April 30, 2016

સમજ - ના-સમજના ફેર .........


સમજ - ના-સમજના ફેર.........

                  શિક્ષક કેવો હોવો જોઈએ ?? – સમાજમાં ચાલતો અવિરતપણે ચર્ચાતો આ પ્રશ્નનો જવાબ લખવા બેસીએ તો કદાચ દિવસો નીકળી જાય ! પરંતુ પૂર્ણવિરામ ન આવે !! સમાજના ઘડવૈયાની વ્યાખ્યા કરવી સહેલ નથી હોતી ! આજે શિક્ષકના સંપૂર્ણ શિક્ષકત્વ પૈકી સમજણ વિષેની ચર્ચા કરીએ ! બાળકોની સમજ વિશે તો આપણે ચર્ચીએ જ છીએ, શિક્ષકની સમજ કેવી હોય/હોવી જોઈએ તેની પણ થોડી ચર્ચા કરીએ !  કારણ કે શૈક્ષણિક વર્ષ પૂરું નથી થયું ફક્ત બદલાયું છે, અને આપણને બાળકો છોડી જવાના છે તો પછી નવા આવશે એ પણ બાળકો જ છે ને ! એટલે કે કામ તો હંમેશાં બાળકો સાથે જ કર્યે રાખવાનું છે ત્યારે બાળકોની સમજ સાથે આપણી સમજને કેવી રીતે મિલાવીએ કે જેથી દરેક વિષયવસ્તુ બાળકો સરળતાથી સમજે ? કોઇપણ બાબત અંગે જયારે આપણે બાળકોને વર્ગખંડમાં સમજાવીએ છીએ  ત્યારે કેટલાંક બાળકો તે બાબતને સ્પષ્ટતાથી નથી સમજી શકતાં હોતા ! ત્યારે આપણું રિએકશન આવા વાક્યમાં હોય છે – “હું જે કહું છું તે તો આને સમજાતું જ નથી !” પરંતુ એકવાર આ વાક્યને જરા જેટલું જ ફેરવીને બોલીએ કે “હું તેને સમજાવી શકતો નથી!” સમાંતર લાગતાં આ બે વાક્યો વચ્ચેનો ભેદ જમીન અને આસમાન જેટલો છે !! અને તેનાં પરિણામો પણ !! જયારે સંવાદના અંતે તમે કોઈને કહો છો કે તું સમજતો જ નથી ત્યારે – તમારા અને તેના જે તે વિષયના સંવાદનો અંત આવી જાય છે, જાણે કે તમામ રસ્તાઓ બંધ ! પરંતુ તેને બદલે જો આત્મખોજરૂપે તે સમયે એવું વિચારીએ છીએ કે કે મારી વાત તો સાચી છે પણ  હું તને સમજાવી શકતો નથી ત્યારે તે સમજાવવા માટેના વિકલ્પો અને રસ્તાઓ વિષે વિચારવાનો મોકો મળી રહે છે, જેના પરિણામે પ્રયત્ન અને સંવાદ ક્રમિક રહે છે અને સ્વવિકાસની તક મળે છે તે નફામાં !! માટે જ વર્ગખંડોમાં બાળકોને ન સમજાવી શક્યાની આત્મખોજ એ જ આપણને “માં” ના “સ્તર” સુધી લઇ જ જશે ! ચાલો, “માં-સ્તર” બનીએ ! J

No comments: