Showing posts with label નાગરિક ઉઘડતર. Show all posts
Showing posts with label નાગરિક ઉઘડતર. Show all posts

January 26, 2026

હમ મિલેંગે તો જાદુ તો હોગા હી !

હમ મિલેંગે તો જાદુ તો હોગા હી !



આ પ્રજાસત્તાક દિવસ શાળા માટે ખાસ હતો ! અહી ખાસ શબ્દનો અર્થ થાય છે અનોખો હતો. એક તો શાળા પીએમશ્રી તરીકે સ્વીકારાઈ માટે હવે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઈચ્છીએ તેટલું સારું કરી શકવા સક્ષમ બન્યા. તો બીજી બાજુ ગામમાંથી વધુ બીજો એક યુવાન આપણા કાર્યક્ષેત્રમાં જોડાયો. તો ત્રીજી બાજુ એક સાથે ચાર યુવાનોએ પોતાને રાજ્ય વાહન વ્યહવાર નિગમમાં નોકરી મેળવી પોતાને સાબિત કર્યા. એકે GSET ક્વોલિફાઈ નું સર્ટીફિકેટ શાળા સામે ધરી કહી બતાવ્યું કે હવે હું પ્રોફેસર બનવા માટે પ્રયત્ન કરીશ.

આવી વાતોનો આનંદ શાળા - ગામ ના ગ્રૂપમાં એકબીજા સાથે વહેંચાતો હોય છે પરંતુ સૌ સાથે એકઠા મળીને તેને માણવો એ અલગ જ આનંદ આપી જતો હોય છે. એટલે જ એ આનંદ વહેંચવાની તારીખ કહો તો તારીખ અને તિથી કહો તો તિથિ - પ્રજાસત્તાક દિવસની અમે રાખી.

આવી સફળતાઓના આનંદમાં યુવાનોના પગ જમીનથી અધ્ધર થઈ જે ગામ અને સમાજમાં ઉછર્યા છે. જે ગામે તેમને ઉછેર્યા છે. તેની સાથે જોડાયેલા રહે તેનું મહત્વ અનુભવે તે માટેનો હતો. જેમાં આપણી સામાજિક સંસ્કૃતિને યાદ અપાવે તેવી વસ્તુઓની ઓળખ કરાવવા ગામમાંથી વસ્તુઓ એકઠી કરી તેનું પ્રદર્શન ગોઠવવાનું આયોજન હતું. વિસરાઈ રહેલી વાતોને વગોળવાનો દિવસ એટલે આ વખતનો અમારો પ્રજાસત્તાક દિવસ હતો.

        ત્રીજું કારણ હતું અત્યારે અભ્યાસ કરી રહેલા બાળકો ધ્વારા પોતાને સાબિત કરવા માટેનું તે દિવસે પ્લેટફોર્મ ઊભું કર્યું હતું - જેમાં તેઓ પોતાના વિસ્મય પમાડતા પ્રયોગો વડે પોતાના જ માતા - પિતા - વાલી -સમાજ - શાળાને સાબિતી આપવાના હતા કે भाया , हम भी किसी से कम नहीं ! બાલવાટિકા થી માંડી બધાં જ બાળકો વિજ્ઞાનના કોઈ એક સિદ્ધાંતને સાબિત કરવાના હતા.

        તો ચોથો આનંદ હતો અમારી  દિકરીઓ માટેનો ! આર્ટ એન્ડ ક્રાફ્ટ વર્કશોપ દરમ્યાન તેમને બનાવેલ તોરણ - ઝુમ્મર - બ્રેશલેટ વગેરે એટલા આકર્ષિત હતા કે તે જાતે જ જાણે દીકરીઓ વતી બોલતાં ન હોય કેઅમારા ભવિષ્યની ચિંતા ના કરશો , અમે અમારું ફોડી લઈશું. દીકરીઓ પોતાની આ પ્રોડક્ટને પ્રજાસત્તાકના દિવસે એક સ્ટોલમાં વેચાણ કરવાની હતી. હા , તમે બરોબર વાંચ્યું - કે વેચાણ કરવા માટેનો તે સ્ટોર ઊભો કરવાનો હતો. પોતાની બનાવેલી વસ્તુઓનું આટલું આકર્ષણ અને ઉપજ હોય શકે તેનો અહેસાસ તેઓને તે દિવસે એટલે કે આપણી પ્રજાસત્તાક તિથિને દિવસે થવાનો હતો.

સાથે સાથે સૌથી મોટો આનંદ તો એ પણ હતો કે પીટીસી પૂર્ણ કરી શિક્ષક બનવા તરફ આગળ વધી રહેલી દીકરી નાજુને હાથે આપણા સૌની શાન એવો આપણો તિરંગો લહેરાવવાનો હતો.

આવ્યો એ અનોખી ઉજવણીનો દિવસ !

ધોરણ પહેલામાં ભણતો આયુષ આવતા જ બોલ્યો - આજે હું લોહચુંબક બનાવવાનો છું. તેના હાથમાં રહેલ કાંસકો અને બીજા હાથમાંના કાગળના ટુકડા અમને ઉછળી ઉછળી જાણે  કહેતા જ હતા કેકેશાકર્ષણ .. કેશાકર્ષણ .. ! પરંતુ અમે પણ કંટ્રોલ ઉદય કંટ્રોલ કરી નવાઈ લાગી હોય તેમ પૂછી જ લીધું - હેં - કેવી રીતે ? મજાની વાત એ હતી કે તેણે કહ્યું આ કાંસકો વાળ પર ઘસો અને કાગળ જોડે લઈ જાઓ તો ચુંબક બની જાયઅમે  કહ્યું બતાવ - આયુષ - પણ તેના માટે કોરા વાળ જોઈએ - મારે તો મમ્મીએ ભૂલથી તેલ નાંખી દીધું એટલે મેં આને [ કોરા વાળ વાળાને ] પ્રયોગમાં પાર્ટનર બનાવી દીધો છે ! આયુષે કરી તો બતાવ્યું પણ કોને શિખવાડ્યું ? - તેનો જવાબ અમારો આનંદ બેવડો કરનારો હતો. મજાની વાત એ હતી કે આ પ્રયોગનો આઇડિયા તેના પપ્પા રમણભાઈએ આપ્યો હતો. અને ઘરના - ફળિયાના બધાં પર અજમાવ્યો પણ હતો.. આયુષ નાનપણ થી જ આટલું વિજ્ઞાન શીખ્યો તેવો એક શિક્ષક તરીકે આનંદ તો થાય જ પરંતુ , આયુષ અને તેના ઘરના સભ્યો વચ્ચે આ પ્રયોગ કરવા - તેઓની વચ્ચે થયેલ સંવાદ - ચર્ચા - મથામણ - આ બધું વધારે આનંદ આપનાર બને છે.

એક દ્રશ્ય એ પણ હતું કે એક દીકરી મુલાકાતી તરીકે આવેલ પોતાના જ પરિવાર એટલે કે મમ્મી-મોટી બહેન - કાકી - આસપાસના પાડોશી બધાને ચાર્ટના ઉપયોગ વડે સમજાવી રહી હતી કે x - x અને x - y  શું છે ? - તેનું આખાય પ્રેઝન્ટેશન પછીનું છેલ્લું આફરીન પોકારી જવાય તેવું હતું - જ્યારે તે અંતમાં તેની મમ્મી ને પૂછતી કે હવે સમજાયુને કે દીકરો કે દીકરી એ માટે સ્ત્રી નહીં પુરુષ જવાબદાર છે ! એમાં આપણે સૌએ સ્ત્રીનો વાંક ના કાઢવો જોઈએ !

એક તરફ બાળકો પોતાના જ વાલીઓના ઇંટરવ્યૂ લઈ રહ્યાં હતાં. તો એક તરફ વાલીઓ પોતાના જ બાળકો એ બનાવેલ આપણી જ બ્રાન્ડ એવા ગર્વ સાથે આર્ટ એન્ડ ક્રાફ્ટમાં ખરીદી કરી રહ્યાં હતાં. પોતાના બાળકોને પોતાનાથી પણ વિશેષ હોવાનો ગદગદ આનંદ દરેકના ચહેરા પર તરી આવતો હતો.

એક નવાઈની વાત કહીએ તો..  શાળાએ ફક્ત એટલી જ જાહેરાત કરી હતી કે પ્રજાસત્તાક દિવસે વિજ્ઞાન વિસ્મય પ્રદર્શનમાં તમે તમારો કોઈપણ પ્રયોગ ઘરેથી તૈયાર કરી રજૂ કરી શકો છો. માટે આ પ્રયોગ જએ તે બાળકના ઘરનાં સભ્યોએ ઘરે તો વારંવાર જોયેલો હતો. છતાં આજે એ જ વાલી તેને જે કુતૂહલ નજરે નિહાળતો હતો ત્યારે થયું કે આપણ સૌને શિક્ષક મટી આવા વાલી બનતાં ક્યારે આવડશે કે બાળકના આનંદને - ઉત્સાહને જીવંત રાખે ! અને હા આખાય કેમ્પસમાં એ દિવસના  સૌથી ઉત્સાહિત ચહેરાઓની યાદી કરીએ તો ..

·         જતીનનો  ચહેરો બાળકોના કુતૂહલને જોઈને ચમકી રહ્યો હતો

·         સમાજ સંસ્કૃતિ સ્ટોર ની મુલાકાતે આવનારને વસ્તુઓ જોવા કરતાં પણ તેના વિશે કહેવાનો ઉત્સાહ વાળા બે ચહેરા શાંતા અને નિલાને સાંભળવામાં આનંદ આવતો..

·         તો આર્ટ એન્ડ ક્રાફ્ટ માં વાલીઓ જેમ જેમ બનેલ  સામગ્રીને બારીકાઈથી જોઈ દિકરીઓના વખાણ અને ખરીદી થતી દર્શનાબેનનો ચહેરો આનંદથી ખીલેલો  દેખાતો..

·         બાલવાટિકાના બાળકો માટે લાવેલા રમકડાં વાલીઓને બતાવતાં બતાવતાં એટલો આનંદ અનુભવી રહ્યા હતા કે જાણે આજે તો તે પોતે જ જાણે બાળક ન હોય ?

        બાળક હોય કે વાલી - યુવાનો કે ગ્રામજનો - બધાને આનંદ અને ગર્વનો અનુભવ કરાવનાર આ દિવસ ની અનોખી ઉજવણીનું ઉદ્ઘાટન એ આઠ હાથે થયું જે ચાર યુવાનો એ થોડા સમય પહેલાં જ પોતાને સાબિત કરી ગામ આખાના યુવાનોમાં નવાં સપનાં રોપવાનું કામ કર્યું હતું ચાલો માણીએ આ અનોખી ઉજવણીને !  

રીડિંગ રીલ્સ

સફળ શિક્ષણ માટે શાળા, વાલી અને સમાજનું એક યુનિટ બની, પોતાની સંસ્કૃતિના મૂળ સાથે જોડાઈને રહેવું, સામાજિક સ્થિતિઓમાં વિજ્ઞાન જોવું તેમજ પોતાનું કામ પોતે શોધી લેવાનું વલણ જરૂરી છે. 





January 25, 2026

કેળવણીની ખેતી !

કેળવણીની ખેતી

શાળાએ જવાનો ઉદ્દેશ્ય શું? જ્યારે આપણે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે તેના જવાબો આપણે કોને પૂછ્યો છે તેના આધારે જુદા જુદા મળતા હોય છે. કારણ એક છે કે બાળકોની જેમ બધાનો ઉદ્દેશ્ય એક સરખો નથી હોતો. ભલે સંસ્થા તરીકે આપણા સૌનો ઉદ્દેશ્ય સરખો હોય - અને તે છે કે બાળકો ફક્ત શિક્ષિત બને, તેઓ કેળવાય પણ ખરાં!

કેળવણીનો અર્થ પણ ભલે અલગ-અલગ સ્વરૂપે હોય, પરંતુ અમારા માટે કેળવણી એટલે બાળક સામાજિક જીવનમાં જીવવા માટે યોગ્યતા કેળવે અને પોતાની પાસે રહેલા કોઈ એક કૌશલ્યને આજીવિકા સ્વરૂપે વિકસિત કરે! શાળા બાળકોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ હોય છે. બાળકનો વિકાસ એક લાંબી પ્રક્રિયા હોવાથી 'આજે કરીએ અને કાલે દેખાય' તે અશક્ય છે. માટે , એક સંસ્થા તરીકે આપણે સૌએ બાળકોમાં સર્વાંગી ગુણો ખીલવવા માટે પ્રયત્નો કરવા આવશ્યક છે.

તેવા એક પ્રયત્નના ભાગરૂપે શાળામાં **'પ્રાકૃતિક ખેતી'**ની શરૂઆત કરી છે. જેઓ બાળકોની સાથે રહીને માટે પ્રયત્નો કરી રહ્યા છે, તે ગિરીશભાઈ નવાનદીસરના શબ્દોમાં સમજીએ: “પ્રાકૃતિક ખેતી શા માટે, કેવી રીતે શરૂ કરી અને તેનો અનુભવ કેવો રહ્યો?”

પ્રાકૃતિક ખેતી એટલે શું?

પર્યાવરણના નિયમોના આધારે, દેશી છાણીયું ખાતર અને પાકની વૃદ્ધિ માટે જોઈતી સામગ્રી બહારથી લેવી પડે અને જાતે નકામા પ્રાકૃતિક કચરામાંથી ખાતર બનાવી જમીનની ફળદ્રુપતા વધારવી એટલે પ્રાકૃતિક ખેતી. મારા મતે કહું તો:

ગમે તેવી માટી, છાણીયું ખાતર અને રેતી, એ જ ખરી પ્રાકૃતિક ખેતી.

ઓછો ખર્ચ અને મબલક પાકની ખેતી, રસાયણમુક્ત એ જ પ્રાકૃતિક ખેતી.”

 

બાળકો સાથેનો અનુભવ:

સૌ પ્રથમ બાળકો સાથે એક બેઠક કરી પ્રાકૃતિક ખેતી વિશે ચર્ચા કરી. ઘણાખરા બાળકો ખેડૂત પરિવારમાંથી આવતા હોય છે, એટલે મને તો એવું લાગ્યું કે મારા કરતાં પણ બાળકો વધારે જાણે છે! બાળકોએ ઉત્સાહ બતાવ્યો કે - "આપણે અહીંયાથી ખાતર લાવીશું... અહીંયા રીંગણ, ટામેટા, મરચાં, લસણ, ડુંગળી વગેરેની ખેતી કરીએ." પણ પ્રશ્ન હતો કે તેના માટે છોડ અને રોપા ક્યાંથી લાવીશું? આખરે તેનો પણ રસ્તો મળી ગયો. શાળાના એક શિક્ષકમિત્રએ કાકણપુરથી રોપા લાવી આપવાની ખાતરી આપી. બસ, હવે અમારું કામ હતું કે જમીન ક્યાંથી લાવીશું? આખરે ગામના સહકારથી જમીન પણ મળી ગઈ. હવે અમારે બસ પ્રયત્ન કરવાનો હતો.

અમારા પ્રયત્નો:

      સૌ પ્રથમ જમીનમાંથી નાના વૃક્ષો, બોરડી અને બાવળ જેવી કાંટાળી વનસ્પતિ દૂર કરી.

      ત્યારબાદ જેસીબી (JCB) દ્વારા જમીનને સમતળ કરાવી.

      ટ્રેક્ટરની ખેડ દ્વારા જમીનને ખેતીલાયક બનાવી.

      ગામમાં જઈ છાણીયા ખાતરની વ્યવસ્થા કરી.

      જમીનમાં વિવિધ ક્યારા બનાવી ખેતીનો શુભારંભ કર્યો.

મુખ્ય ઉદ્દેશ્ય:

      માત્ર ને માત્ર કુદરતી ખાતરથી ખેતી કરવી અને જમીનની ફળદ્રુપતા વધારવી.

      પર્યાવરણ અને સ્વાસ્થ્યને ફાયદો થાય તેવી ખેતી કરવી.

      ગામના લોકો ખેતી જોઈને પ્રેરિત થાય અને તેઓ પણ પ્રાકૃતિક ખેતી અપનાવે.

      રસાયણમુક્ત ખેતી દ્વારા પાકના વધુ ભાવ મળે.

      ખેતીનો ખર્ચ ઓછો થાય અને જમીનમાં ભેજ સંગ્રહવાની ક્ષમતા વધે.

આશા છે કે સંસ્થા તરીકે બાળકના સર્વાંગી વિકાસનો ઉદ્દેશ્ય વાલીઓ માટે વધુ ઉપયોગી થશે. આખરે પોતાના વ્યવસાયને સમજતાં બાળકો દરેક વાલીને પ્રિય હોય છે, પછી તે વ્યવસાય કોઈ પણ હોય! માણીએ બાળકોએ કરેલા સુંદર પ્રયત્નોને વીડિયો દ્વારા! > નીચે ફોટો પર ક્લિક કરો અને માણો વિડીયો  

રીડિંગ રિલસ

જ્યારે બાળક પ્રકૃતિને પોતાની નજરે જોશે અને પોતાના હાથે ધરતી ખેડશે, ત્યારે તે સાચા અર્થમાં 'કેળવાયેલું' ગણાશે. પ્રયત્નો બાળકોને સંવેદનશીલ, જવાબદાર અને આત્મનિર્ભર નાગરિક બનાવવામાં મદદરૂપ થશે.