Showing posts with label સપ્તરંગી. Show all posts
Showing posts with label સપ્તરંગી. Show all posts

May 01, 2026

“વૈશાખી વાયરો–૨૦૨૬ "

U  “બાળકોના આનંદનો ઉત્સવ”- એટલે શાળામાં ઉજવાયેલ “વૈશાખી વાયરો–૨૦૨૬"



આ કાર્યક્રમ માણવાનું ચૂકી ગયેલા મિત્રો માણી શકે  અને આપણી શાળામાં કોઈ પ્રસંગે રાખેલ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત બાળકો જાતે પ્રેક્ટિસ કરીને તૈયારીઓ કરી શકે તે હેતુસર આ વિવિધ કાર્યક્રમની ફોટો લિન્ક સાથેની ફાઇલ આપ સૌ સાથે શેર કરતાં આનંદ અનુભવીએ છીએ. 

નોંધ – કાર્યક્રમના વિડીયો ક્રમશ ગોઠવેલા છે, ફોટો પર ક્લિક કરવાથી તમે તે વિડીયો માણી શકશો.

{ અને હા, દરેક વિડિયોના કોમેન્ટ બોક્સમાં *** સ્ટાર રેટિંગ આપજો, જેથી અમે પણ જાણી શકીએ }






ઝુબી ડુબી





April 30, 2024

પગ મને ધોવા દ્યો ને રઘુરાય ! અભ્યર્થના ૨૦૨૪

પગ મને ધોવા દ્યો ને રઘુરાય ! અભ્યર્થના 

રામ, લક્ષ્મણ અને જાનકીને નદીના એક કિનારેથી બીજા કિનારા સુધી કેવટ પોતાની નૌકામાં બેસાડીને લઈ જાય. એ દરમિયાન મુસાફરીમાં તે ત્રણેય સાથે સમય વિતાવવાનો આનંદ માણે.  એ આનંદને પોતાના હૈયામાં સમાવવાનો પ્રયત્ન કરે. પરંતુ જેવો કિનારો આવી જાય એટલે તે રામ,લક્ષ્મણ અને જાનકીને પોતાની મુસાફરી કરવા માટે  આગળ વધવા દે. તેઓનો રસ્તો રોકી શકે નહીં.

એક શાળાને જો નૌકારૂપી ગણી લઈએ તો આપણે સૌ કેવટ અને શાળારૂપી નૌકામાં મુસાફરી કરવા આવતા બાળકો ! તેઓને તેમના બચપણથી  કિશોર અવસ્થા સુધી પહોંચાડી યુવાનીમાં પગ માંડવા આપણાથી મુક્ત કરવા પડે.  અને આપણે પણ એ કેવટની જેમ એ મુસાફરીનો આનંદ મમળાવ્યા કરીએ. 

જેમ જેમ આ  કિનારો નજીક આવતો જાય તેમ તેમ મુસાફરીના સ્મરણો વધુ તેજ બનતા જાય.અમને પણ આ મુસાફરીના દ્રશ્યો અત્યારે ઝબકઝબક થયા કરે છે. 

 “ઉ (હું) શું કહું શું સાયેબ?” જેનો તકિયા કલામ બની ગયેલો, જેના નામે ઓનલાઈન ક્લાસમાં સૌથી વધુ પ્રશ્નો પૂછવાનો રેકોર્ડ છે એવી અનીતા ! (શાળની પ્રમુખ પણ ખરી) એની કોઠાસૂઝ વડે શાળાની પ્રવૃતિઓમાં ઉમેરેલી નવીનતા સદાય રહેવાની છે. એ તો પહેલા દિવસથી જ લીડરની જેમ જ વર્તી છે. એનાથી વિપરીત અંગ્રેજી માધ્યમથી શિફ્ટ થઈ શાળામાં આવેલા હર્ષિલને બોલતો સાંભળવા માટે કાન સતેજ કરવા પડતા.. એ સ્થિતિથી લઈને કોઈ પણ પ્રકારના પક્ષપાત વગર શાળાનું નેતૃત્વ કરતો જોઈને શાળા તરીકે જે પ્રક્રિયાઓ થઈ રહી છે તેની ઉપર શ્રદ્ધા બેસે છે . એને જે રીતે દિવ્યસિંહ, પ્રિન્સ, સાગર, રુદ્ર એ આખી ટીમને પ્રેરિત કરી છે તે જ તેના નેતૃત્વના કૌશલ્યનો નમૂનો છે. બચપણમાં કબૂતરને રહેવાની જગ્યા ને સાફ કરવા માટે પક્ષીઘરમાં ખોવાઈ ગયેલો પ્રિન્સ અમને સૌને આઠમા ધોરણમાં  ચીવટ પૂર્વક અભ્યાસ કરતાં પ્રિન્સ તરીકે પાછો મળી ગયો. હર્ષિલ ની જેમ જ અંગ્રેજી માધ્યમમાંથી આવીને ગુજરાતી અર્થગ્રહણને આત્મસાત કરનાર રુદ્ર હોય કે  પોતાના સ્વભાવની અંદર ફેરફાર કરી ઝીણી ઝીણી બાબતોને ધ્યાનમાં રાખી કાર્ય કરતો સાગર. સામાન્ય રીતે ચૂપ રહેતો પરંતુ ગુસ્સો આવી જાય ત્યારે સૌને વેરવિખેર કરી દેતો યુવરાજ…વર્ગ સિવાય બધે સ્વર્ગ લાગે : મોકો મળે એટલે લટાર મારી લેવાની ફિરાકમાં હોય એવો અમારો ગોલુમોલુ કીર્તિમાન ! ખાનગી શાળામાંથી તૂટેલા આત્મવિશ્વાસ ને એક એક કરીને સાંધા મેળ કરતા વીરેન્દ્ર અને વનરાજ ! જુદી જુદી સ્થિતિઓમાં સંઘર્ષ કરતા રહેતા કલ્પેશ, રાજેન્દ્ર, જયેશ, જીતેન્દ્ર  ! તમે સૌ એ અર્થમાં હીરો છો કે જેઓએ મુશ્કેલીઓની અંદર પણ શીખવા માટેની યાત્રા અટકાવી નથી. .

સુકલકડી શરીર અને મોટું બ્રહ્માંડ દેખાય તેવું હાસ્ય ધરાવતી દિશા -  અમારું પઢાકું વિમાન ! જેના વડે પ્રચલિત થયેલી ગણિતની રીતિ એકદમ વર્ષો સુધી સૌને યાદ રહેશે અને વપરાતી રહેશે… અને તે રીતિ એટલે રાકલા ના દાખલા ! વાત વાતમાં રિસાઈને જેને રીસાવામાં પણ બરાબર મહારત હાથ ધરી લીધી તેવી જાનકી - કે જેણે વર્ષ દરમિયાન ગ્રુપના લીડર તરીકે જ નહિ પણ પ્રવાસસચિવ તરીકે પ્રવાસ દરમિયાન વધુમાં વધુ શીખી શકાય,જાણી શકાય, માણી શકાય અને ઓછામાં ઓછી મુશ્કેલીઓ કેવી રીતે પડી શકે તેવું આયોજન કરીને બતાવ્યું. ત્યારે અમને (અને તેને પણ) સમજાયું  કે જો તે પોતાને કેવું લાગે છે તેની તરફ ધ્યાન આપવાને બદલે પોતે શું કરવું જોઈએ તેની તરફ ધ્યાન આપીએ તો જ શક્તિશાળી બની શકીએ.  તેનાથી તદ્દન વિપરીત સ્વભાવથી તેની સાથે જ જોડાઈને શાળામાં એકપછી એક નવીનતા ઉમેરતી જતી દિવ્યા. ધીમું અને ઓછું બોલે પરંતુ જ્યારે પણ કહે ત્યારે પોતાના વાતમાં અને અવાજમાં મક્કમતા ને બરાબર રજૂ કરી શકતી રાજેશ્વરી. કેટલાક ધીમે દળવાનું શરૂ કરે પરંતુ એટલું સરસ ઝીણું દળે  કે જેના કારણે શિક્ષકો તરીકે આપણને આપણી ઉપર જ નવાઈ લાગે આવું ઝીણું દળનારી ભૂમિ, શાળામાં અને વર્ગમાં જે સૌથી ઓછું બોલી હશે તેવી ભાવિકા પરંતુ તેની વૈચારિક સ્પષ્ટતા એટ્લી કે છોકરીને જન્મ આપે એટલે સ્ત્રીનો વાંક નથી એ વિજ્ઞાન દિવસે સૌને સમજાવી શકે. સાથે જ ઓરિગામી થી લઈ વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાનું તેનું કૌશલ્ય શાળામાં ફેલાયેલું જ રહેવાનું છે.  

હમણાં સુધી કોટે વળગી જતી જાદુ ઉર્ફે રોશની  અને ગાવાનું હોય, વગાડવાનું હોય, યોગાસન હોય કે નૃત્ય - બધામાં સહજતાથી છવાઈ જતિ જીનલ (ઉર્ફે 😀)  “મૈ મેરી ઝાંસી નહી દુંગી, ઝાંસી હમ હિન્દુસ્તાનીઓ કી હૈ એમ બોલતી વખતે તે પોતે કોણ છે તે ભૂલીને ઝાંસીની રાણી બની ગઈ હતી તેવી શ્રેયા !સર, આ મે બરાબર કર્યું ? હજુ આમ કરી જોઉં ? વગેરે પ્રશ્નોથી તૃપ્ત થતી તૃપ્તિ ! 'પ્રિયવચનમંદસ્મિતવતી'   વિશેષણ જેને સીધું લાગુ કરી શકાય તેવી આસ્થા ! બોલે તો બે ખાય જેવા નિયમથી કામ સિવાય બોલે જ નહિ એવી ક્રિષ્ના અને યેશા ! એકવાર જે બાબતમાં સ્પષ્ટ થાય એટલે એના વર્તનમાં એ સ્પષ્ટતા દેખાય જ એવી રીપલ ! દૂરથી ચાલીને આવવાનું થાય પણ જે શાળામાં આવવાનું ચૂકી નથી તેવી વિદ્યા, જયશ્રી, ધર્મિષ્ઠા! અને પોતાના એક મિનિટના રુદનના અભિનયથી બધાને હચમચાવી ગયેલી નિશા ! પોતાની શારીરિક ક્ષમતાઓને હસમુખા સ્વભાવથી વિસ્તારતી રહેતી હિના અને કુટુંબનું પાંજરું પહોળું કરવા મથતાં રસિલા, પિંકી, ઉષા અને હંસા. 

        ગણિત માટેની જેમની ઝડપ હવે ક્યારે કોઈ મેચ કરી શકશે કે કેમ ? એવી ત્રિપુટી - કુંજ, પૃથ્વીરાજ અને જયરાજ !

આપણા સૌની મુસાફરીની અગણિત સ્મૃતિઓ છે. એનું અજવાળું એટલું ફેલાયેલું છે કે આપણા શારીરિક અંતરો થઇ જવાથી આપણી ભીતરમાં કોઈ દૂરતા આવવાની નથી.

સૌ પોતપોતાની આનંદયાત્રામાં આગળ વધો ! 🙏🙏


April 28, 2024

કલાઓનો ષટકોણ અને જીવન કૌશલ્યોનો પંચકોણ

કલાઓનો ષટકોણ અને જીવન કૌશલ્યોનો પંચકોણ 

પરીક્ષા પછીની શાળામાં ખાલીપો લાગે તો સમજવું કે આપણું વર્ષ દરમિયાનનું કાર્ય પરીક્ષાકેન્દ્રી જ હતું. આપણે સૌએ ભેગાં મળી શીખવા વિષે ખાસ વિચાર કર્યો નથી. સતત શીખવાની કોઈ સીમા નથી હોતી એ બોલવા અને સાંભળવામાં જેટલું સારું લાગે છે, એ અનુભવવા માટે આયોજન જોઈએ.

સામાન્ય વર્ષોમાં પરીક્ષા પૂરી થાય એટલે ગામનો ઉત્સવ એટલે કેગ્રામોત્સવરાહ જોતો ઉભો હોય છે. એ ઉત્સવની તૈયારીમાં શાળા આખું વર્ષ સક્રિય હોય એના કરતાં પણ વધુ સક્રિયતા અનુભવે. તેની તૈયારીઓ માટે શાળાના સમયમાં વધારો થઈ જાય. આ વર્ષે ચૂંટણીની આચારસંહિતાના કારણે ગ્રામોત્સવને ચૂંટણી પછી ઉજવીશું. એવું નક્કી થતાં જ પરીક્ષા પછી શાળાના કેમ્પસમાં શું કરવું ? એના વિચારરૂપે જે પહેલો પ્રયોગ આયોજિત કર્યો તે હતોકલાઓનો ષટકોણ. જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ પાંચ સુધીના બધા બાળકોને જુદા જુદા છ દિવસ સુધી જુદી જુદી કલાઓ ઉપર હાથ અજમાવવાનો મોકો મળે.

કલાઓ પરિચિત હતી. પરંતુ તે માટે જરાક જુદી પ્રક્રિયા નિશ્ચિત કરી કે જેથી તે બાબતમાં નવા વળાંકો આવી શકે જેમ કે…

  • નાચો ગાઓ રચો.. > એ માટે જુદા જુદા અભિનય ગીત શિક્ષકો દ્વારા કરાવવામાં આવે ત્યારબાદ તેઓ જૂથમાં બેસે અને એવા અભિનય ગીતો બનાવવાનો પ્રયત્ન કરે ફરી પાછા બધા એકત્ર થાય અને પોત પોતાના પ્રયત્નો એકબીજા સાથે વહેંચે. શિક્ષકો માટે શરત એટલી હતી કે તેઓએ જ અભિનય ગીત કરાવવાના છે તે અત્યાર સુધી તેમણે આ શાળામાં કરાવ્યા ન હોવા જોઈએ એટલે વર્ષ દરમિયાનમાં જે ગીત ક્યારેય જે શિક્ષક પાસેથી ન સાંભળ્યું હોય તેવું ગીત બધા બાળકોને સાંભળવા અને અભિનય કરવા માટે પ્રાપ્ત થયું.
  • વાર્તા રે વાર્તા માં પણ અવનવી વાર્તાઓ સાંભળવી - રચવી - કહેવી અને નાદ ગજવીએ માં જુદા જુદા વાદ્યો પર હાથમાં અજમાવવા.
  • માટી સાથેની મજાની પણ આ જ શરત હતી કે આપણે વર્ષ દરમિયાન જુદા જુદા પ્રસંગોએ માટીમાંથી રમકડા વગેરે બનાવીએ છીએ પરંતુ તમારે આ વખતે માટીમાંથી એવી કૃતિ બનાવવાની છે કે જે તમે અત્યાર સુધી ક્યારેય બનાવવાનો પ્રયત્ન ન કર્યો હોય અને સાચે જ એમાટી સાથેની મજામાંમજાથી બનેલી આ કૃતિઓથી અમને તો ઘણી મજા પડી ગઈ.
  • માટી સાથે કરેલી આ મજામાં ની જેમ જ કાગજ કે ફૂલમાં ઓરીગામી માટે એવી જ શરત હતી કે પહેલા ઇન્ટરનેટ ઉપરથી કાગળ માંથી કેવી કેવી વસ્તુઓ બની શકે તે જુઓ અને ત્યારબાદ તેમાંથી જનરેટ કરેલા વિચારો મુજબ કાગળની કૃતિઓ બનાવવી.
  • જો કે સૌથી વધુ મજા બધાનેરમે તેની રમતમાં આવી જેમાં સૌ પોતે ઘરે કઈ કઈ રમતો રમે છે શેના વડે રમે છે કેવી રીતે રમે છે કોની સાથે રમે છે તેવા પ્રકારની વાતો તો કરી જ સાથે સાથે જે રમતો અત્યારે ઓછી રમાય છે તેવી ભમરડો ફેરવવો,ગીલી ડંડા રમવા,વ્યાપાર-ચોપાટ, લખોટી જેવી રમતો રમ્યા પણ ખરા.

જ્યારે ધોરણ છ થી આઠ માં પણ પરીક્ષાઓ પૂરી થઈ એટલે ફરીથી એવો વિચાર કર્યો કે હવે બીજું શું કરી શકાય? એક પ્રસ્તાવ તો તેમણે મનમાં બનાવી જ લીધો હતો કે રમત તો રીપીટ કરવી જ પડશે! બીજા ચાર વિષયો પર તેમની સાથે ચર્ચા કરી તે પૈકી, દર વર્ષે જે રીતે તેઓ જૂથમાં બેસી વ્યક્તિત્વ વિકાસ માટેના ગુણ નક્કી કરે છે તે માટેનો દિવસ નિશ્ચિત થયો. જેમાં સૌપ્રથમ જે તે વિદ્યાર્થીને જ પૂછવામાં આવે છે કે તેને કેટલા ગુણ આપવામાં આવે ? દાખલા તરીકેસહાધ્યાયીને મદદ કરે છે.” - એ વિધાન માટે. તો સૌ પ્રથમ જેના ગુણ મુકાતા હોય તેને જ પુછાય છે કેતને શું લાગે છે?” તે જે આંકડો કહે તેની ઉપર ગ્રુપમાં ચર્ચા થાય છે અને સર્વાનુમતે તેના ગુણ મૂકવામાં આવે છે. આ આખી પ્રક્રિયામાંગુણએટલે કેમાર્કસને બદલેગુણએટલે કેક્વોલિટીવધુ મહત્વની બની જતી હોય છે.

બીજા દિવસે જુદી જુદી સર્જન ક્રિયાઓનો ઉપક્રમ રાખ્યો. જેમાં તેમને ગમે તેવા ચિત્રો,વાર્તાઓ, કવિતાઓ કે નિબંધો લખવા. અહીંયા પણ ધોરણ ત્રણ થી પાંચમાં કર્યું હતું તે મુજબ અત્યાર સુધીમાં ન દોર્યા હોય તેવા ચિત્રો,ગીતો કે કવિતાઓ વિશે વિચારો તેની ઉપર ભાર મૂક્યો હતો. દોરતાં પહેલાં વિશ્વના પ્રખ્યાત ચિત્રો તેઓને બતાવવામાં આવ્યા જેમાં મોનાલીસા થી માડીને પાબ્લો પિકાસો સુધી ગયાં . આના કારણે આ ઉંમરે તેઓ માત્ર જે પ્રકારના ચિત્રોથી બંધાઈ ગયા હોય તે ચોકઠું થોડુંક હળવું થાય અને કેટલાકના ચિત્રોમાં તે હળવાશ દેખાઈ પણ ખરી. એ જ રીતે એક દિવસ અક્ષરની સિક્સર મારી ! જ્યાં અક્ષરોને પણ ઉકેલી શકાય તેવા ચિત્રોમાં બદલવાનો પ્રયાસ કર્યો.

પંચકોણ”  ઉત્સવમાં જે દિવસની મજા સૌથી વધુ રહી તે છેવિચાર વિશે વિચાર કરીએ” !  ત્યાં અમે સૌ સાથે મળી એક કોંગલોમ રૂપે આપણે કોઈપણ પરિસ્થિતિમાં જે વિચાર કરીએ છીએ, ત્યારે તે માટેના કયા પગથિયાં આપણા મગજમાં રચાય છે? - તેના વિશે ચર્ચા કરી. આના જ એક્સટેન્શન રૂપે બંધારણ રચવું હોય તો આપણે કેવા પ્રકારે વિચારણા કરવી જોઈએ તેનો વિચાર કર્યો. આમ સતત રોજેરોજ જે પ્રકારની પ્રક્રિયાઓમાં શૈક્ષણિક સામગ્રી આડ ખીલી રૂપ બનતી હતી, એની ગેરહાજરીમાં તેમને અનુકૂળ પડે તેમ વાતો કરતાં કરતાં - ચર્ચા કરતાં કરતાં કેટલુંક તારવતાં -  નોંધાતાં જઈને શીખવાની મજા પડી.

. આ બધા ફોટોગ્રાફ્સ અને વીડિયોમાં આ દસે દિવસોનો આનંદ તમે પણ માની શકશો.







October 24, 2021

શેરીઓમાં..


શેરીઓમાં..  

પ્રવૃત્તિ વિના વર્ગખંડો શક્ય નથી. પરંતુ વર્ગખંડ વિના પ્રવૃત્તિઓ શક્ય છે. કોરોના કાળમાં અમે અનુભવેલ સત્ય આધારિત ઘટનાઓ પરથી કહી શક્યા છીએ.

શેરીમાં શાળા પહેલાં નવીન વાત હતી. શરૂઆતમાં પૂર્વાગ્રહી બની વિચારતાં કે શેરીમાં શૈક્ષણિક કાર્ય માટેનો અસંતોષ રહેશે. મહેનત તેટલું  ફળ મળશે નહીં. ભણવા માટેનું વાતાવરણ બનશે નહીં. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટેના સાધનોની અગવડ વચ્ચે બાળકોને ભણાવવા કરતાંય ભણવાનું ભૂલી જાય તે જોવું રહ્યું. આવા તર્ક સંગત શરૂ થયેલ શિક્ષણ કાર્યને હવે શેરી શિક્ષણ કહેવું તેટલું સીમિત રહ્યું નથી. રોજેરોજના અનુભવો પછી બાળકો માટે હવે જાણે કે ઘરશાળા - ગામ - શેરી જેવુ અલગ અલગ કઈ રહ્યું નથી. અમને ખબર પડી જ્યારે અલગ અલગ પ્રકારના ફૂલમાંથી માળા બનાવવાની વાત પર્યાવરણમાં ચંદુભાઈએ કરી. શાળામાં પ્રવૃત્તિ કરાવતાં હતા ત્યારે તો બાળકો શાળા કેમ્પસ પૂરતી ફૂલોની શોધખોળ કરતા હતા. ગામમાં શેરીમાં પ્રવૃત્તિ કરવાની થતી હતી ત્યારે ફૂલ શોધવા કયા જવું મૂંઝવણ અમારી નકામી સાબિત થઈ. ફળીએ ફળીએ કોના ઘરે કયા ફૂલો મળશે શોધીપૂછી અલગ અલગ પ્રકારનો ઢગલો કરી નાખ્યો.

ભાવેશ દફતર લાવતો નથી. વિષય પ્રમાણે પુસ્તકો લઈ જે તે શિક્ષક પાસે શેરીમાં જતો રહે છે. કેમ કે તેના માટે તો પોતાની શેરી શાળા બની ગઈ છે. પ્રિતેશ ભણતાં ભણતાં ઘરે જઈ ખાઈ આવે છે. રંગોળી બનાવવા માટે વિચાર્યું ત્યારે પણ બાળકોએ આંગણું શોધવાની પળોજણ કરવાને બદલે શેરીમાં રસ્તો શણગારી દીધો. ભણવાની કે શીખવાની કે પછી પ્રવૃત્તિઓ કરવાની બાબતમાં શાળા શિક્ષણ કે શેરી શિક્ષણએમાં બાળકો કઇં ફર્ક નથી પડવા દીધો. હા, શેરી શિક્ષણથી એક ફરક જરૂર પડયો છે કે હવે શાળાની સીમાઓમાંથી બાળકો બહાર નીકળી ગયા છે. આજે તો આખું ગામ જાણે કે શાળા ભવન જેવુ બાળકોને લાગી રહ્યું છે, અને એટલે તો નિર્જલાનું કચ્છી ભરતવાળું ચિત્ર જોવા અને તેના વિશે તેને બોલતી સાંભળવા આખું ફળિયું ભેગું થાય છે. મેઘધનુષ્યના સાત રંગો વિશેની અદિતિની વાતમાં બધાં જોડાય છે. કુહૂ પુસ્તકમાં આપેલી સૂચના મુજબ બાળકોને વૃક્ષાસન કરતાં જોઈ આંગણાંમાં રમતાં ટેણિયા પણ જોડાય છે.

શાળા ઇચ્છતી હતી કે  વર્ગખંડોના વાડા તૂટે, પરંતુ અહીં તો શાળાઓની સીમાઓ પણ ઓગળી ગયેલી છે.”







વધુ ફોટોગ્રાફ્સ >   નવાનદીસર ફેસબુક