November 30, 2025

વાલી છો તો વાંચતાં શીખો !

વાલી છો તો વાંચતાં શીખો !

દિવાળી વેકેશન દરમિયાન રૂબરૂ કે ટેલિફોનિક રીતે વાલી મિત્રો સાથે વાતચીત થતી, ત્યારે તેમની ફરિયાદ રહેતી: "સાહેબ, શાળાઓ ક્યારે ખુલશે? અમે તો કંટાળ્યા આ છોકરાઓથી!" બાળકોના ઘરમાં તોફાનોથી કંટાળેલા વાલીઓ જ્યારે પોતાનો ગુસ્સો હસતાં હસતાં કાઢતાં અને આવું કહેતાં, ત્યારે અમારો જવાબ હોય છે: "અમારાં બાળકોને સાચવજો, શાળા ખૂલે ત્યાં સુધી અમે તમને સાચવવા આપ્યાં છે." આ જવાબ સાંભળીને હળવા સ્વરમાં તેમનો પ્રત્યુત્તર બનતો કે, "આજે જ પાછાં લઈ જાઓ." વાલીઓ સાથેનો આ સંવાદ અમને વાલીઓ સાથેના જ નહીં, પણ બાળકોના સાથેના વહાલનો પણ આનંદ આપે છે.

વેકેશન પૂર્ણ થતાં જ શાળાઓ શરૂ થાય, એટલે આ જ વાલી મિત્રોની ચિંતા બદલાતી નજર આવે છે. શિક્ષણ કાર્ય શરૂ થાય કે તરત જ તેઓ બાળકોના વાંચન, બાળકોના હોમવર્ક અને બાળકોના પરીક્ષાના પર્ફોર્મન્સ માટે ચિંતિત બને છે.

બાળકોના શિક્ષણ અંગે ચિંતિત વાલીઓ પ્રથમ સત્રની પરીક્ષાનું પરિણામ જોઈને મોટેભાગે વધારે ચિંતિત લાગતા અને સંભળાતા હોય છે. હોય પણ કેમ નહીં? કારણ કે તે વાલી છે. તેમનું બાળક ભણીગણીને આગળ વધે અને ભવિષ્યમાં ખૂબ સારું કરે, તેવી અપેક્ષાએ જ તો તેઓ શાળાએ મોકલે છે. તેવામાં બાળકોનું પ્રદર્શન થોડુંય નીચે આવતું જણાય તોય ચિંતા થવી સ્વાભાવિક છે.પરંતુ કેટલીકવાર બાળકોના ભવિષ્યની ચિંતામાં બાળકોના વર્તમાનને અજાણતાં એટલું પ્રેશરાઇઝ કરી દઈએ છીએ કે પછી તો ઉજ્જવળ ભવિષ્યને બદલે ઉજ્જડ થશે તેવું વર્તન બાળકોમાં આવવા લાગે છે.

લખવું અને વાંચવું એ જ શીખવાની પદ્ધતિ છે, તેવું માનતા મોટાભાગના વાલીઓ બાળકોને નવું વિચારવું અને તેના વડે નવું કરવું—આ માનસિક અને શારીરિક કસરતથી દૂર રાખતા હોય છે. પરિણામે બાળકમાં રહેલો તેનો મુખ્ય ગુણ -કુતૂહલતા - નવું જાણવાની ઈચ્છાઓ — સમયાંતરે તેનામાંથી અદૃશ્ય થઈ જતી હોય છે. પરિણામે બાળકમાં અજાણતાં જ ભણવાની પ્રક્રિયા માટે નિરસતા આવી જતી હોય છે.

તમે ઘણીવાર ઘણાં બાળકો માટે સાંભળ્યું હશે: "જેમ જેમ મોટા થતા જાય છે તેમ તેમ ભણવામાં ઓછા થતા જાય છે!"

      એનું એકમાત્ર કારણ આપણે સૌ : એટલે કે વાલીઓ કે કેરટેકર - એવા આપણે છીએ.

      આપણે બાળકોને ઝડપથી કોશેટામાંથી બહાર કાઢી ઉડાડવા મથીએ છીએ.

      ચાલવાના પૂરતા અનુભવો લઈ આગળ વધવા દેવાને બદલે દોડાવવા મથીએ છીએ, તેથી જ ભણવાની પ્રક્રિયામાં રસ રહેતો નથી.

શાળા વર્ષમાં બે વાર, એટલે કે પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રમાં, વાલીઓ સાથે સ્નેહ મિલન યોજે છે. જેમાં શાળાનો ઉદ્દેશ્ય વાલીઓની ચિંતાની ચિંતા કરવાનો હોય છે. શાળાની ચિંતા એ પણ હોય છે કે વધુ પડતી કાળજીના નામે બાળકોમાં અકાળ ગંભીરતાનું ઇન્સ્ટોલેશન વાલીઓ દ્વારા ન થઈ જાય.

જો બાળકમાં શીખવા માટેના જરૂરી બધા જ ફંક્શન ઊડી જશે, તો પછી બાળકને "પાંખો વગરનું પક્ષી" બનાવવા માટેના જવાબદાર આપણે હોઈશું. માટે જ વાલી સ્નેહ મિલનના પ્રથમ સેશનમાં શાળાનો પ્રયત્ન હોય છે કે વાલીઓને જાણ થાય કે તેમની માર્કશીટ વાંચીને ચિંતા અમે કરીશું, તમે બાળકને વાંચતાં શીખો! 

રીડિંગ રીલ્સ

      બાળકો પર વધુ પડતા દબાણને કારણે તેમની શીખવાની પ્રક્રિયામાં નિરસતા આવે છે. માર્કશીટ પર ધ્યાન આપવાને બદલે બાળકના વર્તમાનને સમજવું જરૂરી છે.

      વાલીઓએ માર્કશીટ વાંચવાને બદલે બાળકને 'વાંચતાં શીખવું' જોઈએ, એટલે કે તેના રસ અને કુતૂહલને સમજવું જોઈએ.











































“આપણા અભિમન્યુઓને બચાવી લઈએ! ”

આપણા અભિમન્યુઓને બચાવી લઈએ!


બાહુબલી મૂવીનું પેલું દ્રશ્ય યાદ આવે છે? જ્યાં મરણતોલ પડેલા અને માનસિક રીત ભાગી ગયેલા સૌ સૈનિકોને કહે છે કે, "ઉસ મૃત્યુ કો મારને જા રહા હૂં…મેરે સાથ આયેગા કૌન ?”

એ દ્રશ્ય જોઈએ ત્યારે થાય કે, કોઈને સકારાત્મક તરફ વાળી દેવાય, તો તે ઊર્જા પ્રગટ કરી શકે છે.

મહાભારત વાંચતી કે જોતી વખતે – અને ગમે તેટલી વાર જોઈએ – ત્યારે એક જ વિચાર આવે કે ગમે તેમ કરીને અભિમન્યુ ચક્રવ્યૂહમાંથી બહાર આવી જાય! નાની ઉંમરે પણ થાય કે, "અલ્યા, નહીં જા. એકવાર અંદર જઈશ, તો ફસાઈ જઈશ!"

આ ચક્રવ્યૂહ આજે પણ અસ્તિત્વમાં છે. તેણે આપણા સૌને ભરડામાં લીધા છે. પ્રશ્ન માત્ર એ છે કે, અભિમન્યુ જ્યારે ચક્રવ્યૂહમાં ગયો, ત્યારે કેટલાક યોદ્ધાઓ બહાર રહી ગયેલા. એટલે આપણે સમજી શકતા કે તે અંદર ફસાઈ ગયો છે અને કેટલાક બહાર છે. (જોકે, બહાર રહેલા પણ એક જુદા અર્થમાં ફસાયેલા જ હતા.) પરંતુ, આજે જે ચક્રવ્યૂહ રચાયો છે, તેમાં આપણે સૌ એકસાથે છીએ. એટલે આપણને લાગતું જ નથી કે આના કારણે કોઈ સમસ્યા આવી રહી છે.

યસ, મોબાઈલ! - જે પોષતું તે મારતું, એવો દિશે ક્રમ  કુદરતી !

જે મોબાઈલને કારણે દુનિયા આટલી લોકશાહીયુક્ત  બની. જે ઊંચ-નીચ, ગરીબ-તવંગર, શહેર-ગામડા જેવા ભેદ મહાનમાં મહાન માણસો દૂર ન કરી શક્યા, તે આ એક શોધને કારણે થઈ ગયું. આજે મુકેશ અંબાણી જે ઇન્ટરનેટ પરથી માહિતી મેળવે છે, તેના પરથી જ આપણે સૌ પણ માહિતી મેળવી શકીએ છીએ. સવાલ માત્ર એના ઉપયોગ પર આવીને અટકેલો છે. આપણે આ વાત કરી શકીએ છીએ, તે પણ મોબાઈલને જ આભારી છે.

પણ એકવાર એક છોકરાની વાત સાંભળી કે, "સાહેબ, હું તો વહેલો ઊઠી જાઉં. મારા પપ્પા વહેલા કામે જાય, એ પહેલાં મોબાઈલ જોવા." ત્યારે થયું કે, જે ઉંમરના બાળકો માટે ઊંઘ મહત્ત્વની બાબત છે, ત્યારે આ રોકાણ ઘણું નુકસાનકારક છે.પછી ધીમે ધીમે બાળકો સાથે આ મુદ્દે વાત કરતાં ખબર પડી કે, આ અસરમાં મોટા ભાગના બાળકો છે. (એટલે કે, માત્ર એ જ બાળકો બાકી છે, જેમના ઘરે સ્માર્ટફોન નથી. ૪૫૦ વિદ્યાર્થીઓમાંથી તેમની સંખ્યા માત્ર એક અંકમાં છે!)

શું કરી શકાય? એ વિશે જુદા જુદા વ્યક્તિઓ સાથે ચર્ચા શરૂ કરી. વાત કરતાં કરતાં ચોટલીયા સર સાથે ચર્ચા કરી. એક ઉપાય મળ્યો.

"તમારી શાળામાં જ્યારે બાળકો નાહ્યા વગર આવતા, એમના માટે જેમ 'આજના ગુલાબએમ કરો છો, એવો કોઈ આઇડિયા કરો. જેથી બાળકોને થાય કે, જો આ મોબાઈલને છોડીને કંઈક કરે, તો એ વાતને નોંધનારું અને સેલિબ્રેટ કરનારું કોઈ છે. બાકી, મોબાઈલ જેટલી ચોંટાડૂક બાબત તો કોઈ છે જ નહીં. તો એને છોડવો તો શું કામ છોડવો!"

આ વિચારથી આઈડિયા આવ્યો કે, આપણે આ મોબાઈલનો ચક્રવ્યૂહ તોડીને બહાર આવે, તેને 'પરાક્રમી' તરીકે ઓળખીએ. શાળાની કેબિનેટમાં ચર્ચા કરી એક ફાઇનલ ડ્રાફ્ટ બન્યો. (જો કે, તમને ખબર જ હશે કે આપણે જેને ફાઇનલ કહીએ, એવું કંઈ હોતું તો નથી!) ઓપન આહ્વાનની આ વ્યવસ્થા બની.

રીડિંગ રીલ્સ

સામાજિક પ્રોત્સાહન અને સહાય (Social Reinforcement and Support): વ્યક્તિગત નહીં, પણ જૂથ આધારિત પ્રોત્સાહન દ્વારા સામાજિક જવાબદારી અને પરિવર્તનનો વેગ વધારી શકાય છે.

·      જે વિદ્યાર્થી શાળામાંથી ઘરે જઈ પરત શાળામાં આવે, ત્યાં સુધી મોબાઈલને અડકે નહીં, તેને આપણે પરાક્રમી તરીકે ઓળખીશું.

·      રિતેશે વળી કહ્યું કે, તેમને આપણે પોઇન્ટ્સ આપીશું.

ગ્રૂપમાં એકબીજાને પ્રોત્સાહિત કરતાં રહે, એ માટે એ પોઇન્ટ્સને ગ્રૂપના પોઇન્ટ્સમાં ઉમેરવાનું શરૂ કરીએ. એ પણ શરૂ થયું. પ્રાર્થનામાં બોલાય. જે ગ્રૂપમાંથી જે જે વિદ્યાર્થીઓ મોબાઈલ અડક્યા ન હોય, તે ઊભા થાય. એમની સંખ્યા ગણાય. વારાફરતી ગ્રૂપ ઊભા થાય અને એ પૈકી જે ગ્રૂપમાં પરાક્રમી વધુ હોય, એ ગ્રૂપને તાળીઓ વડે વધાવી લેવાય. અમને એમ કે, અમે કંઈ ખાસ કરી શકીશું નહીં. પણ, બીજા દિવસે ૪૦ વિદ્યાર્થી એવા નીકળ્યા, જે ફોનને અડક્યા જ નહોતા!

ખરી મજા તો વાલી મીટિંગમાં આવી, જ્યારે વાલીઓએ કેટલાક રસપ્રદ કિસ્સા કહ્યા.

·      "અમે જમતા હોઈએ ને ફોન આવે,, તો એ ચમચીથી ખસેડી ઢાંકણ પર લઈને આવે, પણ અડકે નહીં."

·      "કોઈ જોડે વાત કરવી હોય, તો ય અડકે નહીં. સ્પીકર કરો, એ કરીને વાત કરે."

એની સાથે જ કેટલાક લાગણીસભર ઘટનાઓ પણ છલકી.

·      જે છોકરાની આંખો મોબાઈલના ઉજાગરાથી ચેપાયેલી જ રહેતી, એ ઘરે જઈ મોબાઈલ વિષે વિચાર પણ કરતો નહોતો.

·      જેના વિષે થોડાક વર્ષો પહેલા તો એવી ફરિયાદ હતી કે, 'એને ફોન આપે, તો જ ખાય અને રાત્રે જાગે, તો કોઈને ખબર ના પડે, એમ ચાદર ઓઢીને મોબાઈલ જોયા કરે છે,' એ બિલકુલ મોબાઈલ અડકે જ નહીં!

જોઈએ આ સફર કેટલે સુધી ચાલે છે. પણ, અમને એ સમજાઈ ગયું કે, ચક્રવ્યૂહ તોડી શકાય એમ છે. જો આજના અભિમન્યુ ઈચ્છે, તો એ તોડી શકે છે. તમે પણ આ ટ્રાય કરી જોજો. એમની શક્તિઓ પર ભરોસો કરી, એમને મોબાઈલ સિવાયના રસપ્રદ કામ આપી જોજો. અને કહો કે, એક પ્રયત્ન કરી જુએ. થોડોક સમય જશે, પણ એમને લાગશે જ કે, મોબાઈલ વગરની દુનિયામાં પણ આનંદ છે.

રીડિંગ રીલ્સ : સકારાત્મક વર્તન પર ભાર (Positive Behavior Reinforcement): બાળકોના ખરાબ વર્તનને બદલે સકારાત્મક વર્તનને ઓળખીને અને પ્રોત્સાહિત કરીને સુધાર લાવી શકાય છે.