July 31, 2014

શૈક્ષણિક કાર્ય & Technology !!!


J શૈક્ષણિક કાર્ય & Technology :

                                  મિત્રો, આજથી દસકા પહેલાં કોઈને કલ્પના પણ નહોતી કે ટેકનોલોજી ક્ષેત્રે દેશ-દુનિયા આટલી આગળ વધશે. મારું કે તમારું - આજે દરેક વ્યક્તિનું જીવન ધીમે-ધીમે ટેકનોલોજી સમર્થિત બનતું ગયું છે, તમે જોશો કે તમારી આસપાસ જે લોકોએ પોતાના જીવનમાં અથવા તો કહીએ કે પોતાના વર્તનમાં “ટેકનોલોજી પ્રવેશ નિષેધ’ એવું કહેતાં અથવા તો રહેતાં  જોશો તો તમને લાગશે કે જાણે તેઓની પ્રવૃત્તિઓમાં કે પ્રકૃત્તિમાં જાણે કે હજુ કંઈક ખૂટે છે. ટેકનોલોજીનો ઉપયોગ કરતાં માણસો પોતાના કામોને સરળ બનાવી શક્યા છે, જ્યારે નિષેધાત્મક વલણયુક્ત વ્યક્તિઓ હજુ પણ જે કામ ટેકનોલોજી વડે સરળતાથી થઇ શકે છે, છતાં પણ તેઓ પોતાના કામો પાછળ ઘણી તકલીફો સહન કરી રહ્યા છે. અને હા તેઓની સમય અને પૈસાની બરબાદી તો ખરી જ !  જેનું સરળ ઉદાહરણ આપું તો શાળાકીય માહિતી માટે જો આપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી એકવાર બાળકોની સમગ્ર માહિતી નાખી દો, પછી કોઈ પણ પત્રક હોય શિષ્યવૃત્તિ કે પાઠ્યપુસ્તક વહેંચણી, પછી તો જ્યારે પણ માહિતી પત્રકો ભરવા પડે બસ copy એન્ડ paste ! કહેવાનો મતલબ એટલો છે કે ટેકનોલોજીએ આપણા મોટાભાગના કામોને ખૂબ જ સરળ બનાવી દીધા છે.
                                              જો આપણે આપણા વર્ગખંડમાંના શૈક્ષણિક કાર્યોને સરળ બનાવવા હશે તો આપણે આપણા વર્ગખંડોની પ્રવૃત્તિઓમાં ટેકનોલોજીનો પણ સમાવેશ કરવો જ પડશે. “જ્વાળામુખી’ કે “લાવારસ” વિષેનું તમારું વર્ણન કે તમે બતાવેલ ફોટોગ્રાફ્સ કરતાંય youtube અથવા અન્ય સ્ત્રોતોમાંથી મેળવેલ વિડીયો તે બાળકની સંકલ્પના વધારે સ્પષ્ટ કરી શકશે. કદાચ કોઈ કવિતા આપણે એટલી સારી રીતે બાળકો સમક્ષ રજુ ન કરી શકીએ જેટલી સરસ રજૂઆત તેની Mp3 કરી શકે, આપણે આપણા મોબાઇલમાં આપણા અવાજમાં રેકોર્ડ કરેલ કોઈ પાઠનું આદર્શ વાંચન બાળકોને વારંવાર સંભળાવી [સાથે-સાથે સમજાવી] બાળકોનું વાંચન સમૃદ્ધ બનાવી શકીએ, તેમજ તે પાઠના પ્રસંગોને બાળકની સ્મૃતિમાં સમાવી શકીએ, વર્ષ દરમ્યાન કરાતા શૈક્ષણિક પ્રવાસ દરમ્યાન પ્રવાસના રૂટમાં આપણે અભ્યાસક્રમને આનુસાંગિક તમામ સ્થળોનો સમાવેશ નથી કરી શકતાં. જેમકે ગોધરાના બાળકોને સાબરમતી આશ્રમની મુલાકાત કરાવવી હોય તો લોથલ સ્થળને પડતું મુકવું પડે છે. આવા સમયે આપણી મદદે આવે છે- “ટેકનોલોજી’ ભલેને આપણો વર્ગખંડ લોથલ ન જઈ શક્યો, પરંતુ ટેકનોલોજી ધ્વારા આપણે લોથલને આપણા વર્ગખંડોમાં કેમ ન લાવી શકીએ? જેમકે ગોધરાના કોઈ શાળાના શિક્ષકે લોથલ બતાવવું હોય તો તે શિક્ષક લોથલ પાસે રહેતાં પોતાના શિક્ષકમિત્રને કહી લોથલના ફોટોગ્રાફ્સ/વિડીયો  સોશ્યલ મીડિયા ધ્વારા મંગાવી બાળકોને બતાવી શકે છે, અને આજ રીતે લોથલ પાસેના વિસ્તારની શાળાના બાળકો પણ ટેકનોલોજી ધ્વારા પાવાગઢ જોઈ શકે છે અથવા તો પંચામૃત ડેરીને જોઈ/જાણી શકે... આપ આને ટેકનોલોજી ધ્વારા Educatational Material Exchange Programme [E.M.E.P] પણ કહી શકો છો. આ રીતે થયેલો ટેકનોલોજીનો ઉપયોગ આપણા વર્ગખંડમાંના કાર્યને સરળ અને વિષયવસ્તુની સમજને સચોટ બનાવી દે છે  હા, એક પ્રશ્ન તો રહેશે કે ટેકનોલોજીનો કેટલો – ક્યારે અને કેવી રીતે ઉપયોગ કરવો ?? તેનો જવાબ તો વર્ગ-નિયામકની વિવેક બુદ્ધિ અથવા તો આપસુઝ  પર જ આધારિત છે.  



No comments: