October 21, 2010

પ્રાથમિક આરોગ્યધામની મુલાકાત

પરિણામલક્ષી પ્રોજેક્ટ કરવા માટેનું આયોજન કેવી રીતે કરીશું ?

આમ તો દરેક ધોરણમાં અને મોટાભાગના વિષયના અભ્યાસક્રમના ઘણા એકમોમાં એવા છે જેને આપણે પ્રોજેક્ટ પધ્ધતિ ધ્વારા જ બાળકોને ખૂબ સારી રીતે સમજ આપી શકીએ . પરંતુ આપણે પ્રોજેક્ટ પદ્ધતિને એટલા માટે પ્રાધાન્ય આપતા નથી કેમકે તેના માટે વર્ગખંડની બહાર અથવા તો શાળા બહાર જવાની જરૂર પડે છે. જો આપણે ધોરણ -૩-૪ ની વાત કરીએ તો આપણે આપણા બાળકોને “ કરો રમકડાં કૂચકદમ” અથવા તો “મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ ! “ શીખવવા માટે જેટલી મથામણ કરીએ છીએ તેટલી આપણે “ આપણા વ્યવસાયકારો” અથવા તો “આપણા સમાજસેવકો” એકમ શીખવવા માટે નથી કરતા, પરિણામે બને છે એવું કે બાળકોને જે જાણવાનું હોય છે તે માણે છે અને જે માણવાનું હોય છે તે જાણે છે. એટલે કે “ કરો રમકડાં કૂચકદમ” અથવા તો “મારા ખેતરમાં ઊભો એક ચાડિયો રે લોલ !” માણવાની જગ્યાએ પરીક્ષામાં કોઈ પણ કવિતાની પાંચ પંક્તિ વાળા પ્રશ્નને ધ્યાનમાં રાખી બાળક તેને મોઢે બોલતો ન થાય એટલે કે જાણતો ન થાય ત્યાં સુધી ધમા-ધમ.........જ્યારે “ આપણા વ્યવસાયકારો” અથવા તો “આપણા સમાજસેવકો” જેવા એકમો કે જેની સાથે બાળકને આખી જિંદગી કામકાજ કરવાનું છે તે એકમ બાળક ફક્ત માણે જ છે. [વર્ગખંડની અંદર જ વ્યવસાયકારો કે સમાજસેવકોના T.L.M. બતાવવા કે ગ્રામપંચાયત અથવા તો પ્રાથમિક આરોગ્યધામના મકાનોને બહારથી જ બતાવવા.......આ બધાને માણ્યું જ કહેવાય! ] આપણા ઘણા મિત્રો એવા છે કે તેઓ આવા એકમોને પૂરેપૂરો ન્યાય મળી રહે તે માટે પ્રયત્ન કરવાના ઈચ્છુંક હોય છે પણ માર્ગદર્શનના અભાવે તેઓ પરિણામલક્ષી પ્રોજેક્ટ કરી શકતા નથી તેવા આપણા મિત્રોના માર્ગદર્શન તેમજ અમારી રહી ગયેલી કોઈ ઉણપ પ્રત્યેના આપના સૂચનો મળે તે હેતુસર અમે કરેલ “ પ્રાથમિક આરોગ્યધામની મુલાકાત” પ્રોજેક્ટની રૂપરેખા અત્રે રજૂ કરીએ છીએ.
· પ્રોજેક્ટનો હેતુ નક્કી કરવો.
· આરોગ્યધામની મુલાકાત માટેના હેતુઓ
· બાળકો આરોગ્ય પ્રત્યે સભાનતા કેળવે.
· બાળકોનો ડોક્ટર તથા દવાખાના પ્રત્યેનો ડર દૂર થાય.
· આરોગ્યધામ ધ્વારા અપાતી આરોગ્ય માટેની સેવાઓથી માહિતગાર બને.
· બાળકો આરોગ્યધામમાં ફરજ બજાવતા કર્મચારીઓની કામગીરીનો સ્વાનુભવ મેળવે.
· બાળકો વાલી કે શિક્ષક વિના પોતાના સ્વાસ્થ્ય અંગેની તકલીફ માટે પોતે આરોગ્યધામની મુલાકાત લેતા થાય.
· પ્રોજેક્ટ માટેની તૈયારી
· મુલાકાત માટેના દિવસ અને સમય માટે ત્રણ-ચાર દિવસ પહેલા પરવાનગી મેળવી લો. [બને ત્યાં સુધી આરોગ્યધામના કામકાજ સિવાયના કલાકોમાં મુલાકાત માટેનો સમય પસંદ કરો, જેથી દર્દીઓની સારવારમાં આપણે અને આપણા પ્રોજેક્ટમાં દર્દીઓ અડચણરૂપ ન બને.]
· મુલાકાતના બે દિવસ પહેલાથી જ વર્ગના વાતાવરણને તે વિશેની મુંજવણો અને ચર્ચાઓ વડે જીવંત બનાવો.
· બાળકોને પોતાની ઘરેથી કે આસપાસથી પ્રાથમિક આરોગ્યધામ વિશેની માહિતી મેળવવા અને ત્યારબાદ તેની નોંધ કરવા ક્હો. આમ બાળકો પાસે મુલાકાત પૂર્વે [બાળક પાસે ખરી-ખોટી જે માહિતી હોય તેને સુધાર્યા વિના] પ્રાથમિક આરોગ્યધામ નામે નિબંધ તૈયાર કરાવો.
· સંખ્યા પ્રમાણે બાળકોના ગ્રુપ પાડવા અને દરેક ગ્રુપમાં એક-એક [નાની-મોટી] બિમારી ધરાવતા બાળકોને ફરજિયાત સમાવવા.
· બિમારીને કારણે વધુ ગેરહાજર રહેનાર બાળકોની યાદી બનાવી તેમને પ્રોજેક્ટ દરમ્યાન પાડેલ ગ્રુપના લીડર બનાવવા.
· મુલાકાતના સમયે......
· આરોગ્યધામમાં ગયા પછી બાળકોને ગૃપમાં બેસાડી મેડિકલ ઓફિસર ધ્વારા દવાખના અને ડોક્ટરનો ડર બાળકોમાંથી દૂર થાય તે માટે વાર્તાલાપનું આયોજન કરવું, સાથે-સાથે કર્મચારીઓની ઓળખ અને તેમની કામગીરીની વિગત બાળકો નોંધી શકે તેવી રીતે અથવા તો તેવા શબ્દોમાં આપવી/અપાવવી.
· ત્યારબાદ દરેક ગૃપમાંના બિમાર બાળકને સારવાર કેશ કઢાવવા કહેવું અને ગ્રુપના અન્ય તમામ બાળકોને કેશ કઢાવવાથી માંડી દવા લેવા સુધીની તમામ કામગીરીનું નિદર્શન અથવા જો કોઈ એક બાળક ધ્વારા શક્ય હોય તો નોંધ કરવા કહેવું.

જઈએ આરોગ્ય્ધામમાં અને જોઈએ કેમેરાની નજરે....
 
Project conducted by: મહેન્દ્રભાઈ પટેલ, વ.શિ. ધોરણ-૩
બાળકોનો ડર દૂર કરતા અને પ્રા.આ.ની કામગીરી વિશે વાર્તાલાપ કરતા મેડીકલ ઓફિસર શ્રી

ગ્રુપમાંના બિમાર બાળકનો સારવાર અર્થે કેશ કાઢતા કર્મચારી મિત્ર અને પ્રત્યક્ષદર્શી બાળકો

બિમાર બાળકની તપાસ અને સહાદ્યાયિઓનું નિરીક્ષણ

જરૂરી લોહી તપાસ એટલે કે લેબોરેટરીની મુલાકાત

લોહી તપાસના આધારે દવા સારવાર આપતા બેન શ્રી
મેડીકલ ઓફિસર શ્રી ધ્વારા સુચવેલ દવાઓ ફાર્માસીસ્ટ પાસેથી મેળવતા બાળકો
વોર્ડ અને ઓપરેશન થિયેટરની વિગતે માહિતી આપતા મેહુલભાઈ