Showing posts with label પ્રાર્થના. Show all posts
Showing posts with label પ્રાર્થના. Show all posts

September 15, 2024

મનની મુસાફરી !

મનની મુસાફરી !

લોકવિજ્ઞાન કેન્દ્ર ગોધરામાંથી ફોન આવ્યો - શાંતિલાલ ભાઈ,આપની શાળાનાં બાળકોને આ વર્ષે પણ સાયન્સ સેન્ટરની મુલાકાત માટે લઈ જવાનાં છે. તો 46 બાળકો અને ચાર શિક્ષકોની યાદી મોકલી આપજો. શૈક્ષણિક પ્રવાસની તારીખ 15 દિવસ પછી 13 સપ્ટેમ્બર છે અને સવારના પાંચ વાગ્યાથી મુસાફરી શરૂ થશે. આ જાહેરાત પ્રાર્થનામાં થતાં જ જાણે કે શાળા કેમ્પસમાં  મુસાફરી એ જ સમયથી શરૂ થઈ. 

શાળાપ્રમુખે જાહેરાત કરી કે પ્રાર્થના પછી ગ્રૂપલીડરની ઓફિસમાં મીટિંગ રાખી છે - જેમાં કયાં બાળકોનો મુલાકાત માટે સમાવેશ કરીશું તેની ચર્ચા રાખી. શાળાકેબિનેટ મળી અને ચર્ચા કરતાં કરતાં નીચે પ્રમાણેનાં બાળકોને યાદીમાં અગ્રતા આપવામાં આવે તેવું ઠરાવ્યું..જેમકે,

·       સાયન્સ સીટીની ગત વર્ષે મુલાકાત બાદ અહેવાલ રજૂ કરેલ હોય તેવાં બાળકો.

·       ગતવર્ષે ગણિતવિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધેલ હોય તેવાં બાળકો

·       ઇન્સ્પાયર એવોર્ડ અંતર્ગત પોતાના આઈડિયા રજૂ કર્યા હોય તેવાં બાળકો.

·       નાગરિક ઊઘડતર પ્રવૃત્તિ અંતર્ગત ગ્રૂપમાં સૌથી સક્રિય હોય તેવાં બાળકો

 આ ઉપરાંત દરેક ગ્રૂપ લીડર પોતે ઇચ્છે તે 2 બાળકોનો સકારણ સમાવેશ કરી શકશે તેવી પણ સત્તા આપવામાં આવી.

હવે ચર્ચાઓ ગ્રૂપમાં શરૂ થઈ. પ્રવાસ અને તેમાં પણ મિત્રો સાથે ! કોને ન ગમે ? એટલે દરેક બાળકે પોતાને શૈક્ષણિક મુલાકાત માટે ઉમેદવાર અને પોતે લાયકાત ધરાવતાં હોવાનું સાબિત કરવાની મથામણો શરૂ થઈ. માટે શાળાપ્રમુખ કરતાં પણ વધારે કસરત હવે લીડરને શરૂ થવાની હતી, તે સૌ જાણતાં હતાં. એક ગ્રૂપ દીઠ દસ બાળકોનો સમાવેશ થઈ શકે. માટે લીડર સામે સૌથી વધારે સમસ્યા એ હતી કે આવવા ઇચ્છુક ગ્રુપના મોટાભાગનાં બાળકો અને તેની સામે પસંદગી ફક્ત ગ્રૂપ દીઠ 10 બાળકોની કરવાની હતી. હવે તેની શોધયાત્રા શરૂ થઈ હતી. કોણે કોણે ગત વર્ષે ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લીધો છે? આ વર્ષ દરમિયાન કોણે કોણે ઇન્સ્પાયર એવોર્ડમાં પોતાના આઈડિયા આપ્યા છે? દરેક ધોરણમાંથી પોતાના ગ્રૂપમાં વિજ્ઞાન વિષય અંતર્ગત કોણ વધુ સક્ષમ છે? તે બધી જાણકારી ભેગી કરવાનું કામ તેનું પોતાનું હતું. સાથે સાથે જરૂરિયાત પણ એ કે શૈક્ષણિક મુલાકાત કરીને આવ્યા પછી અહીંયાં તે અંગેની રજૂઆત માટે અહેવાલો રજૂ કરી શકે તેવાં, મુલાકાત બાદ પોતાનાં ગ્રૂપમાં ન આવી શકેલ બાળકોને તે અંગેની પૂરી માહિતી આપી શકે તેવા બાળકોની પણ જરૂર હતી. એવામાં આપણ સૌને જે પૂર્વગ્રહ હોય છે કે તેઓ ભાઈબંધી નિભાવશે. તે ડર અમને નહોતો.

હવે શાળાનું ફોકસ વિજ્ઞાનની સાથે સાથે સામાજિક વિજ્ઞાન અંતર્ગત સંવિધાન પર પણ હતું. જવાબદાર નાગરિક પોતે નિયમો બનાવે - પાળે અને બીજાને પાલન કરવા પ્રેરે..

ત્રીજા દિવસે યાદી સાથે ફરીથી શાળા કેબિનેટની બેઠક મળી. આપણે ધાર્યું હતું તેમ દરેક લીડર પોતે ફરિયાદી હતાં. ફરિયાદ હતી કે આ પ્રમાણે જોવા જઈએ તો અમારે તેર બાળકો થાય છે.. કોઈ કહે અમારે 14 થાય છે.. આને તો લઈ જવું પડે એવું છે. -  એવી મૂંઝવણ સાથે મિટિંગની શરૂઆત થઈ. પરંતુ પહેલી બેઠકના નિયમ મુજબ નક્કી હતું તેમ ગ્રૂપદીઠ દસ બાળકોની યાદી આપવાની થતી હોય પહેલા દરેક લીડરને 10 નામ શોર્ટલીસ્ટ કરી આપવા અને બાકીના બાળકોને સમજાવવા એક દિવસનો સમય આપી બેઠક વિખેરાઈ.

બીજા દિવસે પ્રાર્થનાસભાને સમાંતર બેઠક શરૂ થઈ. ગ્રૂપ લીડર દ્વારા યાદીઓ રજૂ થઈ. પ્રમુખ ઉપપ્રમુખ દ્વારા એપ્રુવલ મળ્યા પછી કેબિનેટે પ્રવાસ સંચાલન અંગેની સઘળી જવાબદારી જયદેવને આપી. તેને પ્રવાસ મંત્રી નીમવામાં આવ્યો. પ્રવાસ દરમિયાન જે બાબતોમાં  સર્વાનુમત નહીં થાય તેવી બાબતોમાં જયદેવનો મત આખરી ગણાશે તેવું સર્વાનુમતે નક્કી થયું. શાળા બાળકોના સ્વભાવને જાણતી હતી કે ડગલે પગલે મતમતાંતર આવશે જ ! પણ પ્રવાસમાં નવાં કપડાં કે  શાળા યુનિફોર્મ ? આવી બાબતમાં આવશે તે જાણતી નહોતી. કેબિનેટની જરૂર પડે તે પહેલાં જ જયદેવે સર્વે હાથ ધર્યો અને પોતાનો નિર્ણય જાહેર કર્યો કે નવાં કપડાં!

પછી તો તેઓ પોતે જ બેઠક વ્યવસ્થા - નાસ્તો લાવવો કે નહીં ? આવવા-જવાનો અને ત્યાંની ટિકિટનો ખર્ચ - લોકવિજ્ઞાન કેન્દ્ર આપશે - તો જમવા માટેના ખર્ચનાં નાણાં ભેગાં કરવાં. વાલીઓના સંમતિ પત્રો - પ્રવાસ દરમિયાન હાજરી પત્રક -  આ બધું ક્યારે કેવી રીતે કર્યું તે તો બધું શિક્ષકોની જાણ બહારનું હતું. જવાના બે દિવસ પહેલાં તૈયારીઓ અંગેની વાતચીત માટે જ્યારે બેઠક મળી ત્યારે જયદેવે કહ્યું, “આ તો બધું ગત વર્ષના આયોજન [ અનુભવ ] મુજબ કરી દીધું.”

હવે દિવસ પ્રવાસનો હતો. બાળકોએ જાતે કરેલા આયોજનનો મોટો ફાયદો એ હોય છે કે તેમાં પ્રવાસ દરમિયાનની બાળકોની કાળજીના નામે વારંવાર આપવાનાં થતાં આપણાં સૂચનો નહિવત્ હોય છે. અને તેના કારણે જ બાળકો અને શિક્ષકો બંનેનો પ્રવાસ આંનદ આપનારો બની રહે છે. ગૂગલ મેપ પરથી પ્રવાસ મંત્રીએ ‘કેટલા વાગે પહોંચીશું’ની જાહેરાત અને સાથે સાથે ‘કેટલા વાગે વચ્ચે સ્ટોપ કરવું’ તે મત પણ જાણી લીધો. એટલે અમારા સૌનું કામ હવે ફક્ત પ્રવાસમંત્રીને ફોલો કરવાનું હતું. ‘સ્ટોપેજ કર્યા બાદ પોતે લાવેલ નાસ્તો કે હોટલમાંથી  નાસ્તો કરી લઈએ?’ તેની ચર્ચામાં શિક્ષકની જરૂર પડી. મુલાકાત બાદ પરત થતાં  મોડું થાય તો સાથે લાવેલ નાસ્તાથી કામ ચલાવી શકાય - આવા વિચારથી ત્યાં જ હોટલમાં બટાકાપૌંઆનું નક્કી થયું. આમ સમય જતો ગયો. સાયન્સ સેન્ટરે પહોંચ્યાં - મુલાકાત શરૂ થઈ - ત્યાં એક નવી સમસ્યા - 5D થિયેટરમાં તો 50 રૂપિયા ટિકિટ લેવી પડશે? જયદેવે હિસાબ આપ્યો - ઉઘરાવેલ 200 રૂપિયામાંથી 30 રૂપિયા સવારે નાસ્તામાં અને 85 રૂપિયા સવારના જમવામાં ખર્ચ થશે. સાંજના જમવાનું બાકી ! જમતી વખતે ચર્ચા કરી. ગ્રૂપલીડર કહે કે, “થિયેટરમાં જવું કે નહીં?” - અંતે જોવાનું જ છે - લીડરે પૈસા સભ્યદીઠ ગણી પ્રવાસ મંત્રીને આપ્યા.  પણ પરત મુસાફરી દરમિયાન જાણ્યું કે જેઓની પાસે નહોતા તેમના ગ્રૂપના સભ્યોએ ફાળો કર્યો, કેટલાક કેસમાં જવાબદારી લેવાઈ - અને અમારી આંખો સામે જાણે કે બાળકોમાં પરોક્ષ રૂપે ખીલી રહેલી મિત્રતા, સામાજિકતા -  સહકારીતા અને વ્યવહારુ જ્ઞાનની છોળો ઊછળી રહી હતી. નાણાંની દૃષ્ટિએ એમના હિસાબમાં કશું ખૂટ્યું નહીં કે કશું વધ્યું નહીં, પરંતુ કૌશલ્યોની દૃષ્ટિએ જોઈએ તો બાળકોમાં લાગણીનો ટોપલો ભરાયાનો અહેસાસ હતો.

અને હા, એ કહેવાનું તો ભૂલી ગયા કે તેમના સુચારુ આયોજનને કારણે જ સમય બચતાં ‘રાની કી વાવ’ પણ સૌને જોવા મળી - ચાલો ત્યારે માણો અમારા પ્રવાસના દિવસના આનંદને : આ ફોટોગ્રાફ અને વિડીયો વડે !


















June 21, 2020

યોગની મજા અને ઈ-યોગનો રોમાંચ...



યોગની મજા અને -યોગનો રોમાંચ

યોગ એક પણ ફાયદા અનેક – આપણે સૌ જાણીએ છીએ. યોગને રોજિંદા જીવનમાં વણી લેવો એ આપણા સૌ માટે મુશ્કેલ છે, તો તેને બાળકોની રોજીંદી પ્રક્રિયામાં જોડવો તે પણ સ્ટીલના ચણાવાળી કહેવતથી કમ નથી. શાળા રોજીંદા સમય અને સ્થિતિ મુજબ ચાલતી હોય ત્યારે બાળકોના સમય પત્રકમાં યૌગિક  ક્રિયાઓનો સમાવેશ થયેલો જ હોય છે. બાળકોને ખ્યાલ પણ નથી હોતો કે યૌગિક  ક્રિયા તેમના “શાળાકીય” જીવનમાં ભળી ગયેલ છે કે તેને અલગ તારવી જ ન શકાય. અહી શાળાકીય શબ્દ ભાર પૂર્વક એટલા માટે જ તારવ્યો કે રજાઓ કે શાળા સિવાયના દિવસોમાં એટલે કે ઘરના સમય પત્રકમાં એ હજુ દિનચર્યાનો ભાગ બની શક્યો નથી. તે માટેના ઘણાં કારણો પૈકી એક કારણ એ પણ છે કે અમારા તરફથી પણ તે બાજુ ક્યારેય ન તો ધ્યાન ગયું કે ન તો તે માટે વધુ વિચારી શક્યા. બાળકો સાથેની શાળા - કેમ્પસની દુનિયાથી વધુ વિચારી જ ન શક્યા કે ન તો વિચારવાનો સમય મળ્યો !
પરંતુ હવે સ્થિતિ જ્યારે પ્રતિકૂળ બની છે અને બાળકોનું શાળામાં આવવું નિષેધ બન્યું છે. ત્યારે હવે બાળકો સાથે સતત સંવાદ જાળવવા શાળા સતત મથી રહી છે. બાળકો ઘરે શાળાકીય પ્રવૃત્તિઓ વડે વ્યસ્ત રહે અને મસ્ત રહે એ ક્લાસ માટેનો પહેલો અભિગમ રહ્યો છે. બાળકો સાથે દિન વિશેષની ઉજવણી એ ઉત્સવ જેવી લાગતી. બાળકો તહેવારની જેમ તૈયારીઓ કરી ઉત્સાહથી ઉજવણી કરતા. અત્યારના માહોલમાં એ અશક્ય બન્યું છે ત્યારે, થયું કે જો વર્ચ્યુઅલ ક્લાસ સંવાદ માટેનો સેતુ બની શકતો હોય તો ઉજવણી માટેનો કેમ નહિ ? અને ચર્ચા શરૂ થઈ વર્ચ્યુઅલ ક્લાસ વડે જ યોગ દિવસની ઉજવણી કરવા માટેની !  બાળકો સાથે યોગ દિવસની વાત કરી તો બાળકો એ તો વળી પ્રશિક્ષક બનવાની જ માંગણી કરી. આમેય શાળામાં બધુ એમનું જ રાજ હતું એટલે યૌગિક  ક્રિયા કરાવવાના આદેશો પણ તેમને હસ્તગત હતા જ. રોજ યોગ કરતાં  આ બાળકો માટે યૌગિક  ક્રિયા કરાવવી એ કઈં નવી કે નવાઈ પમાડે તેવી બાબત ન હતી. પરંતુ સૌને રોમાંચિત કરનારી બાબત હતી કે અલગ અલગ આઠ સ્થળથી એટલે કે અલગ અલગ આઠ મોબાઈલ પરથી પ્રશિક્ષકો યોગ કરવા માટેના આદેશો આપવાના હતા અને શિક્ષકો સહિત સૌ તે યૌગિક  ક્રિયામાં સામેલ થવાના હતા.
આમ પ્રાર્થનામાં તો કરાવું જ છું પણ અહીં મોંઢે નહીં ફાવે, તો હું લખેલું વાંચું તો ચાલશે ? – એવું કહેવા  કમલેશ ઘરે આવ્યો ત્યારે તેનામાં આવેલી થોડી નર્વશનેશ દેખાઈ આવેલી. પરંતુ તું પ્રશિક્ષક છે – તું ઈચ્છે તે પ્રમાણે કરાવી શકે છે – આ ડાયલોગે તેનામાં મજા લાવી દીધી હોવાનું સાબિત થયું જ્યારે તેને પણ સારા પ્રશિક્ષકની જેમ જ સૌને યૌગિક  ક્રિયા માટેના આદેશ આપ્યા.. ચાલો તમે પણ આ વિડીયો વડે જોઈ શકો છો.. અરે હા, કોરોનામાં ઘરે જ રહેવા વાળી સ્થિતિમાં બાળકો ઘરે પણ થોડા થોડા યોગ કરવાના શરૂ કરે એવી અમારી મથામણ ચાલુ જ  છે – આપ પણ મથામણમાં સામેલ થઈ શકો છો આ વિડીયો ધ્વારા .. 

December 24, 2018

🎅🎅 અમારી ઈવ ઓફ ક્રિસમસ ! 🎅🎅


🎅🎅 અમારી ઈવ ઓફ ક્રિસમસ ! 🎅🎅
તહેવારો ઉજવાઈ જતા હોય છે. શાળા ધ્યાન રાખે છે કે એમની સાથે જિંદગીની ચર્ચા કરવાનો એક પણ મોકો ચુકાઈ ના જાય ! જેમાં વિવિધ ધર્મ વિષે જાણવું અને દરેકમાંથી તર્કબદ્ધ રીતે શું ગ્રાહ્ય છે અને શું ત્યાજ્ય છે તેની સમજ તેમનામાં આવે તે માટેના પ્રયત્ન કરવા.
આ વખત નાતાલના આગળના દિવસે જ તેના વિષે ચર્ચાસભા અને સાથે જ તેમને ગમતી રમતો રમાડવાનું નક્કી થયું. સવારની બેઠકમાં બપોર સુધીમાં દરેક ધોરણને કઈ રમતો રમવી છે તેની યાદી બનાવવાનું કહી દેવાયું. બપોર પછી “શાંતિ અને ક્ષમા” વિષય પર વાત કરી. ઈશુએ પોતાને ક્રોસ પર ચઢાવી દેનારાઓ માટે પણ કહ્યું તેમને માફ કરજે કારણકે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે ! “શું સમજ્યા ?” “જે સમજે એ સાચવે અને સહન કરે !” ટૂંકું હતું પણ અસરકર્તા હતું.
      રમતોમાં ત્રીપગી દોડથી શરૂ થયું અને બધાની ધારણાથી વિપરીત ક્યારેય સાથે ના જોડાયેલી રહેતી હોય તેવી બે છોકરીઓ સભાનતાપૂર્વક સાથે ચાલી વિજયી બની. માટલા ફોડમાં આ વખત સાઉન્ડનો ઈશારો ઉમેરાયો. તેમાં લક્ષ્મણ જે ત્વરાથી ધડામ કરી આવ્યો એ જોઈ પ્રેક્ષકોએ તેની પર ચીટીંગનો અને અમારી પર મેચ ફિક્સિંગનો આરોપ લગાવ્યો ! જો કે એ જોઈ શકતો હતો એ વાતની હવે અમને પણ શંકા છે. સીટી બોમ્બમાં સાગમટે આઉટ થવાની મજા અને લંગડી દોડ પછી સૌથી મજેદાર રમત ! - ત્રણ દોરડા, પહેલાની નીચેથી, બીજા દોરડા ઉપરથી અને ત્રીજા દોરડાની નીચેથી પસાર થવાનું. પહેલા ખુલ્લી આંખે તેઓ જોઈ લે અને પછી આંખે પાટા બાંધી ત્રણેય દોરડે અડ્યા વગર ક્રોસ થવામાં ઘણા દિશા ભટકીને જાય સાવ વિપરીત પ્રેક્ષક ગણ તરફ..
 કોઈક દોરડા પહેલાં કુદકો મારી તે દોરડા પર જઈને પડે. ને છેલ્લા દોરડે નીચે નમવાના બદલે ગબડતા ગબડતા પસાર થાય. સૌ હસી હસીને લોટપોટ થઇ ગયા જયારે આંખે પાટા બાંધ્યા બાદ ત્રણેય દોરડા હટાવી લીધા અને પછી તેઓ સૌ દોરડા છે જ એમ માની ને આગળ વધતા હતા.
સંધ્યા સભામાં સમજાવ્યું કે આપણું પણ એવું જ કૈક નથી હોતું ? જે દોરડા છે જ નહિ તેનાથી બંધાઈને જીવીએ છીએ! ખાલી એ કોઈને દેખાતું નથી અને કોઈ આપણી પર હસતું નથી ! મારાથી આ જ થઇ શકે, મને આમ હોય તો જ ફાવે, હું આ ના કરી શકું, મને આની સાથે જ દોસ્તી કરવાની ફાવે, પેલા સાથે મારે સહેજે ય ના બને ! ના જાણે આપણે આવા કેટલા બધા દોરડા, જે છે નહિ, એ છે એમ માનીને જીવીએ છીએ !
ચાલો એવા દોરડા ફગાવીએ અને ઉજવીએ નાતાલ-આપણા પોતીકા તાલે !
૨૬ મી એ તેમને અહેવાલ લાવવાનું કહ્યું હતું ! અમારી એક ટીમ અહેવાલ સાથે સોજીના લોટ અને ચોકલેટ્સ ઓગાળી એમાંથી કેક બનાવી લાવી ! સૌએ ફરી ગાયું ... 🎅“મેરી ક્રિસમસ” 
 
 
  






June 18, 2017

થેંક્યું પી.કે.


થેંક્યું પી.કે.

                 આ પ્રવેશોત્સવમાં જ્યારે દેવ, નાઝમીન, સેજલ, હિમાલી અને નિકિતા યોગ નિદર્શન કરતાં હતાં ત્યારે તેમનું વિડીયો શૂટિંગ કરનાર હિતેશ એ આપણી શાળાનો પહેલો વિદ્યાર્થી કે જે જીલ્લા કક્ષા સુધી યોગની સ્પર્ધામાં પહોચ્યો હોય ! – એ વાતને આજે ૧૦ થી વધુ વર્ષ થઇ ગયાં. શાળામાં યોગનો પાયો નાખનાર પ્રકાશભાઈ (પી.કે) અત્યારે અન્ય શાળામાં ફરજ બજાવે છે, પરંતુ તેમણે ઉભી કરેલી એ ધરોહરથી દર વર્ષે અલગ અલગ વિદ્યાર્થી તાલુકા/જીલ્લા સુધી તો પહોંચી જ જાય છે.
        એમણે શાળાના મિજાજને અનુરૂપ યોગનું ડ્રાઈવિંગ પણ બાળકોના હાથમાં આપી દીધું. અને પ્રાર્થના સંમેલનમાં સમય મર્યાદામાં યોગ, પ્રાણાયામ અને મુદ્રા કરાવવાનું લેખિત તૈયાર કર્યું, અને તે લેખિત  બાળકોને આપ્યું.... તે મુજબ પ્રાર્થનામાં દરરોજ યોગાસન, મુદ્રા અને પ્રાણાયામ થવા લાગ્યા. અને તેની અસરમાં જ હવે યોગાસન એ આપણા બાળકો માટે આસાન બાબત છે.
         દરરોજના યોગ માટેની સૂચનાઓ અને શાળાના બાળકો વડે તેનું સરળતાથી નીદર્શન કરી શકે તેવા આયોજનના આ ઉમંગને સૌ સુધી વહેંચવા માટે પ્રકાશભાઈ – પી.કે. એ તૈયાર કરેલી સામગ્રીને ડીઝીટલ બનાવી તમારી સમક્ષ મૂકી રહ્યા છીએ. તે માટેની આ રહી એક લીંક... 
આ વિશ્વ યોગ દિવસ “એક દિવસ યોગ ” નહિ “દરેક દિવસ યોગ” બનાવીએ – સ્વસ્થ ભારત માટે પ્રયત્ન કરીએ !