June 01, 2015

ધોરણ પહેલાનાં ‘બાળકો’ અને ધોરણ પહેલાનાં ‘વર્ગશિક્ષક’ !!!


ધોરણ પહેલાનાં ‘બાળકો’ અને ધોરણ પહેલાનાં ‘વર્ગશિક્ષક’

                           મિત્રો, વેકેશન પૂર્ણતાને આરે છે, શાળાના નવીન સત્રની શરૂઆત શૈક્ષણિક જગતની દિવાળી જેવા મોટા તહેવાર “પ્રવેશોત્સવ” થી થાય છે ત્યારે આપણા કરતાંય વધુ રોમાંચ એ કુટુંબોમાં હશે જેની નવીન પેઢી  શાળામાં પ્રવેશ મેળવી રહી છે. મનમાંની અઘોષિત કેટલીય અપેક્ષાઓ અને  આંખોમાં છુપાવેલી કેટલીય આશાઓથી પ્રચુર આ કુટુંબો કાગડોળે આ શૈક્ષણિક મહોત્સવની રાહ જોતાં હશે. ત્યારે આપણા શાળાકીય પરિવારમાં આ નવીન સભ્યોની પધરામણી થવા જઈ રહી છે તેની ઉત્સુકતા એક શિક્ષક તરીકે થવી તે તો પ્રાચીન સમયના “ગુરુ”ની વ્યાખ્યાની સ્વાભાવિકતા જ કહી શકાય . સાથે સાથે આપણે એમના માટે પણ સુસજ્જ થવાનો આ સમય છે- જેઓ આપણને પોતાની પેઢી રૂપી આ ઝાડને સુશોભિત રાચરચીલાનો ઘાટ ઘડાવવા માટે આપણા ભરોસે છોડી જવાના છે. આ કાર્યના બદલામાં મળતી મહેનતાણાની રકમનો જથ્થો જ આપણને સમજાવી દે છે કે આપણને સોપાયેલું આ કામ સમાજ માટે કેટલું મહત્વનું છે. નવીન બાળકો જયારે પહેલા ધોરણમાં પ્રવેશ મેળવી પહેલીવાર જયારે શાળામાં પ્રવેશ કરી તેના શિક્ષકને મળે છે ત્યારે તો શાળા પરિવારમાંના પહેલા ધોરણના વર્ગશિક્ષકની જવાબદારી અનેકો ઘણી વધી જાય છે. પહેલું કારણ તો The First Impression is The last impression”. બીજું કારણ જ્ઞાન અને વિજ્ઞાનનો એ નિયમ કે કોઇપણ કાર્યની શરૂઆતમાં  જ વધારે ઉર્જાની જરૂર પડે છે. ત્રીજું કારણ.  માન્યતા છે કે  જેની શરૂઆત સારી તો અંત પણ સારો. કામની સફળતાનો આધાર તેની શરૂઆત કેવી રીતે થાય છે તેના પર છે...ચોથું... પાંચમું છઠ્ઠું.... જો શોધવા બેસીએ તો ઘણા કારણો આપી શકાય..  જેમ કે જો આપ કોઈ વાહન ચલાવવાનું જાણતા હશો તો તમને ખબર હશે કે સૌથી મહત્વનો અને સૌથી વધારે ધ્યાન પૂર્વક પાડવાનો થતો કોઈ ગિયર હોય તો તે પહેલો ગિયર હોય છે. પહેલા ગિયરમાં જ વધારે બાબતોની સંભાળ રાખવી પડતી હોય છે. તે પછી ક્લચ છોડવાની વાત હોય કે એક્સીલેટર વધારવાની,  બેલેન્સ સાચવાની વાત હોય કે યોગ્ય ગતિ માટે ધીરજ ધરવાની - પહેલા જ ગિયરમાં જો આપણે વધુ ગતિની અપેક્ષાથી આપણું એક્સીલેટર વધારી દઈશું તો એન્જીનમાંથી જે બુમબરાડા વાળો અવાજ સંભળાશે તેમાં એન્જીનની ભૂલ નહિ પરંતુ વ્હીકલ વિશે આપણી ડ્રાઈવીંગની નાસમજ જ જવાબદાર સાબિત થશે. પહેલાં ધોરણના બાળકો માટે પણ તેના વર્ગખંડમાંના શિક્ષક પાસેથી વધારાની આવી અપેક્ષાઓ હોય છે કે...
ü  જેનામાં બાળકના ઘરના પર્યાવરણ રૂપી ક્લચને ધીરે-ધીરે છોડાવવા અને શાળાકીય પર્યાવરણમાં ભેળવવા -માટેની કાર્યશૈલી હોય
ü  પહેલા ધોરણમાંના બાળકની શીખવાની ગતિ માટેનું ધીરે-ધીરે વધારવા માટેનું ધૈર્ય હોય
ü  પહેલા ગિયરમાં વ્હીકલ જાય છે એટલે ઇંધણની ખપત તો વધારે થશે જ તેમ પહેલાં ધોરણમાંના બાળક માટે વધારે પ્રયત્નોની ખપત થશે તે માટે કોઇપણ જાતના અણગમા વિનાની તૈયારી હોય
ü  બાળકના ઘર અને શાળાના નવીન પર્યાવરણ વચ્ચેનું બેલેન્સ કરવા માટેની આવડત હોય..
    બાકી તો પછી જેમ ડ્રાઈવીંગની નાસમજને કારણે એન્જીનમાંથી ધણધણવાનો અવાજ આવે છે તેમ પહેલાં ધોરણના વર્ગશિક્ષક તરીકેની જો અણઆવડત હશે તો વર્ગખંડમાંથી બાળકોના રડવાનો આવાજ આવ્યા જ કરે તો નવાઈ નહિ !!!  
જુઓ અમારા અત્યાર સુધીના શાળા પ્રવેશોત્સવને >> Welcome To School

2 comments:

Unknown said...

વાહ..ખૂબ સરસ...

MITESH RATHVA said...

ડ્રાઇવિંગ નું ઉદાહરણ સરસ છે. બંધબેસતુ
સરસ લેખ છે.