November 30, 2024

અડધી વસ્તી માટે !

અડધી વસ્તી માટે !

👤 કયું નંદુ ! હોસ્પિટલ કે સામને ખડે હો કે ફૂ ફૂ કર રહા હૈ !” 

👤 બીવી બીમાર હૈ, અંદર હૈ !

👤 ક્યા હુઆ ભાભી કો ?”

👤 વહી..ઔરતોંવાલી બીમારી !

આ એડ દરેક મૂવી પહેલા આપણે જોઈએ જ છીએ.વહી..ઔરતોંવાલી બીમારી !બોલતી વખતે નંદુંના ચહેરા પર આવતો તુચ્છકાર અને નીચે ઢળી જતી આંખો એ અદાકારનો અભિનય કેટલો વાસ્તવિક છે તે દર્શાવે છે. આપણે એ અભિનયની પ્રસંશા કરી શકીએ - એ વાસ્તવિકતાની નહીં !

આ માનવસૃષ્ટિ જે સ્ત્રી વગર શક્ય નથી, જેમહાવારીપર નંદુ ફૂ ફૂ કરે એ જ પિરિયડ્સ તો આનંદની ઘટના છે ! સન્માનની ઘટના છે ! પરંતુ સમાજમાં કેટલાક ટેબૂ કારણ વગર છપાઈ જાય એમ આ વિષે પણ એમ જ થયું. કદાચ આપણા સૌની થોડી થોડી ભાગીદારી હશેય ખરી. 

ક્યારેક કોઈક બાળકે/કિશોર પૂછ્યું ય હશે કે આ કયા નેપકિન કે પેડની વાત કરે છે ? આ એડ સિગારેટ માટે છે તો આ અક્ષય કુમાર એને પેડ ખરીદવા કેમ કહે છે ? - અથવા આવા બીજા પ્રશ્નો બાળકોના મગજમાં આવ્યા ય હશે - ક્યાંક મનમાં રહ્યા હશે ક્યાંક પૂછાયા હશે !

મુખ્ય સવાલ એ છે કે એ પૈકી ક્યા પ્રશ્નોના જવાબ અપાયા હશે ?

શાળામાં દીકરીઓ સાથે તો તરુણાવસ્થા અને પિરિયડ્સ દરમિયાન રાખવાની કાળજી અને સ્વચ્છતા અંગે ચર્ચા થતી જ રહે છે ! આ વખતે થયું કે છોકરાઓનું પણ ઓરીએન્ટેશન થવું જોઈએ. વાત કેવી રીતે મૂકવી તેની થોડીક મૂંઝવણ પણ હતી જ ! જો માત્ર ધોરણ - 8 હોય તો તો તેમના વિજ્ઞાનના ટૉપિક પરથી વાત શરૂ કરી શકાય પંરતુ 6 થી 8 ના બધા છોકરાઓ સાથે સંવાદ કરવો હતો. ધીમે ધીમે સમજાયું કે આ અક્ષયકુમાર વાળી જાહેરાત જ સારી પ્રિટાસ્ક બની શકે. 

 બે ઉદ્દેશ્ય રાખ્યા : 

1.   છોકરાઓ મમ્મી, બહેન અને સહાધ્યાયી પ્રત્યે સંવેદનશીલ બને. 

2.    બી અ મેન - એટલે રુક્ષતા નહીં પરંતુ તમારી પાસે સૌ ડર કે સંકોચ વગર આવી શકે તે સમજાવવું. 

એના પરથી વાતચીત કરી - તેમનાં મમ્મી કે બહેન માટે તેઓ શું કરી શકે ? શા માટે એમ કરવું જોઈએ ? હોર્મોન્સ શું છે ? પેડ શા માટે વાપરવું પડે ? આ દિવસો દરમિયાન તેઓ કેવી માનસિક, શારીરિક, ભાવનાત્મક અસરોમાં હોય છે ? જેવા મુદ્દાઓ પર ચર્ચા કરી. 

એ બાબત વિષે પણ સમજાવ્યું કે મજાક કે મસ્તી આપણા (છોકરાઓ માટે) માત્ર એ મિનિટ કે એ સમય પછી ભૂલી જવા જેવુ કામ હોય છે પણ હજુય કેટલાંક ઘર એવાં છે કે જેમાં કોઈ છોકરી તમારી એવી મજાક કે મસ્તીની ફરિયાદ કરે તો એની કૉલેજ બંધ કરી દેવામાં આવે ! હવે એ વખતે આપણને યાદ પણ નથી હોતું કે આપણી મજાક આવીય અસર કરશે ! 

એક જ ઉપાય છે આપણાં વાણી અને વર્તન એવાં રાખીએ કે કોઈનેય આપણી નજીક આવવામાં ડર ન લાગે અને એ સુરક્ષિત અનુભવી શકે ! સતત એ વિષે જાગૃત રહીએ કેમારુ આ વર્તન બરાબર છે કે નહિ!આપણે જ આપણા એવા શિલ્પી બનીએ અને આપણને ગમે એવું આપણું શિલ્પ રચીએ !

આ બધી ચર્ચા દરમિયાન ક્યાંય એમના કોઈના ચહેરા પર નંદુના ચહેરા જેવો તુચ્છકાર ન દેખાયો એ વાતના સંતોષ સાથે આ વીડિયો - દરેક કિશોરને બતાવી શકાય એવો છે ! 

અને હા, અહીંયાં વપરાયેલું શીર્ષકઅડધી વસ્તી માટે !એ સ્ત્રીઓ માટે નહીં - પુરુષો માટે છે.

બાળકો સાથે થયેલ સંવાદમાં ભાગીદારી નોંધાવવા ઉપરોક્ત ફોટો પર ક્લિક કરો !

video -: 

No comments: