસર ફક્ત વ્યક્તિઓ પર નહીં, તેમના કામધંધા પર પણ
થઈ. જેઓ અપડેટ થતા ગયા, તેઓ આગળ વધ્યા. પણ જેઓ પોતાની જૂની રીતો જ વળગી રહ્યા, તેઓ આઉટડેટેડ થઈ
ગયા. તમને યાદ હશે, કેટલાય એવા વ્યવસાય હતા જેને ટેકનોલોજીએ ખતમ કરી દીધા. જેઓ
મોટા હતા, પણ નવી ચેલેન્જ સ્વીકારવા તૈયાર નહોતા, તેઓ ડાયનાસોર જેવા
લુપ્ત થઈ ગયા.
સામે પક્ષે, ટેકનોલોજીએ નવી તકો પણ ઊભી કરી. જેણે આ તક
ઝડપી, તેની ઝડપથી પ્રગતિ થઈ! છેલ્લાં થોડાં વર્ષોમાં આ
ટેકનોલોજીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે તેને રોકવો અશક્ય અને વાળવો મુશ્કેલ હતો.
માટે, તેના તાલથી તાલ મિલાવીને આગળ વધવું એ જ એકમાત્ર રસ્તો હતો.
જેમણે આ પ્રવાહમાં તરવાની અનુકૂળતા કેળવી લીધી, તેમને તેનો પૂરો ફાયદો થયો. ઉદાહરણ માટે, આપણી શાળાનો બ્લોગ, યુટ્યુબ ચેનલ કે
સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ જુઓ – શાળા જે રીતે તમારા સૌ સુધી પહોંચી છે, એ જ એક મોટું ઉદાહરણ
છે.
એક સમય હતો જ્યારે સાંભળીને નવાઈ લાગતી કે એક
વિકસિત દેશ એવો છે જ્યાં વસ્તી કરતાં સિમકાર્ડની સંખ્યા વધારે છે! જે વાત પહેલાં
માની ન શકાય તેવી લાગતી, તે આજે આપણી આસપાસ સ્પષ્ટપણે દેખાય છે અને અનુભવાય છે. જેમ
જેમ ઘરમાં અને સમાજમાં મોબાઇલ નામના મેજિક બોક્સમાં ટેકનોલોજીનો ખજાનો વધતો જાય છે, તેમ તેમ આજે જે નવું
છે, તે કાલે જૂનું થઈ જાય છે. આવા સમયમાં અસ્તિત્વ ટકાવી
રાખવાના પડકારો પગલે પગલે જોવા મળે છે.
શાળા જેવી સંસ્થાઓ કે શિક્ષક તરીકેના
વ્યવસાયની વાત કરીએ તો, ટેકનોલોજીએ આપણને જેટલી મદદ કરી છે, તેના કરતાં અનેકગણા
પડકારો પણ ઊભા કર્યા છે. અહીં આપણે વ્યવસાયના અસ્તિત્વના પડકારોની વાત નથી કરતા, પણ વાત છે
ક્લાસરૂમમાં આવતા પડકારોની. આપણી સામે આવતા બાળકરૂપી પડકારોની!
આજે તમે બાળકને જે નવું શીખવવાના છો, તે તો તેના ઘરે
ઉપલબ્ધ ટેકનોલોજીએ કદાચ કહી પણ દીધું હશે. અને જો તેના ઘરમાં કોઈ ટેકનોસેવી
વ્યક્તિ હશે, તો તેણે તેને શીખવી દે તેવી લિન્ક પણ બતાવી દીધી હશે. તમે
વર્ગખંડમાં જે વિષયવસ્તુ માટે આજે મહેનત કરવાના છો, તે કદાચ ઘણાં બાળકો માટે આઉટડેટેડ હશે. આવા
સમયે, જો આપણી પાસે બાળકોને વર્ગખંડમાં રોકી રાખવા માટે અપડેટ
માહિતી અને તેને પીરસવાની આગવી રીત નહીં હોય, તો વર્ગખંડમાં આપણું અસ્તિત્વ ટકાવી રાખવું
મુશ્કેલ બનશે.
હાલમાં જ નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે.
બાલવાટિકાનાં ભૂલકાંને આપણે સૌએ પ્રવેશોત્સવ દ્વારા આવકાર્યા છે. હવે આ આપણાં
ભૂલકાંને સામે રાખીને વર્ગખંડમાં એક સર્વે કરીએ તો ખ્યાલ આવશે કે એમણે પાંચ વર્ષની
ઉંમરમાં એ બધું જ શીખી લીધું છે / જોઈ લીધું છે / સમજી લીધું છે – જેને સમજવા
આપણને શાળામાં પ્રવેશ્યા પછી પણ વર્ષો લાગતાં હતાં. રીલ્સ મેડમ, યુટ્યુબ ટીચર – બધાં
ઉપર આંગળીઓ ફેરવીને આખી દુનિયાના મીમ્સ સમજી જનાર બાળક માટે આપણે કેવાં ટુચકા કે
કેવી કેવી બાળવાર્તાઓ સાથે તૈયાર થવું પડશે! આપણે પણ મોઢામાં આંગળા નાખી જઈએ તેવા
ડાન્સ અને અભિનયના વિડીયો જોઈને પાંચ વર્ષનો થનાર આ ભૂલકાને આપણા અભિનયમાં રસ લેતો
કરવા કેવું પીરસણ તૈયાર કરવું પડશે, તે ખરેખર વિચારવા જેવી વાત છે.
આ બધું વિચારવા અમને જેણે મજબૂર કર્યા છે તે
દીકરી કાવ્યાને આ લિન્ક દ્વારા સાંભળશો તો તમે પણ તમારા વર્ગખંડનાં બાળકોને ભૂલકાં
કહેતાં ખચકાશો! કારણ કે તેઓ હવે ભૂલ કરનાર કે ભૂલી જનાર નથી રહ્યાં – જો તેમને
શાંતિથી સાંભળવામાં આવે તો તો એ રોજે રોજ આપણને નવું જણાવી જનારા માર્ગદર્શકો હોઈ શકે.
ચાલો, માણીએ આવાં બાળકોને! તમારા વર્ગખંડની પણ આવી કાવ્યાના
વિડીયો અમને મોકલશો તો સૌની સાથે શેર કરીશું.
દીકરી કાવ્યાની વાતો -:
ભાગ ૧