January 09, 2022

ચૂંટણીની ચકચક

ચૂંટણીની ચકચક 



ગ્રામપંચાયતની ચૂંટણી પૂરી થવાના બીજા દિવસે વાહનમાંથી એક ટોળી ઉતરી. તેમાંથી મોટા જે હતા એ તો પોતપોતાના વિભાગ મુજબ ફેલાઈ ગયા. પહેલાં ધોરણનાં ટાબરિયાં શિક્ષક ફરતે વીંટળાઈ  ગયા.

😍 “સાહેબ, તમને ખબર જેના પર સિક્કો મારીએ એ વસ્તુ  મલે.”

👀 “કોણે કીધું?” 

😍 “એ તો મને ખબર…એ… જુઓ…. આપણે ઈસ્ત્રી પર સિક્કો મારીએ તો ઈસ્ત્રી મળે…!”

👀 “એવું ના હોય…. એમ તો ઘર પર મારીએ તો ઘર થોડું મળે!” (એમનામાંથી જ એક છોકરીએ કાઉન્ટર કર્યું.)

(ખડખડાટ હસ્યા પછી.) પપ્પાનો ફોટો રાખીએ તો પપ્પા થોડા આપે? (એક છોકરાએ મજાક કરી.)

😍 “ હાચ્ચું.  ચૂંટણીમાં એવું જ હોવું છે !” (પેલા એ પોતાનો પક્ષ મજબૂત કર્યો.)

😍 “ચૂંટણીમાં જીતે એટલે ચોટીલા લઈ જાય !” (બીજા એક નવો ફણગો ફોડ્યો.)

👀 “શું કામ ?” (શિક્ષકે માત્ર ટૂંકા પ્રશ્નથી એમના બોલવાને વેગ આપ્યો.) 

😍 “સાહેબ એમ હોય. મને ખબર ને ! અમારા ગામમાં તો રાત્રે ભજીયા બનાવતા.”  (આ વાહનમાં આવતા બાળકો બીજા ગામમાંથી આવે છે. )

👀 “ભજિયામાં શું ? એ તો બધા બનાવે.”

(હવે એ બાળકોને શિક્ષક મૂરખ લાગવા માંડયા.) “કશું ખબર નથી તમને…..આપણા ઘેર નહિ….જે ચૂંટણીવારા હોય ત્યાં ભજીયા બનાવે.”

👀 “તે શું કામ બનાવે?” (શિક્ષકે હવે બબુચક બનવાનું નક્કી કરી  હતું.)

😍 “ગાંડા સાહેબ સ……”

એટલામાં બે છોકરા હાથમાં વિમલના ખાલી પતાકડાં લઈને આવ્યા. “હાહરા….આ ચૂંટણીવારા…આ નાખીને જ્યા..” (બોલો જુબા કેસરી.)

👀 “તમને ક્યાંથી ખબર કે ચૂંટણી વારા હશે. “ 

😍 “હું આયલો..માર મમ્મી જોડે ઓટ આલવા …”

👀 “પછી કોને વોટ આપ્યો ?”

😍 “એ…..એ…. કેવાતું હશે ? ના કેવાય…”

👀 “કેમ કેમ વોટ આપેલો ?”

😍 “હું તો બાયને જ હતો. પોલસીવારા હતા તે અંદર જવા જ ના દીધો. “

👀 “પોલીસ શું કામ આવેલી ?”

😍 “ચૂંટણી હોય એટલે લોકો લડે તો… આંમ ડંડા લઇ ફરી વરે .” (એણે એક્શન સાથે કરી બતાવ્યું.)

👀 “સારું, હવે આ વિમલનું શું કરશું?”

😍 “ફેંકી આઇએ… પણ ફરી કઈ દેવાનું ક અહીંયા આ નઈ ખાવાનું. “

👀 “કોણ કહેશે ?”

😍 “હું કે…”

👀 “તારું ના માને તો ?”

😍 “ના શું મોને…પ્રમુખને કઈ દઈએ..”

આવી  કેટલીક ચકચક કરીએ તો મેદાનમાંથી પતાકડાં વીણવા લાગ્યા…અમને અમારી જવાબદારી ફરી સમજાઈ કે જેઓ આ વર્ષે જ પહેલીવાર શાળામાં આવ્યા છે  પણ શાળાના પ્રમુખનું શું સ્થાન છે ? તે યાદ કરાવી દીધું.  અને એ જ દિવસે પ્રમુખની ચૂંટણી કરી જ દેવી જોઈએ એમ નક્કી કર્યું.

બે વર્ષથી મુલતવી રહેલી ચૂંટણી યોજતા પહેલાં અમારે પણ પ્રક્રિયા ફરી યાદ કરી લેવી પડી. ચિતાની અધિકારીએ જાહેરનામું બહાર પાડ્યું. તારીખો નક્કી થઇ. કોણ ઉભું રહેશે અને કોણ ટેકેદાર રહેશે તેની વાતો થવા મંડી… એક આખું અઠવાડિયું શાળા પ્રગટસ્વરૂપે સમાજનું પ્રતિનિધિત્વ કરતી હોય એમ જણાતું. રીસેસ ટાઈમમાં શાળાના કેમ્પસમાં મિટિંગ ભરાય. તું ફોર્મ ના ભારે મને ભરવા દે…થી લઇ ટ્રાય કરવામાં શું જાય… ફોર્મ તો ભરીશ જ.. એકબીજાને મનાવવાના પ્રયત્નો પણ એટલા જ જોરમાં. આખરે અમારું બેલેટ નક્કી થયું. અને પછી શરૂ થયો પ્રચાર. પોસ્ટર બનાવાયા, રેલીઓ કાઢવામાં આવી. શાળામાં જ નહિ ગામમાં પણ કારણકે એસ.એમ.સી. સભ્યોના મત પણ લેવાના હતા. સ્પીચ તૈયાર થતી રજુ કરવામાં આવતી. પોતાના મિત્રના પ્રચાર માટે જુદી જુદી કવિતાઓ અને નારા બનાવી આપવામાં આવતા. ગામને પણ મજા પડતી આ બાળકોનો ઉત્સાહ જોઈ. ગામના ગ્રુપમાં આ બધા જયારે રેલી કાઢે તેના વિડીયો ફરતા થયા.

ચૂંટણી સાથે સાથે કોરોના સ્કુલ ફરી બંધ કરી દે તો ! એટલે દરેકને પોતાના વાલીનો મોબાઈલ નમબર અને વૉટ્સએપ નંબર લઈને આવવા કહ્યું, વોટ નાખતા પહેલા એ નંબર નોંધાવે. દરેકને પોતાનું ચૂંટણીકાર્ડ બનાવવા આપેલું. પોતાના મમ્મી પપ્પાનું કાર્ડ જોઈ હૂબહૂ ચૂંટણી કાર્ડ એમને બનાવેલું. પ્રીસાઈન્ડીંગ ઓફિસર થી લઇ તમામ ચૂંટણી અધિકારીઓ પોતાની ફરજ માટે હાજર હતા. કેટલાક શાળામાં આવ્યા પછી પહેલીવાર વોટ આપી રહયા હતા. વોટ આપી ભાર દોડતા આવી ઉત્સાહમાં કોને વોટ આપ્યો એ શિક્ષકને કહી પણ દેતા. અને અમને મોકો મળતો એ સમજાવવાનો કે ના એ ગુપ્ત જ હોય.

મતપેટી સીલ કરવામાં આવી. બીજા દિવસે મતપેટીમાંથી મત બહાર નીકળવા મંડયા. શાળાને ત્રણ વર્ષ પછી નવા પમુખ અને ઉપપ્રમુખ મળ્યા.

શપથવિધિ પુરી થઇ. નવા જોમ સાથે સૌ પોતપોતાના કામમાં લાગી ગયા….ક્યાં સુધી ? કોરોનાએ અલ્પવિરામ ના મૂક્યું ત્યાં સુધી !

ચૂંટણી કેવી રીતે યોજાઇ ? તેનો વિડીયો 


No comments: