Showing posts with label પર્યાવરણ. Show all posts
Showing posts with label પર્યાવરણ. Show all posts

December 14, 2025

વર્ગખંડની બહાર, પ્રકૃતિના દ્વાર !

વર્ગખંડની બહાર, પ્રકૃતિના દ્વાર !

બાળકોને સૌથી વધુ મજા આપનાર વિષય હોય તો તે “પર્યાવરણ” છે! આવું અમે નહીં, અમારા અનુભવો કહે છે. પર્યાવરણ જ કેમ? એવો જો તમારો પ્રશ્ન હોય તો અહીં આપણે તેને સમજવા કેટલીક મથામણ કરવાની છે! ચાલો સમજીએ, પર્યાવરણ જ કેમ?

કેટલાંક કારણો પૈકીનું એક કારણ જે અમારા ધ્યાને આવ્યું છે તે એ છે કે, બાળકોને તેમની આસપાસનું જાણવામાં ખૂબ રસ હોય છે! હોય પણ ખરો ને - આખરે આપણા સૌમાં પ્રકૃતિ સાથે સહવાસ કરવાનો સ્વભાવ રહેલો જ છે. એટલે બાળકો તેના વિશે જાણવા ખૂબ જ ઉત્સાહિત હોય છે.

બીજું એક કારણ છે, પર્યાવરણ એ વર્ગખંડની બહાર રહીને શીખવાનો વિષય છે. જેમાં બાળકોને વારંવાર ખુલ્લા વાતાવરણમાં ટહેલવા મળે છે. ફક્ત સાંભળીને કાન પકવવાને બદલે તમામ ઇન્દ્રિયો શીખવાના આનંદને માણતી હોય છે!

ત્રીજું એક કારણ છે - પર્યાવરણનો શિક્ષક 'લેક્ચરર' બનવાને બદલે 'ફેસિલિટેટર' (માર્ગદર્શક) બની રહે તેવો આ વિષય છે. કેટલાક વિષયવસ્તુ તો એવા હોય છે કે જેમાં બાળકોનું પૂર્વજ્ઞાન આપણા સૌ કરતાં પણ વધારે ધારદાર હોય છે. તેવામાં તો શિક્ષક તરીકે સાથે ન હોઈએ તો પણ વધુ મજાથી તેઓ શીખતા-સમજતા હોય છે!

પર્યાવરણ એ ફક્ત વિષય નથી, પરંતુ તેમાં આવતાં 'લર્નિંગ આઉટકમ્સ' (શીખવાના નિષ્કર્ષો) દ્વારા સંસ્થાઓનો “બાળકને પ્રકૃતિ સાથે હોવાનો અહેસાસ કરાવવાનો પ્રયત્ન” હોય છે. પ્રકૃતિ સાથેનો સહવાસ ત્યારે જ શક્ય છે જ્યારે બાળક તેના વિશે પૂરું જાણતું અને સમજતું હોય! બાળકને બાળપણથી સામાજિકતાનો અહેસાસ જેમ સમાજ કરાવે છે, તેમ પ્રકૃતિનો અહેસાસ કરાવવાનું કામ શાળા તરીકે આપણું છે.

ધોરણ-4 માં પર્યાવરણમાં પક્ષીઓ વિશે જાણવા-સમજવાના લક્ષ્ય સાથે આપેલી એક પ્રવૃત્તિને અમારા પર્યાવરણ શિક્ષક શાંતિલાલ નવાનદી સરે કરાવી, તેને માણીએ તેમના જ શબ્દોમાં...

"પર્યાવરણ વિષય ભણવો એટલે આંખ, કાન, નાક, ચામડી અને જીભ - આ પાંચેય ઇન્દ્રિયોને ખુલ્લી રાખીને અનુભવ કરવો. સંવેદના અનુભવવી અને અવલોકન કરવા જેવાં કૌશલ્યો કેળવવાં. અમે ધોરણ-4 માં આવતા એકમ 'કામનો મહિનો' માં પક્ષીઓ માળા ક્યાં બનાવે છે? કેવી રીતે બનાવે છે? માળો બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કરે છે? જેવા મુદ્દાઓ વિશે બાળકોના અવલોકનો અને અનુભવોની ચર્ચા કરી.

પાઠને અનુરૂપ જુદા જુદા પક્ષીઓના માળા બનાવવાની પ્રવૃત્તિનું આયોજન કર્યું. વર્ગના ચાર ગ્રુપ - વાયુ, જળ, અગ્નિ અને પૃથ્વીને માળો બનાવવા કઈ કઈ સામગ્રી જોઈશે તેની યાદી તૈયાર કરાવી. વાયુ ગ્રુપ = દરજીડો, જળ ગ્રુપ = ચકલી, અગ્નિ ગ્રુપ = સુગરી અને પૃથ્વી ગ્રુપ = કબૂતરનો માળો બનાવવા માટેની સામગ્રી ઘરેથી લાવશે તેવું આયોજન કર્યું.

બીજા દિવસે ચારેય ગ્રુપ મેદાનમાં જુદી જુદી જગ્યાએ માળો બનાવવા બેસી ગયા. બધા બાળકો સળીઓ, પાંદડાં, દોરા, રૂ, તાર જેવી સામગ્રી વીણી લાવ્યા હતા. બધા જ ગ્રુપમાં બાળકો પોતપોતાના અનુભવ અને અવલોકન પ્રમાણે કામ કરી રહ્યા હતા. મજા તો એ વાતની આવી કે સુગરીનો માળો બનતો જ નહોતો! દરજીડાનો માળો આબેહૂબ બની શક્યો. કબૂતરનો માળો બનાવી તેમાં રૂનાં ઈંડાં બનાવીને મૂક્યાં!

આ પ્રવૃત્તિથી બાળકોની અવલોકન કરવાની દ્રષ્ટિ કેળવાઈ અને તેઓ પ્રત્યક્ષ અનુભવ મેળવી શક્યા. પ્રવૃત્તિ દરમિયાન સંવાદ કરતાં પૂછ્યું કે - 'માળામાં રૂ, વાળ, દોરા, કપડાં કેમ મૂક્યાં છે?' તો તેમનો જવાબ હતો - 'માળો મુલાયમ અને હૂંફાળો રહે તે માટે!'"

આપણે વિચારી શકીએ છીએ કે પક્ષીઓ માત્ર ચાંચ વડે કેવું સુંદર ઘર બનાવે છે! આપણે ભેગા મળીને પ્રયત્ન કરીએ તો પણ દરજીડા જેવો માળો બનાવી શકતા નથી.

- શાંતિલાલ નવાનદીસર, પર્યાવરણ ફેસિલિટેટર

આશાસ્પદ છીએ કે સંસ્થા તરીકે બાળકના મનપસંદ વિષયને પ્રવૃત્તિસભર બનાવવાના પ્રયત્નો દ્વારા જ બાળકો જાણશે કે - “અલ્યા, માળો બનાવવો કેટલું અઘરું કામ છે!” અને કોઈ માળાને નુકસાન કરતા પહેલાં તેમને આ પ્રવૃત્તિ ચોક્કસ યાદ અપાવશે કે - “રુકો જરા, સબર કરો - અને વિચારો - કે આ પક્ષી જેવો માળો તું ફરી બનાવી શકીશ ખરો?”

રીડિંગ રીલ્સ

ઇન્દ્રિયજન્ય શિક્ષણ : પર્યાવરણ શિક્ષણ એ માત્ર વર્ગખંડમાં સાંભળવાનો વિષય નથી, પણ પાંચેય ઇન્દ્રિયો દ્વારા અનુભવવાનો વિષય છે.


July 20, 2025

જલસા @ ખેતર !

જલસા @ ખેતર !

ખેતરની મુલાકાત માટે ગઈકાલે જયદીપ ભાઈને રસ્તા વિશે પૂછ્યું હતું કે ચોમાસાને કારણે રસ્તો બગડી તો નથી ગયો ને? તો તેમણે હસતા હસતા કહ્યું કે 'અરે, ગઈ વખતે ગયા હતા તે જ રસ્તે તમે બાળકોને લઈને આવજો, કોઈ વાંધો નથી.' પછી અમે શાળામાં પ્રાર્થના અને નાસ્તો પતાવી, ખેતરની મુલાકાતે જવા માટે અમારી નાની ફોજ (બાલવાટિકા - પહેલુંઅને બીજું) નીકળી પડી. શાળાથી ખેતર કંઈ બહુ દૂર નહોતું, એટલે રસ્તામાં છોડ, ઝાડ, ભેંસ, ગાયને જોતા જોતા, તેમની સાથે વાતો કરતા કરતા ખેતરે પહોંચી ગયા.

અમને જોતાં જ ખેતરમાં રહેતા બે ભાઈઓએ બાળકોને બેસવા માટે જગ્યા વાળીને સાફ કરી દીધી હતી, જાણે અમારી જ રાહ જોતા હોય! અમને આવતા જોઈને જ તેઓ દોડીને બેસવા માટે પાથરણાં પાથરવા લાગ્યા. એટલામાં જયદીપભાઈનો ફોન આવ્યો અને કહ્યું કે 'અરે, તમે નીકળ્યા તો અમને કેમ ફોન ના કર્યો!' થોડી જ વારમાં તેઓ બાળકો માટે પેંડા અને ચેવડો લઈને આવ્યા. 'અરે, આ બાળકો અમારા ખેતરમાં ક્યાંથી!' – તેમના ચહેરા પરનો આનંદ અને આશ્ચર્ય ખરેખર જોવા જેવું હતું, જાણે કોઈ અણધાર્યો ઉત્સવ આવી ચડ્યો હોય!

 કેટલાક બાળકોએ પહેલીવાર જ ખેતર જોયું હતું, એટલે તેમની આંખોમાં એક અલગ જ ચમક હતી, જાણે કોઈ નવી દુનિયા ખૂલી ગઈ હોય! તેઓ ખેતરમાં રહેલો ચાડિયો જોઈને પૂછવા લાગ્યા કે 'પેલું ભૂત છે?' તો અમારા કહેતા પહેલાં, જે બાળકોને ચાડિયા વિશે ખબર હતી, તેઓબોલી પડ્યા  'ખેતરમાં કોઈ ઢોર, ભૂંડ કે પક્ષીઓ આવીને વાવેલું બગાડી ન નાખે, તેના માટે ચાડિયો ઊભો રાખવામાં આવે છે. તે માણસ ખેતર સાચવે તેમ આપણું ખેતર સાચવે છે.' તો જેને પહેલીવાર ચાડિયો જોયો હતો, તે તો નવાઈ જ પામી ગયા! જાણે તેમની બાળસહજ દુનિયામાં એક નવું પાત્ર ઉમેરાયું - ચાડિયો !

ખેતરમાં વાવેલા ગુલાબને તેઓ ટગર ટગર જોઈ રહ્યા. પણ કોઈએ એ ફૂલને તોડ્યું નહીં. (હમમ સમજદારી તો સાચી !) ખેતરમાં પાળ બાંધીને થોડું પાણી ભરાયું હતું, તો બાળકોને પૂછ્યું કે 'આ ખેતરમાં શું વાવવાનું હશે?' તો તરત જ તેમનામાંથી જવાબ મળ્યો કે 'ડાંગર વાવવાની હશે.' પછી તો પૂછવું જ શું? ડાંગરમાંથી શું શું બને તેના તો કેટલાય નામ આવી ગયા. અને કેટલીય નવી વાનગીઓ સાંભળવા મળી! અમને પણ એમની પાસેથી નવું જાણવા મળ્યું. જો આપણે બાળકોને ખેતરની મુલાકાતે ન લઈ ગયા હોત, તો ડાંગર કેવી રીતે પાકે અને તેમાંથી શું બને તે આપણે તેમને વર્ગમાં ક્યારેય આટલી સચોટ રીતે સમજાવી શક્યા ન હોત. આ જ તો સહજ શિક્ષણનો જાદુ છે! પછી તો ખેતરમાં રાયણ, આંબલી, લીમડો, મોર, બગલા અને બીજું ઘણું બધું જોયું... અને 'વડલા ડાળે વાંદરા ટોળી કરતી હૂપાહૂપ' ગીત ગાવાની પણ ખૂબ મજા પડી ગઈ. જાણે આખું ખેતર જ અમારી પાઠશાળા બની ગયું હોય!

ગીત ગાઈ, નાસ્તો કરી અને વાતો કરતાં કરતાં અમારી ટીમ શાળામાં પરત જવા માટે નીકળી પડી. આજની આ મુલાકાત ખરેખર ખૂબ જ આનંદદાયક રહી! અમને અને બાળકોને ખૂબ જ મજા આવી! આ નાનકડી મુલાકાત જાણે જીવનના એવા પાઠ શીખવી ગઈ, જે કોઈ પુસ્તકમાં ન મળે, પણ સીધા હૃદયમાં ઉતરી જાય.




January 23, 2025

મમતામયી મહિસાગર !

મમતામયી મહિસાગર !

“પ્રકૃતિ” નો આનંદ એ માનવ જીવનનો એક અગત્યનો હિસ્સો રહ્યો છે. પ્રકૃતિ હંમેશાં આપણને એક અનેરો આનંદ આપી આપણા જીવનમાં નવી ઊર્જા સંચારનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે. એટલે જ તો ઘણા બધા તહેવાર આપણી પ્રકૃતિમાં થતા ફેરફારોને આધારે ઉજવાતા આવ્યા છે, અરે હા તમે આ વાંચતાં હશો ત્યારે જ આવો એક તહેવાર નજીકના સમયમાં પોતાને ઊજવવા આવી રહ્યો છે. યાદ કરો !!

માનવનો મૂળ સ્વભાવ પ્રકૃતિ પ્રેમી તરીકેનો રહ્યો છે. એનું કારણ પણ છે કે માનવ જીવન એ પણ પ્રકૃતિનો પોતાનો જ એક ભાગ છે. તેની સાથે ગૂંથાયેલા જીવનને માણતાં માણતાં કરોડો વર્ષોની ઉંમર માનવે ધારણ કરી છે. એટલે જ આપણા મૂળમાં પ્રકૃતિ એ સ્વભાવ તરીકે વણાઈ ગઈ છે. આપણું અસ્તિત્વ જ જેના આધારે ટકેલું છે, - તેનાથી દૂર થવું અથવા દૂર રહેવું અશક્ય છે. પરંતુ વર્ષો પછી બદલાતી માનવ ટેવો - વિકસતી જતી માનવ જીવન શૈલી અને જરૂરિયાતો સંદર્ભે કુદરતી ના ઓપ્શનમાં તેના જેવી જ કુત્રિમ પૂર્તતાઓ એ આપણને પ્રકૃતિથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે. આમ તો પૃથ્વી પર પ્રકૃતિથી દૂર થવું તો શક્ય જ નથી - પરંતુ તેની નિકટતાનો અહેસાસ આપણે આપણી સંવેદનાઓમાંથી ખોઈ ચૂક્યા છીએ. આવી બની ચૂકેલી આપણી જીવનશૈલીમાં બદલાવ કેવી રીતે લાવી શકાય? - શાળા કક્ષાએ બાળકોમાં કેવી ટેવો વિકસાવી શકાય તેના મનોમંથને જ શાળાએ કૂકૂન સાથે હાથ મિલાવ્યા હતા.

કૂકૂન દ્વારા બાળકોમાં આસપાસની પ્રકૃતિને - એટલે કે આસપાસનાં જીવજંતુ - પક્ષી - પ્રાણી - વનસ્પતિ - બધાંને કેવી રીતે માણવા સાચવવા - જાળવવા અને સાથે સાથે તેઓને જાણવા ની દ્રષ્ટિ આપવાના પ્રયાસ કર્યા. બાળકો પણ પોતાની આસપાસના માહોલમાં તે અંગે જાગૃત થયાં. શાળા કેમ્પસમાં - સાહેબ, મેં તો આજે આવું પતંગિયું જોયું હતું, સાહેબ મારા ઘરની પાસે લાંબી ચાંચ વાળું એક પક્ષી હતું - મેં પહેલીવાર જોયું. - આવા ડાયલોગ સંભળાતા થયા. બાળકોમાં પ્રકૃતિ પ્રત્યેની આવી નજર પેદા કરવા બદલ શાળા કૂકૂનની આભારી છે. શાળાનું કામ તેને જાળવી રાખી તેમાં નવીનતાઓ ઉમેરવાનું છે.

આવી જ નવીનતાઓ માટે શાળા દર વર્ષે એક દિવસ - પ્રકૃતિનો આભાર માનવા / માણવા જાય છે. દર વર્ષે શાળા દ્વારા યોજાતા પર્યટન આવા જ ઉદ્દેશ્ય દ્વારા શરૂ કરાયેલ પ્રવૃત્તિ/પ્રસંગ નો જ એક ભાગ છે. ગામની નજીક આવેલ મહીસાગર નદી કે જેને અમે સૌ માતા તરીકે માનતાં/માણતાં આવ્યાં છીએ તેને વર્ષે એકવાર મળવા જઈએ છીએ. જેમાં થતી ક્રિયાઓ ખૂબ જ આહલાદક હોય છે. પગપાળા જવું ખેતરો ખૂંદવા - કોતરો ઓળંગવા - ચાલવું - દોડવું - ઊંચકવું - નાચવું - ગાવું - રમવું - કૂદવું - લટકવું - ઊછળવું - માનવ જાત આનંદમાં આવે અને જે જે કરે તે તમામ વર્તન આ પ્રવાસમાં માણવા મળતી હોય છે. એટલે જ તો શાળા દર વર્ષે ગ્રામોત્સવની જેમ જ આ તહેવારની રાહ જોઈને બેઠી હોય છે. પરંતુ આ વખતે પર્યટન માટેના આયોજન સમયે થયેલ કેટલીક ઘટનાઓ ઉત્તેજના પેદા કરનારી હતી..

આમ તો દર વખતે દિવાળી વેકેશન પૂર્ણ થાય અને શાળા ખૂલે કે તરત જ કેબિનેટમાં નિર્ણય લેવાઈ પર્યટનનો દિવસ નક્કી થઈ આયોજન થઈ જતું. પરંતુ આ વખતનું વાતાવરણ કંઈક અલગ હતું. દિવાળી વેકેશન બાદ ન નિવારી શકાય તેવા અને બાળકોએ વ્યસ્ત રહેવા પડે તેવા કાર્યક્રમો સતત અને સળંગ આવતા રહ્યા. એવામાં કેબિનેટ પોતે જ વ્યસ્ત હોય - કેબિનેટમાં પર્યટનનો મુદ્દો આવ્યો ખરો પણ ઉભરાની જેમ ! ચર્ચાનો અભાવ અને પ્રવાસ સચિવના સ્વભાવગત [ કહેશે તો કરીશું ] ને કારણે સમય વહેતો ગયો પણ પર્યટન જેવું કોઈ પ્રાર્થના સભામાં જાહેર ન થયું. બીજી બાજુ બાળકોમાં “બાહુબલી“ ના રાજ્યાભિષેક સમયના પેલા દ્રશ્યની જેમ ગણગણાટ શરૂ થયો હતો અને ચર્ચાઓમાં વારંવાર “પર્યટન ક્યારે“ વાળો સૂર સંભળાવવા લાગ્યો ત્યારે અમારો પ્રવાસ સચિવ જાગ્યો. અને જાહેરાત કરી દીધી કે પરમ દિવસે પર્યટન !

પ્રવાસ સચિવની ઓચિંતી જાહેરાતે આખી કેબીનેટને કામે લગાડી. કોણ શું કરશે - કોણ શું સંભાળશે તેની તાત્કાલિક સત્તાઓ સોંપાઈ.. અને શાળા બાળ પ્રવાહ નીકળ્યો માતાને મળવા - ગત આખું વર્ષ તાજામાંજા રાખ્યાં તેનો આભાર માનવા અને આવતા વર્ષ આખાય પંથકને આનંદમાં રાખજો તેવા આશીર્વાદ માંગવા !

ચાલો માતાને ખોળે જઈ પ્રકૃતિના આનંદને માણવા અને તે આનંદને માંગવા માટે યોજાતા પ્રસંગને ક્લિક કરી માણીએ !  >> ક્લિક કરો > અને માણો !



June 18, 2024

🌸બટરફ્લાય ઇફેક્ટ

🌸બટરફ્લાય ઇફેક્ટZ

કોઈ મોટા ફેરફાર તરફ થતા નાના ફેરફારો કે પ્રસંગોને આપણે બટરફ્લાય ઇફેક્ટ તરીકે ઓળખીએ છીએ. પરંતુ, બટરફ્લાયને ખાસ ગણકારતા નથી. ધોરણ - 5 ના ભાષાના પુસ્તકમાં એક વાર્તા છે, “છેલ્લું પતંગિયુંએમાં ટાઇમ મશીનમાં બેસી ડાયનાસોર સમયમાં જઇ એક ઉદ્ધત ધનવાન માણસ પતંગિયું મારી નાખે છે. એટલા વર્ષો પહેલા એ પતંગિયાના મૃત્યુથી જગત વેરાન બની જાય છે. 

આ વાર્તામાં માત્ર ટાઇમ મશીન જ કાલ્પનિક છે. આટલા યુગોથી માનવ પોતાના સ્વાર્થ માટે શરૂઆતમાં અભાનપણે અને હવે પૂરેપૂરી સભાનતાથી પર્યાવરણનો ખુડદો બોલાવી રહ્યો છે. આપણને સૌને એ બાબતનો કોઈ અહેસાસ પણ થાય એ પહેલાં આપણા કાર્યો વડે આ સૃષ્ટિને નુકશાન પહોંચી ચૂક્યું હોય છે ! 

કુદરતી રીતે જે ક્રમ ગોઠવાયેલો હતો એ આપઅને ખોરવી રહ્યા છીએ. એ ખોટકાયેલા ચક્રને સરખું કરવા જતાં બીજી ભૂલો કરી નવી મુશ્કેલીઓને આમંત્રણ આપી છીએ. મનુષ્યની સ્થિતિ પર્યાવરણ સંદર્ભેએક સાંધે અને તેર તૂટે એવી છે.” 

પર્યાવરણ વિષે જાગૃતતા માટે શાળા પોતાની સૂઝ વડે શક્ય તેટલા પ્રયાસો કરતી રહી છે.આ પ્રયાસોને પાંખો આપે છે આપ જે વાંચી રહ્યા છો તેવા વર્ચ્યુઅલ મિત્રો (Friends Of Nava Nadisar)  સાતેક વર્ષ પૂર્વે ઓનલાઈન ઓળખાણથી રૂબરૂ આવેલા નરેન્દ્રભાઈએ ઓળખાણ કરાવી શ્રી રાહુલ ભાગવતની - એમણે વાઇલ્ડ લાઈફ વિષે, જુદા જુદા પક્ષીઓ વિષે, ઝેરી કે બિનઝેરી સાપ કેવી રીતે ઓળખાવો જેવા મુદ્દાઓની ચર્ચાઓ કરી. એના પછી બાળકોમાં એ તરફ જોવાની દ્રષ્ટિમાં બદલાવ અમને અને વાલીઓને દેખાતો થયો. 

Friends of Nav Nadisar ની કડીમાં ભાર્ગવભાઈએ નવા મિત્રોની ઓળખાણ કરાવી. કાર્તિકભાઈ અને વિનસભાઈ. જેમ એક કકૂનથી શરૂ થતી યાત્રા રંગબેરંગી પતંગિયા સુધી પહોંચે તેમ એમણે શરૂ કરેલું મિશન Cocoon (community for conservation of nature) પણ આપણા પતંગિયાં  સુધી પહોંચ્યું. 

પોતાના વ્યવસાયિક કાર્યને અટકાવી ૮૦ - ૯૦ કિમી દૂર એક શાળા સાથે ચર્ચા કરવા પહોંચવું એ જ તેમની આ વિષય માટેની નિસબત ઉજાગર કરે છે. ચર્ચા અંતે સૌ પહેલાં પોલીનેટર વીકની ઉજવણીનો એક દિવસ કકૂન સાથે નિશ્ચિત થયો. 

સામાન્ય રીતે શાળા આયોજન વિદ્યાર્થીઓ જ કરે છે તેમ તેમણે જુદા જુદા ગ્રૂપમાંથી પચાસ વિદ્યાર્થીઓ તારાવ્યા કે જેઓ આ કાર્યક્રમમાં જોડાશે. વિનસભાઈ અને દેવાંશીએ ડિજિટલ માધ્યમથી આંકડા - ચિત્રો અને પુસ્તકો સાથે તેમની સામે - આ પાંખોવાળાઓ આપની આ સૃષ્ટિમાં કેટલાં મહત્વના છે તેના વિષે તેમના સ્તરે જઈ ચર્ચાઓ કરી. પોતાના જ કેમ્પસને ફરી નવી રીતે જોવા માટેનો મોકોપક્ષી જાસૂસરમત વડે મળ્યો. તેઓ પાસેથી કેટલીક પુસ્તિકાઓ પણ મળી. બાળકો ઘરે લઈ ગયા, વાંચી પરત કરી.. બીજાઓને આપી. ગામની મુલાકાતે જવાનું થયું તો ખબવર પડી કે વાલીઓએ પણ વાંચી. 

આ જોઈ વિચાર આવ્યો કે આ પણ બટરફ્લાય ઇફેક્ટ જ છે ને ? આજે આપણે આ પાંખ ફફડાવી - એની અસરથી સમય જતાં ફેરફાર આવશે જ !


December 29, 2023

મહીસાગર તો મા છે !!!

મહીસાગર તો મા છે !!!


વર્ષો પહેલાં શિક્ષકે એક વાર ત્રીજા કે ચોથા ધોરણમાં બાળકોને કહ્યું હતું કે, "નદીઓનાં નામ બોલો" બાળકો એક પછી એક નદીઓનાં નામ બોલતા ગયા અને શિક્ષકે તે નામ બોર્ડ ઉપર નોંધ્યાં. તેમની યાદીમાં સાબરમતી, વાત્રક, નર્મદા જેવી નદીઓ તો આવી પરંતુ ગામની સૌથી નજીકની નદી કે જેના પરથી ગામનું નામ પણ નદીસર અને પછી નવા નદીસર પડ્યું છે - તેવી મહીસાગરની વાત આવી નહીં ! એટલે શિક્ષકે કહ્યું હતું કે, "અલ્યા મહીસાગર નદી ભૂલી ગયા !?!"

શિક્ષકના મહિસાગરને નદી કહેવાના પ્રશ્નનેસૌ બાળકોની આંખોએ જાણે સામે પ્રશ્નો કર્યા! બે ત્રણ વિસ્ફારિત નજરે બોલી પડ્યા -મહીસાગર તો મા છે!

….અને ત્યારથી સૌને સમજાય છે કે અક્ષરજ્ઞાન કેળવી લેવામાં આપણે (શિક્ષકો) વધુ મદદગાર સાબિત થઈશું પરંતુ -ક્ષર સમજણ આપણે જમીનમાંથી ગ્રહણ કરવાની છે. ને અમે સૌ દર વર્ષે અમારી માને મળવા માટે પગપાળા જઈએ છીએ. દરેક વખતે મહીસાગરે જવું અમારા માટે એક ચેકલીસ્ટ હોય છે( અગાઉના પર્યટન

જતાં અને આવતાં શાળામાં જે પણ થઈ રહ્યું છે તેમાં - સંબંધોના તાણાવાળા કેવા ગોઠવાઈ રહ્યા છે તે નજર સામે ઊભરી આવે છેતેઓની બાળપણમાં હોવાં જોઈએ તેવાં મસ્તી અને તોફાનોની સાથે સાથે તેમનામાં પરસ્પર કાળજી લેવાનો જે ગુણ છે તે પગપાળા પર્યટનની આગવી ઓળખ બની ગયો છે.

વખતે પણ અમે આમ નીકળ્યાં. થોડાં વર્ષો પહેલાં નવા રસ્તાઓનવાં ખેતર - પ્રકૃતિનાં નવાં સ્વરૂપો અને અમારા સૌનો આનંદી મિજાજ. હસતાં, ગાતાં, બૂમાબૂમ કરતાં, રસ્તામાં મળે એમને હોંકારા દેતાં, ઘાસમાંથી પસાર થતાં તેના પર પ્રેમથી હાથ પસવારી લેતાં, બોર વીણવા માટે બ્રેક મારતાં, એકમેકને ખિજવતાં, રસ્તામાં પડેલા છાણને જોતાં એકબીજાનેહેપ્પી બર્થ ડેકહી બર્થ ડે કેકબતાવતાં, જુદા જુદા છોડવાઓને તેમના નામ પૂછતાં, ચાલી શકે એને તેડી લઈ - પહોંચ્યાં માના પાલવપટમાં ! થોડીવાર ધ્યાનમાં બેઠાં - ચાલવાનો થાક અને ઉમંગ બંને થોડાં ઠરે ! એક વાર્તા અને વાર્તા આધારે શાળાનો ડિસેમ્બર કેવો રહ્યો તેની ટૂંકી વાત જોડાઈ - ને પછી શરૂ થયું અમારું આનંદનું રોલર કોસ્ટર ! કોઈ દોડતાં, કોઈ આંધળો પાટો રમતાં, ફૂલ રેકેટ અને ક્રિકેટ તો સાથે ને સાથે હોય છેગુજરાતી અને તે અમારા જેવા ભેગા થાય તો ગરબા અને ટીમલી વગર દહાડો વળે ? ગાડી ભરીને આવેલા ચણા પુલાવ - ને પછી નદીમાં !

પાણીમાં પથ્થરની ટપ્પ પાડવી, મૂઠીમાં ભરી રેતીની સુંવાળપ અનુભવવી, પથ્થરો વીણવા, નદીમાં નમીને તેનું પાણી માથે ચઢાવવું, દૂર બળતા શબને જોઈ ગુસપુસ વાતો કરવી, પાણી ખોબે ભરી ઊંચે ઉછાળી પોતાના પર પડે ત્યારે શિક્ષકની  કેમેરા પર્સન તરીકેની સ્કિલની પરીક્ષા લેવી, કાગળની હોડી બનાવી નદીમાં વહેતી કરવી, જેણે સઘળું આપાયું છે મા માટે ઘરેથી પધરાવવા આપેલો સિક્કો પધારાવવો. (ધ્રુવભાઈ યાદ આવ્યા ? - નદીના પાણીમાં સિક્કા ફેંકી દેતી પ્રજા બીજે ક્યાંય હશે કે નહીં ?)

બધાં આનંદનું પોટલું જે અમારી માએ અમને બાંધી આપ્યું લઈ ફરી નાચતાં - કૂદતાં..શાળાએ..!