તણખામંડળ - સૌને પ્રકાશિત કરીએ !!
એક દિવસ એક શાળાના મુલાકાતીએ પૂછ્યું કે ઘણાં બધાં બાળકો
સાથે વાત કરતાં ખબર પડી કે તેઓ સ્કેટિંગ ખૂબ સરસ કરે છે, તો તેઓને સ્કેટિંગ શીખવનાર કોણ?
સોશિયલ મીડિયા પર શાળાનાં બાળકોને ખૂબ સરસ સ્કેટિંગ કરતાં જોઈ સોશિયલ મીડિયાના મેસેન્જરમાં એક શુભેચ્છકનો મેસેજ મળ્યો કે અમારી શાળામાં બાળકોને સ્કેટિંગ શીખવવું છે. પરંતુ એક પણ શિક્ષકને આવડતું નથી. તો તમે બાળકોને સ્કેટિંગ કેવી રીતે શીખવ્યું? તમારા અનુભવો અમને શેર કરો તો અમે અમારા બાળકોને શીખવાડી શકીએ.
મેસેજ વાંચ્યા પછી અમને અંદાજ આવ્યો કે શુભેચ્છકની શાળાની
સ્થિતિ છે, એ સ્થિતિ તો અમારી શાળાની પણ છે. એટલે કે
અમારી શાળામાં પણ એકેય શિક્ષકને સ્કેટિંગ આવડતું નથી. તો હવે વિચારવાનું અમારે
બીજા વિધાન ઉપર હતું કે તો પછી એટલા બધા બાળકો સ્કેટિંગ શીખ્યા કેવી રીતે?
ગામ ચગડોળે ચડે તેમ મગજ ચકરાવે ચડ્યું અને બપોરે સૌ સાથે
રિસેસમાં ટિફિન બેઠકમાં ચર્ચા રૂપી ફ્લૅશબૅકમાં જે જાણ્યું તે અમારા માટે નવું અને
નવાઈ પમાડે તેવું હતું. શાળાના સ્કેટિંગના મૂળમાં જતાં જાણવા મળ્યું કે શાળાના એક
શુભેચ્છક નૈમેષભાઈએ પોતાના બાળકો માટે સ્કેટ લાવેલાં. જૂનાં અને થોડાં ખરાબ થઈ
જતાં બાળકનો ઉત્સાહ પૂરો થઈ ગયો અને સ્કેટ કબાટમાં પુરાયાં. એક દિવસ સફાઈ દરમિયાન
તેમણે તેના મિત્ર સાથે શાળામાં મોકલી આપ્યાં કે કોઈ બાળકને રસ હોય તો શીખવા કામ
લાગશે. શાળામાં આવ્યા પછી પણ સ્કેટ ફરી શાળાની તિજોરીમાં ઘણા મહિના સુધી પડ્યાં
રહ્યાં. તેનું કારણ હતું કે કૅમ્પસમાં એક પણ વ્યક્તિ એવો નહોતો કે જેને સ્કેટિંગ
આવડતું હોય. એવામાં બાળકોને શીખવવાની વાત તો દૂર દૂર સુધી શક્યતાઓ નહોતી.
એવામાં ફરીથી સ્કેટનું નસીબ 😂 ખૂલ્યું અને હવે ફરી ઘરના જેમ શાળાની તિજોરીની સફાઈનો વારો
આવ્યો. શિક્ષક સાથે સફાઈમાં જોડાયેલાં બાળકો [અમરદીપ, રાજ, દેવ વગેરે] હતા તે
પહેલેથી જ મૂળ કારીગરી મોડ ધરાવતાં હોવાથી જેવું સ્કેટને સ્ક્રેપ માટેનું સૂચન
થયું, તેઓએ રિપેરિંગ કરી ફેરવવા માટે ઘરે લઈ જવાનું નક્કી કર્યું.
ત્યાંથી બહાર નીકળેલા સ્કેટની સફર શરૂ થઈ અને પછી તો રિપેર થઈ આવેલા સ્કેટ અને
શીખનાર પેલા તારામંડળ જેવા બન્યા. એકબીજાના ટેકા વડે એક આંટો જાણે ખારી સીંગની ચસક
જેવો બનતો ગયો. જેને જેને રસ પડ્યો, શીખવાના યત્નમાં
લાગી ગયા. રિસેસમાં વારાફરતી પહેરવા અને કોઈ ટેકો કરનાર ન હોય તો લૉબીમાં ગ્રીલ
પકડી ચાલવું. ચર્ચામાં આ દૃશ્યો ફરી આંખો સામે દેખાવા લાગ્યાં. ત્યારે ખબર નહોતી
કે શાળામાં એકબીજાનો હાથ પકડી તણખામંડળ રૂપી સ્કેટરની દુનિયા બની રહી છે. શાળાના
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર શૅર કરેલા વિડિયો વડે કેટલાંક વાલીને જાણ થઈ કે અરે.
અમાર એને તો પૈડાં વાળા બૂટ ફેરવતાં આવડે છે. ક્યાંક વાલીઓ સામે ચાલીને પોતાના
બાળકો માટે સ્કેટ મંગાવ્યાં તો ક્યાંક બાળક પોતે પોતાની બચતમાંથી સ્કેટ ખરીદ્યાં.
જે બાળકો પાસે બચત અથવા વાલી લઈ આપશે તેવી આશા નહોતી છતાં પણ સ્કેટિંગની ધગશ હતી, તેમને તણખામંડળોએ મદદ કરી. પોતે રિસેસમાં પોતાના સ્કેટ
મિત્રને પહેરાવી હાથ પકડી ચલાવતો હોય તેવા દૃશ્યોના અમે સાક્ષી છીએ. આનંદ એ વાતનો
છે કે હાલમાં ૫૦ કરતાં પણ વધુ બાળકો તણખામંડળ બની શીખવી શકે તેવું સ્કેટિંગ કરી
રહ્યાં છે.
કોઈને આવડતું નથી તો શીખવશે કોણ. વાળા પૂર્વાગ્રહથી
તિજોરીમાં મુકાયેલા સ્કેટ, ભલું થાજો કે એવી
ટીમના હાથમાં આવ્યા કે બાળકમાં એ સ્કિલનો માઈલસ્ટોન ઊભો થયો છે. સાથે અમને એક વાત
નવી શીખવા મળી કે શાળા તરીકે આપણા સૌનું કામ બાળકોને શીખવવું તેના કરતાં પણ શીખતાં
કરવાં છે. તે માટેની રસરુચિ ઊભી કરવી અને સંસાધનો હાથવગા કરાવવા. બસ પછી જુઓ, એક તારામંડળ બીજાને કેવી રીતે પ્રકાશિત થવાનો ચેપ લગાડે છે.
આ અનુભવે જ શાળા તરીકે અમે બૉસ્કેટબૉલ, ફૂટબૉલ, વૉલીબૉલનો ચેપ
લગાડવાના પેંતરા કરી રહ્યાં છીએ. જોઈએ હવે શું થાય છે.
રીડિંગ રીલ્સ :
ડ્યુઇ (Dewey) નું પ્રાયોગિક શિક્ષણ: બાળકોને શીખતા કરવા માટે માત્ર સંસાધનો અને
તકો પૂરી પાડવી.
ઉદાહરણ: સ્કેટનો ઉપયોગ કરવાની છૂટ મળવાથી, બાળકોએ જાતે જ શીખીને સ્કેટરનું તારામંડળ ઊભું કર્યું.
વિડીયો જોવા માટે ક્લિક કરો > http://www.youtube.com/user/nvndsr1975

No comments:
Post a Comment